Sunday, 3 July 2016

[amdavadis4ever] એક ઉખાણું! શોધી કાઢો તો ખરા કહું!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એક હતો બાવો. બાવો એટલે બાવો. ન મળે નારી એટલે બાવા બન્યા બ્રહ્મચારી. આ જાતનો બાવો. બાવા પાસે બીજું તો શું હોય? એક ચીપિયો, એક કમંડળ અને ભગવા કૌપીન વસ્ત્રોની બે જોડી. બાવા પાસે એક આસનિયું પણ ખરું. જ્યા અઠે જ દ્વારકા કરે ત્યાં આસનિયું. પાથરીને જામી જાય! ખાવાને મનમાં તો ઘણાંય ગલગલિયાં થાય. રાતદિવસ રંગબેરંગી સરનાંય આવે, પણ ક્યાંય મેળ જામે નહિ.

એક વાર આ બાવો કૃષ્ણ પક્ષની ઊગું ઊગું થતું રાત્રે ગામની એક શેરીમાંથી પસાર થઈ રહ્યો હતો. એક બંધ ઘરની પછીતેથી જે અવાજ સંભળાયો એનાથી એના કાન સરવા થઈ ગયા. અંદરના ઓરડેથી કોઈક બાળક જીદે ચડ્યું હોય એમ રડતું હતું અને ધમપછાડા કરતું હતું. બાળકની જનેતાએ એને ધબધબાવીને જોરજોરથી ધમકી આપી: 'છાનીમાની સૂઈ જા. જો મૂંગી નહિ રહે તો બહાર બાવો ઊભો છે. એને આપી દઈશ.'

બાવો તો રાજીનો રેડ થઈ ગયો. પોતે હવે ક્યાંય જવાને બદલે અહીં જ ઊભો રહે તો બનવાજોગ છે પેલી રડતી બાળકી છાની ન રહે તો એની માતા બારણું ઉઘાડીને એ બાળકીને સોંપી દે. જોકે બાવાને વિચાર તો આવ્યો કે આ બાળકી તો સાવ નાની હશે. પોતાની જે મુરાદ છે એ તો બર નહિ આવે, પણ પછી મનોમન સમાધાન કર્યું કે જો એક વાર આ બાળકી હાથમાં આવી જાય તો પોતે એને ઉછેરીને મોટી કરશે. એ મોટી થશે પછી એની જોડે પોતે લગ્ન કરશે. એની સાથે ઘર માંડશે અને પછી ઘરમાં બાળબચ્ચાં થશે. અને પછી તો લીલા લહેર લહેર લહેર! બાવાએ તો ઘરની પછીત પાસે જ એક ઝાડ હેઠળ આસનિયું પાથરીને વાટ જોવા માંડી. ક્યારે પેલી બાઈ બહાર આવે અને એની દીકરીને પોતાને હવાલે કરે. આખી રાત બાવો જાગતો રહ્યો. પણ કંઈ મેળ પડ્યો નહિ. પેલી બાળકી તો પછી રડતી બંધ થઈ ગઈ અને રાત પૂરી પણ થઈ ગઈ પણ બીજે દિવસે રાત્રે વળી પાછો એ બાવો ત્યાં જ આવીને ઊભો રહી ગયો. બનવાજોગ છે આજે ફરી વાર પેલી બાળકી પાછી જીદે ભરાય... પાછી રડે... અને પાછી એની જનેતા એને ધમકાવે- 'બાવાને દઈ દઈશ.' આજેય આખી રાત જાગતો રહ્યો પણ આજેય પેલી બાળકી એના હાથમાં આવી નહિ.

પછી તો રોજનું થયું. રાત પડ્યે આ બાવો રોજ પેલી બાળકી પોતાની ઝોળીમાં આવી જશે એનાં સપનાં ઉઘાડી આંખે જોતો પેલા ઘરની પછીતે ઝાડ હેઠળ આસનિયું પાથરીને રાહ જોયા કરતો. શિયાળો, ઉનાળો, ચોમાસું ઋતુઓ બદલાતી રહી. વરસો વીતી ગયાં. બાવાના કાને તો રોજ પેલી રાત્રે જનેતા જે બોલી હતી એના પડઘા પડે- 'બાવાને દઈ દઈશ.'

પણ પછી એક દિવસ બાવાથી રહેવાયું નહિ. એણે પેલા ઘરની ખડકીની સાંકળ ખખડાવી, પચાસેક વરસની એક પ્રૌઢાએ દરવાજો ખોલીને પૂછયું, 'કોનું કામ છે મહારાજ?'

'મૈયા.' બાવાએ કહ્યું, 'ઈધર એક લડકી રોજ રાત કો રોતી થી, શાયદ બહોત છોટી થી.'

'હા, તે એનું શું છે મુઆ?' પેલી પ્રૌઢા ભડકી. 'એ તો પરણીને એના સાસરે જતી રહી. તારે એનું શું કામ છે?'

બાવો પછી શું બોલ્યો અને પેલી બાઈનો રોષ શમ્યો કે નહિ એ વિશે કંઈ જાણવા મળ્યું નથી પણ લોકવાયકા એવી છે કે આ બાવો હજુય વેળાકવેળા પેલા ઘરની પછીતે આસનિયું પાથરીને પલાંઠી વાળીને બેઠેલો નજરે પડે છે ખરો.

આ વાર્તા તમે માનો છો? નથી માનતા? તો પછી હવે તાજેતરમાં જ બનેલી એક બીજી વાર્તા સાંભળો, એટલે કે વાંચો.

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં આખા 

ભારતીય જનતા પક્ષને પોતાની પીઠ ઉપર ઊંચકીને ઝંઝાવાતી દેશવ્યાપી પ્રચાર કરનારી નરેન્દ્ર મોદીએ જાહેરસભાઓમાં એવું કહ્યું હતું- 'વિદેશોમાં જે ભારતીય કાળું નાણું ઠલાવાયેલું છે એ જો ભાજપ ચૂંટાશે તો આ નાણું દેશમાં ઘસડી લાવવામાં આવશે. આ નાણાં એટલી બધી વિપુલ સંખ્યામાં છે કે એનાથી દરેક દેશવાસીના બૅંક ખાતામાં પંદર પંદર લાખ રૂપિયા મળી જાય એમ છે.'

આપણા દેશમાં બાવાઓની કમી પણ નથી. નરેન્દ્રભાઈની આ વાત આ બાવાઓ સાંભળી ગયા. પેલી જીદે ભરાયેલી છોકરીને શાંત કરવા એની જનેતાએ જે ધમકી આપી હતી એ ધમકીને સાચી પડતી જોવા પેલો બાવો જેમ રાતની રાત જાગતો રહ્યો એમ નરેન્દ્રભાઈની આ ચૂંટણી સભાની વાત સાચી પડતી જોવા દેશના કેટલાય બાવાઓ હવે રોજેરોજ પોતાના બૅંક ખાતાની તપાસ કરે છે. પેલા પંદર લાખ ખાતામાં જમા થયા કે નહિ?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર મહિને 'મન કી બાત' એ કાર્યક્રમ હેઠળ આકાશવાણી ઉપર દેશવાસીઓ સાથે સંવાદ કરે છે. આ કાર્યક્રમ જાહેરમાં સાભળી શકાય એ માટે મુંબઈમાં કેટલાંક સ્થળે હમણાં ગોઠવણ થઈ હતી. નરેન્દ્રભાઈ પોતે ચાવાળા તરીકે ચાની કીટલી ફેરવતા એ તો હવે સહુ કોઈ જાણે છે. 'મન કી બાત' જાહેરમાં સાંભળનારાઓને ભાજપ તરફથી નિ:શુલ્ક ચા પીવડાવવામાં આવી હતી. આની સામે ભાજપના જ એક સાથીપક્ષ શિવસેનાએ એવો આક્રોશ કર્યો કે અમારે તમારી આ મફત ચા નથી જોઈતી. તમે જે કહેતા હતા એ પંદર લાખ રૂપિયા અમારા ખાતામાં ક્યારે જમા થાય છે એની અમે રાહ જોઈએ છીએ.

આમાં વાત કંઈ ખોટી નથી. પેલી વાર્તાનો બાવો પણ રાહ જ જોતો હતો. રાહ જોતાં જોતાં એની ધીરજ ખૂટી ત્યારે એણે ખડકીની સાંકળ ખખડાવીને દરવાજો ખોલાવ્યો. મનમાં વરસોથી સંઘરેલી વાત એણે પેલી બાળકીની જનેતાને પૂછી લીધી. પણ આ બાળકીની જનેતા તો 'બાઈ માણસ' હતી અને છતાં એણે પેલા બાવાને જે વડચકું ભર્યું એનાથી બાવો શિયાંવિયાં થઈને નાસી છૂટયો. આપણી અર્વાચીન કથાનો બાવો હવે ક્યારે પેલી બાઈ માણસને પૂછે છે એની જ આપણે બધા રાહ જોઈએ.

પણ જો પૂછે તોય આજની આપણી આ માતા બાવાને વળતું વડચકું ભરે એવું લાગતું નથી. બાવો કદાચ બાળકીને બદલે આ બાઈ માણસને જ ઉપાડી જાય એવું ન બને તો સારું!

આપણે તો જોયા કરવાનું! જૂની વાર્તા અને નવી વાર્તા બંને આપણા માટે તો વાર્તા જ છે.

આ વાર્તામાં વાત તો વચનની છે. પછી તે બેઠેલા બાવાઓ, પેલી બાઈ માણસે દીકરી દેવાની જે વાત કરી હતી એને વચન સમજીને સાચી માની લીધી છે. આજે પંદર લાખ રૂપિયાની પ્રતીક્ષા કરતા બાવાઓએ પણ ચૂંટણીની વાતને સાચી માની લીધી છે. આ લખતાં લખતાં અમને વચનની બીજી એક વાત યાદ આવે છે.

ગામડામાં એક કુટુંબ હતું. સાસુ, સસરા, દીકરો અને વહુ. ખેતીવાડી કરે અને કડેધડે રહે. એક વાર વહુને બહુ રાજી રાજી થતી જોઈને સાસુએ પૂછ્યું, 'વહુ, બેટા, આજે તમે કેમ બહુ ખુશ ખુશ દેખાઓ છો?'

'ખુશ ખુશ જ હોંઉને બાઈજી!' વહુએ હસું હસું થતાં હોઠે કહ્યું, 'તમારા દીકરા મને ચંદન હાર આપવી દેવાના છે!'

'હેં? શું વાત કરો છો?' સાસુએ ચોંકીને પૂછ્યું, 'મારા દીકરાએ તમને આવું ક્યારે કહ્યું.?'

'કાલે રાતે જ એમણે મને વચન આપ્યું છે.' વહુએ ખુલાસો કર્યો.

'તંયે ચંદનરાહ આવી રહ્યો! વહુજી તમારા સસરા આવું વચન મને ચાળીસ વરસથી આપે છે.'

(સજ્જનો અને સન્નારીઓની ક્ષમાયાચના સાથે!)

આ બીજી વાર્તા પણ અહીં પૂરી થાય છે. હવે આ બધામાં બાવો કોણ, બાઈમાણસ કોણ, સાસુ કોણ, સસરો કોણ, વહુ કોણ અને દીકરો કોણ એ બધું લાગતાવળગતાએ સહુ કોઈએ પોતપોતાની સમજ અનુસાર શોધી કાઢવું. જો સાચેસાચ શોધી કાઢો તો કહું!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment