Saturday, 30 July 2016

[amdavadis4ever] મેઘધનુષ, ચાંદની અને ભીની માટીની ખ ુશ્બુ કર તાં વધારે અગત્યનું શું છે?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મેઘધનુષ, ચાંદની અને ભીની માટીની ખુશ્બુ કરતાં વધારે અગત્યનું શું છે?

 

યે દૌલત ભી લે લો, યે શોહરત ભી લે લો સાંભળીને સેન્ટીમેન્ટલ થઈ જતા લોકોમાં સ્મશાન વૈરાગ્ય જરૂર આવી જતો હશે. પણ ગીત પૂરું થતાં કોઈ સાચે જ પ્રપોઝલ લઈને આવે અને કહે કે ભઈ, લે, તારી અરજી મંજૂર થઈ ગઈ છે અને આ રહ્યું તારું બાળપણ, તારી કાગઝની કશ્તિ અને એટ્સેટેરા; હવે લાવ તારી દૌલત-શોહરત પાછી આપી દે!

તમે શું કરો?

બીજી જ પળે તમે આવી સેન્ટીમેન્ટી વાતો છોડીને તમારું બૅન્ક બૅલેન્સ તપાસી લો, ક્યાંક ખરેખર કોઈએ બધું પાછું તો લઈ લીધું નથી ને. કારણ કે તમને ખબર છે કે રોજિંદા જીવનને આવી કવિકલ્પના સાથે કોઈ નિસબત નથી. મનને બહેલાવવા ખાતર આવું કંઈ સાંભળીએ ત્યારે 'વાહ, વાહ' અને 'ક્યા બાત હૈ' કરી લઈએ એ ઠીક છે. જિંદગી કવિતાથી નથી ચાલતી, પૈસાથી ચાલે છે. ખુદ કવિની જિંદગી પણ એની કવિતાથી નહીં પણ એ કવિતામાંથી મળતા રોકડા રૂપિયા વડે ચાલે છે (જો મળતા હોય તો).

જે વ્યક્તિના ઉછેરનો પાયો કવિકલ્પનાના પલાયનવાદમાં રોપાયેલો હોય તે વ્યક્તિઓ મોટપણે ખૂબ દુ:ખી થાય છે. કલ્પનાની અને વ્યવહારની જિંદગી તદ્ન સામસામેના છેડાની જોવા મળે ત્યારે માણસ મૂંઝાઈ મરે છે. જેને કામ કરવું છે તેને કવિકલ્પનાઓમાં રાચવું પોસાય નહીં. મેઘધનુષ, ચાંદની અને ભીની માટીની ખુશ્બુને યાદ કરીને ન તમે રિક્શા ચલાવી શકો, ન ફેક્ટરી, ન સરકાર. જમીન પર પગ રાખીને જ કામ થઈ શકે.

એક બીજી વાત, કવિકલ્પના જેવું જ એક બીજું દૂષણ છે નીતિમત્તા અને સિદ્ધાંતોનું. ઉફ્ફ, તારા આ આદર્શ, આ ઉસૂલ જેને ગુંદીને એક વક્તની રોટી પણ નહીં બનાવી શકાય એવું ભાઈ વિજયે પોતાના લઘુબંધૂ રવિને કહ્યું હતું તે સાચું જ છે. અહીં ભાઈ વિજયના માર્ગને જસ્ટિફાય કરવાની કોઈ વાત નથી. વાત જુદી જ છે. જરા ગંભીરતાથી સમજીએ.

નીતિમત્તા અને સિદ્ધાંતોના હથિયારો સૌથી વધારે કોને કામ લાગે છે, ખબર છે? જે નીતિવાન નથી, જે સિદ્ધાંતોમાં માનતા નથી એ લોકોને. તેઓ તમને નીતિમત્તાની હાથકડી લગાવીને પોતાનાં તમામ અનૈતિક કામો કરી તમારાથી ક્યાંય આગળ નીકળી જાય છે. સિદ્ધાંતો અને નીતિમત્તાની શોધ કદાચ આવા લોકોએ જ કરી હશે, જેથી બીજાઓ પોતાનાં ગુણગાન ગવાય, પોતે સારા દેખાય, પોતાની વાહ વાહ થાય એ માટે નીતિમત્તા જાળવવામાં અને સિદ્ધાંતનિષ્ઠ બનીને જીવવામાં રચ્યાપચ્યા રહે.

સમાજનો જે બળવાન વર્ગ છે, જે સત્તાશાળી, ધનવાન કે પ્રસિદ્ધ છે - તે તમામ લોકો તમારાથી આગળ નીકળી જવા તમને નીતિમત્તાની બાબાગોળી આપીને સુવડાવી દે છે. ઘેનમાંથી જાગીને તમે જુઓ છો ત્યારે ખબર પડે છે કે તમારી સિદ્ધાંતપ્રિયતાને બિરદાવનારા માણસો તો તમામ સિદ્ધાંતો નેવે મૂકીને સડસડાટ આગળ વધી ગયા છે. અને તમે નીતિમત્તાનું પૂંછડું પકડીને હતા ત્યાંના ત્યાં જ રહ્યા છો. અહીં તમને અનૈતિક ધંધા કરવાની પ્રેરણા આપવાનો આશય નથી. આશય છે તમારી આંખો ઉઘાડવાનો.

દુનિયાનો કોઈ માણસ પોતાને બદમાશ, હલકટ કે ગામનો ઉતાર નહીં માને. છતાં આવા લોકો ડગલે ને પગલે તમને ભટકાવાના. તમે એમના કરતાં વધુ પ્રતિભાવંત, વધુ મહેનતુ અને વધુ નસીબદાર હશો તો પણ એ તમારા કરતાં આગળ નીકળી જવાના. તમને કોઈ કહેવા આવતું નથી કે બકા, હું તો નિર્વસ્ત્રને નહાવું શું ને નિચોવવું શું વાળી કહેવતને આધારે તરી ગયો છું. એ તો હંમેશાં નીતિ-સિદ્ધાંતોની મોટી મોટી વાતો જ કરશે અને તમને પણ બિરદાવશે. તમારા જેવા સિદ્ધાંતપ્રિય લોકો હવે દુનિયામાં રહ્યા જ નથી એવું કહીને તમને ફુલાવશે. અને તમે ભોળા માની લેશો કે નીતિમય જીવન ગાળવાથી જિંદગીમાં બધું જ મળી શકે છે - જુઓને, આમને તો મળ્યું જ છે, મને પણ મળશે, બસ નસીબ આડેનું પાંદડું હટે એટલી જ વાર છે.

સારા હોવું અને સારા દેખાવું - આ બે જ વાત આપણને ખબર છે. ત્રીજી એક વાત છે - પોતે પોતાને સારા લાગવું. તમે અંદરથી સારા હો કે ન હો - કોઈ ફરક નથી પડતો કારણ કે કોણ કહેશે કે સારા હોવું એટલે કેવા હોવું. સારાપણાનાં તમામ લક્ષણો બિલકુલ સાપેક્ષ છે. દુનિયા કે સમાજ તમારી સમક્ષ જે માપદંડો મૂકે છે તે તમારા માટે, આગળ કહ્યું તેમ, હાથકડી સમાન કે પગબેડી જેવા પુરવાર થાય છે.

તમે કહેશો કે સારાપણા અર્થાત્ નીતિમૂલ્યો વગેરેનો સાવ છેદ ઉડાડી દેશો તો દુનિયા કેવી રીતે ચાલશે? આવો સવાલ તમારી નિર્દોષતાની, તમારા ભોળપણની નિશાની છે. તમે માની લીધું છે કે આ દુનિયા સારા માણસોને લીધે ચાલે છે, તમે એ પણ માની લીધું છે કે દુનિયામાં નીતિમત્તાની જેમ કાયદો અને વ્યવસ્થા સૌના ભલા માટે છે. તમે ખરેખર ભોળા છો.

નીતિની જેમ કાયદો પણ તમને જ લાગુ પડે છે, જેઓ ખરેખર બળવાન છે તેઓ તો કાયદાઓ પોતાની રીતે ઘડાવે છે અથવા એનું અર્થઘટન પોતાની રીતે કરાવે છે અને એ જ અર્થઘટન સાચું છે એવું અદાલતોમાં પુરવાર પણ કરાવી શકે છે. કાયદો ક્યારે બધા માટે એક સમાન નથી હોતો. ન્યાયની દેવી માટે સૌ કોઈ એકસરખાં છે અને એના ત્રાજવાનાં બેઉ પલ્લાં સીધા રહે છે એ માત્ર આદર્શની અને કવિકલ્પનાની વાત છે. વ્યવહારો તદ્ન જુદા છે.

આ દુનિયા ખોટા માણસોના હાથમાં છે, ખરાબ માણસોના હાથમાં છે. એમની મરજી મુજબ અને એમની પદ્ધતિ મુજબ જ આ જગત આખું ચાલવાનું છે. તમારે ખોટા, ખરાબ અને એમના જેવા ના બનવું હોય તો તમારી મરજી. લોકો શું કહેશે અને હું કેવો દેખાઈશ અને પકડાઈ જશું તો - એવો ડર હોય તો છેલ્લે એક ટિપ આપી દઈએ તમને. લોકોમાં તમે સારા જ દેખાશો કારણ કે તમે બહારથી તો પેલાઓની જેમ જ નીતિમત્તા - સિદ્ધાંતોની વાતો કરવાના જ છો. માટે લોકોમાં તમે એમના જેટલા જ સારા પણ દેખાવાના છો. રહી વાત ખોટું કામ કરતાં પકડાઈ જવાના ડરની. તો એક આશ્ર્વાસન મનમાં બાધી રાખજો કે આવા લોકો ધીમે ધીમે એટલા પાવરફુલ બની જતા હોય છે કે કોઈ એમને પકડવાની કે બદનામ કરવાની હિંમત કરતું નથી. આમ છતાં ન કરે નારાયણ ને કંઈ થાય તો તમારી પાસે પૈસા એટલા આવી ગયા હશે કે તમે એમાંથી થોડાક વેરશો કે તરત તમારું કામ થઈ જશે.

અને આમ છતાં તમને ડર સતાવતો હોય કે તમે પાવરફુલ કે પૂરતા ધનવાન બનો એ પહેલાં જ પકડાઈ ગયા તો? તો રહેવા દો. આ લાઈનમાં તમારું કંઈ કામ નથી. તમતમારે નીતિપ્રિયતા, મૂલ્યનિષ્ઠા અને સિદ્ધાંતમય જીવન જીવતા રહો અને બીજાઓને આગળ નીકળી જતાં જોઈ મનોમન ઈર્ષ્યા કરતા રહો અને પ્રગટપણે એમની કુથલી કરતાં રહો. ક્યારેક તમને જરૂર સમજાશે કે રોકડા રૂપિયા જેવી ઈમોશનલ સિક્યુરિટી બીજી કોઈ નથી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment