Tuesday, 29 March 2016

[amdavadis4ever] સાવધાન! સેલ્ફી લેવી સહેલી નથી! - Gujarati

 




Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સાવધાન! સેલ્ફી લેવી સહેલી નથી!
 
 
ઉઘાડી બારી - ડૉ. દિનકર જોશી
 
સેલ્ફી શબ્દ પહેલી વાર કાને પડ્યો ત્યારે એનો અર્થ મને મુદ્દલ સમજાયો નહીં. સેલ્ફ શબ્દ જૂના પાંચમા ધોરણમાં અંગ્રેજીનો પાઠ શીખવતા શિક્ષકે એક નવા શબ્દ તરીકે શીખવ્યો હતો. ઘડીક તો થયેલું કે સેલ્ફી શબ્દ મારાથી ખોટો સંભળાયો હશે. સેલ્ફ અકારાંત એટલે નર જાતિ અને સેલ્ફી ઈકારાંત એટલે નારી જાતિ. એટલું થયું કે આમાં ક્યાંક ભાષાની પ્રગતિ થઈ હોય અને નર પોતાને સેલ્ફ કહેવડાવે અને નારી પોતાને સેલ્ફી કહેવડાવે એવો કોઈક અલ્ટ્રા મોડર્ન વિકાસ હશે, પણ પછી લોકસભાની ચૂંટણી વેળાએ નરેન્દ્ર મોદીનું નામ સેલ્ફી સાથે સંકળાયું ત્યારે મને લાગ્યું કે કશીક ગરબડ થાય છે. સેલ્ફી જો માદા હોય તો નરેન્દ્રભાઈનું નામ એની સાથે શી રીતે સંકળાય? કોઈક ચૂંટણી મતદાન કેન્દ્ર પાસે નરેન્દ્રભાઈ સેલ્ફી લેતા હતા એ એમના વિરોધીઓથી સહન થયું નહીં અને પછી ચૂંટણીપંચને ફરિયાદ કરી એ આખો હોબાળો જાણવામાં આવ્યો ત્યારે સમજાયું આ સેલ્ફી શું છે અને સેલ્ફી લેવાથી કેવાં કેવાં જોખમો ઉઠાવવાં પડે છે.
જાતને જોવી એ સહુથી અઘરું કામ છે અને આ અઘરું કામ સેલ્ફીના પડીકામાં વીંટીને આપણે સહેલું કરી નાખ્યું છે. બન્યું છે એવું કે હવે, ગઈ કાલે જે સાવ સહેલાં લાગતાં હતાં એ બધાં કામો આપણે અઘરાં કરી નાખ્યા છે અને ગઈ કાલે જે કામ બહુ અઘરાં લાગતા હતા એને આપણે સાવ સહેલાં કરી નાખ્યાં છે. ગઈ કાલે ટેલિફોન આખા મકાનમાં એક ઘરે હતો, ક્યારેક આખી શેરીમાં એક જ જણ પાસે ટેલિફોન હતો. બહારગામ ટેલિફોન કરવો હોય તો પોસ્ટ ઑફિસે જઈને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડતું. આજે આ બધી વાત નવી પેઢી મુદ્દલ માનશે નહીં. ટેલિફોન તો ઠીક પણ હવે હજારો માઈલ દૂર સામસામે બેસીને વીડિયો ચેટિંગ કરી શકાય છે. મુંબઈથી અમદાવાદ પહોંચતાં દિવસો વહી જતાં. આજે એક કલાકમાં પહોંચી શકાય છે. ગઈ કાલે કાશી કે ગોકુળ, મથુરા તો ઠીક, નાસિક જવું એય જાતરા ગણાતી. આજે દુનિયાનો કોઈ ભાગ આપણને વિદેશ સુધ્ધાં લાગતો નથી. બધાં અઘરાં કામો સહેલાં થઈ ગયાં.
સહેલાઈથી સેલ્ફી લેનારાઓએ આ ઘર હવે રહેવા દીધું નથી. દાદા-દાદી, માતા-પિતા, કાકા-કાકી, ભાઈ-ભાભી અહીં સુધી તો ઠીક છે, પણ હવે પતિ-પત્ની સુધ્ધાં એક છાપરા નીચે રહે છે ખરાં? એક રસોડે જમે છે ખરાં? સંતાનો માતા-પિતા સાથે એક પંગતે બેસીને જમતાં હોય એવી સેલ્ફી આપણે રહેવા દીધી છે ખરી? કોઈ કુટુંબે એવી સેલ્ફી લીધી છે ખરી કે રેશનકાર્ડમાં એક કુટુંબ તરીકે જે કોઈનાં નામ છે એ બધાં ચોવીસ કલાકમાં પરસ્પર સાથે કેટલી વાતો કરે છે? ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે પોતાનાં સ્મરણોમાં લખ્યું છે કે એમનાં લંડન નિવાસ દરમિયાન તેઓ જે ઘરે રહેતા હતા એ ઘરના યજમાન ડૉ. સ્કોટ અને એમનાં પત્ની પરસ્પર વાતો કરતાં એ કરતાં વધુ વાર એ એમના પાલતુ કૂતરા સાથે વાતો કરતાં. જોકે આપણા સરેરાશ પરિવારોમાં આવો પાલતુ કૂતરો છે નહીં પણ એની ખોટ ટેલિવિઝને પૂરી કરી છે. ડ્રોંઈગ રૂમ ગૃહિણીની સાચી સેલ્ફી નથી. રસોડામાં રાખેલા ફ્રીઝમાં કેટલા દિવસનો વાસી વધ્યોઘટ્યો ખોરાક જમા થયો છે એ એની સાચી સેલ્ફી છે.
શાળાના અભ્યાસ દરમિયાન ગઈ કાલે કોઈનેય પ્રાઈવેટ ટ્યુશનની જરૂર નહોતી લાગતી. આવું પ્રાઈવેટ ટ્યુશન લેનાર અને દેનાર બંને તિરસ્કારપાત્ર ગણાતા. 'ટ્યુશનિયા' શબ્દ વિદ્યાર્થી અને શિક્ષક બંને માટે લજ્જાસ્પદ મનાતો. આ સેલ્ફી તમને યાદ છે? તમે જોઈ છે? તમે આવી સેલ્ફી કોઈ વાર લીધી છે? હવે આજની સેલ્ફી જુઓ. ભણવા માટે હવે શાળા-કોલેજની જરૂર નથી. જેઓ ટ્યુશન કલાસમાં નથી જતાં એવા વિદ્યાર્થીઓ શોધ્યા ય નહીં જડે. શાળાકોલેજો અને ટ્યુશન કલાસેસ ચલાવતા 'સર' લોકો પરસ્પર ભાઈબંધી કરે છે. આ ભાઈબંધો સાથે મળીને મા સરસ્વતીની ઉપાસના કરે છે. આજની સેલ્ફી આ છે. આ સેલ્ફી તમારા મોબાઈલમાં ક્લિક કરીને ઘડીક જુઓ તો ખરા. તમે કેવા રૂપરૂપનો અંબાર લાગો છો એનો તમને ખ્યાલ આવી જશે.
૬૦ વરસ પહેલાં જ્યારે મુંબઈ ભાવનગરની હવાઈ ટિકિટનો ભાવ ૬૫ રૂપિયા હતો ત્યારે મારાં દાદીમાને સાંતાક્રુઝ ઍરપોર્ટ પરથી હું વિમાનમાં બેસાડવા ગયો હતો. જે રીતે આજે રેલવે કોચમાં કોઈને આપણે મૂકવા જઈએ છીએ એ જ રીતે કશી પણ પૂછપરછ કે તરતપાસ વિના હું દાદીમાને બારી પાસેની બેઠક ઉપર મૂકી આવ્યો હતો અને ઍરહોસ્ટેસને ભલામણ પણ કરી હતી કે આ માજીને લેવા માટે ભાવનગર હવાઈ મથકે જે આવે એમને સોંપી દેજે. હવે આજે જે સેલ્ફી નજરે પડે છે એ જોતાંવેંત ધ્રુજારી નથી આવતી? સર સામાન તો ઠીક, ખિસ્સાં પાકીટ અને જૂતાં પણ કઢાવે એય સ્વીકાર્યું પણ ક્યારેક કપડાં સુધ્ધાં ઍરપોર્ટ ઉપર ઊતરાવે છે ત્યારે આ સેલ્ફી કેવી લાગે છે? સહજતા અને સરળતા સાથે જટિલતાને સાંકળી દેવી એ શું પ્રગતિ છે?

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment