Tuesday, 29 March 2016

[amdavadis4ever] માનવીની મશીન સાથે વધતી મોહબ્બત - Gujarati

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



માનવીની મશીન સાથે વધતી મોહબ્બત
 
 
હેન્રી શાસ્ત્રી
 
ફેસબુક વાપરતા હશો તો એના જન્મદાતા માર્ક ઝકરબર્ગનું નામ તો સાંભળ્યું જ હશે. આ માણસ ટેક્નોલૉજીના ક્ષેત્રે તોતિંગ કામ કરે છે. એણે કમ્યુનિકેશનના ક્ષેત્રે કેવી ગજબનાક ક્રાંતિ કરી એ વાત જગજાહેર છે અને લોકો જ શું પણ દેશની આખી સરકાર એનો અનુભવ લઇ મીઠાં ફળ ચાખી રહી છે. ૩૧ વર્ષના ઝકરબર્ગને એક અનોખી આદત છે. એ આદત એવી છે કે દર વર્ષે નવા નવા સંકલ્પો કરવા. ૨૦૧૬ના વર્ષ માટે એણે સંકલ્પ કર્યો છે કે 'આ વર્ષે મારે એક સીધો સાદો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતો એક રોબો કર્મચારી તૈયાર કરવો છે. એમાં એટલી આવડત હોવી જોઈએ કે એ મારા ઘરનું રોજેરોજનું કામ પાર પાડી શકે અને મારા ઑફિસના કામમાંય મદદ કરી શકે. ફિલ્મ 'આયર્ન મૅન'ના જાર્વિસ જેવો.' એક સ્પષ્ટતા. 'આયર્ન મૅન' શ્રેણીની બનેલી હૉલીવૂડની ફિલ્મોમાં જાર્વિસ જગવિખ્યાત કૉમિક કેરેક્ટર એવેન્જરના એક બટલરના પાત્રમાં છે જે અત્યંત કહ્યાગરો અને વફાદાર કર્મચારી છે. આ ફિલ્મોમાં સુપરહીરોગીરી કરવામાં જાર્વિસ (ઉં.અ.છ.ટ.ઈં.જ. ઉંીતિં ફ છફવિંયિ ટયિુ ઈંક્ષયિંહહશલયક્ષિં જુતયિંળ) એવેન્જરને મદદરૂપ થાય છે. ઝકરબર્ગે પોતાનો ઈરાદો વધુ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે જે પણ ટેક્નોલોજી ઉપલબ્ધ છે એની સહાયતાથી પોતે આ રોબો બનાવવાનું શરૂ કરી દેશે અને ઘરના કામકાજમાં વધુમાં વધુ રીતે એ સહાય કરી શકે એ માટે પોતાનો અવાજ સાંભળીને એ કામ કરે એ રીતે એને કેળવવામાં આવશે.
જીવન સરળ બનાવવા માણસ મગજ વાપરીને મશીન પાસેથી જાતજાતના કામ લેતો થયો છે. શું એક દિવસ મશીન માણસના મગજ પાસેથી કામ લેતું થઇ જશે? આ ચેતવણી માનો તો ચેતવણી છે, કલ્પ્નાવિલાસ ગણવો હોય તો એ છે, સંભાવના ગણવી હોય તો તમારી મરજી અને તૂત ગણવું હોય તોય છૂટ છે. હકીકત એ છે કે માણસને હવે વધુ ને વધુ કામ મશીન પાસેથી લેવાના અભરખા જાગ્યા છે. આજે રવિવાર છે એટલે ઑફિસનાં મશીનોને રજા આપતા માણસને ભવિષ્યમાં મશીન કદાચ એમ કહેશે કે આજે રવિવાર છે, તને રજા છે. આ અને આ પ્રકારની વાતો, દલીલો કે તરંગો આજની તારીખમાં મોટા ભાગના લોકોને કલ્પનાવિલાસ જ લાગશે, પણ છાને ખૂણે કેટલાક દિમાગ એમ પણ વિચારતા હશે કે, સાલું કંઈ કહેવાય નહીં. કુછ ભી હો સકતા હૈ. મજા એની જ છે. જીવનમાં જો અણધાર્યું, અણકલ્પ્યું કે અનિશ્ર્ચિતતા ભરેલું જો થાય નહીં તો પછી જીવનમાંથી રોમાંચની જ બાદબાકી થઇ જાય અને તો પછી માણસ અને મશીનમાં ફરક શું રહે?
માણસે મશીન બનાવવાનો પ્રારંભ કર્યો ત્યારથી એની મશીન બનવાની શરૂઆત થઇ એમ કહેવામાં અતિશયોક્તિ નથી. એમ માનવામાં આવે છે કે મશીન બનાવવા માટે મશીનની જરૂર પડે. તો પછી સવાલ એ છે જગતનું સર્વપ્રથમ મશીન બન્યું હશે કઈ રીતે? જવાબ દરેકે પોતપોતની દલીલ કરવાની આવડત તેમ જ વિષયની સમજણ અનુસાર આપવાનો. એક વાત નક્કી છે કે ઇશ્ર્વરદત્ત બક્ષીસ ગણાતા મગજે આ મશીન બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. અઈં તરીકે વધુ પ્રચલિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (માણસના મગજ બહારની બુદ્ધિ)ની દિશામાં હવે દુનિયા આગળ વધી રહી છે અને રોબો મારફત વસ્તુ ઘરે પહોંચાડવાનો નુસખો પાશેરામાં પૂણી છે. અઈં - આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે મશીન અથવા સૉફ્ટવેર દ્વારા રજૂ થયેલી બુદ્ધિમત્તા. હવે તો આ એક ક્ષેત્ર બની ગયું છે જેમાં કમ્પ્યુટર વધુ ને વધુ બુદ્ધિશાળી કેમ બની શકે એના સંશોધન પર કામ કરવામાં આવે છે. જૉન મૅકાર્થી અને મર્વિન મિન્સ્કી નામના બે અમેરિકન વૈજ્ઞાનિકોએ ૧૯૫૦ના દાયકામાં પ્રથમ વાર આ ક્ષેત્ર વિકસાવ્યું.
દક્ષિણ કોરિયાની રાજધાની સૉલમાં થોડા દિવસો પહેલા એક અનોખો મુકાબલો થયો જેના પર જગત આખાની મીટ હતી. પ્રસંગ હતો ગુગલના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ કમ્પ્યુટર સિસ્ટમ અને ચીનની આશરે ૩૦૦૦ વર્ષ જૂની બોર્ડ ગેમના વિશ્ર્વવિજેતા લી સેડોલ વચ્ચેનો મુકાબલો. મીડિયામાં ખૂબ ગાજેલી આ સ્પર્ધામાં કમ્પ્યુટરે માનવસર્જિત રમતમાં મનુષ્યને કારમો પરાજય આપ્યો અને પાંચ મૅચની સિરીઝમાં ૪-૧થી વિજય મેળવ્યો. લીએ આ પરાજય ખેલદિલીપૂર્વક સ્વીકારી મશીનને અભિનંદન આપ્યા અને પછી જે પ્રતિક્રિયા આપી એમાંનો એક મુદ્દો ઘણો સૂચક છે. લીનું કહેવું છે કે 'સલામ કમ્પ્યુટર મહાશયને. મનુષ્ય સામે રમવામાં અને મશીન સામે રમવામાં ફરક છે. માણસ સામે રમતા હો ત્યારે એના ચહેરા પરના ભાવના ઉતાર-ચડાવ જોવા મળે, એના શ્ર્વાસ-નિ:શ્ર્વાસ અનુભવી શકાય, એ ટેન્શનમાં છે કે રાહતમાં છે એ સમજી શકાય. ઘણી વખત પ્રતિસ્પર્ધીના ચહેરા પરના હાવભાવ કે શરીરના હલનચલનને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાતા હોય છે. મશીન સામે આ બધું તો ન થઇ શકે.' ટૂંકમાં કહીએ તો આ સ્પર્ધામાં જબરજસ્ત માઇન્ડગેમ હતી, પણ મનુષ્યતત્ત્વ ગાયબ હતું. બીજી એક વાત ખાસ નોંધવા જેવી છે. સ્પર્ધા ચાલુ હોય ત્યારે માનવ ખેલાડી આગલી ગેમમાં થયેલી ભૂલો સુધારી શકે, પ્રતિસ્પર્ધીની વ્યૂહરચનામાંથી પાઠ શીખી શકે જે મશીન ન કરી શકે. આખી સ્પર્ધા પૂરી થયા પછી એના પ્રોગ્રામિંગમાં ફેરફાર કરીને એને વધુ 'હોશિયાર' બનાવી શકાય. કોરિયામાં રમાયેલી આ સ્પર્ધાનો જ દાખલો લઇએ. પાંચ ગેમની આ શ્રેણીની ત્રણ ગેમમાં પરાજય થયા પછી લીએ કમ્પ્યુટરની શૈલીનો અંદાજ બાંધીને પોતાની રીતમાં કેટલાક ફેરફારો કર્યા અને ચોથી ગેમમાં વિજય મેળવ્યો.
માનવ અને મશીનના મુકાબલા અગાઉ પણ થયા છે. એમાં વિશ્ર્વસ્તરે સૌથી ગાજેલો કિસ્સો છે ૧૯૯૬નો જ્યારે એ સમયના ચેસના વિશ્ર્વવિજેતા ગૅરી કાસ્પારોવ અને ચેસ રમાવાની આવડત ધરાવતા ડીપ બ્લુ નામના કમ્પ્યુટર વચ્ચેનો ચેસ મુકાબલો. અત્યંત રસાકસીપૂર્ણ રહેલા આ મુકાબલામાં કમ્પ્યુટરે કાસ્પારોવને ૩.૫-૨.૫થી હરાવ્યો હતો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે મનુષ્ય પર વિજય મેળવ્યો હોવાનો આ પહેલો દાખલો છે. અલબત્ત એ સમયે છેતરપિંડીનો આક્ષેપ કરીને કાસ્પારોવે ફેરમૅચની માગણી કરી હતી, પણ એ માન્ય નહોતી રાખવામાં આવી. આ ઘટનાને આજે ૨૦ વર્ષ થયાં છે અને કમ્પ્યુટર વધુ હોશિયાર થયું છે જે હોશિયારીનું નિરૂપણ તો આખરે માનવીએ જ કર્યું છેને.
માણસ એવા મશીન કે ઉપકરણ બનાવવા માગે છે જે એની જેમ વિચારી શકે અને એનું કહ્યું કરી શકે. આ આખીય વાતને મનોવૈજ્ઞાનિકો એક અલગ દૃષ્ટિકોણથી જોઇ રહ્યા છે. માણસ એક સામાજિક પ્રાણી કહેવાય છે અને એ જે સમાજમાં રહે છે એમાં કેટલાક પાયાના ફેરફારો છેલ્લાં કેટલાંક વર્ષોમાં જોવા મળ્યા છે. હવે માણસની માણસ પ્રત્યેની શ્રદ્ધામાં, એની પ્રત્યેના વિશ્ર્વાસમાં ઓટ આવી છે. વહાલ ઘટી રહ્યું છે અને શંકા વધી રહી છે. એટલે જ કદાચ આ એકવીસમી સદીમાં માનવહૃદયમાં પ્રાણી વહાલમાં ભરતી આવી છે. શ્ર્વાન, બિલાડી જેવા પ્રાણીઓ પાળવામાં આવી રહ્યા છે અને પત્ની અને બાળક કે માતા-પિતા કરતા એમને વધુ વહાલ, એની વધુ કાળજી થતી દેખાય છે. આ મનોદશાનો જ એક ફાંટો મશીનપ્રેમ છે. એક જ ઘરમાં ડીનરટેબલ પર બેઠેલા ઘરના સભ્યો એકબીજા સાથે વાતચીત કરતા દેખાવાને બદલે મોબાઇલ કે ટૅબ પર બિઝી હોય છે. આનું મુખ્ય કારણ એ ગણાવાય છે કે મશીન કહ્યું કરે છે. સામો જવાબ નથી દેતું અને તમારી ઉપરવટ પણ નથી જતું. શંકા વધી રહી હોવાથી કેટલાક કામ મશીન પાસે જ કરાવવા એવી ઇચ્છાએ આકાર લીધો છે. બીજું મશીન રજા ન પાડે અને અન્ય માનવસર્જિત મુશ્કેલીઓ ઊભી ન કરે. ટૂંકમાં કહીએ તો પોતાના કહ્યામાં રહે અને સામે કોઇ દલીલબાજી કર્યા વિના મૂંગે મોઢે ચીંધેલું કામ થાક્યા વિના કર્યા કરે એવા સાથ અને સહવાસની ઝંખના વધી રહી છે. સાથે એવી પણ શક્યતા વ્યક્ત થઇ રહી છે કે આ જ મશીન આવતી કાલે મનુષ્યની ઉપરવટ જઇ શકે છે. એમાં રોપાયેલા મગજમાં વણકલ્પેલા કોઇ ફેરફારો થયા અને જો કોઇ ઍપ્લિકેશન રિવર્સ થઇ ગઇ તો દીકરો દાદાનો રૂઆબ મારતો થઇ જશે. બીજી એક ખાસ વાત. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા ઉપયોગ સાથે મનુષ્ય જીવનમાં કૃત્રિમતા વધશે અને નૈસર્ગિકતાની બાદબાકી થવા લાગશે.

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment