Thursday 29 September 2016

[amdavadis4ever] શિક્ષણના અજવાશે ઉલેચ્યાં અંધારાં

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હવે નવરાત્રિ ઉત્સવને શરૂ થવાને દિવસો નહીં, કલાકો ગણાય છે. નવેય રાત્રે ઉત્સાહથી અને જોશપૂર્વક જગતજનનીની આરાધના કરાશે અને ગલીએ ગલીએ 'પાવા તે ગઢથી મહાકાળી ઉતરશે' ને દસમા દિવસે જોમ શમી જશે. નવ દિવસ સર્વોચ્ચ સ્થાને બેસાડવામાં આવેલી નારીશક્તિ ફરી સ્થાન-ભ્રષ્ટ થઈ ઘરમાં ભરાઈ જશે. જે દેશમાં ધર્મ દ્વારા સ્ત્રીને ઉચ્ચ માન-સન્માન અપાયું હોય ત્યાં નારી ફરી 'ના...રી, ના...રી'ના આલાપમાં પલટાશે. પાંચેક દિવસ પર વર્ષ ૨૦૧૧ની વસતિગણતરીની એક ચોંકાવનારી વિગત જાહેર કરવામાં આવી હતી, એમાં જણાવ્યા અનુસાર ભારતમાં ૮.૪ કરોડ બાળકો સ્કૂલમાં જતા નથી, જવા દેવાતા નથી અથવા જઈ શકે એવી સ્થિતિમાં નથી તો ૭૮ લાખ બાળકો ભણે છે ખરા, પણ તેમને કમાણી કરવાની ફરજ પડે છે અથવા સંજોગો એમને ફરજ પાડે છે. આમાં છોકરીઓ કેટલી એવો વિચાર કરીએ ત્યારે સરકારની 'બેટી બચાઓ, બેટી પઢાઓ' ઝુંબેશ સાવેસાવ પોકળ લાગે છે. આ સંજોગોમાં દેશની કેટલીક બહાદુર નારી નાણાકીય હાલાકીની સ્થિતિની માથે ચડીને, તમામ પ્રતિકૂળતાઓને મારી હટાવીને આઈઆઈએમ (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ)માં પ્રવેશ મેળવી કે ૧૫મા વર્ષે પીએચ.ડી. કરીને પરીક્ષાઓની પ્રચલિત પદ્ધતિને અવગણે છે ત્યારે તેમને બે હાથે વધાવવી જોઈએ. ભણવા માટે તમામ મુશ્કેલીઓને વળોટી જનારી આવી ત્રણ નારીશક્તિને જાણવી જોઈએ.

આમાં પહેલા વાત કરીએ શાલિની અર્નુગમની. આજે ૧૮-૧૯ વર્ષની થયેલી શાલિની મક્કમતાથી કહે છે, "મને કોઈની દયા ખપતી નથી. તમિળ માધ્યમમાંથી ક્ધનડ માધ્યમની સ્કૂલમાં આવી ભણતર લીધા બાદ અંગ્રેજી માધ્યમની એન્જિનિયરિંગ કૉલેજમાં ભણતી બૅંગલુરુ સ્થિત શાલિની સારું અંગ્રેજી શીખી ગઈ છે, પણ નમ્રતાથી કહે છે કે, "માફ કરજો મારું અંગ્રેજી બહુ નબળું છે. દસમા ધોરણમાં એ ૮૪.૮ ટકા માર્ક્સ સાથે મોખરે હતી. વેકેશનમાં બીજા વિદ્યાર્થીઓ મોજ કરતા હોય ત્યારે શાલિની કુટુંબને તરતું રાખવા ઘરે ઘરે જઈ ઘરકામ કરતી હતી. પિતા જાહેરખબરોનાં પાટિયાં રંગતા હતા, પણ એક મકાન પરથી પડી જતા દસ વર્ષથી પથારીવશ થયા હતા. એ પછી માતાએ ઘરકામ શરૂ કર્યાં. બીજી કરુણ કથની એવી હતી કે શાલીનીની બારમાની પરીક્ષા શરૂ થવાની હતી ત્યારે એના ભાઈને બ્લડકૅન્સર હોવાનું નિદાન થયું હતું. શાલિની સવારના સાડાચારે ઊઠી જાય છે. ઘરનું કામકાજ આટોપી પાંચ જુદા જુદા ઘરોને બારણે રંગોળી કરે છે, ઝાડું-પોતાં અને વાસણ-કપડાં કરે છે. એ પછી એનો દિવસ કૉલેજ અને ઘરકામમાં વીતી જાય છે એ મોડી રાત સુધી ઘરને બારણે બેસી શેરીની લાઈટના પ્રકાશમાં ભણે-વાંચે છે. અનેક પ્રતિકૂળતા, નાણાકીય સમસ્યા છતાં શાલિની અર્નુગમ હિંમત હારી નથી. એની માતા પણ એને ભણતર પડતું મૂકવાનું કહેતી નથી. કૉલેજમાં એને મિત્રો મળ્યા છે, પણ કોઈ જ એના સંઘર્ષને, એના અવરોધોને જાણતું નથી, ફક્ત એના હામહિંમતને અનુભવે છે.

બીજી છોકરી છે બર્નિતા મોંડલ. એ એક જ વાત કહે છે, "મારે બહુ કામ કરીને મારા કુટુંબને નાણાકીય હાલાકીના બોજમાંથી મુક્ત કરાવવું છે. બર્નિતા બાજુની ઓરડીમાં સૂતેલાં માતાપિતાનાં બોલાતા નસકોરાં સાંભળી રહી છે. એના કપાળ પરથી પરસેવાનાં ટીપાં એના હાથમાં રહેલા પુસ્તકનાં પાનાં પર ટપકે છે. વહેલી સવારનો અઢી વાગ્યાનો સમય છે, બર્નિતા પંખા વિના ભારે ગરમી સહન કરતી, બે કલાકથી રસોડામાં બેઠી અભ્યાસ કરી રહી છે ને એ જ વખતે રસોડાનો બલ્બ ઊડી જાય છે... ને બર્નિતા નિરાશ થઈ જાય છે. એ મીણબત્તી જલાવી ફરી વાંચવા બેસે છે.

બર્નિતાને રાતના અભ્યાસ કરવાનું ફાવે છે. રસોડાની ગરમી એને સતાવતી નથી. પંખો માત્ર માતાપિતા સુવે છે એ ઓરડીમાં છે. આજે ૧૯ વર્ષની થયેલી બર્નિતા કહે છે, "ત્યારે મારી અગ્રતા પરીક્ષામાં સારામાં સારી ટકાવારી લાવવાની હતી. બર્નિતાના પિતા ઑટોરિક્ષાચાલક છે અને માતા ગૃહિણી છે. માતાપિતા બેઉ નિરક્ષર છે. એટલે જ તેઓ બર્નિતા બહુ ભણે એમ ઈચ્છે છે. બર્નિતા બાળક હતી ત્યારે એ લોકો પશ્ર્ચિમ બંગાળમાંથી રોજીરોટી માટે બૅંગલુરુ સ્થળાંતર કરી આવ્યાં હતાં. એના નાના-નાની પાસે પણ એની માતાને ભણાવવાના નાણાં નહોતાં. "મારી માતા હું પણ એના જેવું પ્રારબ્ધ ભોગવું એવું ઈચ્છતી નથી, એમ બર્નિતા કહે છે. એના પિતાની આવક કુટુંબના ભરણપોષણ પૂરતી જ નીકળે છે. પિતા વધુ આવક માટે વધારામાં રેસ્ટોરાંમાં રાંધવાનું, વાસણ માંજવાનું, ઝાડું-પોતાં કરવાનું વગેરે કામ પણ કરતા હતા. એ સાથે ભાડાંની રિક્ષા ફેરવતા હતા. "વળી પિતા રેલવેસ્ટેશન પર હમાલી પણ કરતા હતા, એમ બર્નિતા કહે છે.

આખરે બર્નિતાને એની ક્રિશ્ર્ચિયન સ્કૂલનાં એક નને એને ભણતરમાં મદદ મળી રહે માટે એક એનજીઓનો સંપર્ક કરવા કહ્યું હતું અને છેવટે એનજીઓએ બર્નિતાને ભણતર માટે મદદ કરવા માંડી. બારમા ધોરણની પરીક્ષામાં બર્નિતાને ૯૫ ટકા માર્ક્સ આવ્યા હતા. બર્નિતા ગયા વર્ષે બી.ટેક્ના પહેલા વર્ષમાં હતી. એણે દરેક સેમિસ્ટરમાં ટોચના વિદ્યાર્થીને અપાતો ગોલ્ડ મેડલ મેળવવાનો નિર્ણય કર્યો હતો. એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ પત્યા બાદ બર્નિતા એમ.ટેક્ કરવા માટે વિદેશ જવાની ઈચ્છા ધરાવે છે અને એ માટે એને સ્કોલરશિપ મળે તો સારું એવી પ્રાર્થના કરે છે.

નારીશક્તિની પરાકાષ્ઠામાં ત્રીજી વાત છે, સુષમા વર્માની. સુષમાને નજરે દેખાતી જિંદગી ખરેખર કેવું અસ્તિત્વ ધરાવે છે એ જાણવાનું કુતૂહલ નાનપણથી રહેતું હતું. તેના આ કુતૂહલે તેને માઈક્રોબાયોલોજીમાં અનુસ્નાતક સુધીનો અભ્યાસ કરવાની ફરજ પાડી એમ કહી શકાય. એ લખનઉની બાબાસાહેબ આંબેડકર કૉલેજમાં ભણે છે. એણે એના પહેલા, બીજા અને ચોથા સેમિસ્ટરમાં પહેલી રેન્ક મેળવી હતી. સુષમાએ પીએચ.ડી. કોર્સ માટે નામ નોંધાવ્યું ત્યારે ફક્ત ૧૫ વર્ષની જ હતી. આજે એ ૧૬ કે સાડાસોળ વર્ષની છે. એ બે વર્ષની હતી ત્યારે જાહેર સમારંભોમાં રામાયણની ચોપાઈઓ મોઢે બોલી જતી હતી.

લખનઉની નજીકના ગામમાં જન્મેલી સુષમાના પિતા રોજ પર (દાડિયા) કામ કરનારા મજૂર હતા, માતા ગૃહિણી. "અમારું ઘર એક ઓરડીનું અને ગળતી છત ધરાવતું સ્થાન છે. "ત્યારે મારા મનમાં ફક્ત મારા ભાઈનાં પુસ્તકોની સલામતીનો હેતુ રહેતો હતો, કારણ કે તો જ હું એ પુસ્તકોની મદદથી ભણી શકું, એમ સુષમા કહે છે. આમ વિચારતી સુષમાની વય ત્યારે માત્ર ત્રણ વર્ષની હતી. સુષમા પાંચ વર્ષની હતી ત્યારે એની અસાધારણ યાદશક્તિ જોઈને એનાં કુટુંબીજનો એને બૉર્ડની પરીક્ષા આપવાનું સૂચન કર્યું હતું. આખરે એ લખનઉની એક સ્કૂલમાં નવમા ધોરણમાં દાખલ થઈ હતી. આ અંગે સુષમા કહે છે, "અમે જ્યારે મારું ઍપ્લિકેશન ફોર્મ સ્કૂલના પ્રિન્સિપાલને આપ્યું ત્યારે એમને થયું કે આ ફોર્મ ભરવામાં કશી ભૂલ થઈ છે, એઓ એમ સમજ્યા હતા કે અમારે નર્સરી પ્રવેશ માટે ફોર્મ ભરવું છે.

હવે એ નવમા ધોરણના પ્રવેશ માટે લાયક છે કે કેમ, એ ચકાસવા સુષમાને પહેલા ધોરણથી આઠમા ધોરણ સુધીનો સમગ્ર અભ્યાસક્રમ આવરી લેતી પરીક્ષાઓ આપવી પડી હતી. અંતે એ લાયક ઠરી હતી. સુષમાના કહેવા પ્રમાણે શરૂમાં ક્લાસના અન્ય છોકરાઓને 'એ ભૂલમાં નથી આવી ચડી' એ સમજાવવા ભારે કસરત કરવી પડતી હતી. 

જૂન ૨૦૦૭માં સુષમાએ ઈતિહાસ સર્જ્યો હતો. એણે લિમ્કા બુક ઑફ રેકોર્ડ્ઝ માટે ૭ વર્ષ, ૩ મહિના અને ૨૮ દિવસની વયે દસમા ધોરણની બૉર્ડની પરીક્ષા પાસ કર્યાનો વિક્રમ સ્થાપિત કર્યો હતો. "એ વખતે મને બૉર્ડની પરીક્ષાનું મહત્ત્વ સમજાયું નહોતું, હું મારી જિંદગીમાં ફક્ત બીજી વાર કોઈ પરીક્ષા આપી રહી હતી, એમ સુષમાએ કહ્યું હતું. જાપાનની એક ટેલિવિઝન ચૅનલે એના પર એક દસ્તાવેજી ફિલ્મ પણ બનાવી હતી. "એ વખતે મને એમ થતું કે આમને શહેરના અમારા જેવા લોકોની ફિલ્મ બનાવવાની શી ગરજ પડી હશે?, એમ સુષમાએ કહ્યું હતું.

સુષમા ૧૩ વર્ષની વયે લખનઉ યુનિવર્સિટીમાંથી બોટનિ (વનસ્પતિશાસ્ત્ર)માં સ્નાતક થઈ હતી. ૧૫મા વર્ષે એમ.એસસી. પૂર્ણ કર્યું હતું. એની એ સમયની સિદ્ધિની એક અજબ વાત એવી છે કે એ જે યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈ હતી એ જ યુનિવર્સિટીમાં એના પિતા સ્વચ્છતા વ્યવસ્થા અને કચરાનો નિકાલ કરનારા મદદનીશ તરીકે નિમાયા હતા. આજે એને કારણે એની માતા પણ પ્રાથમિક હિન્દી-અંગ્રેજી વાંચી શકે છે. હવે જીવનમાં શું? આ સવાલના જવાબમાં સુષમા કહે છે, "પતા નહીં.

આવી નારીશક્તિને બિરદાવવા (જો આપણી લાગણી ન દુભાતી હોય તો) ગાઈ શકાય, 'મા પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે...'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment