Thursday, 31 March 2016

[amdavadis4ever] ઘસાઈ ગયેલા શબ્દોને મા ંજીને ચકચક િત બનાવીએ, લપટી પડી ગ યેલી ગુજરાત ી ભાષાને ચ ુસ્ત બનાવીએ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બે-ચાર દિવસ પહેલાં સવારથી મનમાં 'રેંજીપેંજી' શબ્દ ચોંટી ગયો. દિવસ દરમ્યાન નહીં નહીં તો ય પંદરેક વખત યાદ આવ્યો - 'રેંજીપેંજી'. એક્ચ્યુઅલી, આ શબ્દ મારી વૉકેબ્યુલરીનો નથી, પણ મઝાનો છે. એનો ધ્વનિ, એનો અર્થ. એના પરથી એક આઈડિયા આવ્યો. નવજીવને પ્રગટ કરેલો ગુજરાતી ભાષાનો સાર્થ ગુજરાતી જોડણીકોશ એક વખત આખો વાંચી જવો જોઈએ. કેટલાં પાનાં હશે? મારી પાસે એની ૨૦૦૬માં પ્રગટ થયેલી આવૃત્તિ છે, જેમાં પુરવણી સહિત મોટી સાઈઝનાં ૧૦૨૪ પાનાં છે. એ ઉપરાંત એની કેટલીક જૂની આવૃત્તિઓ પણ છે જેમાંની ૧૯૬૭માં પ્રગટ થયેલી આવૃત્તિ બહુ ચાલી. સાર્થ ગુજરાતી જોડણીકોશની ૧૯૩૭માં પ્રગટ થયેલી આવૃત્તિ પણ મારી કને છે જે મને વારસામાં મળેલી છે. એમાં ૬૧૬ પાનાં છે. હં, તો હું એમ કહેતો હતો કે 'રેંજીપેંજી' શબ્દ જે રીતે મારા મનમાં ચિપકી ગયો એના પરથી મને વિચાર આવ્યો કે મારી વૉકેબ્યુલરીની બહાર જે શબ્દો છે, મારા રોજેરોજના બોલવામાં - લખવામાં કે વિચારવામાં પણ જે શબ્દોનું સ્થાન નથી તે શબ્દો સુધી પહોંચવા માટે આખો સાર્થ ગુજરાતી જોડણીકોશ એક વખત સળંગ અને શબ્દશ: વાંચી જવો જોઈએ એવો મને વિચાર આવ્યો. આવો વિચાર અગાઉ બે વાર આવ્યો હતો પણ એનું કારણ જુદું હતું. પત્રકારત્વમાં મારા આરાધ્ય દેવ અને ગુજરાતી પત્રકારત્વમાં જેમણે ગાંધીયુગનું સર્જન કર્યું તે સ્વ. હસમુખ ચીમનલાલ ગાંધીએ એક વખત કહ્યું હતું કે એ જ્યારે 'જન્મભૂમિ'માં અનુવાદક તરીકેની સબ-ઍડિટરની નોકરી કરતા હતા ત્યારે એમણે આખો સાર્થ ગુજરાતી જોડણીકોશ વાંચ્યો હતો.

જોકે, તમારા શબ્દભંડોળની વિપુલતા કે મર્યાદાને સાર્થ ગુજરાતી જોડણીકોશના વાંચન સાથે કંઈ લેવાદેવા નથી હોતી. ફૉર ધૅટ મેટર તમારી પાસે લિમિટેડ શબ્દભંડોળ કે મર્યાદિત વૉકેબ્યુલરી હોય તો તમે ઓછા સારા લેખક અને તમારાં લખાણોમાં અનેક નવા નવા શબ્દો આવે તો તમે ઘણા મોટા લેખક એવું પણ નથી હોતું. ઝાકમઝોળભર્યા શબ્દોનો વઘાર કરીને વાસી વિચારો તથા ઈર્રિલેવન્ટ માહિતી પીરસનારાઓ આપણે ત્યાં ડાઈમ અ ડઝન લેખકો છે. અગત્યનું એ છે કે તમે જે શબ્દો વાપરો છો તેના દ્વારા અલ્ટીમેટલી કહો છો શું વાચકોને. લપટા થઈ ગયેલા શબ્દોને ફરીથી ચુસ્ત બનાવીને વાપરતા કે પછી ઘસાઈને ઝાંખા પડી ગયેલા શબ્દોને ફરીથી માંજીને ચકચકિત બનાવીને વાપરનારા લેખકો માટે મને અપાર માન છે, માટે જ હું સ્વામી આનંદના ગદ્યનો આશિક છું અને માટે જ મને હસમુખ ગાંધીનું પત્રકારત્વનું લખાણ તેમ જ અશ્ર્વિની ભટ્ટનું ફિક્શનનું લખાણ તથા ચંદ્રકાન્ત બક્ષીનું એક કૉલમનિસ્ટ તરીકેનું લખાણ બેહદ પસંદ છે. મને જ નહીં, બીજા લાખો ગુજરાતી વાચકોને પસંદ છે. જોકે, ગાંધીભાઈ - અશ્ર્વિનીભાઈ અને બક્ષીસા'બની છઠ્ઠી કાર્બન કૉપીની છત્રીસમી ફોટોકોપી જેવાં લખાણો જ્યારે જ્યારે લખાય છે ત્યારે મને સૂગ ચડે છે. તમારા મનગમતા ગાયક, ઍકટરોની નકલ કરીને તમે બહુ બહુ તો મિમિક્રી આર્ટિસ્ટ બની શકો અને લોકોનું સ્થૂળ મનોરંજન કરી શકો. બસ, એટલું જ. સ્વતંત્ર પ્રતિભા ધરાવતા કળાકારો એક, બે કે ત્રણ વર્ષમાં જ આવી નકલખોરીમાંથી બહાર નીકળીને પોતાની પ્રતિભાના જોરે આગળ વધતા હોય છે જેમ કિશોરકુમાર અને મૂકેશ સાયગલના પ્રભાવમાંથી બહાર આવીને સ્વયંપ્રકાશે ઝગારા મારતા થયા એમ. ઓહો, આવા તો કંઈ કેટલાય દાખલાઓ કળાના હર એક ક્ષેત્રમાં આપી શકાય.

તો સાર્થ ગુજરાતી જોડણીકોશ વાંચવાનો વિચાર આવ્યો, પણ એ કંઈ મૌલિક કે પ્રથમ વાર તો નથી એટલું મારે તમને કહેવું હતું. શબ્દકોશની સૃષ્ટિ નિરાળી હોય છે. વીસ વરસ પહેલાં આ જ કૉલમમાં મેં 'અભિભૂત' અને 'ખખડધજ' જેવા શબ્દો આપણે જે અર્થમાં વાપરીએ છીએ તેના કરતાં તદ્દન જુદા જ અર્થ સાર્થ ગુજરાતી જોડણીકોશમાં આપ્યા છે એ વિશે એક વિગતવાર લેખ બીજા ઘણા શબ્દોને સાંકળીને લખ્યો હતો. સ્વામી આનંદે તો 'જૂની મૂડી' નામે ચલણની બહાર થઈ ગયેલા ગુજરાતી શબ્દોનો એક આખો નાનકડો કોશ તૈયાર કર્યો છે.

મારો વિચાર એવો છે કે રોજ સાર્થ ગુજરાતી જોડણીકોશના થોડાં થોડાં પાનાં વાંચવાનાં અને એમાંથી જે શબ્દો મારા કોઈ પણ વ્યવહારમાં વપરાતા ન હોય એને અલગ તારવવાના. શક્ય છે કે એમાંના ઘણા શબ્દો મેં વારંવાર વાંચ્યા હોય, એના અર્થ પણ ખબર હોય પણ લખતી - બોલતી - વિચારતી વખતે એ જાણી જોઈને ન વાપરતો હોઉં. અને શક્ય એ પણ છે કે એવા કેટલાય શબ્દો એવા હશે જે મને વાપરવાની મઝા આવે. આવી યાદી તૈયાર કરીને શું કરવાનું?

નાનપણમાં મા પોતાના કબાટમાં છુપાવેલી પાર્લેની ઑરેન્જ પિપરમિન્ટને રોજ એક-એક કરીને મુઠ્ઠીમાં વાળીને છુમંતર બોલાવીને ફુંક મરાવીને તમને આપતી એ રીતે રોજના લેખમાં આવું એક - એક છુમંતર વણી લેવાનું. મઝા પડે. કયારથી શરૂ કરીશ એની ખબર નથી, પણ જ્યારે આરંભ થશે ત્યારે તમને ખબર પડી જશે, કારણ કે લેખમાં પહેલો શબ્દ તો હું 'રેંજીપેંજી' જ વણી લેવાનો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment