Monday, 27 June 2016

[amdavadis4ever] તુમ કહાં? મૈં યહાં.. . હૅપી બર્ થડે, પંચમદા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જીવતા હોત તો આજના પવિત્ર દિવસે બરાબર ૭૭ વર્ષના થયા હોત આર. ડી. બર્મન. આપણે એમની જન્મતિથિને બદલે એમનો જન્મદિવસ ઉજવતા હોત.

જાવેદ અખ્તરે આર. ડી. વિશેની ડૉકયુમેન્ટરી 'પંચમ અન્મિક્સ્ડ'માં કહ્યું હતું કે સમય મહાન વ્યક્તિઓ પર મહેરબાન હોય છે, જેમ જેમ વખત વીતતો જાય છે એમ મહાન વ્યક્તિ દુનિયાની આંખોમાં વધુ ને વધુ મહાન બનતી જાય છે.

જાવેદસા'બની આ વાણીની સાબિતી તમને એ વાતે મળે છે કે છેલ્લાં દસ-પંદર વર્ષ દરમ્યાન ચોથી જાન્યુઆરી (પંચમની પુણ્યતિથિ) અને સત્યાવીસમી જૂનની આસપાસના વીકએન્ડમાં આર. ડી. બર્મનનાં ગીતોને લાઈવ ઑરકેસ્ટ્રા સાથે સ્ટેજ પરથી રજૂ કરવાના કાર્યક્રમમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. આજની ૨૭મી જૂનના આગલા બે-ત્રણ દિવસો દરમ્યાન એકલા મુંબઈમાં જ નાનામોટા મળીને ૧૭ (એકડે સાતડે સત્તર) કાર્યક્રમો પંચમદાએ સ્વરબદ્ધ કરેલાં ગીતોના હતા.

તમને થાય કે કોઈ એક જ સંગીતકારને યાદ કરીને એમના ચાહકોને રિઝવવા આટલા બધા કાર્યક્રમો? હિંદી ફિલ્મ જગતમાં તો કેટકેટલા અદ્ભુત સંગીતકારો કેવા કેવા અમર ગીતો રચી ગયા? નૌશાદ, શંકર જયકિશન, કલ્યાણજી આણંદજી અને લક્ષ્મીકાન્ત પ્યારેલાલથી માંડીને રવિ, ખય્યામ તથા મદનમોહન સુધીના એકથી બઢકર એક સંગીતકારોએ કુલ મળીને હજારો યાદગાર ફિલ્મી ગીતોની ધૂનોને આપણા રોજિંદા જીવન સાથે એવી વણી લીધી છે કે એના વિના આપણું અસ્તિત્વ હોઈ શકે એવી આપણે કલ્પના પણ કરી શકતા નથી.

આ તેમ જ આવા બીજા અનેક સંગીતકારોનાં સુપરહિટ ગીતોનો કાર્યક્રમ બનાવીએ તો દરેક માટે ત્રણ કલાક પણ ઓછા પડે એવી સમૃદ્ધિ એમની રેપરટરિમાં છે. અને વર્ષમાં એમનાં ગીતોના કાર્યક્રમો પણ થતા જ રહે છે.

છતાં આર. ડી. બર્મન આ સૌમાં મોખરે હોય છે. એટલું જ નહીં, એમના કાર્યક્રમોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. અવસાનના મોર ધૅન બે દાયકા પછી કોઈ સંગીતકારની પૉપ્યુલારિટી વધતી ગઈ હોય એવું માત્ર પંચમદાની બાબતમાં બન્યું છે. કોઈપણ સર્જકના સર્જનની મહત્તા જાણવાનો માપદંડ એની હયાતિ નહીં પણ એની ગેરહયાતિમાં એની લોકપ્રિયતા કેટલી છે તે જ છે એવું હું માનું છું. પંચમ તો એમાંય સો કદમ આગળ છે. ગેરહયાતિમાં લોકપ્રિયતા જળવાઈ જ નથી રહી માત્ર, વધી રહી છે. આવું તો લેજન્ડ્સની બાબતમાં પણ નથી બનતું. પંચમ માટે વિશેષણો ઠાલવી ઠાલવીને થાકી જઈએ એવા સુપર લેજન્ડ તેઓ હતા.

ચોપ્પન વર્ષનું ટચુકડું આયુષ્ય પૂરું કરીને રાહુલ દેવ બર્મને બહુ ઉતાવળે પણ દમામભેર એક્ઝિટ લઈ લીધી. જતાં જતાં 'નાઈન્ટીન ફોર્ટી ટુ-એ લવ સ્ટોરી'નાં ન ભૂતો, ન ભવિષ્યતિ ગીતોનો ખજાનો એ તમારા માટે છોડતા ગયા.

દુનિયાભરમાં ફેલાયેલા લાખો-કરોડો પંચમભક્તોમાંનો હું પણ એક ઑફિશ્યલ પરમ ભક્ત છું. ૫૪ વર્ષની નાનકડી જિંદગીમાં પણ ઠાંસી ઠાંસીને કેટલું મહાન કાર્ય કરી શકાય, પોતાને જેના માટે પૅશન હોય તે જ વિષય તમારો પ્રોફેશન બને ત્યારે એમાં આગળપાછળ જોયા વિના કેવી રીતે ડૂબી જવાનું હોય, તમારા જમાના કરતાં - તમારા ક્ધટેમ્પરરીઝ કરતાં દાયકાઓ આગળનું કામ કેવી રીતે થાય અને પોતાની મહાનતાનો ભાર પોતાના ખભા પર ઊંચકીને ફરવાને બદલે જિંદગીની દરેકે દરેક ક્ષણની નાનામાં નાની મઝાઓના આનંદનું એક એક ટીપું નીચોવીને એનો આસ્વાદ કેવી રીતે લેવાનો હોય - આ અને આવી અનેક વાતો આર. ડી. બર્મનના જીવનમાંથી, એમણે કરેલા કામમાંથી શીખતા રહીએ છીએ અને આપણા ગજા પ્રમાણે, આપણી ઔકાત તથા હેસિયત મુજબ જેટલી ઉતારી શકાય એટલી ઉતારતાં રહીએ છીએ જીવનમાં.

પંચમદાની આજની જન્મતિથિની ઉજવણી અમે બે દિવસ પહેલાં જ કરી નાખી. ૨૪મી અને ૨૫મીના શુક્ર-શનિએ બે સળંગ કાર્યક્રમો મુંબઈના માટુંગાસ્થિત યશવંતરાવ ઑડિટોરિયમમાં માણ્યા. થીમ હતી: ગિટાર્સ ઑફ પંચમ. બે દિવસ દરમ્યાન પંચમદાએ સ્વરબદ્ધ કરેલાં ૫૦ જેટલાં ગીતોને પરોવીને ડૉ. અજિત દેવલની 'તિરકીટધા' મંડળીએ રજૂ કર્યાં. આર. ડી, બર્મન વિશે ઈઝીલી ચાર-પાંચ પીએચ.ડી.ની થીસિસ લખી શકે એવું આર્કાઈવલ મટીરિયલ જેમની પાસે છે તે આગવા ગુજરાતી લક્ષ્મીપુત્ર (વ્યવસાયે ડાયમન્ડ મર્ચન્ટ) અને સરસ્વતી પુત્ર (એક જમાનામાં જેમણે વર્ષો સુધી 'સેટેલાઈટ' ઑરકેસ્ટ્રામાં ડ્રમસેટ વગાડીને નવરાત્રિમાં તેમ જ નવરાત્રિ સિવાયના પ્રસંગોએ પણ લોકોને ઝૂમતા કર્યા છે) એવા અજય શેઠની ઍક્ટિવ મદદથી પંચમનાં એવાં ગીતો પસંદ કરવામાં આવ્યાં જેમાં કોઈ ને કોઈ રીતે ગિટારનું મહત્ત્વ વધુ હોય. સ્ટેજ પર રજૂ કરવા માટે એક સાથે પાંચ-પાંચ ગિટારિસ્ટ. લીડ ગિટાર, બેઝ ગિટાર, એકાઉસ્ટિક, સ્પેનિશ, ટ્વેલ્વ સ્ટ્રિંગ્સ અને વૉટ નૉટ! એમની સાથે રિધમ સેક્શનમાં છ-છ મ્યુઝિશ્યન્સ જેમાં બે તો તબલાંવાદકો. સાથે ફ્લ્યુટ, સેક્સોફોન, ટ્રમ્પેટ, એકોર્ડિયન અને બે સિન્થેસાઈઝર્સ. આ બધાનું લાઈવ ઑરકૅસ્ટ્રેશન કરવા માટે અજય માદન જેવા સિદ્ધહસ્ત ક્ધડક્ટર. ગાયકોમાં ચેતન રાણા અને રીમા લાહિરી ઉપરાંત બીજા ઍકમ્પલિશ્ડ સિંગર્સ વત્તા પાંચ તો કોરસગાયકો. આ બધા મળીને કમસેકમ બે ડઝનથી વધુ માઈક્રોફોન દ્વારા રેલાતું સંગીત હોલમાં બેઠેલા શ્રોતાઓ સુધી પહોંચતી વખતે કર્ણમધુર રહે, કેકોફોની ન બની જાય એવું સાઉન્ડમિક્સિંગ જેમાં એક-એક સાઈડ રિધમ પણ તમે સ્પષ્ટ સાંભળી શકો અને બેઝ ગિટારના સૂર પણ બીજા ધ્વનિમાં ડૂબી જવાને બદલે યોગ્ય જગ્યાએ ઊભરીને આવે. ક્યારેક ભ્રમ થઈ આવે કે તમે ઑડિટોરિયમમાં નથી બેઠા પણ કોઈ સુસજજ રેકૉર્ડિંગ સ્ટુડિયોમાં બેઠા છો અને તમારી આંખ સામે જ આર. ડી.નું ગીત રેકૉર્ડ થઈ રહ્યું છે - એવી સાઉન્ડ ક્વૉલિટી. હવે તો જોકે, રેકૉર્ડિંગ સ્ટુડિયોમાં પણ આટલા બધા વાદકો એકસાથે જોવા નથી મળતા જેટલા કોઈ એક જમાનામાં સિંગલ કે ડબલ ટ્રેક પર રેકૉડિંગ થતું ત્યારે જોવા મળતા. હવે તો દરેક વાદક પોતપોતાની રીતે આવીને પોતાના ટુકડાઓ વગાડી જાય, સિંગર એનું કામ કરી જાય, એક સાથે વીસ-પચીસ-ત્રીસ વાયોલિનવાદકો રેકૉર્ડિંગ સ્ટુડિયોમાં બેસીને વગાડતા હોય એવા જમાના પણ ગયા. એક જ વાયોલિનિસ્ટ આવીને વગાડી જાય પછી કૉમ્પ્યુટરની કમાલો એને દસ-વીસ-પચાસના સાઉન્ડમાં મલ્ટિપ્લાય કરી આપે અને ક્યારેક તો કોઈ વાયોલિનિસ્ટની પણ જરૂર નથી રહેતી, કી-બોર્ડ પર દુનિયાના કોઈપણ વાજિંત્રનો અવાજ તમે સિન્થેટિકલી પેદા કરી શકો છો. આજની ટેક્નોલોજીની એની પોતાની મઝા છે, એના પોતાના અનેક ફાયદા છે. એને માણવાનો મૂડ અલગ છે. અને એની સામે વિનાઈલની એલ. પી. પર પિન ઘસડાતી હોય એવો ધીમો ધીમો અવાજ ભળી જાય એવા નોસ્ટાલ્જિયાની પણ મઝા જુદી છે.

ડૉ. અજિત દેવલની 'તિરકિટધા'ના કાર્યક્રમની હંમેશાં વિશેષત્તા એ હોય છે કે તમને એમાં એવા એવા વાજિંત્રવાદકોને લાઈવ વગાડતાં જોવા/સાંભળવાનો લહાવો મળે જેઓ એક જમાનામાં ખુદ આર. ડી. બર્મનના રેકૉડિંગમાં વગાડી ચૂકયા હોય, પંચમદાની ટીમમાં રહેવાનો આનંદ લૂંટી ચૂક્યા હોય. આ વખતના કાર્યક્રમમાં પણ એવા ગિટારિસ્ટ, રિધમિસ્ટ અને ફ્લ્યુટિસ્ટ (અમેરિકન ઈંગ્લિશમાં એમને ફ્લૉટિસ્ટ કહે) હતા. ઈન ફેક્ટ બેત્રણ મહિના પછી, થર્ડ સપ્ટેમ્બરે ડૉ. અજિત દેવલે 'ફ્લ્યુટ્સ ઓફ પંચમ' કાર્યક્રમ યોજવાની ઘોષણા કરી છે જેમાં આર. ડી. બર્મને કંપોઝ કરેલાં એવાં ગીતો પસંદ કરવામાં આવશે જેમાં વાંસળીનું વધારે મહત્ત્વ હોય. ત્યારની વાત ત્યારે. અત્યારે તો અમે ગિટાર્સ ઓફ પંચમમાં ગળાડૂબ છીએ. બેઉ રાતના કાર્યક્રમો પછી મોડી રાતે ઘરે આવીને સારેગામાની લેજન્ડ્સ સિરીઝનું પંચમવાળું બોક્સ ખોલીને એક પછી એક સીડી લગાવીએે છીએ અને આશ્ર્ચર્ય વ્યકત કરીએ છીએ કે જે પચાસ ગીતો સાંભળ્યાં એમાં આ બધાં ગિટાર બેઝ્ડ ગીતો કેમ રહી ગયાં? 'અપના દેશ'નું દુનિયા મેં લોગોં કો... 'રામપુર કા લક્ષ્મણ'નું ગુમ હૈ કિસી કે પ્યાર મેં... 'અનામિકા'નું બાંહોં મેં ચલે આઓ... 'ખેલ ખેલ મેં'નું એક મૈં ઔર એક તૂ... અને પછી ખ્યાલ આવે કે ભૈ, જો બધાં જ ગીતો પેશ કરવા જાય તો આખું 'પંચમ-અઠવાડિયું' ઉજવવું પડત. જે પચાસ ગીતો રજૂ થયા એ તો આ જે ચારેક ગીત યાદ કરાવ્યાં એને પણ ભુલાવી દે એવાં હતાં. એની એક ઝડપી-નાનકડી ઝલક આવતી કાલે.

આજે તો બસ, આટલું જ. 'જવાની દિવાની'ના પેલા ગીતના પુઅર ગુજરાતી અનુવાદ જેવું લાગતું હોય તો ભલે લાગે પણ આટલું તો કહેવું છે કે: અમે તો અહીંયાં જ છીએ, તમે ક્યાં છો? હૅપી બર્થ ડે, પંચમદા!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment