Wednesday 30 March 2016

[amdavadis4ever] રૂઢિઓને ફગાવી ન વો ચીલો ચાતર્યો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



માનવી માટે મૃત્યુ અટળ છે, એને આઘું ઠેલી શકાય છે, પણ ટાળી નથી શકાતું. અલબત્ત મૃત્યુ પછીની એવી કેટલીક બાબતો છે જે માનવી ધારે તો ટાળી શકે છે, જેમ કે ધાર્મિક વિધિ કે ઉત્તરક્રિયા. મુલુંડના એક કચ્છી ગુજરાતી પરિવારે આ સંદર્ભમાં એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક વડીલના અવસાન પછી પરિવારે પ્રાર્થનાસભા પણ નહીં રાખવાનો નિર્ણય તાજેતરમાં લીધો. આ નિર્ણય લેવા પાછળનો એકમાત્ર ઉદ્દેશ આ સભામાં શહેરમાંથી તેમ જ શહેરથી દૂર વસતાં સગાં-સંબંધીઓએ ખેંચાઈને એમાં હાજરી આપવા ન આવવું પડે એ હતો. તો બીજી તરફ મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના એક નાનકડા ગામમાં ઉછરેલા અને અત્યારે પરિવાર સાથે અકોલામાં રહેતા અવિનાશ નકાતેએ એક ડગલું આગળ ભરી એ દિશામાં આગેકૂચ કરીને અનોખી પ્રેરણાદાયક મિસાલ પૂરી પાડી છે. વહાલસોયી પત્નીના અવસાન પછી કરવી પડતી ઉત્તરક્રિયાઓ કરવાની તેમણે ઘસીને ના પાડી દીધી અને એ ક્રિયાઓ પાછળ જે નાણાકીય ખર્ચ થવાનો હતો એ પૈસા વિદ્યાર્થીઓના વિકાસ માટે ગામની શાળાને આધુનિક બનાવવા માટે વાપરવાનો નિર્ણય લીધો અને મક્કમપણે અમલમાં સુધ્ધાં મૂક્યો.

મળો અવિનાશ નકાતેને. મહારાષ્ટ્ર રાજ્યના અકોલા જિલ્લાના તાંડલી ગામનો આ સામાન્ય માણસ સાદું, સરળ અને સમાજ માટે ઉપયોગી નીવડી શકાય એવું જીવન જીવી રહ્યો હતો. એવામાં જીવનમાં અચાનક તોફાન આવ્યું, વીજળી ત્રાટકી. ગયા મહિને તેને એક આઘાતજનક સમાચાર મળ્યા. ડૉક્ટરોએ નિદાન કર્યું કે તેની પત્ની રૂપાલીને અઈઞઝઊ કઊઞઊંઊખઈંઅ (છેલ્લા તબક્કાનું બ્લડ કૅન્સર) છે. પત્નીને પારાવાર પ્રેમ કરતા અવિનાશને આ વાત સાંભળીને આંચકો ચોક્કસ લાગ્યો, પણ એ ધ્રૂજી ન ગયો. મક્કમ રહીને, મજબૂત મનોબળ રાખીને પત્નીનો ઈલાજ શરૂ કરી દીધો. જોકે, બહુ મોડું થઇ ગયું હતું અને ગણતરીના દિવસોમાં જ બ્રેઈન હેમરેજ થવાથી રૂપાલીનું અવસાન થયું. જરૂરી સ્વસ્થતા તાબડતોબ મેળવીને અવિનાશે એક નિર્ણય લીધો જેની ગામમાં તો કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. ગામવાસીઓ માટે ચોંકાવનારી કહી શકાય એવી જાહેરાત કરતાં તેણે કહ્યું કે પોતે પત્ની પાછળ કોઈ કરતાં કોઈ પણ પ્રકારની ઉત્તરક્રિયા નહીં કરે. એ વિધિઓ પાછળ જે પૈસાનો ખર્ચ થાત એ પૈસા ગામની શાળાના વિકાસ માટે વાપરશે જેથી વિદ્યાર્થીઓની આવતી કાલ બહેતર બની શકે. લોકો મરનારની આત્માની શાંતિ માટે ઉત્તરક્રિયાઓ કરતા હોવાની માન્યતા છે. અવિનાશે પત્નીની સ્મૃતિ બહુ અનોખી રીતે જનમાનસના હૈયામાં જડાઈ જાય એવું પગલું ભર્યું. પત્નીએ એક વખત વાત વાતમાં તેને કહ્યું હતું કે આપણે આપણા ગામ માટે કોઈ ઉમદા કાર્ય કરવું જોઈએ. આ વાતનો તંતુ પકડીને અવિનાશે પોતાનું બાળપણ જે જિલ્લા પરિષદની શાળામાં વીત્યું હતું એ જ સ્કૂલને ડિજિટલાઈઝ કરવાનો પ્રગતિશીલ નિર્ણય લીધો. જોકે, ચોંકાવનારી વાત એ છે કે પત્નીના અવસાન પહેલા સામજિક કાર્યો કરીને ગામવાસીઓની વાહ અને ચાહ મેળવનાર અવિનાશના આ નિર્ણયને 'વિચિત્ર' ગણાવી ગ્રામજનોએ તેની ટીકા કરી. અલબત્ત શરીરે ખડતલ અવિનાશ માનસિક રીતે પણ એકદમ મજબૂત હતો. એ ન ગભરાયો કે ન વિચલિત થયો અને પોતે નક્કી કરેલી દિશામાં મક્કમપણે આગળ વધતો રહ્યો. છપ્પનની નહીં પણ એકસો છપ્પનની છાતી ધરાવતા અવિનાશે પત્નીના અવસાનના પાંચ જ દિવસ પછી દરેક પ્રકારના વિરોધની પરવા કાર્ય વિના શાળા વિકાસનું કાર્ય શરૂ કરી દીધું. બરોબર બાર દિવસ પછી ૨૨ ફેબ્રુઆરીએ અવિનાશે માતાના હસ્તે ''ડિજિટલ સ્કૂલ તાન્ડલી'નું ઉદ્ઘાટન કર્યું ત્યારે કંઈ કેટલીય આંખોમાં હેરત, વિસ્મય અને આદરના ભાવ ડોકિયાં કરી રહ્યા હતા. મોગલ બાદશાહ શાહજહાંએ બેગમ મુમતાઝના અવસાન પછી એની સ્મૃતિમાં તાજ મહેલ બંધાવ્યો. સ્થાપત્ય કલાની આ બેનમૂન રચના જગતભરના સહેલાણીઓ માટે એક અનોખું નજરાણું બની ગયું. વહાલસોયી પત્નીની સ્મૃતિમાં ગામનાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એક અનોખી શાળા બંધાવીને અવિનાશ શાહજહાં કરતા પણ ઊંચા આસનનો હકદાર બની ગયો છે. આ શાળા કમસે કમ દેશના વિકાસ માટે કંઈ કરી છૂટવા ઈચ્છતા લોકો માટે એક આગવી મિસાલ બની રહે એવી આશા અસ્થાને તો નથી જ.

આ આખીય ઘટના વિષે અવિનાશની પ્રતિક્રિયા બહુ બોલકી છે. 'મને ઈશ્ર્વરમાં શ્રદ્ધા અને વિશ્ર્વાસ છે,' તેનું કહેવું છે, 'પણ આંધળો વિશ્ર્વાસ નથી. વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને આવતી કાલ માટે બીજનું રોપણ કરવું જોઈએ એ વિચારધારામાં હું માનું છું. મારાં સામાજિક કામોમાં મને શક્ય એટલી મદદ કરવા તત્પર રહેતી રૂપાલીએ મને એક વાર કહ્યું હતું કે મારે મારા ગામના ઉત્કર્ષ માટે પણ કંઇક કરવું જોઈએ. જોકે, ત્યારે મેં એની વાત પર ધ્યાન નહોતું આપ્યું, પણ તેના અવસાન પછી એના એ શબ્દો જ શાળા માટે કંઇક કરવા માટેની પ્રેરણા બની ગયા. એ જ સમયે મેં નિર્ધાર કર્યો કે મારાં બાળકોને અકોલાની શાળામાં જે સગવડો મળે છે એવી જ સગવડો મારા ગામની શાળા માટે પણ ઊભી કરીશ. મારી વાત જાણ્યા પછી જો હું ઉત્તરક્રિયાઓ નહીં કરું તો રૂપાલીનો આત્મા ભટકતો રહેશે જેવી કેટલીક વિચિત્ર વાતો કરી મને ડરાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તેમણે રૂપાલીના માતા-પિતાને પણ ઉશ્કેરી જોયા. જોકે, તેઓ મારી પડખે રહ્યાં. ત્યાર બાદ મેં જ્યારે જાહેરાત કરી કે પત્નીના અવસાન પછી જે દોઢ લાખ રૂપિયા ધાર્મિક વિધિઓ અને જમણવાર પાછળ ખર્ચાવાના હતા એ શાળાના વિકાસ માટે વાપરવામાં આવશે ત્યારે સમગ્ર ગામવાસીઓએ અમારા પરિવારનો બહિષ્કાર કર્યો. જે રૂમમાં લોકો હકડેઠઠ જમા થયા હતા એ રૂમ થોડી વારમાં ખાલીખમ થઇ ગયો. અલબત્ત શાળા માટે કરેલું કામ જોયા પછી અને એનું મહત્ત્વ સમજાયા પછી ગામવાસીઓનો હૃદયપલટો થઇ રહ્યો છે. સામે ચાલીને મારી પાસે આવીને કહે છે કે ગામના સેંકડો લોકોના મૃત્યુ પ્રસંગે તેમણે ઉત્તરક્રિયામાં હાજરી આપી છે જે વિધિનો ગામને કોઈ લાભ નથી થયો. મારા આ પગલાથી ગામને ચોક્કસ લાભ થશે એનો તેમને અહેસાસ થઇ ગયો છે. મોટા ભાગના ગામવાસીઓની આંખો હવે ખૂલી ગઈ છે અને મારા પગલે ચાલવાની તેમણે મૌખિક ખાતરી તો આપી છે. મારા માટે પત્નીને આનાથી મોટી બીજી કઈ અંજલિ હોઈ શકે?' 

હા, વાત તો સાચી છે અને જીવનમાં ઉતારવા જેવી. ચાલો આપીએ સદ્ગતને ભાવાંજલિ અને નકાતેને આંગળી ચિંધ્યાનું પુણ્ય.

----------------------------

ઉત્તરક્રિયાના પૈસા ક્યાં વાપર્યા?

બાવીસમી ફેબ્રુઆરીએ શાળાનું ઉદ્ઘાટન થયું એ પહેલાં એની ફેરરચના કરવામાં આવી હતી. અગાઉ આ શાળાની હાલત અત્યંત બિસમાર થઇ ગઇ હોવાથી બાળકો ત્યાં ભણવા નહોતાં આવતાં. ફેરરચનામાં પ્રથમ તો શાળાની દીવાલોના રંગરોગાન કરવામાં આવ્યા. ત્યાર બાદ કમ્પ્યુટર્સ, પ્રોજેક્ટર્સ, વ્હાઇટ બોર્ડ્સ, પંખા, વૉટર પ્યુરિફાયર વગેરે બેસાડવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ફ્લોરિંગ અને કારપેટ ફિટિંગનું કામ કરવામાં આવ્યું. સિવાય અન્ય કેટલીક જરૂરિયાતો માટે પણ પૈસા ફાજલ રાખવામાં આવ્યા. આ બધું જ કામ ઉત્તરક્રિયા માટે વપરાવાના દોઢ લાખ રૂપિયામાંથી કરવામાં આવ્યું હતું. અવિનાશ જ્યારે જિલ્લા પરિષદની શાળામાં ભણતો હતો ત્યારે એક વર્ગમાં ૩૦-૩૫ વિદ્યાર્થીઓ હાજર રહેતા હતા. ત્યાર બાદ પોતાનો સ્વતંત્ર બિઝનેસ સંભાળવા એ અકોલામાં સ્થાયી થયો હતો પણ પોતાના કામ માટે ગામ આવજા કર્યા કરતો હતો. એક તબક્કે તેને જાણવા મળ્યું કે પોતે જે જિલ્લા પરિષદની શાળામાં ભણતો હતો ત્યાં વર્ગમાં આવતા વિદ્યાર્થીની સંખ્યા ઘટીને ૧૦ની થઇ ગઇ હતી. તપાસ કરતાં ખબર પડી કે શાળાની હાલત બિસમાર હોવાથી ઘણા લોકો પોતાનાં બાળકોને ત્યાં ભણવા નહોતા મોકલતા.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment