Sunday, 3 July 2016

[amdavadis4ever] કચ્છની આગવી ખ ેતીનાં અણમોલ દેશી બીજો પર લુપ્તતાનો ખતરો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કચ્છ ભારતનો સૌથી મોટો જિલ્લો છે અને અનેક વિવિધતાઓથી સભર છે. સૂકું, ગરમ હવામાન, રેતાળ ધરતી અને અપૂરતા વરસાદને લીધે આઝાદી પહેલાંના સમયમાં કચ્છી ખેડૂતો બાજરી, જુવાર, મગ, તલ, એરંડા, કાલા, ગુવાર અને મઠનો પાક લેતા. ઉપરાંત વિશાળ વિસ્તાર હોવાને લીધે જમીનના પ્રકાર પણ અલગ અલગ હોવાથી ખેડૂતો પોતાના અનુભવના આધારે બીજા પાક લેતા રહ્યા હતા. દા.ત. પૂર્વ કચ્છમાં ખેડૂતો મીંદિયાવડની ખેતી કરતા પણ પશ્ર્ચિમ કચ્છમાં ક્યારેય ખેડૂત એ પાક લેતા નહીં. જો કે, આઝાદી પછી ખેતીના પાકમાં વિવિધતા અને પ્રયોગ થતા રહ્યા. દેશી બાજરાના સ્થાને હાઇબ્રીડ બાજરો વવાતો થયો. સફેદ તલની સાથે તલીની અજમાયેશ અને ક્રમશ: મગફળી જેવાં રોકડિયા પાક તરફ ખેડૂતો વળ્યા. આ સાથે ધિરાણની સગવડો મળવા માંડતાં પોતાના પરંપરાગત સાધનોનું સ્થાન પણ અદ્યતન સાધનોએ લઇ લીધું અને મોટાભાગની ખેતી ટ્રેકટર-ટ્રેસર જેવા સાધનોથી થવા લાગી. કચ્છની મગફળીએ તો નિકાસ ક્ષેત્રે ઇતિહાસ સર્જ્યો. 

સમયની સાથે સાથે ખેતીમાં આવેલા આધુનિક બદલાવની અસર કચ્છના પિયતવાળા વિસ્તારમાં જોવા મળે છે. ખાસ કરીને ભૂકંપ પછીના સમયમાં તો ગુજરાતમાં ખેતીનો આધુનિક ઢબે વિકાસ થયો છે તેની સાથે બરોબરી કરી શકે એવી ખેતી કચ્છના ખેડૂતો કરી રહ્યા છે. કેસર કેરી અને ખારેક જેવા ફળ, દેશવિદેશમાં નિકાસ થવા લાગ્યા છે. તો તાઇવાનીઝ પપૈયા હોય કે જમ્બો જામફળ, અરે કેપ્સીકમ મરચાં (વિવિધરંગી)એ કચ્છમાં થાય છે. ઉપરાંત ચીકુ, નાળિયેર, કપાસ, જીરું, રાયડો પણ ખરા જ. અરે કુંવારપાઠાની ખેતી કરીને એની કોસ્મેટિક ચીજોનું ઉત્પાદન શરૂ થયું છે.

ખેતીની પ્રગતિની સાથે સાથે ખેડૂતોને માર્ગદર્શન, તાલીમ આપતી બિનસરકારી સંસ્થાઓએ કચ્છમાં કાઠું કાઢ્યું છે. માંડવી સ્થિત વિવેકાનંદ રિસર્ચ અને ટ્રેઇનિંગ ઇન્સ્ટિટયૂટનું નામ આ ક્ષેત્રે મોખરે છે. દરમ્યાન દેશના અન્ય ભાગોની જેમ કચ્છમાં પણ સજીવ ખેતીના વ્યવસ્થિત પ્રયાસ કેટલાક પર્યાવરણપ્રેમી ખેડૂતો દ્વારા શરૂ થયા અને તેમાં સફળતાયે મળી રહી છે. સજીવ ખેતી ફાયદાકારક કે નફાકારક નથી એવી માન્યતાનો છેદ ઉડાડતી પેદાશોમાં ગુવાર અને કાલા કપાસનો ઉલ્લેખ થઇ શકે. ગુવાર એટલે આમ તો ગો-આહાર એટલે કે પશુઓ માટેનો આહાર છે. પણ છેલ્લા કેટલાક સમયથી એની માંગ વિદેશોમાં વધી છે. તેલ સંશોધન વખતે બેન્ટોનાઇટની જેમ હવે ગુવારના પાવડરનો ઉપયોગ થવા લાગ્યો છે તેથી તેની માંગ વધવા લાગી છે અને હજુયે વધશે એવી શક્યતા છે. ઉપરાંત સજીવ કાલા કપાસમાંથી કાપડ બનાવીને ભુજ નજીકની 'ખમીર' સંસ્થાએ માર્કેટિંગ શરૂ કરતાં તેને સારો પ્રતિસાદ મળ્યો છે. એ જ રીતે કાલામાંથી કપાસિયા ખોળ બનાવવાના પ્રયાસોયે થયા છે. બીજા અર્થમાં કહીએ તો સજીવ કાલાની ખેતીમાં સરવાળે ખેડૂતો, વણકરો અને માલધારીઓ ત્રણેયને ફાયદો મળી શકે તેમ છે.

સજીવ ખેતીની વાત અહીં એટલા માટે કરી છે કે કચ્છની ખેતીની નક્કર વાસ્તવિક્તા પર નજર કરીએ તો સજીવ ખેતી માટે કચ્છ યોગાનુયોગ જ મોકળા મેદાન સમું છે. આપણે જાણીએ છીએ કે કચ્છમાં સિંચાઇની-પિયતની સુવિધા નહિવત છે. કોઇ મોટી સિંચાઇ યોજના નથી. નાની અને મધ્યમ જે કોઇ સિંચાઇ યોજના છે તેનું પ્રમાણ સમગ્ર જિલ્લાની તુલનાએ નગણ્ય છે. નર્મદાના સિંચાઇના પાણી હજુ કચ્છ પહોંચ્યા નથી. પહોંચશે ત્યારેય મહદઅંશે પૂર્વ કચ્છને લાભ થશે. આગળ કેટલા જશે અને કેટલો લાભ થશે એ અનિશ્ર્ચિત છે. પણ આજે નક્કર વાસ્તવિક્તા એ છે કે આમાં કચ્છ પ્રદેશની ૬.૫ લાખ હેકટર કૃષિ જમીનનો ૮૦ ટકા ભાગ વરસાદ આધારિત ખેતીનો છે. અહીં સૌથી વધુ ધ્યાન ખેંચે એવી વાત એ છે કે આ ૮૦ ટકા એટલે કે ૫.૨ લાખ હેક્ટર જમીનમાં વરસાદ આધારિત સૂકી ખેતી થાય છે, તેમાં ખેડૂતો રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા નથી. મતલબ કે કચ્છનો રામમોલ નિર્ભેળ-શુદ્ધ સજીવ ખેતીનું પ્રતીક માત્ર છે.

પરંતુ સમસ્યા એ છે કે, છેલ્લી અડધી સદીમાં સુધરેલા અગર તો હાઇબ્રીડ બીજ પછી એ બાજરાના હોય, મગના હોય કે મઠના પણ કચ્છની સૂકી ખેતી માટે ઉપયોગમાં લેવાયા એના ધાર્યાં પરિણામ મળ્યાં નહીં. કારણ એ કે વરસાદનું પ્રમાણ ઓછું અને અનિશ્ર્ચિત છે. વળી, દુકાળ કે અર્ધદુકાળનો ભય સતત ઝઝૂમતો રહે તેથી પાક નિષ્ફળ જવાની બીકે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનું ખેડૂતો ટાળે. નિષ્ણાતોના મત અનુસાર મોટાભાગના હાઇબ્રીડ જાતોના બીજ કચ્છ અને બારમેડ જેવા સૂકા, ગરમ અને રેતાળ મુલક માટે અનુકૂળ નથી. વરસાદનું પ્રમાણ પણ ઓછું છે. દા.ત. કચ્છમાં સરેરાશ વરસાદ ૩૩૦ મી.મી. છે. વળી વરસાદના કુલ્લ દિવસ પણ માત્ર ૧૩ છે. ઉપરાંત અનિયમિતતા એવી કે માંડવીમાં વરસાદ હોય તો ભુજમાં ન હોય, લખપતમાં તાપ, તડકા હોય તો રાપરમાં વીજળી ઝબૂકતી હોય. ઉપરાંત જમીન અને પર્યાવરણ એકમેકથી અલગ હોય. કૃષિ નિષ્ણાતોના મત અનુસાર જમીનના પ્રકાર અને પર્યાવરણની નજરે કચ્છ પાંચ ભાગમાં વહેંચાયેલું છે. (૧) પશ્ર્ચિમ કચ્છનો અબડાસા અને લખપત વિસ્તાર (૨) માંડવી, મુન્દ્રા અને અંજારનો દરિયાકાંઠાનો વિસ્તાર (૩) મધ્ય કચ્છનો ભુજ-નખત્રાણા વિસ્તાર (૪) ભચાઉ, રાપરનો વાગડ તરીકે ઓળખાતો વિસ્તાર અને (૫) પચ્છમ, ખડીર અને બેલાનો બેટ તરીકે ઓળખાતો વિસ્તાર.

આ પાંચે વિસ્તારોની જમીન અને પર્યાવરણ અલગ અલગ છે. ક્યાંક ભેજનું પ્રમાણ વધુ છે તો ક્યાંક સાવ ઓછું ઉપરાંત બીજી બાબતોયે જુદા જુદા પ્રકારની છે. એટલે કોઇપણ પાક લેવા માટેનું એકસરખું બિયારણ જો તમામ વિસ્તારોમાં ઉપયોગમાં લેવાય તો પરિણામ અલગ અલગ આવે. કહેવાનો મતલબ કે આવી અલગ અલગ તાસીરવાળી જમીનના વિસ્તારો માટે બિયારણ પણ એને અનુરૂપ હોવું જોઇએ. 

...અને એક જમાનામાં કચ્છના મુખ્ય પાકોના સ્થાનિક દેશી બીજ જુદા જુદા વિસ્તારો માટે આગવા-અલાયદા વિકસેલા હતા. જેમ પાણીના અભાવમાં માનવી, પશુપંખી અને વનસ્પતિએ સ્વસ્થતાથી ટકી રહેવાનું શીખી લીધું તેમ જુદા જુદા પર્યાવરણીય સંજોગોમાં બાજરો, જુવાર, મગ કે મઠ પણ પોતાની રીતે ઉછરતા રહ્યા અને માણસ પોતાના અનુભવના આધારે પોતાના વિસ્તાર અને પોતાની જમીન માટે જે પણ અનુકૂળ છે એ બીજ સતત અપનાવતો રહ્યો. આ પદ્ધતિએ કચ્છના પાંચેપાંચ વિસ્તારો માટે અલગ અલગ દેશી બીજ અસ્તિત્વમાં આવ્યા હતા. એમાં જો માંડવી-મુન્દ્રાના બાજરાના બીજ નખત્રાણામાં વવાય કે વાગડના મગના બીજ લખપત-અબડાસામાં વવાય તો ઇચ્છિત પરિણામ ન આવે. એટલે કચ્છના દેશી બીજની વિશેષતા પર નજર કરીએ તો કહી શકાય કે આ પ્રદેશની અણમોલ સૂકી ખેતીનો એ આધારસ્તંભ હતો. પણ, સુધરેલી ખેતીના પ્રયોગોમાં દેશી બીજનો વપરાશ ઘટતો ગયો. રોકડિયા પાકને પગલે કચ્છમાં બાજરા જેવા પોતીકા પાકની પેદાશે ઘટતી ગઇ. આજે પરિસ્થિતિ એવી છે કે, આપણે કચ્છનો દેશી બાજરો માનીને ખડીરથી માલ ભલે મંગાવીએ પણ એ બાજરો હાઇબ્રીડ હોય. વળી, આમેય બાજરાનું વાવેતર હવે નગણ્ય થઇ ગયું છે.

પણ જો સજીવ ખેતી તરફ જવું હોય કે એમાં પ્રગતિ કરવી હોય તો દેશી બીજની ઉપલબ્ધિ અનિવાર્ય છે. એ રીતે જોઇએ તો સજીવ ખેતીના વિકાસ માટે ધરતીકંપ પૂર્વે જ નેવુંના દાયકામાં સ્થાનિક સંસ્થાઓ અને ખેડૂતોની મદદથી સજીવ ખેતી મંચના શ્રીગણેશ થયા હતા પણ કચ્છના દેશી બીજ જે પણ ખેડૂત પાસે હોય એની પાસેથી મેળવી, એના ગુણધર્મ ચકાસી એનું જતન કરવાનો વ્યાયામ ખરા અર્થમાં ૨૦૦૭થી થયો. સજીવ ખેતી મંચ, સહજીવન સહિતની બિનસરકારી સંસ્થાઓ અને કૃષિ નિષ્ણાતોએ સાથે મળીને પર્યાવરણીય ખેતીને ઉત્તેજન આપવાના ઉદેશથી 'સાત્ત્વિક' નામની સંસ્થા રચી. ૨૦૦૭થી જ પ્રોજેક્ટ 'અણમોલ' નામે સૂકી ખેતીમાં દેશી બીજોના જતનના પ્રયાસ શરૂ કર્યા. એક વર્ષમાં તો કચ્છના દેશી બીજ, એનાં ગુણધર્મ, લક્ષણો અને વિશેષતાઓ અંગે આશ્ર્ચર્યમાં ગરકાવ કરી દે તેવી માહિતી બહાર આવી. કચ્છની જૈવિક વિવિધતાઓ જેમ અનોખી અને આગવી છે તેમ સૂકી ખેતીના આધાર સમા દેશી બીજમાં પણ એટલી જ વિવિધતા અને દુકાળ તેમ ભેજની અછત સામે ટકવાની નોંધનીય ક્ષમતાઓ છે.

'અણમોલ' પ્રોજેક્ટના માર્ગદર્શક ડૉ. એસ.એન. ગોયલ અને પ્રોજેક્ટ કો.-ઓર્ડિનેટર શૈલેષ વ્યાસે દેશી બીજોના જતન માટે થયેલા પ્રયાસોની માહિતી આપતી પુસ્તિકામાં કોઇ મોટા દાવા કે તથ્યો શોધી કાઢ્યાં હોવાનું નિવેદન કર્યું નથી, પરંતુ ખરે જ તેમણે જે કાંઇ કાર્ય કર્યું છે, એ નોંધનીય છે. હાઇબ્રીડ બિયારણની ભરમાર વચ્ચે દેશી બીજ કોણે અને કયા ખેડૂતે સાચવી રાખ્યા છે એની ખોજ કરીને એની પાસે પહોંચી જવાની જહેમત તેમણે ઉઠાવી છે એ કાબિલેદાદ છે. એ ખેડૂત કુરનનો હોય કે બુડિયાનો, બાંભડાઇનો હોય કે નીલપરનો, પીપરવાંઢનો હોય કે બાલાસરનો પણ તેમની પાસે જઇ દેશી બાજરાના પેઢી દર પેઢીથી સાચવેલા બીજ મેળવી બીજા જ વર્ષે એની વાવણી કરી તમામ ગુણધર્મની ચકાસણી કરીને હેવાલ તૈયાર કર્યો છે એ કચ્છની સૂકી ખેતીના ચાહકો માટે દિશાસૂચક છે.

'સાત્ત્વિક'ના અણમોલ કાર્યક્રમમાં કમસેકમ ૧૦૦ જેટલા ખેડૂતો શોધી કાઢવામાં આવ્યા હતા જેઓ દેશી બીજ સાચવીને બેઠા હતા. જાણીને નવાઇ લાગશે કે કચ્છમાં જમીન અને પર્યાવરણની વિવિધતાને પગલે બાજરાના જુદા જુદા ૧૭ પ્રકારના બીજ સૂકી ખેતીમાં મોજૂદ છે. માંડવી-મુન્દ્રા કે અબડાસા કે પછી નખત્રાણા અને ભુજ અને વાગડ દરેક વિસ્તાર માટે અલગ અલગ બીજ. વળી, વરસાદની અનિયમિતતાનું ધ્યાને લઇને એક જ વિસ્તાર માટેય અલગ અલગ બીજ. જો વરસાદ જૂનમાં જ પડી જાય તો ૧૦૦ દિવસ, ૧૨૦ દિવસ કે એથી વધુ દિવસમાં પાકતા બાજરાનું બીજ અલગ અને મોડું વાવેતર કરવાની હોય તો એ બીજ પણ અલગ.

એવી જ રીતે જુવારના ૧૦ બીજ, મગના ૧૭, ગુવારના સાત અને તલ, એરંડા તેમજ મઠના ચાર-ચાર મળીને કુલ્લ ૬૩ પ્રકારના દેશી બીજનું 

સાત પ્રકારની ચીજોની ખેતી માટે વાવેતર કરાયું હતું. આ પ્રયોગ કરતી વખતે સરકાર માન્ય અને પ્રેરિત ક્ધટ્રોલ બીજ પણ વાવવામાં આવ્યું હતું કે, જેથી બંનેની તુલના થઇ શકે. બાજરા અને જુવાર સહિતના પાકોમાં અનાજની સાથે સાથે ચારાની પેદાશનીયે નોંધ લેવામાં આવી હતી.

મોજણી, ગુણધર્મ ચકાસણી અને પાકના ઉતારની તુલના કરતાં એ તથ્ય બહાર આવ્યું કે દેશી બીજ ક્ધટ્રોલ લાઇન કરતાં જરાયે ઊતરતી કક્ષાના નથી. બાજરા કે જુવારના ચોક્કસ બીજે તો ક્ધટ્રોલ લાઇન કરતાંયે થોડું વધુ ઉત્પાદન આપ્યું હતું. ઉપરાંત દેશી બીજનું મહત્ત્વનું પાસું એ છે કે તેમાં પાકવાના દિવસોમાં ખૂબ વિવિધતા છે, રોગ અને જીવાત સામે પ્રતિકાર કરવાની કુદરતી ક્ષમતા છે અને સૌથી વધુ મહત્ત્વનો ગુણધર્મ તો એ છે કે દુકાળ કે અર્ધદુકાળની સ્થિતિમાં ભેજની અછત સામેય તે ટકી રહે છે.

૨૦૦૮માં અણમોલ પ્રોજેક્ટનો હેવાલ આવ્યા પછી જુદા જુદા વિસ્તારોમાં દેશી બિયારણ ઝંખતા ખેડૂતોને એ બીજ મળી શકે એની વ્યવસ્થાયે થઇ રહી છે. આ દેશી બીજ સંગ્રહ કરવાની કચ્છની આગવી 'કોઠાર' પદ્ધતિનોયે અભ્યાસ કરીને સંસ્થાએ તેનું દસ્તાવેજીકરણ કર્યું છે. ગયા વર્ષે ભુજ તાલુકાના ઉમેદપર ગામના ખેડૂત પ્રવીણભાઇ જેશાભાઇ ડાંગરને ૧૦૦ વર્ષની પારિવારિક પરંપરા જાળવીને દેશી બીજનું જતન કરવા બદલ પર્યાવરણ જાળવણીને લગતો સ્વ. શિવરાજ ગઢવી એવોર્ડ એનાયત થયો ત્યારે કેટલાક ખેડૂતોએ જે વાત કરી હતી તે આજે યાદ કરવા જેવી છે. દેશી બીજ તેમને આજેય પસંદ છે એનાં કારણ આપતાં કહેલું કે એના વડે પાકતા અનાજના રંગ, સુગંધ, સ્વાદ અને પોષક તત્ત્વો બીજાની તુલનાએ વધુ સારા છે.

સરવાળે એમ કહી શકાય કે દેશી બીજ કચ્છ જેવા મુલક માટે આશીર્વાદ સમાન છે અને તેથી આજેય કેટલાયે ખેડૂતો છેક અંતરિયાળ વિસ્તારમાં પોતાના પૂર્વજોની અનેરી દેન સમા દેશી બીજ સાચવીને બેઠા છે. આજે જ્યારે વિશ્ર્વભરમાં સજીવ ખેતીની ઝુંબેશ વેગ પકડી રહી છે ત્યારે કચ્છમાંયે એના માટે ઉજળી તક અને સંજોગ છે, એટલું સારું છે કે એના આધારસ્તંભ સમા સૂકી ખેતી માટેના દેશી બીજ સાવ લુપ્ત થયા નથી. સંસ્થાકીય રાહે સમયસર એના જતન અને પ્રચાર-પ્રસારની પહેલ થઇ છે એ વધાવી લેવા જેવી છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment