Thursday, 31 March 2016

[amdavadis4ever] ટેક ઓફ - Gujarati (Posted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



છેલ્લે તમે કયારે ભરપૂર પ્રસન્નતા અનુભવી હતી?

ટેક ઓફ : શિશિર રામાવત

૪૭ વર્ષીય એલિઝાબેથ ગિલ્બર્ટ નામનાં આ અમેરિકન લેખિકા ફિક્શન અને નોન-ફિક્શન બન્ને લખે છે. આઠ વર્ષ પહેલાં પ્રકાશિત થયેલા એમના 'ઈટ પ્રે લવ'નામના આત્મકથનાત્મક પુસ્તકને ચકિત્ થઈ જવાય એવી સફળતા મળી હતી. લગભગ પોણાચાર વર્ષ સુધી આ પુસ્તક એકધારું 'ધ ન્યુ યોર્ક ટાઈમ્સ'ના બેસ્ટસેલર લિસ્ટમાં રહ્યું હતું. પીડાદાયી ડિવોર્સ પછી વેેરવિખેર થઈ ગયેલી જિંદગીને થાળે પાડવાની આશામાં એલિઝાબેથે ઈટાલી, ભારત અને ઈન્ડોનેશિયામાં વારાફરતી ચાર-ચાર મહિના ગાળ્યા હતા. (આ આખા વર્ષની ટૂર એના પ્રકાશકે સ્પોન્સર કરી હતી, બોલો.) આ એક વર્ષમાં શું શું બન્યું એનો જબરદસ્ત રસાળ અહેવાલ 'ઈટ પ્રે લવ' પુસ્તકમાં છે. હોલિવૂડે આદત મુજબ તેના પરથી ફિલ્મ બનાવી કાઢી. જોકે જુલિયા રોબર્ટ્સ અને જેવિઅર બર્ડેમ જેવા ટોપ સ્ટાર્સ હોવા છતાં ફિલ્મે પુસ્તક જેવી જમાવટ ન કરી. પુસ્તકની સફળતા એટલી પ્રચંડ હતી કે, કમર્શિયલ ધોરણે 'ઈટ પ્રે લવ' ટૂર્સનું આયોજન થવા લાગ્યું. એમાં એલિઝાબેથે ઈટલી-ઈન્ડિયા-ઈન્ડોનેશિયામાં જે-જે સ્થળોએ સમય વીતાવ્યો હતો ત્યાં પ્રવાસીઓને લઈ જવામાં આવતા!  
માણસનું અંતરમન અને રહસ્યમય પ્રેરણા - આ બે વચ્ચેનો સંબંધ એ જ ક્રિયેટિવિટી. આવી વ્યાખ્યા બાંધીને એલિઝાબેથ એક ઉદાહરણ ટાંકે છે. ચાલીસ વર્ષની એક મહિલા છે. આમ તો એની લાઈફ સરસ ગોઠવાયેલી છે, પણ મનમાં ઉમંગ નથી, પ્રસન્નતા નથી. બધું રૂટિન બની ગયું છે. આનંદપૂર્વક જીવવાને બદલે પોતે જાણે સમયની સાથે પોતે ઘસાડાયા કરતી હોય એવું એને લાગ્યા કરે છે. એ વિચારવા બેઠી કે છેલ્લે મેં કયારે સાચા અર્થમાં પ્રસન્નતા અનુભવી હતી? મનને બહુ ખોતરતાં જવાબ મળ્યોઃ હું ટીનેજર હતી અને આઈસ-સ્કેટિંગ કરવા જતી હતી છેક ત્યારે મેં સો ટકા પ્યોર અને મન-હૃદયને છલકાવી નાંખે એવી પ્રસન્નતા અનુભવી હતી! આ જવાબથી ખુદ મહિલા ચોંકી ગઈ. સ્કેટિંગ કરવાનું બંધ કર્યું તે વાતને તો દાયકાઓ વીતી ગયા છે. તો શું તે પછીનાં આટલાં વર્ષોમાં મેં જીવવાનો તીવ્રતમ આનંદ માણ્યો જ નથી?
મનમાં બીજો સવાલ જાગ્યોઃ શું મને હજુ પણ સ્કેટિંગમાંથી પહેલાં જેટલો જ આનંદ મળે તે શકય છે? મહિલાએ નવેસરથી આઈસ-સ્કેટિંગ શીખવાનો નિર્ણય કર્યો. નવા સ્કેટ્સ ખરીદ્યા, એક જગ્યાએ મેમ્બર બની ગઈ, કોચ રાખ્યો. મનના એક ખૂણામાંથી અવાજ આવતો હતો કે, આ શું ગાંડપણ માંડયું છે? આધેડ ઉંમરે તું હવે સ્કેટિંગ શીખીશ? નાની-નાની નવ-દસની વર્ષની છોકરીઓની વચ્ચે તું ભૂંડી નહીં લાગે? મહિલાએ આ અવાજની અવગણના કરી. એણે સ્કેટિંગ શીખવાનું શરૂ કરી દીધું. સવારે વહેલી ઊઠીને ઘરનાં કામ પતાવી નાંખે. પછી ઓફિસ જતાં પહેલાં સ્કેટિંગકલાસ પહોંચી જાય ને પછી બરફ પર લસર્યા કરે. એને ભાન થયું કે, સ્કેટિંગમાંથી એને આજની તારીખેય પહેલાં જેેટલો જ આનંદ મળે છે. અરે, પહેલાં કરતાંય વધારે આનંદ મળે છે! સ્કેટિંગ કરતી વખતે એ જીવંત બની જતી, એ ખીલી ઊઠતી, સઘળી ચિંતા ને સ્ટ્રેસ ભૂલી જતી. સ્કેટિંગ કરતી વખતે એને લાગતું કે, મારા જીવનમાં જવાબદારીઓ અને બીબાંઢાળ કામકાજ સિવાય પણ કશુંક છે જેના લીધે હું, હું બની શકું છું. એના દિલમાં નક્કરપણે એવી લાગણી જાગતી કે હું મારી લાઈફ સાથે કશુંક અર્થપૂર્ણ કરી રહી છું.
બસ, આ જ છે ક્રિયેટિવ જીવન. ક્રિયેટિવ જીવન એટલે વધારે સુખી, વધારે રસમય, વધારે વિશાળ અને વધારે ઈન્ટરેસ્ટિંગ જીવન. એક જમાનામાં તમને હારમોનિયમ શીખવાનો શોખ હતો. તમે પદ્ધતિસર રાગ-રાગિણી શીખવાનું શરૂ કરેલું. તમે રંગ ને પીંછી લઈને ચિત્રકામ કરવા બેસી જતા ને તેમાં કલાકોના કલાકો કાઢી નાંખતા હતા. તમે ડેકોરેશન માટેના હાઈકલાસ શો-પીસ બનાવતા હતા. તમે એક સમયે સરસ બેડમિન્ટન રમતા. તમને લખવાનો શોખ હતો ને તમે એક પુસ્તક લખવાનું પ્લાનિંગ પણ કરી નાંખેલું. આ બધી એવી એક્ટિવિટીઝ હતી જે કરવામાં તમને દિવ્ય આનંદ આવતો હતો. ઈવન આજે એ બધું યાદ આવે છે તો રોમાંચિત થઈ જવાય છે. તો પછી કેમ બધું બંધ કરી નાંખ્યું? કેમ એમાં આગળ વધી ન શકાયું? શું રોકી રાખે છે તમનેે? જવાબ એ છે કે ક્રિયેટિવ જીવન જીવવામાં આપણને જાતજાતના ડર લાગતા હોય છે. જેમ કે આપણને થાય કે -
- મારામાં પૂરતી ટેલેન્ટ નહીં હોય તો? 
- લોકો મારા પર હસશે તો? ગેરસમજ કરશે તો? બિલકુલ નોંધ જ નહીં લે તો? 
- ક્રિયેટિવિટીમાંથી બે પૈસા મળવાના ન હોય તો શું કામ ખોટી માથાકૂટ કરવી? 
- ઓલરેડી કેટલાય ગાયકો-સંગીતકારો-ચિત્રકારો-લેખકો-ખેલાડીઓ અદ્ભુત કામ કરી રહ્યા છે. હું કંઈ એમના કરતાં ચડિયાતું કામ થોડો કરી શકવાનો?
- મારા આઈડિયા કોઈ ચોરી લેશે તો? 
- હું જે કરવા માગું છું એનાથી કોઈના જીવન પર પ્રભાવ પડવાનો ન હોય તો મતલબ શો છે મજૂરી કરવાનો?
- આ બધું કરવા માટે શિસ્ત જોઈએ. મારામાં કયાં શિસ્તનું નામોનિશાન છે? 
- મેં કયાં ટ્રેનિંગ લીધી છે? ટ્રેનિંગ વગર તો શું થઈ શકે?     
- આ બધું કરવાથી મારા પરિવારના લોકો નારાજ થશે તો? ચીડાશે તો?
- મારું બેસ્ટ કામ તો ઓલરેડી થઈ ગયું છે. આના કરતાં વધારે સારું બીજું શંુ કરવાનો? 
- હું વન-હિટ-વંડર બનીને રહી જઈશ તો? 
- હું વન-હિટ-વંડર પણ નહીં બની શકું તો?
'ડિયેરેસ્ટ ડર, જો, હું અને ક્રિએટિવિટી, સાથે રોડટ્રિપ પર નીકળવાનાં છીએ. હું માની લઉં છું કે તું પણ અમારી સાથે જોઈન થઈ જ જઈશ. હું કશુંક સરસ કામ કરવાની હોઉં બરાબર ત્યારે જ હો-હોનો દેકારો કરીને મને ગભરાવી મૂકવાની મોટી જવાબદારી તને સોંપવામાં આવી છે ને આ જવાબદારી પૂરી કરવા માટે જીવ રેડી દઈશ તે ય હું જાણું છું. ભલે. હું તો આ રોડટ્રિપ દરમિયાન મારંુ કામ કરવાની જ છું. શું છે મારું કામ? પુષ્કળ મહેનત કરવી અને ફોકસ્ડ રહેવું. મારી સાથે ક્રિએટિવિટી પણ એનું કામ કરશે. એનું કામ શું છે? ઉત્સાહ અને ઉમંગ ટકાવી રાખવા. તું પરિવારનો હિસ્સો છે એટલે તારું માન જરૂર રાખીશ. તને તારું કામ કરવા દઈશ. કારમાં આપણા ત્રણેય માટે પૂરતી મોકળાશ છે એટલે તને બેસવાની જગ્યા દઈશ, પણ એક વાત કાન ખોલીને સાંભળી લે. આખા રસ્તે તમામ નિર્ણયો તો હું અને ક્રિયેટિવિટી જ લઈશું. કયા રસ્તે જવું, કયાં હોલ્ટ લેવો, કયાંથી બાયપાસ લઈને ફંટાઈ જવું, કયાંથી યુ-ટર્ન મારવો, કારમાં એસી કેટલું તેજ રાખવું - આ બધું માત્ર અને માત્ર હું અને ક્રિયેટિવિટી નક્કી કરીશું. તારે સૂચન પણ નહીં કરવાનું. રોડ-મેપ શું, એફએમ રેડિયોને પણ હાથ નહીં લગાડવાનો. કારનું સ્ટિયરિંગ હાથમાં લેવાનું તો વિચારવાનું પણ નહી, સમજ્યો?'

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (6)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment