Tuesday, 29 March 2016

[amdavadis4ever] નાપાક પ્રોક્સી યુદ્ધ અને કચ્છ - Gujarati

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નાપાક પ્રોક્સી યુદ્ધ અને કચ્છ
 
 
કચ્છ મુલકજી ગાલ - કીર્તિ ખત્રી
 
આપણે જાણીએ છીએ તેમ ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાનના બે ટુકડા થયા તે પછી એના લશ્કરી આકાઓએ નક્કી કરી લીધું કે ભારત સામે યુદ્ધ તો કયારેય નહીં જીતી શકાય તેથી અન્ય વિકલ્પ વિચારીએ અને એને લીધે પ્રોક્ષી યુદ્ધનું કાવતરું ઘડાયું. '૮૦ના દાયકામાં શરૂઆતમાં પંજાબ અને તે પછી કાશ્મીરમાં એની અજમાયેશ થઇ. પંજાબમાં આતંકવાદી-ભાગલાવાદી ઝુંબેશની પરાકાષ્ટાએ સુવર્ણ મંદિરમાં ભારતીય સેનાનો પ્રવેશ અને ઇન્દિરાજીની હત્યા પછી પરિસ્થિતિ ધીમે ધીમે કાબૂમાં આવી, પણ એ પછી કાશ્મીરમાં અશાંતિ-ભાગલાવાદી આગ શરૂ થઇ તે આજેય ચાલુ છે. આ પ્રકારની ભાગલાવાદી પ્રવૃત્તિ તો જ સફળ નિવડે જો એને સરહદની બંને બાજુ સ્થાનિક લોકોનો ટેકો હોય. પંજાબમાં શરૂઆતમાં સ્થાનિક પ્રજાનો કેટલેકઅંશે સાથ મળ્યો ત્યારે અશાંતિ થઇ, પણ પછી સ્થાનિક પંજાબીઓને સમજાઇ ગયું કે આ તો પાકિસ્તાનની ચડામણી અને કાવતરું જ છે. કચ્છને સંબંધ છે ત્યાં સુધી સરહદની બંને બાજુએ ભાગલાવાદી નેમને બળ મળી શક્યું નહીં. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આમેય પંજાબી શાસકોએ જે ભેદભાવભરી નીતિરીતિઓ અજમાવી હતી તેની સામે સિંધીઓમાં નારાજી હતી. સ્વતંત્ર જીયે સિંધની ચળવળ ચાલી રહી હતી અને તેમાં હિન્દુ-મુસ્લિમ, સિંધી, કચ્છી-ગુજરાતી સૌ સામેલ હતા. વળી, ૧૯૬૫ અને '૭૧ના યુદ્ધ પછી સિંધમાં સ્થાનિક સિંધી પ્રજાની બહુમતી નાબૂદ કરવા માટે પાકિસ્તાનના પંજાબી શાસકોએ બિનસિંધી પ્રજાને મોટાપાયે વસાવી તેની સામેય સખત અસંતોષ હતો. આવા સંજોગોમાં ખાસ કરીને કેટલાક કચ્છી-સિંધી લોકોની માનસિક્તા તો ભારત તરફી હોય એવું ચિત્ર ઊપસી આવ્યું હતું. કેટલાયે પરિવાર જે ભાગલા વખતે પાકિસ્તાન હિજરત કરી ગયા હતા, તેઓ ઊંડે ઊંડે વતન વાપસી ઝંખતા હતા. તો કચ્છની પ્રજાને સંબંધ છે ત્યાં સુધી એની ઐતિહાસિક કોમી એક્તાના મૂળ ઊંડે સુધી ખૂંપેલા હતા અને પ્રજા હળીમળીને રહેતી હતી તેથી નાપાક ઇરાદાઓને ખુલ્લો ટેકો મળવાની શક્યતા બિલકુલ નહોતી.
આમ છતાં '૮૦ના દાયકાના આરંભે કચ્છની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અને અન્ય સંજોગો એવા હતા કે નાપાક એજન્સીને એમાં અનુકૂળતા લાગી. કચ્છમાં બેફામ દાણચોરી ફાલીફૂલી હતી, કટ્ટરવાદી ઝેર ફેલાવવા વિદેશી નાણાં કચ્છ ભણી ઠલવાઇ રહ્યા હોવાના હેવાલો વચ્ચે પોલીસ તંત્રએ પોતાની ધાક અને પક્કડ ગુમાવી દીધા હતા. દાણચોરો પોલીસ જ નહીં પરંતુ મહેસૂલી તંત્રમાં પણ પોતાનું ધાર્યું કરાવી શક્તા હતા. નાણાંના જોરે ભ્રષ્ટ તંત્રો ખરીદાઇ ગયા હોય એવું ચિત્ર ઉપસેલું હતું. ઘરઆંગણાની ગુપ્તચર એજન્સીએ પણ કેન્દ્ર સરકારને કચ્છની નાજુક સ્થિતિથી વાકેફ કરી હતી. સંભવત: કચ્છની સ્થિતિને કાબૂમાં લેવા કોઇ બાહોશ અને દેશદાઝભર્યા અધિકારીને મૂકવાની ભલામણ કરી હતી.
...અને રાજ્ય સરકારે યુવાન પોલીસ અધિકારી કુલદીપ શર્મા પર પસંદગીનો કળશ ઢોળ્યો. એ સમયે શ્રી શર્મા વડોદરા જિલ્લાના પોલીસ વડા હતા, તેમણે ૨૦૧૦માં 'કચ્છમિત્ર'ના આષાઢી બીજ વિશેષાંકમાં 'દાણચોરીનું નેટવર્ક દેશદ્રોહ સુધી વિસ્તરવાની શંકા સાચી પડી' શીર્ષક હેઠળ લખેલા એક લેખમાં આ સંદર્ભે વિગતે માહિતી આપી હતી. આ અનુસાર ૧૭ જૂન, ૧૯૮૩ના દિને ગૃહપ્રધાન પ્રબોધભાઇ રાવલ અને ગુજરાત પોલીસના વડા પી. એન. રાઇટરે વડોદરા સર્કિટ હાઉસમાં કુલદીપ શર્માને બોલાવ્યા હતા અને કચ્છમાં કાયદો-વ્યવસ્થા તેમ જ રાષ્ટ્રીય સુરક્ષા હેઠળની સ્થિતિ ચિંતાજનક હોવાથી તેમને કચ્છ મોકલી રહ્યા હોવાની જાણ કરી હતી. આખરે બીજી જુલાઇ, ૧૯૮૩ના રોજ વાયરલેસ સંદેશાથી તેમની બદલી કચ્છ થઇ.
ગુજરાતનો ચોથા ભાગનો વિસ્તાર અને ભારતના સૌથી મોટા જિલ્લા તરીકે ગણના થતી હતી તેવા કચ્છ જિલ્લામાં પોલીસ તંત્રનું માળખું બીજા સરકારી ખાતાઓની કામગીરી અને કાર્યપદ્ધતિ તેમ જ જે તે સમયે ન્યાયતંત્રની અસરકારકતા સહિતના મુદ્દા વિચારણીય હતા. શ્રી શર્માએ એનો ઝડપથી અભ્યાસ કર્યો. તારણ એ નીકળ્યું કે કચ્છમાં ગાંડા બાવળના ફેલાવાને પગલે ગેરકાયદે કોલસા બનાવવાનો બેનંબરી ધંધો ફાલ્યોફૂલ્યો હતો. સરકારી તંત્રોની મિલીભગતને લીધે એમાં તગડી કમાણી થતી હતી અને એને લીધે દારૂ સહિતના અનિષ્ઠોયે વધ્યા હતા. આવા ધંધાર્થીઓ પાસે નાણાંની રેલમછેલ થતાં તેઓ શરૂઆતમાં રાજકારણીઓની નજીક આવ્યા અને ધીમે ધીમે જાતે રાજકારણમાં સક્રિય બન્યા. સાથે સાથે આવી ટોળકીઓ પૈકીના કેટલાક લોકો દાણચોરી તરફ વળ્યા. કેટલાક દાણચોરો પાકિસ્તાનની ખુફિયા એજન્સી સાથે સંપર્કમાં હોવાનીયે બાતમી મળી. આ કડીને પગલે શ્રી શર્માને લાગ્યું કે જો દાણચોરીને ડામવામાં નહીં આવે તો પાડોશી દેશ સાથે સંપર્ક ધરાવતા દાણચોરો વધુ નાણાંની લાલચે જાસૂસી તરફ વળશે અને આગળ જતાં કોઇપણ દેશદ્રોહી પ્રવૃત્તિમાં ભાગ લેતા નહીં અચકાય. આ હકીકતની જાણ પત્ર દ્વારા ગુજરાત પોલીસ વડાને કરવામાં આવી હતી. દરમિયાન, ૧૯૮૩ના નવેમ્બરની અધવચ્ચે દિવાળીના દિવસો દરમિયાન લખપત તાલુકાના મેડી ગામેથી ૧૬ કિલો હેરોઇન સાથે સુમાર બોટલ ઝડપાયો, તેની તપાસમાં દાણચોરો જાસૂસ બન્યા હોવાની શંકા હકીકતમાં પલટાઇ ગઇ, એ પછીના વર્ષોમાં કચ્છ તેમ જ ભારતના અન્ય સ્થળે સંગઠિત દાણચોર ટોળકીના કેટલાયે લોકો નાપાક ત્રાસવાદી પ્રવૃત્તિમાં જોડાઇ ગયા હોવાનો પર્દાફાશ સતત થતો રહ્યો. આવા ત્રાસવાદીઓની યાદીમાં દાઉદનું નામ મોખરે છે અને એ નિર્વિવાદ પણ છે.
કહેવાનો સાર એ કે દાણચોરી, જાસૂસી અને મોતના સામાન તેમ જ ફિદાઇન આતંકીઓની હેરાફેરી અને મદદગારી જેવા કાર્યો વચ્ચેની ભેદરેખા જ ભૂંસાઇ ગઇ હોય એવા કિસ્સા પ્રકાશમાં આવ્યા. ખેર, પણ કચ્છમાં ભેદરેખા ભૂંસાવાના સંકેત પહેલેથી જ પારખી લઇને કુલદીપ શર્માના નેજા હેઠળ દાણચોરો સામે સપાટો બોલાવાયો એ અભૂતપૂર્વ હતો. ભુજ, પૈયા, નાંગિયારી, નલિયા, પાંચોટિયા, કોઠારા, નુંધાતડ, મોરજરના કુખ્યાત દાણચોરોને રંગેહાથ ઝડપી કરોડોનો માલસામાન જપ્ત કરાયો. આવા તત્ત્વો સામેની કોર્ટની કાર્યવાહી પર શ્રી શર્મા જાતે જ નજર રાખતા. એટલું જ નહીં જો કોઇ ચુકાદો વિરુદ્ધમાં જાય તો એની સામે અપીલ સમયસર અને અસરકારક રજૂઆત સાથે થાય એની પણ અંગત ચિવટ રાખતા. સુમાર બોટલવાળા જાસૂસી કેસમાં સ્થાનિક મદદગારો સુધી પહોંચવામાં તેમની કાબેલિયતે મોટો ભાગ ભજવ્યો હતો.
અધ્યક્ષપદે કચ્છની સ્થિતિનું મૂલ્યાંકન થતું. રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ અટકાયત કરવા જેવી બાબતોમાં રાજ્ય સરકાર ત્વરિત સહયોગ આપતી. એવામાં એકવાર એવું બન્યું કે, ત્રણ દેશવિરોધી અને સામાજિક મનાતા શખ્સોની રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ અટક કરવાની શ્રી શર્માએ ભલામણ કરી. અટકાયતનો હુકમ કરવાની સત્તા જિલ્લા કલેક્ટર પાસે હતી. કલેક્ટરે આદેશ આપવાની ખાતરી આપી, પણ આદેશ જારી કર્યો નહીં અને એકાએક રજાના દિવસે જિલ્લા કલેક્ટરે અટકાયતની દરખાસ્ત યોગ્ય નથી એવી ટિપ્પણી કરીને પરત મોકલી દીધી. આમ છતાં શ્રી શર્મા નિરાશ ન થયા અને ગાંધીનગર દોડી જઇ ગૃહસચિવ સમક્ષ રૂબરૂ રજૂઆત કરી અને આખરે બીજા દિવસે સાંજે ત્રણેયની અટકાયતના હુકમ લઇને ભુજ પાછા ફર્યા.
દેશવિરોધી તત્ત્વો સામેની કાર્યવાહીમાં આવી ચિવટ અને ઝનૂનથી શ્રી શર્મા ભારે લોકપ્રિય બન્યા હતા. ભુજ, માંડવી કે અંજાર-ગાંધીધામની બજારમાં ક્યારેક શ્રી શર્મા સહકુટુંબ નીકળતા તો લોકો અને તેમાંય ખાસ કરીને જુવાનોનું ટોળું એમને જોવા ભેગું થઇ જતું. કોઇ પ્રખ્યાત હીરો જેવી તેમની છાપ સમાજમાં હતી. એમના સવા બે વર્ષના કાર્યકાળ દરમિયાન ભલભલા ચમરબંદી સળિયા પાછળ ધકેલાઇ ગયા હતા. તેથી જ એકવાર કુલદીપ શર્માની બદલી થતી હોવાની વાત કે અફવા ફેલાઇ ત્યારે લોકો બહાર નીકળી આવ્યા હતા. અબડાસાના ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે રજૂઆત કરવામાં એક શકમંદ દાણચોર પણ સામેલ હતો એની જાણ થતાં શ્રી શર્માએ લાલઆંખ કરી તેથી વિવાદનો વંટોળ સર્જાયો અને તેમની બદલી પેલા રાજકારણીએ કરાવી હોવાની વાત વાયુવેગે કચ્છભરમાં પ્રસરી ગઇ. તેમની બદલી રદ કરવાની માગ સાથે ભુજ, ગાંધીધામ, માંડવી, અંજાર, નખત્રાણા, નલિયા, ભચાઉ, દયાપર, રાપર સર્વત્ર સ્વયંભૂ અભૂતપૂર્વ બંધ પળાયો, અરે ગામડાઓ પણ બંધ રહ્યા. ભુજમાં વ્યાપારી મંડળના મોવડીના નેજા હેઠળ નીકળેલા સરઘસમાં હજ્જારો લોકો ઊમટી પડ્યા. ભુજના મહાદેવ નાકાથી છેક કલેક્ટર ઑફિસ સુધીનો માર્ગ લોકમેદનીથી જામ થઇ ગયો. આખરે રાજ્ય સરકારે ચોખ કરવી પડી કે શ્રી શર્માની બદલીની કોઇ વાત નથી.
આવા દંતકથા સમાન અધિકારી જે સમયે હતા એ સમયે કચ્છ કસ્ટમના આસિસ્ટન્ટ કલેક્ટરપદેય એવા જ તરવરિયા અને યુવાન અધિકારી સત્યેન્દ્રજીત સિંહ હતા. તેમણે પણ દાણચોરો સામેની તપાસમાં પ્રેક્ષણીય ભાગ ભજવ્યો હતો. માંડવીના મોટા સલાયાના પાંચ-પાંચ વહાણમાંથી એકસાથે સેંકડો સોનાના બિસ્કિટ તેમ જ ઘડિયાળ ઝડપીને તેમણે ઇતિહાસ સર્જી દીધો હતો. એ સાથે જામનગરના રેવેન્યૂ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટમાં એલ. ડી. અરોરાએ પણ ધાક બેસાડી હતી. (વર્ષો પછી દાઉદની ટોળકીએ તેમની હત્યા કરી હતી) તો સરકારી વકીલ તરીકે રત્નાકર ધોળકિયાની કામગીરી પણ કાબિલેદાદ હતી. કાયદાની છટકબારીનો કોઇ લાભ ન ઉઠાવે એની તકેદારી તેમણે બખૂબી રાખેલી અને તેથી જ તો દેશવિરોધીઓમાં તેમનીયે ધાક હતી. ટૂંકમાં '૮૦ના દાયકાનો એ પાંચેક વર્ષનો ગાળો કચ્છ માટે એક વળાંક સમાન હતો. શ્રી શર્માની વિદાય પછીયે જે સારા, પ્રામાણિક અને કુશળ પોલીસ અધિકારી આવ્યા અને જેમણે એ ચીલો ચાલુ રાખ્યો તેમાં બી. વી. શ્રીકુમાર, આર. આર. વિલિયમ્સ, એ. કે. સિંઘ, પ્રમોદકુમાર ઝા અને કેશવકુમાર જેવા પોલીસ વડાનો સમાવેશ થાય છે. શ્રી કુમારે કચ્છમાં કાયમ માટે વસી ગયેલા પાકિસ્તાની નાગરિકોને શોધી કાઢવા માટે ખાસ સ્કવોડ રચીને ૭૦થી વધુ ઘૂસણખોર પકડી પાડ્યા હતા. જો કે, ભુજમાં કર્ફ્યુ લાદવાના તેમના પગલાંએ વિવાદ સર્જ્યો હતો. તેમણે તેમ જ અન્ય અધિકારીઓએ જાસૂસી ઉપરાંત શસ્ત્રો, વિસ્ફોટકો અને ઘૂસણખોરોને પકડીને નેત્રદીપક કામગીરી કરી બતાવી હતી. આવા કાર્યદક્ષ અધિકારીઓને લીધે કચ્છમાં નાપાક પ્રોક્ષી યુદ્ધની શતરંજના દાવ સફળ થઇ શક્યા નહોતા. આ પરિસ્થિતિ '૮૦ અને '૯૦ના દાયકામાં હતી. ધરતીકંપ પછી કચ્છમાં પરિસ્થિતિ કેટલેકઅંશે જરૂર બદલાઇ છે અને તે ભવિષ્યમાં કેવું રૂપ લેશે એ કહેવું મુશ્કેલ છે. દેશમાં ખુલ્લેઆમ લઘુમતી-બહુમતીનું રાજકારણ જે રીતે ખેલાઇ રહ્યું છે એનીયે કેટલીક અસર તો કચ્છમાં દેખાઇ રહી છે. એના વિશેની વાત ફરી કોકવાર કરીશું.

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment