Thursday 29 September 2016

[amdavadis4ever] આત્મવિશ્ર્વાસ અપાવે સફ્ળતા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બી.કોમની પરીક્ષા પૂરી કરીને માધુરીએ એલ.આઈ.સી.ના એજન્ટ તરીકેની તાલીમ તેના પપ્પાના મિત્ર દેસાઈ પાસેથી લીધી. હમણાં જ પાર્લાની બ્રાંચમાં તે જોડાઈ છે. ત્રણ મહિનામાં તો એલ.આઈ.સી. ઑફિસના ડી.ઓ. તેની કર્તવ્યનિષ્ઠાથી પ્રભાવિત થયા અને ડી.એ. પરેશ પંડિતે પોતાના ક્લાયન્ટ્સની ફાઈલ્સ માધુરી વોરાને સોંપી દીધી. 

નવા ક્લાયન્ટ્સ પણ માધુરી મેડમને જ કામ સોંપવા ઈચ્છુક છે આ જોતાં ઑફિસમાં છેલ્લાં આઠ વર્ષથી કામ કરી રહેલા પરેશ પંડિતના મદદનીશ રાહુલ શેટ્ટીના મનમાં ભારે ઈર્ષ્યા થઈ આવતી. 

સૌજન્યશીલ અને વ્યવહારદક્ષ માધુરી વોરા હંમેશાં પંડિતસર પાસે નવું શીખવા ઉત્સુક રહેતી. અને પરેશ પંડિત પણ તેની સાથે પૉલિસીની નવી સ્કીમ વિશે ચર્ચા કરતાં. 

તે દિવસે જુહુ સ્કીમના બારમાં રસ્તા પર રહેતા અવિનાશ મહેતાના ઘરે નવી. પૉલિસી અંગે ચર્ચા કરવા પંડિતસરે એક મીટિંગ રાખી હતી જેમાં માધુરીએ જ પોલિસી સમજાવવાની હતી. મીટિંગનો સમય સવારે ૯-૩૦ વાગ્યાનો હતો. 

ભાયંદર રહેતી માધુરી તો સમયસર પહોંચવા પોતાના ઘરેથી આઠ વાગ્યે જ નીકળી ગઈ હતી. તેને પહેલાં ઑફિસમાંથી ઈન્સ્યોરન્સ વિશેના ફોર્મ તેમ જ અગાઉની મૅચ્યોરિટી વિશેની મહેતા શેઠની ફાઈલ લેવાની હતી. માધુરી સવારે ૯ વાગે પહોંચી ગઈ.

માધુરી ઑફિસેથી મહેતાશેઠને ઘરે જવા નીકળતી હતી ત્યાં પરેશ પંડિતનો ફોન આવ્યો-

'માધુરી, મારા મમ્મી બહુ સિરિયસ છે, હું તેમને લીલાવતી હોસ્પિટલમાં લઈ જાઉં છું. સૉરી, આજે હું મહેતા સાથેની મીટિંગમાં હાજર રહી નહીં શકું. મહેતા બે-ત્રણ પોલિસી તો લેવાના છે, જરા કન્વિન્સ કરવા પડશે. મને વિશ્ર્વાસ છે. યુ કેન ડુ વેલ.'

'ઓ.કે, સર, હું સમયસર પહોંચી જઈશ અને તેમને જોઈતી માહિતી પૂરી પાડીશ. તમે ચિંતા ન કરતા...' માધુરીએ ફોન પૂરો કર્યો.

ત્યાં જ રાહુલ શેટ્ટી ઑફિસમાં આવી ગયા અને પરેશ પંડિતના ટેબલ પાસે ઊભેલી-ફાઈલો ગોઠવી રહેલી માધુરીને કડકાઈ પૂર્વક કહ્યું: 'પંડિત સર, ઑફિસમાં નથી તો તું તેમની ગેરહાજરીમાં શું કરી રહી છે? આવી રીતે ફાઈલ ઉથલાવવી એક જાતનો ગુનો કહી શકાય-અને તું તો જુનિયર મોસ્ટ છે!'

રાહુલ શેટ્ટીની ઉદ્ધત વાણી સાંભળતાં ત્રેવીસ વર્ષીય માધુરી તો સાવ ડઘાઈ જ ગઈ. આ શું વિચારે છે? સીધો ચોરીનો આક્ષેપ મૂકે છે!

છતાં રાહુલ શેટ્ટી તેના સિનિયર ઑફિસર છે તેમ સમજીને માધુરીએ નમ્રભાવે ઉત્તર આપ્યો: 'સર, મેં હમણાં જ પંડિતસર સાથે વાત કરી છે તેઓને ખબર છે હું ક્યાં જવાની છું ને મેં કયાં ડોક્યુમેન્ટ્સ લીધાં છે. અને વળી હું જુનિયર છું એટલે તમે મારા પર આવી શંકા કરો તે યોગ્ય નથી.'

'માધુરી, હું જાણું છું તું પંડિત સાહેબની ફેવરિટ છે, પણ આ ઑફિસમાં હું પણ આઠ વર્ષથી કામ કરું છું. તમે યંગસ્ટર્સ તમારું કામણ પાથરીને, મીઠું બોલીને પ્રમોશન કરાવી લેવામાં ઉસ્તાદ છો, પણ હું આ ચલાવી નહીં લઉં.'

માધુરીએ ઘડિયાળ સામું જોયું-સવાનવ વાગી ગયા હતા હવે જો ખોટી ચર્ચામાં સમય બગાડશે તો મહેતાસાહેબને ઘરે જવાનું મોડું થશે... એવું વિચારતાં માધુરીએ કહ્યું: 'શેટ્ટીજી, મને મોડું થાય છે-ક્લાયન્ટ સાથે સાડાનવની મીટિંગ છે... મારે હવે નીકળવું જોઈએ.'

'માધુરી, પંડિતસાહેબ સાથે તમે કંઈક વધુ પડતાં જ પર્સનલ...' કહેતાં મશ્કરું હાસ્ય કર્યું. 

'રાહુલ સર, પ્લીઝ બીહેવ યોરસેલ્ફ. પંડિતસર મારા ગોડફાધર છે...' આક્રોશ ઠાલવતાં માધુરીએ કહ્યું. 

'ઓ.કે., વેલ જણાવો તમારા ગોડફાધર સાથે તમારે હમણાં ક્યાં જવાનું છે? રાહુલ શેટ્ટીએ પૂછ્યું. 

'રાહુલસર, માઈન્ડ યોર લેંગ્વેજ...' કહેતાં માધુરી ઓફિસમાંથી બહાર જવા લાગી. 

'માધુરી, તારું પ્રમોશન અટકાવીને તારી ટ્રાન્સફર કરાવી દઈશ. તારે મને જણાવવું જ પડશે કે તમે ઑફિસ અવર્સમાં ક્યાં જાઓ છો?' રાહુલ શેટ્ટીએ સત્તાવાહી સૂરે કહ્યું. 

નાછૂટકે માધુરીએ હકીકત જણાવી કે અવિનાશ મહેતાને ઘરે નવી પોલિસીના સંદર્ભે મીટિંગ છે. પંડિતસરનાં મમ્મી સિરિયસ છે. મારે સમયસર પહોંચવું જ રહ્યું.'

અવિનાશ મહેતા... પાર્લાના આસામી શેઠ... દસ-પંદર લાખની પોલિસી તો કઢાવશે જ... એની ક્રેડિટ મારાથી જુનિયર માધુરીને મળે તે કેમ ચાલે?

થોડું વિચાર્યા પછી શેટ્ટીએ કહ્યું: 'ભલે, મીટિંગ છે તો તારે જવું જ પડે, પણ જો આજે કશું ફાઈનલ ન કરતી...'

માધુરી કશું પણ બોલ્યા વગર ઑફિસમાંથી નીકળી ગઈ. રિક્ષામાં બેઠાં-બેઠાં એ મનોમન પંડિતસાહેબ અને રાહુલ શેટ્ટીની સરખામણી કરવા લાગી. 'મીન માઈન્ડવાળા રાહુલ શેટ્ટી જેવા મેલા મનના લોકો કોઈની પ્રગતિ સહન કરી શકતા નથી, જ્યારે પંડિતસર જેવા સૌજન્યશીલ-ઉદાર ઑફિસર્સ પોતાના જુનિયર્સને આગળ વધવાની તક આપે છે.'

થોડી વારે મગજને બીજી તરફ વાળતાં માધુરી વિચારવા લાગી 'જો, મહેતાસાહેબને હું યોગ્ય રીતે સમજાવી શકું તો પંડિતસર કહેતા હતા તે મુજબ બે-ત્રણ પોલિસી તો લેશે જ. પંડિતસર સાથે હોત તો કદાચ મારે કશું બોલવું ન પડત, પણ ખબર નહીં આ મહેતાસર... શું પૂછશે? આ રાહુલ શેટ્ટીએ મારો મૂડ ખરાબ કરી નાખ્યો. ખરેખર હું ડિસ્ટર્બ થઈ ગઈ છું. હવે જો મને જુનિયર સમજીને મહેતા શેઠ પોલિસી ન લે તો પંડિતસરને કેવું લાગશે?'

માધુરીના મનમાં વિચાર આવ્યો: લાવ, રાહુલ શેટ્ટીને ફોન કરીને જાણી લઉં કે અવિનાશ મહેતા મને કયા પ્રશ્ર્નો પૂછશે? મારે શો જવાબ આપવો જોઈએ? પણ, તરત જ માધુરીના મને જ બંડ પોકાર્યું-

'જેના મનમાં પંડિતસર વિશે દ્વેષભાવ છે, જે તારા માટે હલકું વિચારે છે. એની સલાહ લઉં? આજે નહીં તો આવતા અઠવાડિયે ફાઈનલ થશે એમાં શું? હું શા માટે રાહુલ શેટ્ટીની દાઢીમાં હાથ ઘાલું-નેવર' અને માધુરીને તરત જ પંડિતસરના શબ્દો યાદ આવ્યા: 'મને વિશ્ર્વાસ છે યુ કેન ડુ વેલ.'

જુહૂના બારમાં રસ્તા પર આવેલા 'શાંતિવિલા' સાત માળી મકાન પાસે માધુરીની રિક્ષા ઊભી રહી. 

વોચમેને તેની કેબિનમાંથી મહેતાસાહેબને ઈંટરકોમ પર જણાવ્યું. વોચમેને કહ્યું: 'સાહેબને બોલા હૈ અગલે ગુરુવાર કો આના.'

માધુરીને ભારે નવાઈ લાગી. એપોઈન્ટમેન્ટ લીધી છે અને આમ 'ના' પાડવાનું કારણ શું? એમ મળ્યા વગર થોડું પાછા જવાય?

માધુરીએ કહ્યું: મૈં બાત કરના ચાહતી હું... મહેતાસાહેબે હા પાડી.

'ગુડમૉર્નિંગ સર, હું માધુરી વોરા. પરેશ પંડિતે મોકલી છે. પ્લીઝ મને દસ મિનિટ આપો.' માધુરીએ વિનમ્રભાવે કહ્યું. 

'પણ, મિ. પંડિત આવ્યા નથી. તમે તો હજુ જુનિયર છો.' મહેતાસાહેબે કહ્યું.

જુનિયર... શબ્દ સાંભળતાં જ માધુરીને ઝાટકો લાગ્યો... 

'આ મહેતાસાહેબ મને ઓળખતા નથી, પણ રાહુલ શેટ્ટીના જ શબ્દો કેમ બોલે છે? મને પોલિસી ન મળે એટલે રાહુલ શેટ્ટીની આ મેલી રમત છે. પણ હું એમ હારી જઉં તેમ નથી...' (થોડી જ ક્ષણોમાં તે બોલી:)

'સાહેબ, તમારી વાત સાચી છે હું જુનિયર એજન્ટ છું, પણ અગાઉથી લીધેલી મુલાકાત પ્રમાણે હું તમને મળી તો શકુંને? મને કામ કરવાની તક તો આપો... પ્લીઝ...'

અવિનાશ મહેતા શેઠને માધુરીના શબ્દોમાં સચ્ચાઈનો રણકો સંભળાયો. પરેશ પંડિત મારા મિત્ર છે અને તેમણે આ એજન્ટને મોકલી છે તો મારે મળવું જ જોઈએ, પણ... પેલા રાહુલ શેટ્ટીએ મને કેમ ફોન કર્યો હશે કે તમે આ જુનિયર એજન્ટને મળતા જ નહીં. હું પોતે જ તમારી પોલિસી વિશે બધો પ્રોસિજર કરીશ...'

માધુરીના સૌજન્યશીલ શબ્દોની અસર અવિનાશ મહેતાના મન પર થઈ. તેમણે કહ્યું: 'ભલે, તમે આવી શકો છો, પણ... મારી પાસે ફક્ત દસ મિનિટ જ છે... એનાથી વધુ સમય આપી નહીં શકું.'

માધુરીના મનમાં આનંદ અને આત્મવિશ્ર્વાસ છવાયાં. ચોથા માળે આવેલા મહેતાસાહેબના ફ્લેટ પર ઘંટડી મારી મુખ્ય દરવાજે બિરાજેલી ગણેશજીની મૂર્તિને મનોમન પ્રાર્થના કરી. 

વિશાળ દીવાનખંડમાં સોફા પર બેસતાં માધુરીએ જોયું કે સામેની ભીંત પર મૂકેલી શ્રીનાથજીની મોટી પ્રતિમા વાતાવરણમાં દિવ્યતા પ્રસરાવી રહી હતી. બે મિનિટમાં જ વયસ્ક મહેતાસાહેબ અને તેમનાં પત્ની શીલાબેન આવ્યાં.

વૈષ્ણવ પરિવારમાં ઊછરેલી માધુરીએ બે હાથ જોડતાં કહ્યું: 'જે શ્રીકૃષ્ણ મહેતાસાહેબ... જેશ્રીકૃષ્ણ માસી...'

માધુરીને જોતાં જ શીલાબેનના મનમાં ભૂતકાળની સ્મૃતિઓ તાજી થઈ. તેમણે પૂછ્યું: 'તમે ભાનુબેન વોરાનાં દીકરી છો? ભાયંદરમાં રહો છો?'

'જી... માસી, તમે મારાં મમ્મીને કેવી રીતે ઓળખો?'

'હું અને તારાં મમ્મી ભાનુમતી અંધેરીની ભવન્સ કોલેજમાં સાથે ભણતાં હતાં. તું તો ખૂબ હોંશિયાર થઈ ગઈ! ભાનુને લઈને આવજે હોં.'

માધુરીએ પોતાના લેપટોપની મદદથી સિનિયર સિટિઝન માટેની નવી પોલિસી અંગે તલસ્પર્શી માહિતી આપી. હવે મહેતાસાહેબ કરતાં શીલાબેન જ વધુ રસપૂર્વક માધુરીની વાત સાંભળી રહ્યાં હતાં. 

માધુરીની વાક્પ્રતિભા અને ચોક્કસ, પ્રશ્ર્નોત્તરીની ચર્ચા થકી, મહેતાસાહેબ પ્રભાવિત થઈ ગયા તેમણે પાંચ લાખની બે પોલિસી-એક તેમના નામે તથા એક શીલાબેનના નામે લેવાનું નક્કી કર્યું.

ત્રણ અઠવાડિયામાં જ બધી કાર્યવાહીને આખરી ઓપ આપતાં પંડિતસરે કહ્યું: 'માધુરી, આઈ એમ પ્રાઉડ ઓફ યુ.' સામે ઊભેલા રાહુલ શેટ્ટીની આંખમાંથી વેરના તણખા ઝરી રહ્યા હતા, જ્યારે માધુરીની આંખમાં આત્મસંતોષ ઝળકી રહ્યો હતો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment