Saturday, 25 June 2016

[amdavadis4ever] રામકિશનમ ાંથી સ્વા મી રામદેવ ની યાત્રા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હિમાલયથી ઊતરીને આચાર્ય રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણે હરદ્વારના કનખલસ્થિત કૃપાલુબાગ આશ્રમને પોતાની પ્રથમ કર્મભૂમિ બનાવી. આશ્રમમાં સુવિધાઓ પણ હતી અને આશ્રમની પોતાની સમસ્યાઓ પણ હતી. આવી વિષમ પરિસ્થિતિમાં ૧૦ નવેમ્બર ૧૯૯૪ના રોજ બેઉ આચાર્યોએ સૌ પ્રથમ 'યોગ સાધના એવં યોગ ચિકિત્સા શિબિર'નું આયોજન કર્યું. એના બે મહિના પછી બીજા કેટલાક સાધુસંતો તથા કર્મયોગીઓના સહકારથી ૫ જાન્યુઆરી, ૧૯૯૫ના રોજ 'દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટ'ની સ્થાપના કરી. એ પછી કૃપાલુબાગ આશ્રમમાં રોજેરોજ યોગ અને આયુર્વેદ ચિકિત્સાની શિબિરો થવા માંડી. ધીમે ધીમે કૃપાલુબાગ આશ્રમ યોગ, પ્રાણાયમ અને આયુર્વેદિક ચિકિત્સાના પ્રમુખ કેન્દ્ર તરીકે જાણીતો થવા માંડ્યો. આચાર્ય રામદેવ લોકોેને યોગ અને પ્રાણાયમ દ્વારા સ્વાસ્થ્ય લાભ કરાવતા જ્યારે આચાર્ય બાલકૃષ્ણ લોકોને આયુર્વેદિક તથા એક્યુપ્રેશર ચિકિત્સા દ્વારા સ્વસ્થ કરતા.

એક દિવસ એક રોગીએ આચાર્ય બાલકૃષ્ણને ફરિયાદ કરી, 'તમે જે દવા લખી આપો છો તે બજારમાં તો ક્યાંય મળતી નથી. આવી દવાઓ શું કામ લખી આપો છો?'

કૃપાલુબાગ આશ્રમના ગુરુ સ્વામી શંકરદેવે કહ્યું, 'એમાં વળી કઈ મોટી વાત છે. શુદ્ધ આયુર્વેદિક દવા જો બજારમાં ન મળતી હોય તો જડીબૂટી વિશે તમે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે તેનો લાભ ઉઠાવો અને તમારી જાતે દવા બનાવીને રોગીઓને સાજા કરો.'

બેઉ આચાર્યો બીજા જ દિવસે જંગલમાં નીકળી પડ્યા. શહેરમાં કરિયાણાની દુકાને જે જે જડીબુટ્ટી ઉપલબ્ધ હોય તે મેળવીને બાકીનાની શોધમાં પહાડીઓમાં, જંગલોમાં ભટકવાનું, જાણકાર લોકોની મદદ લેવાની. પાછા આવીને મંડપ-વાસણ ભાડે આપનારાઓ પાસેથી રોજના દસ રૂપિયાના ભાડે તોતિંગ તપેલું લઈ એમાં દવાઓ બનાવવાની. કામ પૂરું થઈ જાય એટલે તરત ભારેખમ તપેલું જાતે ઊંચકીને પાછું આપી આવવાનું જેથી બીજા દિવસનું ભાડું ચડી ન જાય. જડીબુટ્ટીની ગૂણીઓ ભરી ભરીને ક્યારેક સાઈકલ પર, ક્યારેક હાથ રિક્સામાં તો ક્યારેક ગંગાનાં ઉછળતાં પાણીમાં તરીને આશ્રમમાં લાવવામાં આવતી. ક્યારેક કેટલાય કિલોમીટર સુધી ઊંચકીને ચાલવું પડતું. આજેય હરદ્વારમાં કેટલાય લોકો છે જેમણે સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને આવું કરતાં જોયા છે.

સેવાનું કામકાજ ધમધોકાર ચાલતું થઈ ગયું હતું. આ બાજુ રામદેવનાં માતાજીની ઈચ્છા હતી કે દીકરો સામાન્ય લોકોની જેમ ઘર વસાવે, પોતાને પૌત્ર-પૌત્રીઓનું સુખ પ્રદાન કરે. પણ રામદેવના મનમાં કોઈક અલગ જ ધૂન સવાર હતી. વર્ષોથી ઈચ્છા તો થતી જ રહેતી હતી પણ હવે એનો અમલ કરવાનું અનિવાર્ય લાગતું હતું. સ્વામી શંકરદેવે રામદેવની આ ઈચ્છા સાંભળીને કહ્યું, 'સોચ લો ફિર રામદેવ. સંન્યાસ આસાન બાત નહીં હૈં. તુમ પરિવાર કે બંધન મેં નહીં બંધ સકોગે. સંન્યાસી કો ખુદ કો મારકર સમાજ કો જાગૃત કરના પડતા હૈં.'

રામદેવે કહ્યું: 'સંન્યાસ દીક્ષા કે બાદ મૈં એક પરિવાર નહીં, બલ્કિ અનેક પરિવાર કો પ્રેમ કર સકૂંગા. ખુદ કો મારકર હી તો મૈં પૂરી માનવતા સે અસીમ પ્રેમ કર સકૂંગા.'

સ્વામી શંકરદેવે આચાર્ય રામદેવનાં માતાપિતા સહિત એમના બંને ગુરુઓ આચાર્ય પ્રદ્યુમ્ન તથા આચાર્ય બલદેવને સંદેશાઓ મોકલી દીધા કે બ્રહ્મચારી આચાર્ય રામદેવ ગૃહસ્થ જીવનને બદલે સંન્યાસ જીવનમાં પ્રવેશ કરવા માટે ઈચ્છુક છે માટે આપ સૌ આશીર્વાદ આપવા પધારો.

૯ એપ્રિલ, ૧૯૯૫. રામનવમીનો પવિત્ર દિવસ. હરદ્વારના પાવન ગંગાતટ પર મંત્રોચ્ચારણ, યજ્ઞ તથા હવન સાથે આચાર્ય રામદેવની દીક્ષાવિધિ શરૂ થઈ. સ્વામી શંકરદેવ, આચાર્ય પ્રદ્યુમ્ન, આચાર્ય બલદેવ, માતા-પિતા, આચાર્ય બાલકૃષ્ણ તેમ જ અન્ય સાધુ - સંન્યાસીઓની હાજરીમાં આચાર્ય રામદેવે મા ગંગાની ગોદમાં ઊતરીને સંન્યાસ ધર્મનો સંકલ્પ કર્યો:

'મૈં આજ સે સભી પ્રકાર કી એષણાઓં વ આસક્તિયોં કે મોહ સે ઉપર ઉઠકર અપને સંન્યાસ ધર્મકા પાલન કરુંગા. મૈં ધન કે પ્રલોભન સે મુક્ત રહકર આર્થિક વ આધ્યાત્મિક સામર્થ્ય કા ઉપયોગ લોકકલ્યાણ હેતુ કરુંગા. મૈં માન-સમ્માન કા ત્યાગ કરતે હુએ અનાસક્ત રહકર અપને કર્તવ્યોં કા વહન કરુંગા.'

સ્વામી શંકરદેવે ગંગાના પ્રવાહમાં સ્થિર ઊભેલા આચાર્ય રામદેવના વાળની લટ કાપી અને પહેરવા માટે એમને ભગવાં વસ્ત્રો આપ્યાં. સ્વામી શંકરદેવ આ લટ અને રામદેવની જનોઈને પોતાના હાથે ગંગાને સમર્પિત કરી દીધાં. દીક્ષા ગુરુ સ્વામી શંકરદેવના હાથે આચાર્ય રામદેવ હવે સ્વામી રામદેવ બન્યા. ભારતીય જ્ઞાન પરંપરા અનુસાર જે સ્વયંનો સ્વામી બની જાય છે, જે પોતાને જાણતો થઈ જાય છે તે 'સ્વામી' કહેવાય છે. રામદેવે સ્વનો સાક્ષાત્કાર કરી લીધો હતો, પોતે કોણ છે, પોતે શું કરવા માગે છે, પોતાનામાં કેટલી શક્તિ છે - આ બધા પ્રશ્ર્નોનોસંતોષકારક ઉત્તર, એમણે પોતાની પાસેથી મેળવી લીધો હતો. અને એટલે હવે તેઓ સમાજમાં સૌ કોઈના માટે સ્વામી રામદેવના માનભર્યા સંબોધનને લાયક બની ગયા હતા.

યોગ વિશે સ્વામી રામદેવની આ એક વાત સૌ કોઈએ ધ્યાનમાં રાખવા જેવી છે. યોગ દ્વારા ચમત્કારો કરવા, હવામાં ઊડવું કે પાણી પર ચાલવું એવા દાવાઓ અવારનવાર કેટલાક ઢોંગીઓ કરતા રહે છે. બાબા રામદેવ આપણા જેવી આકરી ભાષા નથી વાપરતા પણ નમ્રતાપૂર્વક સાફ સાફ શબ્દોમાં કહે છે:

'મુઝે યોગદર્શન કંઠસ્થ હૈં. લેકિન પરકાયા પ્રવેશ, આકાશગમન, જલ-અગ્નિ-કાંટોં પર યોગ. સાધના કે બલ પર ચલના, અણિમા-સધિમા જૈસી સિદ્ધિઓં કો કરતે મૈંને તો અપની આંખોં સે કિસી મહાપુરુષ કો નહીં દેખા. પ્રાચીન કાલ મેં હી યે સિદ્ધિમાં હોતી થીં. ઈન્હેં ખોજને કે લિયે પૂરે હિમાલય ક્ષેત્ર, તિબ્બત - સભી જગહ મૈંને લગાતાર યાત્રા કી, ખાક છાની, લેકિન આજ તક મુઝે ઐસા કોઈ સિદ્ધ પુરુષ નહીં મિલા હૈ...'

૫ જાન્યુઆરી, ૧૯૯૫માં શરૂ કરેલા 'દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટ'ને આમ જનતાથી માંડીને કૉર્પોેરેટ સેક્ટર સુધીના સૌ કોઈના તરફથી દાન મળતું થઈ ગયું. પાંચ રૂપિયાથી માંડીને લાખો રૂપિયા આવતા. ૧૦ વર્ષમાં, ૪ ફેબ્રુઆરી, ૨૦૦૫નો રોજ આમાંથી 'પતંજલિ યોગપીઠ'નો જન્મ થયો. યોગ, આયુર્વેદ, સ્વદેશી, વૈદિક તથા પ્રાકૃતિક જ્ઞાનના બીજમાંથી એક વટવૃક્ષ ઊભું થયું. શરૂઆતમાં તો દાનની રાહ જોયા વિના બૅન્કમાંથી લોન લઈ લઈને બાંધકામ વગેરેનું કામકાજ થતું. થોડાં વર્ષો પહેલાં જે 'આસ્થા' ચૅનલ પર બાબા રામદેવની યોગ શિબિરનું કલાકેક માટે પ્રસારણ થતું એ આખેઆખી ચૅનલ એમણે ખરીદી લીધી. એમણે એટલે? એ તો સંન્યાસી છે. એક પણ પૈસાની માલિકી એમની નથી. જે કંઈ છે તે બધું જ ટ્રસ્ટનું છે. બિલકુલ ઓપન કારભાર છે. હિસાબ કિતાબ કોઈપણ સરકારી એજન્સી જઈને જોઈ શકે છે.

સોળ વર્ષની ઉંમરે જેઓ બસમાં પણ નહોતા બેઠા તેઓ આજે વર્ષના હજારો કિલોમીટરના પ્રવાસો કરીને દેશવિદેશમાં યોગ - આયુર્વેદનો નિ:સ્પૃહ બનીને પ્રચાર કરી શકે છે. પણ એક વખત એવો હતો જ્યારે સ્વામી રામદેવના માથે રોજ કોઈને કોઈ વાતે માછલાં ધોવાતાં. એમને બનતી આયુર્વેદિક દવામાં માનવ અસ્થિનો ભુકો વાપરવામાં આવે છે એવો તદ્દન જુઠ્ઠો આક્ષેપ સામ્યવાદી પક્ષના મુખિયા પ્રકાશ કરાતનાં પત્ની બ્રિન્દા કરાતે એટલો ઉછાળ્યો એટલો ઉછાળ્યો કે ઘડીભર સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયું. બ્રિન્દાનાં બહેન રાધિકા રૉય એનડીટીવીના સ્થાપક અને માલિક પ્રણય રૉયનાં પત્ની થાય. એમની ચૅનલે બાબાને બદનામ કરવાની આગેવાની લીધેલી. આ ઉપરાંત આર્થિક અને ક્રિમિનલ બાબતોની અનેક ફરિયાદો સ્વામી રામદેવ, એમના સાથીઓ તેમ જ એમની સંસ્થાઓ વિરુદ્ધ થતી રહી. આજની તારીખે પણ ક્યાંક ક્યાંકથી એમની પ્રોડક્ટ્સ વિશે કોઈને કોઈ વેસ્ટેડ ઈન્ટરેસ્ટ દ્વારા આવી હેરાનગતિ થતી જ રહે છે. સ્વામી રામદેવે આ બધું પાર્ટ ઑફ ધ ગેમ તરીકે સ્વીકારી લીધું છે. તમે જેટલા મોટા માણસની અને જેટલા વધારે લોકોની આંખમાં કણાની જેમ ખૂંચતા હશો તેટલી વધુ વિઘ્ન પ્રવૃત્તિઓ તમારી સાથે થવાની. સ્વામી રામદેવ આવી સેંકડો આપત્તિઓ વચ્ચે અડીખમ રહ્યા તે પોતાની તાકાતને કારણે. સેંકડો પોલીસ કેસ, કોર્ટ કેસ, ઈન્ક્વાયરીઝ વગેરેની અગ્નિપરીક્ષામાં તેઓ વધુ ઉજળા થઈને, અણિશુદ્ધ સ્વરૂપે બહાર આવ્યા. આજે પતંજલિ પ્રોડક્ટ્સનું ટર્નઓવર વર્ષે પાંચ હજાર કરોડનું છે તે કંઈ મોદી સરકારની મહેરબાનીને કારણે નથી. આ સરકારને તો બે જ વર્ષ થયાં છે હજી. બાબાએ ખરી પ્રગતિ તો અગેન્સ્ટ ઑલ ઑડ્સ કરી છે. કૉન્ગ્રેસની - સોનિયાજીની - મનમોહન સિંહની સેક્યુલર સરકાર એમની પાછળ હાથ ધોઈને પડી ગઈ હતી, છતાં આટલી પ્રગતિ એમણે કરી. મોદીની જેમ રામદેવ પર પણ વર્ષો સુધી એમના વિરોધીઓ પથરા ફેંકતા આવ્યા છે. દસ વર્ષ તો શું પાંચ વર્ષ પહેલાં પણ કોઈએ નહોતું વિચાર્યું કે મોદી પ્રાઈમ મિનિસ્ટર બનશે કે રામદેવની પતંજલિ પ્રોડક્ટ્સ દેશની ભલભલી મલ્ટિનેશનલ કંપનીઓના મોઢે ફીણ લાવી દેશે.

આપણે ત્યાં સ્યુડો ઈન્ટલેક્ચ્યુઅલ્સમાં ભગવાં કપડાંધારીઓની મજાક કરવાની પ્રથા પડી ગઈ છે. ભારતીય સંસ્કૃતિની જે કોઈ વાતો કરે એમને પછાત, ગામડિયા અને અક્કલના ઓથમીર કહેવાની પ્રથા પડી ગઈ છે. આ પ્રકારના તમામ સેક્યુલરિયાઓને ભોંયભેગા કરીને સ્વામી રામદેવે દેશની નવી પેઢી સામે એક જબરજસ્ત રોલ મૉડેલ ઊભું કર્યું છે. આ કંઈ બિઝનેસની વાત નથી. તમારે ફેક્ટરી ખોલીને મધ, ટુથપેસ્ટ, ઘી, શેમ્પુ કેવી રીતે બનાવવાં અને કેવી રીતે હજારો કરોડ રૂપિયાનું ટર્નઓવર કરવું એનું રોલ મૉડલ કંઈ તમારે બાબા પાસેથી શીખવાનું નથી. કોઈ જો એવું તમને ભરમાવતું હોય તો તમારે પહેલાં તો આ સંસારમાંથી સંન્યાસ લેવો પડે, પછી એક પણ રૂપિયાનો વહીવટ તમારી પાસે રાખ્યા વિના સાદીસીધી જિંદગી જીવવી પડે. બોલો, છે એવી તૈયારી? સ્વામી રામદેવ પાસેથી હજારો કરોડનો બિઝનેસ કરતાં શીખવાનું નથી. એથી આગળ એવું ઘણું ઘણું શીખવાનું છે. મારે હિસાબે સૌથી મોટી આ ત્રણ વાત શીખવાની છે.

૧. મોટી પ્રાપ્તિ માટે મોટો ત્યાગ કરવો જરૂરી છે. ત્યાગ કરવાની તૈયારીરૂપે લાલચો પર કાબૂ રાખવાની પ્રેક્ટિસ કરવી પડે. બાબા હોય, મોદી હોય કે પછી વિરાટ કોહલી કે શાહરૂખ ખાન દરેક વ્યક્તિએ પોતાની જિંદગીમાં ઘણું બધું જતું કર્યું હોય છે ત્યારે જઈને તેઓ પોતાના ક્ષેત્રમાં ઝળહળતી સફળતા મેળવી શકે છે.

૨. અપમાનોથી ડરવું નહીં અને વિરોધીઓને જડબાતોડ જવાબ આપીને ભોંયભેગા કરી નાખવામાં શરમાવું નહીં. બાબા ખુલ્લેઆમ સાબુ બનાવતી કે મધ - ટૂથપેસ્ટ બનાવતી મલ્ટિનેશનલ કંપનીઓને પડકારે છે. કારણ કે એમની સ્પર્ધા કરવાની બાબામાં તાકાત છે.

૩. ધ્યેય સ્પષ્ટ રાખો. આજે વિચારો કે આમ કરીશું ને કાલે વિચારો કે તેમ એ રીતે જિંદગીમાં આગળ નહીં વધાય. અટવાયા કરશો. આંખ સામેનું નિશાન સ્પષ્ટ હોવું જોઈએ અને જિંદગીના કોઈપણ તબક્કે એ ટાર્ગેટ આઉટ ઑફ ફોકસ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું.

'સ્વામી રામદેવ: એક યોગી - એક યોદ્ધા' સંદીપ દેવે લખેલી સ્વામી રામદેવની પહેલી અને એકમાત્ર ઑફિશ્યલ બાયોગ્રાફી છે. પતંજલિ આયુર્વેદ ડૉટ નેટ પર આ અને બીજાં ઘણાં યોગ - આયુર્વેદ - કુદરતી ઉપચાર વિશેનાં પુસ્તકો તથા ડીવીડી તેમ જ પતંજલિની તમામ પ્રોડક્ટસ તમને ઑનલાઈન ખરીદી માટે મળી જશે. યુટયુબ પર એમની અઢળક વીડિયોઝ છે.

સ્વામી રામદેવ જે કંઈ કરી રહ્યા છે તે મારા-તમારા ને આખા દેશના ભલા માટે કરી રહ્યા છે. આવી શ્રદ્ધા જો કોઈનામાં ન હોય તો પણ એણે યોગ, આયુર્વેદ અને પ્રાકૃતિક ઉપચારને પોતાના જીવનમાં અનિવાર્ય બનાવી દેવાં જોઈએ. તનથી અને મનથી સ્વસ્થ રહેવું હશે તો આ બધું જ છેવટે કામ આવવાનું છે. તમે જે ક્ષેત્રમાં હો તે ક્ષેત્રમાં કામ કરીને એના સર્વોચ્ચ સ્થાને પહોંચવાની તમન્નાને સાકાર કરવી હોય તો આ ત્રણેય વસ્તુઓ યોગ, આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સા તમારું કશું જ નુકસાન કર્યા વગર, તમારી પાસે કોઈ ઝાઝો ખર્ચ કરાવ્યા વગર તમને ત્યાં સુધી લઈ જવામાં મદદ કરશે. કમ સે કમ મને તો પર્સનલી કરી જ રહી છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment