Monday, 28 November 2016

[amdavadis4ever] સુખ અને દુ:ખ બંન ે અંતિમો પર પ્રભુ નું શરણ જિનદર્શન - મહેન્દ્ર પુનાતર

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ભીડ પડે ત્યારે ભગવાન યાદ આવે છે. સુખ અને દુ:ખ બંને અંતિમો પર પ્રભુનું સ્મરણ થાય છે. વધારે પડતું સુખ અને વધારે પડતું દુ:ખ માણસના અંતરમનને ઢંઢોળે છે, પરંતુ સુખની ચરમસીમામાં સંસારની અસારતાનો ખ્યાલ આવે છે. સાંસારિક અર્થમાં જે સુખી માણસો હોય છે તેને એક ન એક દિન બોધ થાય છે કે કહેવાતા સુખમાં કોઈ સાર નથી. દુ:ખી માણસોને એવો ખ્યાલ આવતો નથી. દુ:ખી તો એ આશામાં જીવે છે કે પ્રભુનું સ્મરણ કરવાથી સુખ મળી જશે અને બધું ઠીકઠાક થઈ રહેશે. દુ:ખી માણસોની આશા જીવંત હોય છે. જ્યારે સુખી માણસોની આશાની જ્યોતિ ખોવાઈ ગઈ હોય છે. એટલે સુખી માણસો માટે ધાર્મિક યાત્રા પર નીકળવાનું અને સંસારનો ત્યાગ કરવાનું સરળ બની જાય છે. મહાવીર અને બુદ્ધ પાસે શું નહોતું. તેઓ મોટા સામ્રાજ્યના માલિક હતા. તમામ જાતના સુખ અને વૈભવ હતો. તેઓ આ બધું છોડી શક્યા કારણ કે તેમને ખ્યાલ આવી ગયો હતો કે આ બધા સુખનો કોઈ અર્થ નથી. આ બધા દુન્યવી સુખોમાં કોઈ સાર નથી. આ બધું કાયમના માટે ટકી રહેવાનું નથી. એક ને એક દિન તેનો નાશ થવાનો છે. એટલે તેઓ શાશ્ર્વત સુખની શોધમાં આ બધાનો ત્યાગ કરીને નીકળી પડ્યા અને તેમની આ યાત્રા સરળ બની ગઈ.

કોઈપણ વસ્તુ જ્યાં સુધી મળતી નથી ત્યાં સુધી તેનું આકર્ષણ રહે છે. મળી ગયા પછી તેનું મૂલ્ય રહેતું નથી. આપણી પાસે કહેવાતા બધા સુખો હોય. આમછતાં અંતરનું સુખ ન હોય તો એક વાત સાફ થઈ ગઈ કે આ સંસારમાં આપણે જેને સુખ કહીએ છીએ તે દુ:ખ સિવાય બીજું કશું નથી. બહારથી બધું ભેગું કરી લીધા પછી ભ્રમ તૂટી જાય છે. સ્વપ્નો વેરવિખેર થઈ જાય છે અને બધું મેળવવા છતાં ખાલિપો અનુભવાય છે. પારિવારિક શાંતિ અને પ્રેમ મળતો નથી ત્યારે માણસની આંખો ખૂલે છે અને સત્ય સમજાય છે કે જિંદગીભર જેના માટે દોડાદોડ કરી તેનો જીવનમાં કોઈ અર્થ નથી.

ધન, દોલત, સત્તા અને વૈભવ મળ્યા પછી સુખ મળશે. તેની કોઈ ખાતરી નથી. આ બધું પ્રાપ્ત કરવા માણસ જિંદગીભર ઝઝૂમે છે પણ સુખ અને શાંતિ મળતા નથી ત્યારે તેને આ બધા કહેવાતા સુખોની અસારતાનો ખ્યાલ આવે છે. એક વાત નિશ્ર્ચિત છે. માત્ર પૈસાથી સુખ મળે નહીં. સુખ અંતરનું છે તે દરેક માણસ પાસે છે અને તે જાતે મેળવવાનું રહે છે. પૈસા સગવડતાઓ આપી શકે, સુખ નહીં. ધન-દોલતથી જો સુખ મળતું હોત તો બધા શ્રીમંત માણસો સુખી હોત. શ્રીમંતોને પણ તેમના પ્રશ્ર્નો છે. તેમની ચિંતા છે ધન કેટલીક વખત સુખ કરતાં દુ:ખ ઊભું કરે છે. વધુ છે ત્યાં વધુ લોભ છે. વધુ સ્વાર્થ છે. પૈસો માણસને જંપવા દેતો નથી. સુખ અને દુ:ખ બંનેમાં તનાવ છે. સુખમાં માણસ છલકી જાય છે અને દુ:ખમાં હતાશ અને નિરાશ બને છે.

સુખની સાચી સંપદા ભીતરમાં છે અને આપણે તેને બહાર શોધીએ છીએ. સૂફી સંત શિરોમણીઓમાં રાબિયાનું નામ ખૂબ મશહૂર હતું. તે સ્ત્રી હતી પણ સૌ કોઈ તેને મન અને આદરથી જોતા હતા. તે લોકોને સાચું સુખ શું છે તે સમજાવતી હતી. તેનો તરીકો અલગ હતો. તે ઉપદેશ ઓછો આપતી હતી પણ કશીક એવી હરકતો કરતી રહેતી હતી જેથી લોકોને સાચી વાત સમજાય. એક દિવસ તે ઘરની બહાર કશુંક શોધતી હતી. લોકોને થયું કાંઈક કીમતી વસ્તુ ખોવાઈ ગઈ લાગે છે. એટલે તેઓ પણ તેની સાથે શોધવા લાગ્યા. થોડીવાર થઈ પછી એક માણસે પૂછયું શું ખોવાઈ ગયું છે? રાબિયાએ કહ્યું: મારી સોય ખોવાઈ ગઈ છે પણ જડતી નથી. લોકો પાછા બારીક નજરે જોવા લાગ્યા. નાની એવી સોય એમ થોડી જડે? વળી પાછું એક જણે પૂછયું રાબિયા સોય ક્યાં ખોવાઈ છે તે ચોક્કસ જગ્યા બતાવ તો શોધવામાં મદદ રહે. રાબિયાએ કહ્યું: સોય ઘરમાં ખોવાઈ છે. લોકોએ કહ્યું: રાબિયા, તું કેવી છો. સોય અંદર ખોવાઈ ગઈ છે અને તું બહાર શોધી રહી છો. રાબિયાએ કહ્યું: હું પણ તમને એ જ સમજાવી રહી છું કે જે ભીતરમાં છે તેને તમે બહાર શોધી રહ્યા છો. સુખ તમારી અંદર છે અને બહાર ફાંફા મારી રહ્યા છો.

સુખ આપણી પાસે છે. આપણી સંપદા છે તેને બહાર શોધવાની જરૂર નથી. આપણે પ્રેમપૂર્ણ અને આનંદમય બનીએ તો સુખને બહાર આવવાનો માર્ગ મળી જશે. આપણે દુ:ખી છીએ કારણ કે જે મળ્યું છે તેમાં સંતોષ નથી અને જે નથી મળ્યું તેનો વલોપાત છે. ક્રોધ, માન, માયા અને લોભ આ બધા દુ:ખના કારણો છે. સ્વાર્થ આવે છે ત્યારે માણસ ભાન ભૂલે છે. સંબંધોનું કોઈ મૂલ્ય રહેતું નથી. લોભ, લાલચ અને સ્વાર્થના કારણે ઝઘડાઓ થાય છે અને પરિવારો તૂટી પડે છે અને શાંતિ હણાય છે. આ બધું કર્યા પછી માણસ મેળવે છે શું? થોડા પૈસા, થોડી મિલકત પણ કેટલું બધું ગુમાવે છે. તેનો ખ્યાલ રહેતો નથી. સુખ આપણી પાસે છે પણ તેને શોધતા આવડવું જોઈએ. દુ:ખી માણસને જોઈને સમજવું કે તેના સ્વભાવમાં કાંઈક ગડબડ છે. કાંઈક બીમારી છે. કેટલાક લોકો વાતવાતમાં દુ:ખી થાય છે કારણ વગર ચિંતાનો ભાર લઈને ફરતા હોય છે. કેટલાકને વાતવાતમાં માઠું લાગી જાય છે. તો કેટલાક લોકો ઈર્ષા અને અદેખાઈથી પીડિત હોય છે. પૈસાના અભાવે માણસ દુ:ખી છે એવું કાંઈ નથી. પૈસા હોવા છતાં કેટલાક માણસો દુ:ખના પોટલા લઈને ફરતા હોય છે. સુખ માણસનો સ્વભાવ છે. આ સ્વભાવને સચ્ચિદાનંદ કહ્યો છે. આના ત્રણ લક્ષણો છે. સત, ચિત્ત અને આનંદ, સતનો અર્થ જે નાશ પામે નહીં તેવું શાશ્ર્વત. ચિત્તનો અર્થ છે. ચૈતન્ય જાગરણ અને આનંદ તેની પરાકાષ્ઠા છે.

જે માણસ ચૈતન્યમય, જાગૃત અને પ્રેમપૂર્ણ છે તે સાચા સુખ અને આનંદને માણી શકે છે. આ સ્વભાવગત છે, પણ આપણે અસ્વાભાવિક રીતે જીવી રહ્યા છીએ. સ્વાર્થ, લોભ, લાલચ અને અહંકારના કારણે આંખો પર પડળ લાગી ગયા છે અને સાચો રસ્તો મળતો નથી. વૃક્ષો લહેરાય છે. ફૂલો ખીલે છે. ફળો આવે છે. પક્ષીઓ કલરવ કરે છે અને પાંખો પ્રસારીને ગગનમાં ઊડે છે એ જેટલું સ્વાભાવિક છે એટલો જ મનુષ્યનો આનંદ સ્વાભાવિક છે. તમારી પાસે શું છે અને શું નથી તેની સાથે સુખને લેવાદેવા નથી. તમારી અંદર સુખ હશે તો તમે કોઈપણ પરિસ્થિતિમાં આનંદ માણી શકશો. માણસ જેટલું ભેગું કરે છે જેટલો પરિવાર રાખે છે તેટલી ચિંતા વધે છે. પ્રેમ અને ઉદારતા હશે તો કોઈ પણ બાબત દુ:ખી કરી શકશે નહીં.

જીવનની અભિવ્યક્તિ દ્વંદ્વમાં છે. આ દ્વંદ્વો એકબીજા પર આધારિત છે. એટલે બંનેનો સ્વીકાર એ જીવનનો બોધ છે. પ્રકાશ છે તો અંધકાર પણ છે. જનમ છે તો મૃત્યુ પણ છે. સારું છે તો ખરાબ પણ છે. શ્ર્વેતની સાથે શ્યામ, સુંદરતાની સાથે કુરૂપતા સંકળાયેલી છે. આ પરમાત્માનો ખેલ છે. આપણે બંનેનો સ્વીકાર કરવાનો છે. સુખની સાથે દુ:ખ એ જીવનનું સત્ય છે. કોઈ વસ્તુ કાયમી નથી. પરિસ્થિતિ પલટાતી રહે છે. માણસે સમસ્યાઓની વચ્ચે જીવવાનું છે અને તેમાંથી માર્ગ કાઢવાનો છે. અંતરાત્મા સાફ હશે અને ધર્મ પ્રત્યે સાચી શ્રદ્ધા અને વિશ્ર્વાસ હશે તો કોઈપણ બાબત પરેશાન કરી શકશે નહીં. કોઈપણ વસ્તુને આપણે મન પર કઈ રીતે લઈએ છીએ તેના પર બધો આધાર છે. સુખ બધાના સરખા નથી. એકનું સુખ બીજાનું દુ:ખ બની શકે છે. એટલે આપણા સુખ માટે બીજા કોઈને દુ:ખ ન આપવું એ સાચો ધર્મ છે.

જીવનમાં મહેનત અને પરિશ્રમથી જે કાંઈ મળે છે તેનો આનંદ અનોખો છે. વગર મહેનતે - સહેલાઈથી જે મળી જાય છે તેનો આનંદ લાંબો સમય ટકતો નથી. પરમાત્માએ જીવન આપ્યું છે. સહેલાઈથી મળી ગયું છે પણ આપણે અનુગ્રહિત નથી. જન્મની સાથે આપણને શું નથી મળ્યું? કામ કરવા માટે હાથ, ચાલવા માટે પગ, જોવા માટે આંખો, સાંભળવા માટે કાન. આ ઉપરાંત સ્વાદ, સ્પર્શ, લાગણી અનુભૂતિ, સંવેદના, કેટલો બધો ખજાનો મળ્યો છે. જેમને હાથ નથી, પગ નથી, આંખો નથી. તેનો વિચાર કરીએ. કેટલી બધી મુશ્કેલી તેમને પડતી હશે. આપણને હાથ મળ્યા છે પણ સારું કરીએ નહીં. આંખો મળી છે સારું જોઈએ નહીં, કાન મળ્યા છે પણ સારું સાંભળીએ નહીં તો આ બધાનો શો અર્થ છે. પરમાત્માની આ ભેટ છે તેનો સદ્ઉપયોગ થવો જોઈએ.

ઈચ્છા અને વાસનાના આ જગતમાં આપણને જે કાંઈ મળ્યું છે તેનાથી સંતુષ્ટ નથી અને જે નથી મળ્યું. તેનો અફસોસ છે. ઈચ્છાનો કોઈ અંત નથી. ગમે તેટલું મળશે પણ સંતોષ થવાનો નથી. એક ઈચ્છા પૂરી થશે તો બીજી ઈચ્છા જાગશે અને આપણે હતા ત્યાં ને ત્યાં રહીશું. શક્તિ વધતી જશે એમ ઈચ્છા અને વાસનાનું ફલક પણ વિસ્તૃત થશે. ચાલીમાંથી ફલેટમાં, એક બેડરૂમમાંથી બે બેડરૂમમાં, આમ હર મુકામ પર ઓછું લાગશે. વધુ મેળવવાની ઈચ્છા ઊભી થશે. કોઈ માણસ એવો નથી કે 'પ્રભુને કહે હે પરમાત્મા તે મને અપાર સુખ આપ્યું છે. મારે હવે કશું જોઈતું નથી.' ત્યાગીઓ પણ કહી શકતા નથી ત્યારે સામાન્ય માણસનું શું ગજુ છે. મહાવીર અને બુદ્ધ આખું સામ્રાજ્ય છોડી શક્યા. ભિખારી શકોરું પણ છોડી શકતો નથી. ત્યાગ કરવાનું સરળ નથી. દરેક માણસ ધારે તો કાંઈક ને કાંઈક વસ્તુનો ત્યાગ કરી શકે. આ માટે મન મોટું હોવું જોઈએ. વસ્તુઓનો ત્યાગ કરવાનું એટલું મુશ્કેલ નથી પણ ઈચ્છા અને એષણાનો ત્યાગ મુશ્કેલ છે.

ધર્મમાં ત્યાગને છોડવાનું અને ઈચ્છાના બંધનમાંથી મુક્ત થવાનું કહ્યું છે. ત્યાગ મોટો ધર્મ છે. પરિગ્રહના પાપમાંથી મુક્તિ છે છોડ્યા વગર કશું પ્રાપ્ત થઈ શકે નહીં. નકામું ગુમાવીને સાર્થકને મેળવવાનું છે. ત્યાગનો અર્થ એવો નથી કે મારે ધનને છોડવાનું છે ધન છોડ્યા પછી પણ તમે સાચા ત્યાગી બની શકો નહીં. છોડ્યા પછી મન ભરેલું હોય તો તે સાચો ત્યાગ નથી. ઈચ્છાઓ અને વાસનાઓ દૂર ન થાય ત્યાં સુધી મુક્તિ અસંભવ છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment