Saturday, 4 June 2016

[amdavadis4ever] ભોળપણનું બાળમરણ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



'બાળક હોઈએ છીએ ત્યારે આપણે ભાગ્યે જ ભવિષ્યનો વિચાર કરીએ છીએ. એ મુગ્ધતા, નિર્દોષતા મોટાઓ ન માણી શકે એવી ગમ્મત-આનંદ માણવાની આપણને છૂટ આપે છે, પણ જે દિવસે આપણે ભવિષ્યની ચિંંતા કરવા લાગીએ છીએ એ દિવસથી આપણે બાળપણને છોડી દેવા માંડીએ છીએ', એમ અમેરિકન લેખક પેટ્રિક રોથફસ કહે છે. અંગ્રેજી ભાષિકો બાળપણ સાથે કે બાળકો સાથે 'ઈનસન્સ' અથવા 'ઈનોસન્સ' શબ્દ સાંકળે છે. આપણી પાસે 'ઈનસન્ટ' માટે નિષ્પાપ, નિરપરાધ, નિષ્કપટ, નિરુપદ્રવી, નિર્દોષ, ભોળું, મુગ્ધ વગેરે વગેરે શબ્દો છે. જોકે 'ડેથ ઑફ ઈનોસન્સ'ના નામે કરાયેલા એક આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણના અહેવાલમાં જણાવાયું હતું કે આજકાલનાં બાળકો ૧૨મા વર્ષે તેમની ઈનોસન્સ ગુમાવે છે. ઈનોસન્સ ગુમાવવાનો અર્થ 'ન ખાવાનું ફળ ખાવું' એવો પણ થાય છે એટલે કે કૌમાર્ય-વર્જિનિટી ગુમાવવી એવો થાય છે. આપણે ત્યાં, દેશમાં દશકાઓથી પશ્ર્ચિમી વાયરો જબરદસ્ત ફૂંકાય છે અને ઈન્ફોર્મેશનનો પ્રચંડ મારો ચાલ્યો છે ત્યારે કૌમાર્યનું મૂલ્ય રહ્યું નથી. ભૂલી જઈએ કૌમાર્ય સંબંધી કોઈ પણ વાત, તો પણ નાની વયમાં સેક્સ્યુઅલ રિલેશન અનેક નવાં પરિમાણો ઊભાં કરે છે. એની સાથે ક્રાઈમ જોડાય ત્યારે ભયાનકતા દરેક માણસ માટે દાહક હોય છે.

આપણે થોડા કિસ્સા જોઈએ. બીજી માર્ચના દિવસે ૧૭ અને ૧૨ વર્ષની વયના બે ભાઈઓ સામે તેમની ૧૪ વર્ષની બહેનની જાતીય સતામણી કે શોષણ કરવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલો લગભગ એક વર્ષથી ચાલ્યો હતો. ૨૪મી ફેબ્રુઆરીના ૧૬ વર્ષના એક કિશોરને તેની પડોશની ચાર વર્ષની બાળકીની જાતીય છેડછાડ કરવા માટે ધરપકડ કરાઈ હતી. ૨૨મી ફેબ્રુઆરીના મુંબઈમાં ડોંગરી પોલીસે ૧૫ અને ૧૬ વર્ષના બે સગીર સામે તેમના જ વિસ્તારના સાત વર્ષના બાળક સાથે દુષ્કૃત્ય કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ બાળકો સાથે રમતાં હતાં તેમાંથી આ ગુનો આચરવામાં આવ્યો હતો. ૧૧મી ફેબ્રુઆરીના દિવસે ૧૬ વર્ષના કિશોરને તેની ૧૪ વર્ષની પિતરાઈ બહેનનો બળાત્કાર કરવા બદલ તાબામાં લેવામાં આવ્યો હતો. છોકરી ગર્ભવતી થતા મામલો પ્રકાશમાં આવ્યો હતો. ૨૯મી જાન્યુઆરીના દિવસે ૧૨ વર્ષના એક છોકરાને ગોરેગાંવ પોલીસે પડોશીની ત્રણ વર્ષની બાળકીની સાથે દુષ્કૃત્ય કરવા બદલ પકડ્યો હતો. ધ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (પોસ્કો) એક્ટ-૨૦૧૨ હેઠળ પકડવામાં આવતા ગુનેગારોમાં આ સગીર કિશોર સૌથી નાની વયનો ગુનેગાર છે. ૮મી નવેમ્બર, ૨૦૧૫ના દિવસે મલાડમાં ચાર કિશોરવયનાં બાળકોએ ૧૫ વર્ષની પોતાની શાળાની જ વિદ્યાર્થિનીનો સામૂહિક બળાત્કાર-ગેંગ-રેપ કર્યો હતો અને તેની વીડિયો પણ ઉતારી હતી. વીડિયો ક્લીપને વ્હોટસ ઍપ પર શેઅર કરવામાં આવી હતી અને તે સ્થાનિક વિસ્તારમાં વાઈરલ થઈ ગઈ હતી. મામલો બહાર આવતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

હજી ૨૯ એપ્રિલ, ૨૦૧૬નો એક અહેવાલ છે કે, વડાલા વિસ્તારમાં રહેનારો અમર (નામ બદલ્યું છે) ભણવામાં હોંશિયાર, દસમા ધોરણમાં એને ૭૦ ટકા માર્ક્સ આવ્યા હતા, પણ દોસ્તીના રંગે ૧૧મા ધોરણમાં નપાસ થતા કુટુંબીજનોએ એને ખખડાવ્યો એટલે ભાઈ ગુસ્સે થઈ ૨૧ એપ્રિલના દિવસે પોતાના તમામ દસ્તાવેજો, ઘરમાંથી રોકડા ત્રણ લાખ રૂપિયા અને માતાના દાગીના લઈ ઘર છોડી નાસી ગયો હતો. છોકરો ક્યાંક ગયો હશે માનીને કુટુંબે બે દિવસ એની રાહ જોઈ, પછી પોલીસ ફરિયાદ નોંધાવી. આખરે અમરે પોતાના એક મિત્રનો સંપર્ક કરતા પોલીસે તેને શોધી કાઢ્યો ત્યારે આ 'કાપુરુષ' લેડીઝ બારમાં નશામાં ધૂત થયેલી અવસ્થામાં મળ્યો હતો. પોલીસે માતાપિતાને ખખડાવ્યાં અને છોકરા સાથે પ્રેમથી વર્તન કરવાની સલાહ આપી.

ખાસ્સી કવાયત બાદ માર્ચ મહિનામાં કેન્દ્ર સરકાર જુવેનાઈલ જસ્ટિસ (કેઅર ઍન્ડ પ્રોટેક્શન) એક્ટમાં અતિશય મહત્ત્વનો સુધારો સમાવી શકી છે, જેને પગલે ગંભીર ગુનો કરનારા કિશોર સામે પુખ્ત વયના ગુનેગારોની જેમ તેને પુખ્ત ગણીને ખટલો ચલાવવાની વય ૧૮ વર્ષ પરથી ૧૬ વર્ષ પર લવાઈ છે. નવી દિલ્હીમાં ૨૦૧૨ના ડિસેમ્બરમાં આચરવામાં નિર્ભયા ગેંગ રેપને પગલે સર્જાયેલા પ્રચંડ ઊહાપોહમાંથી આ પગલું આવ્યું હોવાનું જાણકારો માને છે. આ કાયદો આ વર્ષના જાન્યુઆરીથી અમલમાં આવ્યા બાદ એકલા મુંબઈમાંથી છ જાતીય અત્યાચારના ગુના નોંધાયા હતા, જેમાંના ગુનેગારો ૧૬ વર્ષના કે તેનાથી નાની વયના હતા, તેમાંનો એક તો સૌથી નાની વયનો ૧૨ વર્ષનો ગુનેગાર હતો, જેને ગોરેગાંવની પોલીસે પકડ્યો હતો. સુધારિત કાયદા હેઠળ હવે બળાત્કાર કે ખૂન જેવા જઘન્ય ગુનો કરનારા સગીર સામે પુખ્ત તરીકે ખટલો ચલાવી શકાશે.

બાળકો પોતાનું ભોળપણ કેમ આટલું વહેલું ગુમાવી દે છે? થેન્કસ ટુ પ્રેશર્સ ઍન્ડ પ્લેઝર્સ ઑફ મૉડર્ન લાઈફ. બાળકો આજકાલ ૧૨ વર્ષની વયે જ પોતાની ઇનોસન્સ ગુમાવી દે છે. આવી ચોંકાવનારી બાતમી એક આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણને કારણે પ્રકાશમાં આવી છે. બ્રિટનની પેરન્ટિંગ માટેની એક વૅબસાઈટ માટે આ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતુું. એક ભારતીય અંગ્રેજી અખબારે સંપૂર્ણ અહેવાલ પ્રકાશિત કર્યો હતો. અહેવાલ અનુસાર, ૧૬ ટકા માતાપિતાએ કહ્યું હતું કે તેમના સંતાને ૧૦ વર્ષની વયે મુગ્ધતા ગુમાવી હતી અને આ માટે માતાપિતા ઈન્ટરનેટ અને સેલિબ્રિટી કલ્ચરને દોષ દે છે. આ મામલે મુંબઈમાં એક ક્ધસલ્ટન્ટ સાઈકાયટ્રિસ્ટે કહ્યું હતું કે, "આજકાલ બાળકો માનસિક અને શારીરિક રીતે બહુ ઝડપથી પુખ્ત થઈ જાય છે. એ સાથે છોકરીઓમાં મેન્સ્ટ્રુઅલ કાળ શરૂ થવાની અને કિશોરાવસ્થા દેખાવાની વય પણ ઘટી છે. ભારતીય બાળકો ઈન્ટરનેટ, સોશિયલ નેટવર્કિંગ સાઈટો અને ટેલિવિઝન પર પુખ્ત લોકો માટેની સામગ્રી બહુ સહેલાઈથી જોઈ-મેળવી શકતાં થયાં છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે આજનાં બાળકો બહુ નાની વયે 'પશુ-પક્ષીની ક્રિયા' સિવાયની અન્ય બાબતોમાંથી વધુ ઊંડી-લપસણી વાતો શીખે છે. 'ઈનોસન્સ લોસ્ટ, નિર્દોષતા નાશ પામી છે, પણ એ તો ઈન્ફોર્મેશન એજ-માહિતીના પ્રચંડ મારના યુગનું અપેક્ષિત પરિણામ છે. આ સાઈકાયટ્રિસ્ટ એક ટ્વીન-ઝૂયયક્ષ (૯થી ૧૪ વર્ષની 'ટૉય્ઝ' માટે બહુ મોટી અને 'બૉય્ઝ' માટે બહુ નાની એવી) વયની છોકરીનો કેસ જણાવતા કહ્યું હતું કે એને તેમની પાસે એ બાળાને કાઉન્સેલિંગ માટે લવાઈ હતી. એને માતાપિતાએ સોશિયલ નેટવર્ક પર વારંવાર અનુચિત સામગ્રીની આપ-લે કરતાં પકડી પાડી હતી. છોકરી એના કરતા મોટી ઉંમરના છોકરાઓની મિત્ર હતી. સાઈકાયટ્રિસ્ટે કહ્યું હતું કે, "માતાપિતાએ પ્રતિક્રિયામાં છોકરીનું કમ્પ્યુટર, મોબાઈલ ફોન લઈ લીધાં અને છોકરી પર સખત ચોકી પહેરો રાખવા માંડ્યો. પેલી છોકરી વળતા જવાબમાં આળી અને આક્રમક અને બળવાખોર બની ગઈ. એથી એની સાથે તોછડો વ્યવહાર કરાવા માંડ્યો. આખરે એ... અંત દુ:ખદ છે. આમ જ દસમા ધોરણની એક છોકરીને માતાપિતાએ મોબાઈલ અપાવ્યા બાદ છોકરી સતત ઘર બહાર રહેતી થઈ અને જ્યારે એને ફોનથી 'ક્યાં છે?' એમ પૂછવામાં આવે ત્યારે ખોટો જવાબ આપતી. એના પિતાની માન્યતા જ થઈ ગઈ હતી કે 'મોબાઈલ ફોન જુઠ્ઠું બોલવાનું સાધન છે'... છોકરી અગિયારમું પાસ કરીને એક દિવસ ઘર છોડીને કોઈ છોકરા સાથે નાસી ગઈ.

પેલા સર્વેક્ષણ અનુસાર 'ટ્વીન' વય જૂથની પુત્રી ધરાવતાં પચાસ ટકા માતાપિતાએ કહ્યું હતું કે તેમની પુત્રીઓ પાતળી દેખાવાના પ્રચંડ પ્રેશરમાં છે. એક ભારતીય મૂળની બ્રિટિશ માતાએ કહ્યું હતું કે, "મારી ૧૨ વર્ષની પુત્રી હોલીવૂડની અભિનેત્રી કિમ કાર્ડેશિયનના ભારે પ્રભાવમાં છે. એ માને છે કે એની સુંદરતા કિમ જેવી જ છે, વાત પણ થોડેઘણે અંશે સાચી છે, પણ એ કિમની જેમ રહેવા-જીવવા માગે છે, એ મોટી મુશ્કેલી છે. છોકરીની અગ્રતાની યાદીમાં 'ઈન્ટલિજન્ટ' શબ્દ 'પ્રેટી ઍન્ડ થિન' શબ્દ કરતાં બહુ નીચેના સ્થાને છે. એને કોઈ ઈન્ટેલિજન્ટ કહે તો ગમતું નથી, પણ થિન અને પ્રેટી કહે તો ખુશ થઈ જાય છે.

બાળકોની નિર્દોષતાનું વહેલું મૃત્યુ થવામાં ઈન્ટરનેટ, સોશિયલ મીડિયા, સેલિબ્રિટી કલ્ચર અને પીઅર પ્રેશર (સામાજિક દબાણ)ની અસર તો ખરી જ, પણ કેટલેક અંશે માતાપિતા પણ તેમના સંતાનોની ઈનોસન્સનો નાની વયે નાશ થવામાં જવાબદાર છે, એમ એક સાઈકોલોજિસ્ટ અને ચાઈલ્ડ કાઉન્સેલર માને છે. નાની વયે બાળક પુખ્ત બની જવાની વાત તો પહેલા પણ હતી, પણ આજે એ કૉમન બાબત છે. ત્યારે શ્રીમંત ઘરાનાનાં બાળકો વહેલાં 'મોટાં' થઈ જતાં હતાં. આજે ૧૧ કે ૧૨ વર્ષનું બાળક પણ પોતાના દેખાવ પ્રત્યે અતિશય સભાન હોય છે. માતાપિતા બાળક નાનું હોય ત્યારે તેના દેખાવ વિશેની વાતને મહત્ત્વ આપે છે તો કેટલાંક માતાપિતા અમર્યાદ ખિસાખર્ચી આપે છે. તેમને જાતજાતના વીજાણું ઉપકરણો લાવી આપે છે. મોંઘાભાવની સામગ્રી વેચતા સ્ટોરોમાં બાળકોને ખરીદી માટે લઈ જાય છે. એ સાથે જ માતાપિતા તેમનાં બાળકો પર દરેક બાબતમાં -પછી એ ઈતર પ્રવૃત્તિ હોય કે અભ્યાસ હોય- ઉત્કૃષ્ટ બની રહેવાનું પણ જાણે-અજાણે દબાણ કરતાં હોય છે. એમાંથી બાળકોની માહિતીની ભૂખ ઉઘડે છે અને તેમની ભૂખને ફાવે ત્યાંથી પોષણ મેળવી લેવાની વ્યવસ્થા આજના કાળમાં સહેલાઈથી મળી શકે છે, એમ આ કાઉન્સેલર કહે છે. આવાં માતાપિતાઓને પણ કાઉન્સેલિંગની જરૂર હોવાનું પણ તેઓ કહે છે.

ખેર, આ વાત વિદેશી પરિવેશની છે, પણ હવે એ આપણે ત્યાં પણ બની રહ્યું એ એટલે એ વિશે જાણીએ. યુઆન સ્ટ્રેચ નામના પત્રકારે બે વર્ષ પહેલાં સંશોધન કરીને લખ્યું હતું કે, બે-તૃતીયાંશ કરતાં વધારે માતાપિતા માને છે કે તેમનાં બાળકોનું બાળપણ તેઓ કિશોર વયમાં પહોંચે તે પહેલા જ ખતમ થવાનું છે અને ૧૬ ટકા માતાપિતા માને છે કે ૧૦ વર્ષની વયમાં જ તેમની ઈનોસન્સ ખતમ થશે. પેરન્ટિંગ માટેની એક વૅબસાઈટના સ્થાપક સિયોભાન ફ્રીગાર્ડે કહ્યું હતું કે, "મૉડર્ન લાઈફની ઝડપ, ગતિ બાળપણનાં કીમતી વર્ષોને આંચકી જાય છે. ખરેખર એ વય એવી છે કે જ્યારે તેમણે પોતાના દેખાવ કે પોતાની લોકપ્રિયતાની ફિકર કર્યા વિના મોજથી રમવાનું-ખેલવાનું હોય ત્યારે તેમને પોતાના દેખાવની, પોતાની લોકપ્રિયતાની, પોતાના મિત્રો પોતાના અને પોતાના વિચારો વિશે શું માને છે, સમજે છે એની ફિકર હોય છે અને એ ફિકરને દૂર કરવાનું ભારે દબાણ હોય છે. ખરેખર તો આ બાળકોએ મોટા થવામાં, ઉછરવામાં અને ભાવનિક રીતે પુખ્ત થવામાં ખાસ્સો સમય લેવાની જરૂર હોય છે, એમ થાય તો આગળ જતાં જિંદગી તેમના રસ્તામાં શું શું નાખે છે તેનો સ્વીકાર કરી તેની સાથે કામ કરવાની સમજ વિકસે. ત્રણ બાળકની ૪૫ વર્ષની એક માતાએ કહ્યું હતું કે, "માર્કેટિંગ અને મીડિયા અને પીઅર પ્રેશર (સામાજિક અસર કે દબાણ)ના વિષમય સંયોજનની એવી ભયાનક અસર છે આજે બાળક પોતે બાળક તરીકે દેખાવા-વર્તવા-રહેવા માગતું નથી. ફૅશન ઉદ્યોગ પણ બાળકને બાળક નહીં રહેવા દેવામાં મોટો ભાગ ભજવે છે. ટીવીના રિયાલિટી શો પણ એટલા જ ઝેરી છે. આ મહિલા વધુમાં કહે છે કે, "આપણે આપણા બાળકનું સેક્સ્યુઅલાઈઝેશન થતું રોકવા લડવું પડશે, પણ માતાપિતા તરીકે આપણે પળવાર આપણા આઈફોન્સ કે મોબાઈલ ફોન્સ બાજુએ મૂકીને સંતાનો સાથે સાદીસરળ મોજ માણવા સમય વીતાવવો પડશે. આમ છતાં બાળક 'બાળક' રહેશે કે 'બાપ' બનશે એ ખાતરીથી કહી શકાતું નથી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment