Saturday, 3 September 2016

[amdavadis4ever] ડર કે આગે જીત હૈ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કારકિર્દીની પહેલી જ ફિલ્મથી અનુષ્કા શર્માએ પોતાની અભિનય પ્રતિભા સિદ્ધ કરી હતી. જુલાઇમાં આવેલી સલમાન ખાન સાથેની સુપરહિટ ફિલ્મ 'સુલતાન'થી એ વાત વધુ એક વખત સિદ્ધ થઇ છે કે આ અભિનેત્રી પોતાનું પાત્ર સાકાર કરવા કેવી આકરી મહેનત કરે છે. જાણવા જેવી વાત એ છે કે કોઇ પડકારથી ક્યારેય નહીં ગભરાનાર અનુષ્કા 'સુલતાન'ની પહેલવાનની ભૂમિકા સ્વીકારવામાં અચકાતી હતી, પણ પછી તેણે ચૅલેન્જ સ્વીકારી લેવાનું નક્કી કર્યું અને પરિણામ તો દર્શકોએ જોયું અને બિરદાવ્યું સુધ્ધાં. હિંદી ફિલ્મોના ઇતિહાસમાં એવાં કેટલાંક ઉદાહરણો જોવાં મળે છે જેમાં કલાકાર અલગ પ્રકારની ભૂમિકાને પોતે યોગ્ય ન્યાય નહીં આપી શકે એ વિશે જાત પર શંકા કરતો હોય અથવા પડકાર ઝીલી લેવાની હિંમત તેનામાં ન હોય. જોકે, કોઇ કલાકાર એ ચૅલેન્જ ઉપાડી લે તો કોઇ વળી પીઠ ફેરવી દેતો હોય છે.

અનુષ્કાની પહેલી જ ફિલ્મ 'રબ ને બના દી જોડી'માં તેનો નાયક હતો ટોચનો સ્ટાર શાહરુખ ખાન. પહેલી જ ફિલ્મ શાહરુખ જેવા સ્ટાર સાથે કરી હોવા છતાં પડદા પર અનુષ્કા જે આત્મવિશ્ર્વાસ સાથે પેશ આવી એ વાત તેની કારકિર્દી માટે ખૂબ મહત્ત્વની સાબિત થઇ. પરિણામે ફિલ્મ, શાહરુખ ઉપરાંત અનુષ્કાની પણ ભારોભાર પ્રશંસા થઇ. 'સુલતાન' ઑફર થઇ ત્યારે પોતે એક કુસ્તીબાજ તરીકે પડદા પર કેવી દેખાશે એ વિશે અનુષ્કાના મનમાં શંકા હતી. તેણે તાજેતરમાં આ સંદર્ભમાં જણાવ્યું હતું કે 'હું પહેલવાન જેવી ન લાગતી હોવાને કારણે આ ભૂમિકા કરવા વિશે મને ડર હતો. કુસ્તીબાજ તો કદાવર જ હોવો જોઇએ એવી માન્યતા આપણામાં રૂઢ થયેલી છે. એટલે પહેલી વાર જ્યારે અમે મળ્યા ત્યારે મેં આદિત્ય ચોપરાને એક જ સવાલ કર્યો કે હું એ પાત્રને યોગ્ય ન્યાય આપી શકીશ એ વિશે તેને ખાત્રી છે કે કેમ. હું એ ભૂમિકામાં પાર ઊતરીશ ખરી? અલબત્ત આદિત્યને વિશ્ર્વાસ હતો અને મેં થોડા ખાંખાખોળા કર્યા તો મને જાણવા મળ્યું કે કેટલી ક મહિલા કુસ્તીબાજો મારા જેવા એકવડિયા બાંધાની પણ હતી. એટલે શરીર થોડું કસાયેલું દેખાય એ માટે મારે થોડી મહેનત કરવાની હતી અને એ કરીને હું ભૂમિકાને ન્યાય આપી શકીશ એની મને ખાતરી થઇ ગઇ.' અનુષ્કાએ પડકાર ઝીલી લીધો અને છ અઠવાડિયા મહેનત કરીને કુસ્તી કરતા તો શીખી જ ગઇ પણ સાથે સાથે એ પાત્ર બોલે છે એ હરિયાણવી ભાષા પર પણ સારો એવો કાબૂ મેળવી લીધો.

નજીકના ભૂતકાળ પર નજર નાખતા ફરહાન અખતરનું ઉદાહરણ સ્મૃતિપટ પર ઉપસી આવે છે. રાકેશ ઓમપ્રકાશ મહેરાની 'ભાગ મિલખા ભાગ' નામની ફિલ્મમાં તેણે આપણા દેશના પ્રખ્યાત દોડવીર મિલખા સિંઘનું પાત્ર ભજવ્યું હતું. એ ભૂમિકા પડદા પર અસરકારક લાગે એ માટે અભિનય ઉપરાંત પોતે ખૂબ ઝડપથી દોડી શકે તેમ જ એકદમ ફિટ દેખાય એ જરૂરી હતું. ફરહાને જરાય ગભરાયા વિના એ પડકાર ઝીલી લીધો અને રોજના છ કલાક મહેનત કરીને શારીરિક સુસજ્જતા કેળવી લીધી. ખોરાક પર વિશેષ ધ્યાન આપ્યું અને ઍથ્લિટો લે એવી સઘન તાલીમ લીધી. દોડવાની ઝડપ વધારવા તેણે પ્રોફેશનલ રનર્સની પણ મદદ લીધી. પરિણામ બધાએ પડદા પર જોયું અને

ચારેકોરથી ફરહાનની પીઠ થાબડવામાં આવી.

અભિનેતા તરીકે દરેક બાબતે ચોકસાઇ જાળવતો અને મિસ્ટર પર્ફેક્શનિસ્ટનું લેબલ ધરાવતો આમિરખાન પણ પાત્ર ભજવવા માટે અથાક પ્રયત્નો કરવા માટે જાણીતો છે. રાજુ હિરાણીએ જ્યારે તેને 'થ્રી ઇડિયટ્સ'માં કૉલેજના વિદ્યાર્થીની ભૂમિકા કરવા કહ્યું ત્યારે પોતે ૪૪ વર્ષની ઉંમરે સ્ટુડન્ટ લાગશે કે કેમ એવો તેને છૂપો ભય હતો. જોકે દિગ્દર્શકને તેની કાબેલિયતમાં પૂરો ભરોસો હતો અને એટલે આમિરે પણ થોડો ડર અને થોડો ખચકાટ ખંખેરીને એ પાત્રને સુપેરે નિભાવ્યું અને પ્રશંસાને પાત્ર ઠર્યો. એ ઘટનાના સાત વર્ષ પછી આમિર સામે વધુ એક પડકાર આવીને ઊભો છે. 'દંગલ' નામની ફિલ્મમાં એ મહાવીર ફોગટ નામના કુસ્તીબાજને સાકાર કરી રહ્યો છે. આ રોલ કરવા માટે ખાસ્સું વજન વધારવું પડે એમ હોવાથી આમિર શરૂઆતમાં થોડો ખચકાયો હતો, પણ પછી તેણે પડકાર ઝીલી લીધો. કુસ્તીબાજની જ ભૂમિકાવાળી સલમાનની 'સુલતાન' હિટ જતા આમિર થોડો નર્વસ થયો હોવાની વાતો વહેતી થઇ છે. જોકે, આમિર આ ભયને પણ ભગાવી દેશે એવું માનવામાં આવે છે. અલબત્ત આ જ આમિરે યશ ચોપરાની 'ડર'ની શાહરુખે ભજવેલી નેગેટિવ ભૂમિકા ડરીને નહોતી સ્વીકારી.

પુરબ કોહલી નામ સાથે ગ્લૅમર નથી, પણ એ સારો અભિનેતા તો છે. એક ફિલ્મમાં તે કેદીનો રોલ કરી રહ્યો છે. તેના ચહેરા પર માસૂમિયત વધુ છે અને એટલે શરૂઆતમાં એ રોલ સ્વીકારવા બદલ એ અચકાતો હતો, પણ પછી ડર કે આગે જીત હૈ એ સૂત્રને અપનાવીને તેણે જરૂરી સંશોધન કરીને પોતાના પાત્ર માટે સજ્જતા કેળવી લીધી. આ માટે વિગતવાર વાચન કરવા ઉપરાંત તેણે કેદીઓની ડૉક્યુમેન્ટરીઓ જોઇ અને કેટલાક માનસશાસ્ત્રીઓને મળીને બારીકીઓ સમજવાનો પ્રયાસ કરીને પોતાનો ડર ખંખેરી નાખ્યો.

આમાં રિશી કપૂરનું એક ઉદાહરણ જાણવા જેવું છે. ૧૯૭૩ની રોમૅન્ટિક ફિલ્મ 'બૉબી'થી નાયક તરીકે જામી ગયેલા રિશીએ ૧૯૮૯માં અચકાતા અચકાતા 'ખોજ' ફિલ્મમાં નેગેટિવ રોલ કર્યો હતો. ફિલ્મ રિલીઝ થયા પછી તેના ચાહકો એટલી હદે નારાજ થયા કે ગભરાઇ ગયેલી રિશીએ ત્યારે જ કસમ ખાધી કે પોતે ક્યારેય હવે નકારાત્મક ભૂમિકા નહીં કરે. જોકે, ૨૦૧૨માં 'અગ્નિપથ'માં તેણે રૌફ લાલાની ખલનાયકની ભૂમિકા કરી પણ પછી ફરી કસમ ખાધી કે આવો રોલ હવે તે ફરી ક્યારેય નહીં કરે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment