Friday, 4 March 2016

[amdavadis4ever] વાડ જ ચીભડાં ગળે ત્યારે કો ને કહેવું?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વાડ જ ચીભડાં ગળે ત્યારે કોને કહેવું?

ઘટના અને અર્થઘટન - સોનલ શુક્લ

 

વળી એક મહિલાદિન આવી રહ્યો છે અને વળી પાછા સમારંભો ગોઠવાઈ રહ્યા છે. સાવ વેલેન્ટાઈન્સ ડે બની ગયો છે એવું નથી, કારણ કે ચોરે ને ચૌટે, હાઉસિંગ સોસાયટીઓમાં, ટ્રેનના ડબ્બાઓમાં, ઓફિસોમાં અને મંડળોમાં ઠેક ઠેકાણે સ્ત્રીઓ પોતપોતાની રીતે ઊલટભેર આ દિવસ ઊજવતી દેખાય છે. નારીમુક્તિનાં વિવિધ પાસાને કેન્દ્રમાં રાખતી મહિલાઓ સરઘસ, નારા અને જાહેર મીટિંગો કરી સરકારી નીતિ અને અમલ અંગેની પોતાની માગ જાહેર કરશે.

૧૯મી સદીના ઉત્તરાર્ધથી શરૂ થયેલ નારીઆંદોલને જીવનનાં અનેક પાસાંની છણાવટ કરી જ્યાં જ્યાં અસમાનતા, અન્યાય કે અત્યાચાર દેખાય તે છતાં કર્યાં છે. સ્ત્રીઓ માટે માગ ઉઠાવી છે, પણ સમાજના અન્ય વિભાગ ઉપર જે વીતે છે તેનાથી અળગા રહીને નહીં, પોતાના અગ્રક્રમો રાખવા પડે પણ સ્ત્રીઓ સિવાય કોઈ ઉપર અત્યાચાર નથી થતા એમ તો કેવી રીતે કહેવાય? નારીઆંદોલને ક્યારે પણ એમ નથી કહ્યું કે સ્ત્રી દુષ્ટ, નાલાયક કે આતંકી ન હોઈ શકે. એ આ જ પિતૃસત્તાક અને વર્ગભેદી સમાજની પેદાશ છે તો એ સમાજની સંસ્કૃતિ એણે પચાવી જ હોય. મુખ્ય તો એ જોવાનું છે કે સામાજિક, આર્થિક, ધાર્મિક અને રાજકીય માળખામાં એવું શું શું છે જે સ્ત્રીમુક્તિ માટે, સ્ત્રીસમાનતા માટે અવરોધો ઘડે છે? જે મુક્તિ કે સમાનતા જેવા શબ્દો સ્ત્રીઓ માટે વપરાય ત્યારે ભડકામણા ગણે છે? આ માળખાં, આ સંરચનાઓ જડબેસલાક છે અને છતાં એમને તોડવા અને વ્યાપક દંભો ઉઘાડા પાડવા માટે નિતનવા મુદ્દાઓ આંદોલન ઉઠાવે છે. 

સમાજ સુધારકોએ સ્ત્રીઓ પરની હિંસાના બહુ ઓછા મુદ્દા ઉઠાવેલા. ભૂતકાળ ઉપર નજર ફેરવીએ તો પહેલી વાત આવે છે સતી પ્રથાની, બીજી આવે છે દીકરીનું જનમથી જ ખૂન કરવાની અને ત્રીજી વાત આવે છે બાર વર્ષથી નાની બાળકીઓ ઉપર પતિ દ્વારા બળાત્કારની. શબ્દો કેવા શણગારાય છે? જન્મજાત દીકરીને મારી નાખવી (કેટલાક રાજવી પરિવારોમાં દસ વર્ષ સુધી જીવતી પણ રખાતી પણ સ્ત્રીત્વમાં આવે એટલે મારી નખાતી) એને 'દૂધપીતી' કહેવાનું, બાર વર્ષની ન થાય ત્યાં સુધી એના શરીરનો વાસના સંતોષવા ઉપયોગ ન કરવો તેવા કાયદાનું નામ 'લગ્નવય (ભોગવટો) સંમતિ અધિકાર' એવું નામ આપવામાં આવ્યું, આ બધા સારા સુધારા હતા, પણ એના માટેની દલીલોમાં આ ઘટનાઓના પૃથક્કરણમાં ક્યાંય મગનું નામ પડાતું નથી કે પરિવારોએ, સમાજે, સરકારે અને ધર્મગુરુઓએ સ્ત્રીઓ પરની આવી હિંસા માન્ય રાખેલી, કોઈએ વિરોધ નહોતો કર્યો, સતીપ્રથાને વારસાહક જોડે સંબંધ હતો, કુટુંબની 'ઈજ્જત' જોડે હતો, 'દૂધપીતી'નો દહેજ જોડે એટલે કે લગ્નમાં પુરુષ પક્ષે મગાતા પૈસા જોડે સંબંધ હતો અને નાનકડી છોકરીઓનો સેક્સ માટે ઉપયોગ કરવામાં પૌરષી વાસનાનો મુદ્દો હતો, મોટા ભાગના બાપડા કિશોરો પણ તે વખતે કેટલુંક સમજે? ગાંધીજીની જેમ આવેગોના ગુલામ બને, પણ ત્રીસ-ચાલીસના વરરાજા આઠ વરસની બાળકીને પરણતા તેમનું શું?

ઈન્સેસ્ટ-નિષિધ પારિવારિક સેક્સ

લગભગ બધા જ ધર્મો, જ્ઞાતિઓ અને સમાજોએ લોહીના સંબંધે જોડાયેલ સ્ત્રીપુરુષના સેક્સ સંબંધોની શક્યતાઓનું નિયંત્રણ કરવા પ્રયત્ન કર્યો છે, તે છતાં આ અંગે કામ કરવું અતિશય મુશ્કેલ છે, સ્ત્રીઓ ઉપરના ઘરેલું અત્યાચારોને ઢાંકી દેવાની સતત પેરવીઓ થતી હોય છે. તેમાં ઈન્સેસ્ટ પણ આવી જાય. હજી ગયે અઠવાડિયે જ એક કિસ્સામાં અદાલતે એક બાપની દીકરી સાથેના કુકર્મ માટે અમુક વર્ષોની જેલની સજા વધારીને આજીવન કારાવાસનો ચુકાદો આપી દીધો. નિષેધો જાણીને ઊછરેલા લોકોનો પહેલો અને મુખ્ય પ્રત્યાઘાત હોય છે, 'અરેરે, સગ્ગાબાપ થઈને?' સૌ પ્રથમ કોણે આ કૃત્ય કર્યું તે સાથે જોવાનું કે આ બળાત્કારનો કિસ્સો છે અને બળાત્કારમાં જે રીતે નાની છોકરીઓને છેતરીને, ધાકધમકીથી કે બીજી રીતે ભોગ બનાવાય છે તે જ રીતે અહીં બળાત્કાર થયો છે. આ કસ્ટોડિયન બળાત્કાર છે. જેમ પોતાની હોસ્પિટલમાં ડોક્ટર કરે, પોલીસ સ્ટેશનમાં અધિકારી કરે કે હોસ્ટેલમાં સુપરિન્ટેન્ડન્ટ કરે તે જ રીતે પોતાની કસ્ટડી હેઠળ સત્તાને સ્થાને બેઠેલા એક પુરુષે પોતાના કાયદેસરના રક્ષણ હેઠળની છોકરી કે સ્ત્રી ઉપર કરેલો આ બળાત્કાર છે. 'સગ્ગો બાપ ઊઠીને કરે?'માં એક કબૂલાત છે કે સાવકો બાપ, માસો, ફુઓ, બનેવી, કઝિન કે ક્યારેક કાકો કે મામો કરે તે સમજાય, કારણ કે સૌ જાણે છે કે આવું બધું ચાલ્યા કરે છે અને એની ઉપર મોટે ભાગે ઢાંકપિછોડા થતા જ હોય છે, કેવી ભયાનક ચુપકીદી છાએલી છે!! જેમ રોજરોજ રસ્તે રખડતા છોકરા, વૃદ્ધ ભિખારણો વગેરેથી આપણા દિલ ટેવાઈ ગયાં છે, દર્દ થતું હોય, પણ રોજની વાત થઈ એટલે હવે એનાથી ટેવાઈ ગયા છીએ તેવી જ રીતે બધા જાણે છે કે સ્ત્રીઓ અને છોકરીઓએ પોતાનાથી પણ ડરવાનું છે. 'ગૈર કા ક્યા ગિલા કરે કોઈ હમને અપનોંસે ચોટ ખાઈ હૈ.' 

ઘરમાં ને ઘરમાં કે બૃહદ પરિવારમાં અંદરઅંદર જ છોકરીઓ 'વપરાઈ ન જાય' તે માટે કેટલાક નિષેધો છે. ક્યારેક તે વધીને આખા ગામ કે ગામવર્તુળોને લાગુ પડે છે. મુસ્લિમ, ખ્રિસ્તી અને જરથોસ્તીઓમાં કઝિનોને પરણવા ઉપર અલગ અલગ રીતે છૂટ હોય છે. હિંદુઓમાં બહુ બધી જ્ઞાતિઓ મામા-ફોઈના દીકરી-દીકરાના લગ્ન માન્ય રાખે છે. એક જ અટકવાળાં ઘણાં લગ્નો નિષેધ કરે છે કેમ કે 'એમનું લોહી એક જ હોય.' બ્રાહ્મણો અને બીજી કેટલીક જ્ઞાતિઓમાં સગોત્રીની માથાફોડ હોય છે. અંગ્રેજોએ સગોત્રી લગ્ન માન્ય કરવા કાયદો કરવો પડેલો નહીં તો કોઈ એક ઋષિના 'ગોત્ર'ની છોકરી એ જ ઋષિની બે હજાર વર્ષ પછીથી ઓલાદને ન પરણી શકે, મુસ્લિમ સ્ત્રી એકલી હજ કરવા ન જઈ શકે અને જોડેનો પુરુષ માત્ર તેનો પતિ, પિતા, પુત્ર, સગો ભાઈ કે સગો મામો કે કાકો હોઈ શકે. મામાકાકાનાં સંતાનો જોડે લગ્ન શક્ય હોઈ સેક્સ પણ શક્ય છે એવી કોઈ તકેદારી અહીં હશે. પારિવારિક બળાત્કાર થતો હોય, પિતા કે ભાઈ ઘરની છોકરી ઉપર જબરદસ્તી કરતા હોય ત્યારે બહુ અટપટી સ્થિતિ ઊભી થાય છે. પેલો માણસ જ ઘરનો કર્તાહર્તા હોય, એની ઉપર કેસ કરવાની હિંમત કોની ચાલે? એ જેલમાં જાય તો ઘરના ખાય શું? એક કિસ્સામાં છોકરી જરા બોલ્ડ હતી. બોલવામાં, રમવામાં, હસાહસીમાં પહેલો નંબર એને એક બોયફ્રેન્ડ પણ હતો, ઘણી સોળ-સત્તર-અઢારની છોકરીઓને હોય તેમ, બાપ ગુસ્સે થયો, ફટકારી, એની પણ નવાઈ નથી. ત્યાર પછી એને ઘસડીને માળિયે લઈ ગયો અને ન કરવાનું કર્યું, જાણે કે આ એક સજા હતી. ત્યાર પછી એણે વધુ વાર આવું કર્યું, નીચે એનાં ભાઈબહેન અને માતા સમસમી રહે, માતા દીકરી ઉપર ચિડાય-એમાં વળી છોકરીએ એક બહેનપણીને વાત કરી અને પેલીએ પોતાની માતાને, બંને મૂંઝાઈ ગયેલી હતી પણ વાત ફેલાતી ગઈ ને 'આ તો પહેલેથી જ એવી રખડેલ છે.' વગેરે ટીકાઓ થઈ, પણ બાપનું શું? એ તો નાગો ફત્તેહખાં!! (આ મુસ્લિમ નહોતો પણ હોઈ પણ શકે, બળાત્કારીને વળી નાતધરમ શાં?) આખરે છોકરી બોયફ્રેંડ જોડે ભાગી ગઈ, ક્યાંક મંદિરમાં લગ્ન કરી લીધાં ને બંને ભણવાનું છોડી રોટલો રળે છે, હજી હમણાં જ બીજી એક વાત આવી કે બાપ છોકરી જોડે અડપલાં કરતો હતો, એના અંગોને અડે અને પોતાને પણ ગમે ત્યાં અડવા વગેરે માટે ફોર્સ કરી, મોટી દીકરીને પણ પજવેલી પણ એ ચૂપ રહેલી, એ પરણી ગઈ પછી આ છોકરી ઉપર શરૂઆત થઈ, એની માતાએ પતિને ધમકાવેલો પણ એથી શું વળે? સર્વસત્તાધારી ઘરનો વડો કોનું માને? છોકરીએ કહ્યું છે કે એક સ્થાનિક સ્ત્રીસંસ્થાની તાલીમમાં આવી વાત તો નહોતી નીકળી પણ એને જરા આત્મવિશ્ર્વાસ આવી ગયેલો, એણે કકડાવીને લાત મારી તો પેલો માળિયેથી ગબડી પડ્યો, ત્યાર પછી એણે અડપલાં કર્યા નથી. આપણે પ્રાર્થના કરીએ કે દીકરીઓ આવું કરતી રહે અને સેક્સ શિક્ષણમાં ઈન્સેસ્ટની વાત પણ ઉઠાવાય. 

આ મુદ્દો આટલામાં પતતો નથી, પણ આજે આટલું જ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment