Wednesday 30 March 2016

[amdavadis4ever] નાનકડી બાબતો ક્યારેક બહુ મ ોટા ખુલાસા ભણ ી દોરી જાય છે!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ચારેક મહિના પહેલાં તેરમી નવેમ્બરે પેરિસમાં એકસો દસ માણસોના જાન લેનારા આતંકી હુમલાના એક આરોપી સાલાહ અબ્દેસ્લામ ગયા અઠવાડિયે બ્રસેલ્સમાંથી પકડાયાના સમાચાર આવ્યા છે. ગયા અઠવાડિયે ફ્રેન્ચ અને બેલ્જિયન પોલીસે બ્રસેલ્સના એક વિસ્તારમાં ત્રાસવાદીના અડ્ડા જેવા ઘર ઉપર છાપો માર્યો હતો. અલબત્ત પોલીસે તો એ ઘર ખાલી હશે એમ ધાર્યું હતું, પરંતુ ત્યાં તો કેટલાક સશસ્ત્ર કટ્ટરવાદીઓ છુપાયા હતા. તેમની કલાશ્નિકોવમાંથી પોલીસની ટીમ તરફ ગોળીઓની વર્ષા થઈ હતી. અને સામસામા ગોળીબારમાં એક જણ માર્યો ગયો હતો જ્યારે બીજા બે ભાગી છૂટ્યા હતા. ત્યાર બાદ પોલીસ ટીમે એ સૂના ઘરની તલાશી લીધી તો ત્યાં તેમને એક ગ્લાસ મળ્યો જેના પર હતી એ આંગળીઓની છાપ જેની તેમને ચાર મહિનાથી તલાશ હતી! હા, એ હતી સાલાહ અબ્દેસ્લામના આંગળાની છાપ. આ એ જ શખસ હતો જેના પર પેરિસ પરના એ ગમખ્વાર હુમલામાં બૉમ્બ બનાવવાના, જિહાદીઓને છુપાવવાના અને તેમને લાવવા માટેનાં વાહનો એરેન્જ કરી આપવાના અને તેમને તાલીમ આપવાના આરોપો છે. એ ઘટનાએ પોલીસને બે વાતની ખાતરી કરાવી દીધી કે પેરિસ પરના આતંકી હુમલામાં સંડોવાયેલો શકમંદ અબ્દેસ્લામ હજુ બ્રસેલ્સમાં જ છે અને બીજું કે અહીંના સ્થાનિક લોકો તેને છુપાવામાં મદદ કરી રહ્યા છે. 

ત્યારથી પોલીસે અબ્દેસ્લામની તપાસને ફરી સક્રિય કરી દીધી હતી. અને ગયા અઠવાડિયાના અંતે અબ્દેસ્લામ પકડાયો ત્યારે તેમની શંકા સાચી ઠરી હતી. પેલા ગ્લાસ પરના આંગળાની છાપ તેમને અબ્દેસ્લામ રહેતો હતો એ મોલન્બીક્ એરિયાની નજીકના જ એક વિસ્તારના એક ઘર સુધી દોરી ગઈ. એ ઘર પર નજર રાખતાં પોલીસને ત્યાં ઘણા બધા લોકોને છુપાવવામાં આવ્યા હોવાની શંકા દૃઢ થઈ હતી. તેનું કારણ પણ રસપ્રદ છે. એ ઘરની મહિલાએ એક અસાધારણ મોટી સાઇઝના પિઝાનો ઓર્ડર આપ્યો હતો! અને ખરેખર એ ઘર પર છાપો માર્યો ત્યારે અબ્દેસ્લામ એ મહિલા અને તેના મિત્રો તથા કેટલાંક બાળકો સાથે ચા-નાસ્તો કરતો મળી આવ્યો હતો! પકડાયેલા અબ્દેસ્લામે એવું કબૂલ્યું હોવાનું કહેવાય છે કે પેરિસ જેવા અન્ય હુમલા બ્રસેલ્સમાંથી કરવાની એ તૈયારી કરી રહ્યો છે!

આ ઘટના ટાંકવાનું કારણ એટલું જ છે કે નાની-નાની વિગતો પણ ક્યારેક કેટલી મોટી મોટી બાબતો પરથી પર્દો ઊંચકી દેતી હોય છે! ખાલી ઘરમાં પડેલો એકાદ ગ્લાસ અને પછી એક અસાધારણ મોટી સાઇઝનો પિઝા કોઇ હુમલાખોરને પકડવામાં અગત્યની કડી પુરવાર થઈ શકે છે. કોઇ કદાચ આ વાંચીને કહી શકે: ' એમાં શું મોટી વાત છે? પોલીસનું કામ હતું શોધવાનું તે એવી ઝીણવટ રાખવી જ પડેને! નહીં તો ક્યાંથી શોધી શકે ગુનેગારોને!' વાત સાચી છે, પણ આ ઝીણવટ કે બારીકાઈ કે ચોકસાઈ- એને જે નામ આપીએ, તેની જરૂર માત્ર પોલીસના જ કામમાં પડે? માફ કરજો, એવું નથી. એની જરૂર મારા, તમારા, સૌના કામમાં એટલી જ છે. અને માત્ર પ્રોફેશનલ જ નહીં, પર્સનલ મોરચે પણ આપણા દરેક કામમાં એટલી જ પડે છે. એટલું જ નહીં, ઘરમાં રહેતી વ્યક્તિઓ કે ઑફિસમાં કે કોઇ પણ વર્કપ્લેસમાં સાથે કામ કરતાં કલિગ્સ, સિનિયર્સ કે જેમની સાથે કામ પડતું હોય એ બહારના વ્યવસાયીઓ સાથેના ડીલિંગ્સમાં પણ એટલા જ વિજિલન્ટ રહેવાની આવશ્યકતા હોય છે. 

મૅનેજમેન્ટ નિષ્ણાતોનાં કે સફળ ઉદ્યોગપતિને સાંભળીએ કે તેમનાં લખાણો વાંચીએ ત્યારે આ વાતની પ્રતીતિ મળતી જ રહે છે. જે વ્યક્તિઓ પોતાના કાર્યમાં નાની-નાની બાબતો પ્રત્યે ચોક્કસ રહી હોય છે તેમનો કેરિયર ગ્રાફ જુદો હોવાનો જ. હમણાં થોડા સમય પહેલાં આપણા બહુ જાણીતા અને મજાના શાયર ખલીલ ધનતેજવી પાસેથી એક સરસ વાત સાંભળી હતી એ યાદ આવે છે. ખલીલભાઈને માત્ર શાયર તરીકે ઓળખનારાઓને ખબર નહીં હોય કે તેઓ એક નામાંકિત અને બળકટ શાયરનો દરજ્જો પામ્યા ત્યાં સુધીમાં તેમણે રેસ્ટોરાંમાં વેઇટરની નોકરીથી માંડીને ઍકાઉન્ટન્ટ સુધીનાં અનેક નાનાં-મોટાં કામ કર્યાં છે. વડોદરાના આ શાયરનો જન્મ એક નાનકડા ગામના સામાન્ય પરિવારમાં થયો હતો. આર્થિક સ્થિતિ એવી નહોતી કે ઝાઝું ભણી શકે પણ ભાષાની અમીરી જન્મજાત હતી. નાનપણથી વાંચવા-લખવાનો શોખ. એટલે ગામમાં કોઇને લખવાનું કંઇક કામ પડે તો તેમની એ કાબેલિયત કામે લાગે. નાનાં-મોટાં કામ કરીને થોડી આવક ઊભી કરતા. તેમાંથી જ સમય જતાં એક મિત્ર સાથે એક મેગેઝિન શરૂ કર્યું અને એક વાર એ મેગેઝિન માટે જાહેરખબર માગવા વડોદરાના એક મોટા માણસ પાસે ગયા. નાણાકીય સેવા આપતો વ્યવસાય કરતી એ કંપનીના માલિકને મળવા પહોંચી ગયા. પણ એમ કંઇ એવડી મોટી કંપનીના માલિકને થોડું મળી શકાય? ખાસ્સા ધક્કા ખાવા પડ્યા. આખરે એક વાર તેમની મુલાકાત થઈ. શું કામ છે? શાથી આવ્યા છો? શું કરો છો? એવા સવાલ-જવાબો થયા અને ખલીલભાઈએ પોતાનું મેગેઝિન આપીને જાહેરખબર માટે વિનંતી કરી. શેઠે કહ્યું કે તમારા આ મેગેઝિનમાં જાહેરખબર આપવામાં મને શું લાભ? ખલીલભાઈએ કહ્યું લાભ અમને થશે કે આટલા મોટા માણસે જાહેરખબર આપી છે તો બીજાઓ પણ આપશે. 

શેઠે થોડા દિવસ પછી આવવા કહ્યું. એ પ્રમાણે ફરી ગયા. ફરી શેઠે એ જ સૂચના આપી. ફરી ગયા. એમ ચારેક વાર ગયા પછી છેલ્લી મુલાકાતમાં શેઠે જાહેરખબર આપી. અને સાથે એક ઓફર કરી. શું હતી એ ઓફર? પોતાને ત્યાં મેનેજરની નોકરીની ઓફર! ખલીલભાઈને પણ એ મજાક લાગી હતી. પણ નોકરીમાં એક મહિનો પૂરો થયો ત્યારે તેમણે શેઠને પૂછ્યું હતું કે મારું કોઇ ભણતર નથી, અનુભવ નથી ને તમે મને આ નોકરી કેમ આપી? ત્યારે શેઠે કહેલું કે મારા જેવા શેઠ પાસેથી આ ડુચ્ચા જેવા ચોપાનિયામાં જાહેરખબર પડાવી જાય એ માણસ મને કાબેલ લાગ્યો અને મારે તમારી આ કાબેલિયતનો ઉપયોગ મારી ઑફિસમાં કરવો હતો. અને ખરેખર ખલીલભાઈ નોકરીએ રહ્યા ત્યારથી ઘણા પ્રશ્ર્નો અને સમસ્યાઓ શેઠની પાસે આવતાં બંધ થઈ ગયા, કેમ કે એ ખલીલભાઈ જ ઉકેલી નાખતા હતા. શેઠને બીજા અગત્યનાં કામો માટે સમય મળવા લાગ્યો. શેઠની બારીક નજર ફાલતુ કામ માટે પોતાની પાસે આવેલા માણસના પોટેન્શિયલને પારખવામાં કામ લાગી હતી. ટાઇપ્ડ બાયોડેટા વાંચતી વખતે જે બારીકાઈ રાખવી પડે તેના કરતાં અનેક્ગણી વધુ બારીકાઈની જરૂર આવા અનટેપ્ડ પોટેન્શિયલને પારખવામાં પડતી હોય છે. શું કહો છો? નાની-નાની વાતને 'ફાલતુ' કહીને ઉડાવી દેનારા કે એવી આદત ધરાવનારને 'વેદિયા' કહેનારા કદાચ સહમત ન થાય!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment