Thursday, 29 September 2016

[amdavadis4ever] ગરબા ખોવાયા સ્ટેજ પરથી...

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ચોક, આંગણ, નાનાં મેદાન અને રસ્તા ઉપરથી ક્યારે ગરબા સ્ટેજ પર ચડ્યા અને ક્યારે ઊતરી ગયા એ ભાગ્યે જ કોઈને યાદ રહ્યું. વીસમી સદીના પ્રારંભથી મધ્યમવર્ગી શિક્ષિત પરિવારોની મહિલાઓએ મંડળો કાઢી પ્રવૃત્તિઓ શરૂ કરેલી. ગુજરાતી હિંદુ સ્ત્રીમંડળ એમાં પહેલા ક્રમે આવે. લગભગ ૧૯૦૨માં એની સ્થાપના થયેલી. આગળ જતાં એમણે સ્ત્રી શબ્દનો બૃહદ્ અર્થ કર્યો. એનું નામ માત્ર ગુજરાતી કે હિંદુ સુધી સીમિત ન રહ્યું પણ માત્ર સ્ત્રી મંડળ તરીકે ઓળખાયું. ત્યાર પછી મોટું મહિલા સંગઠન દેખાય છે તે છે ૧૯૧૦માં ભગિની સમાજનું. આગળ જતા કુમારિકા સ્ત્રીમંડળ વગેરે પણ અસ્તિત્વમાં આવ્યું. આ બધા મંડળોમાં ગાંધીવાદી મૂલ્યો દેખાતાં હતાં. લોકસેવાનું કામ કરવામાં એ સૌ આગળ હતાં પણ માત્ર પોતાને આનંદ આવે અને સાંસ્કૃતિક પરંપરા જળવાઈ રહે એવી કોઈ પ્રવૃત્તિ હતી તો તે અચૂક હતી નવરાત્રિ અને બીજા પ્રસંગોએ ગરબા કરવાની. આ અગાઉ સ્ટેજ ઉપર ગરબા થતા નહીં. ગરબા એ લોકનૃત્યનો પ્રકાર છે અને લોકસંસ્કૃતિમાં અન્યત્ર દેખાય તે મુજબ એક સહભાગી કાર્યક્રમ છે. ધીરે ધીરે એમાં ફેરફાર આવ્યા. સૌપ્રથમ ગુજરાતને ગાતું કરનાર કવિ તે ન્હાનાલાલ. એમનાં ગરબાગરબી અને રાસ સ્ત્રીઓને અત્યંત પસંદ આવ્યાં. 'ઝીણા ઝરમર વરસે મેહ રે ભીંજે મ્હારી ચૂંદલડી' વગેરે અવિસ્મરણીય ગરબા છે. આ સ્ત્રીઓ શિક્ષિત કુટુંબોની હતી, એમની નેતાઓ પોતે પણ સુશિક્ષિત હતી. તેઓ સાહિત્યિક ગરબા લાવે તેમાં નવાઈ નહીં. ભગિની સમાજમાં પણ ઝવેરચંદ મેઘાણી, નંદકુમાર પાઠક, બાલમુકુન્દ દવે વગેરેની કૃતિઓ ગરબે ગવાતી અને ઝિલાતી. સ્ત્રીમંડળના ભારતીય વિદ્યાભવનમાં થતા ગરબા મુખ્યત્વે અવિનાશ વ્યાસની કૃતિઓ હતી. ન્હાનાલાલ પછી પણ એમના કરતાં બહુ મોટા પ્રમાણમાં ગુજરાતની જનતાને ગાતી કરવાનું શ્રેય કોઈને જાય છે તો તે અવિનાશ વ્યાસને. "તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું રે, "રંગલો જામ્યો કાલિન્દીને ઘાટ કે "મ્હાલ રે મ્હાલ લ્હેરણિયું લાલ... નવી તે વહુના હાથમાં રૂમાલ છે. બધી સદા જીવંત કૃતિઓ એમની છે. મહિલા પ્રવૃત્તિમાં નાની વયથી જોડાનારા અને ગરબા ઉપરનું ઉત્તમ પુસ્તક પ્રગટ કરનાર શિક્ષણશાસ્ત્રી કમલિની હઝરત કહે છે કે એક વાર અવિનાશભાઈએ માતાજીનો એક ગરબો લખ્યો, નવરાત્રિમાં ઓછામાં ઓછો એક ગરબો તો હોય જ. ઘણું ખરું એ પહેલો જ ગરબો હોય. અવિનાશભાઈએ કમલિનીબહેનને સંભળાવ્યો. પોતે સમજી ગયા કે બહેનને આ કંઈ રુચ્યો નથી. તરત જ એ હારમોનિયમ લઈને એમને ઘરે એક રૂમ બંધ કરીને બેઠા. બહાર નીકળીને સંભળાવ્યો તો હઝરતબહેન તો આભા થઈ ગયા પણ આજ સુધી જે કોઈ સાંભળે છે તે અભિભૂત થઈ જાય છે. એ ગરબો હતો, "માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

સ્ટેજના ગરબામાં ભાગ લેવા માટે બહેનો નામ નોંધાવતી, પસંદગીઓ થતી અને લાંબી પ્રેક્ટિસો થતી. ૧૯૬૦-૭૦થી પાછો ગરબો શેરીમાં આવવા માંડયો ત્યારે પાછો બદલાવ આવ્યો. હવે લોકપ્રિય ઝમકદાર ગાયનો અલગ ઊભા રહીને ગાયકો ગાય, બીજા ગાયકો ઝીલે અને સ્ત્રી પુરુષો પ્રાંગણમાં ગરબા કરે એવો ચાલ ઊભો થયો. આજે યુવાપેઢી વધુ ને વધુ પશ્ર્ચિમી સંસ્કૃતિ તરફ જઈ રહી છે ત્યારે આવા ગરબા પણ હવે અગાઉ જેટલા પ્રમાણમાં લોકપ્રિય રહ્યા નથી, જો કે બિનગુજરાતીઓ હવે ગરબા ઉત્સવો રાખે છે. વધતી જતી જાહેર ધાર્મિકતામાં ગણપતિની જેમ દુર્ગાઉત્સવ પણ મંડાય છે અને એમાં ગરબા થાય છે. સ્ટેજના ગરબા આ કાળમાં પણ જો કોઈએ સાચવી રાખ્યા હોય તો તે હતા સ્વરકાર નવીન શાહ. વર્ણમ્ના ગરબા જોવા લોકો ટિકિટો ખરીદવા દોડતા. લીલાબહેન ભણસાળી પોતે એમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા. આજની પેઢી એમને એમના દીકરા સંજય લીલા ભણસાળીની માતા તરીકે ઓળખે છે પણ એ પોતાના હકથી એક કલાકાર હતા. 'દેર મારી આંગોઠડીનો ચોર' એ ગીતના મૂળ ગાયક લીલાબહેન હતા. એમના દીકરા સંજયમાં પણ માતાની કલા આવેલી અને એમણે પણ વર્ણમ્ના ગરબામાં મૌલિક કોરિયોગ્રાફી કરેલી છે. એમની ફિલ્મના કોરિયોગ્રાફર સમીર તક્ષાએ પણ નવીનભાઈ જોડે કામ કરેલું છે અને અનેક ગુજરાતી અને બિનગુજરાતી મહાન ગાયિકાઓએ વર્ણમ્ માટે ગાયેલું છે. આજે નવીન શાહ અને વર્ણમ્ની સ્મૃતિમાં એમના જૂથમાં અનેકવિધ કળા કાર્ય કરી ચૂકેલા સિદ્ધિ શિરીષ ઝવેરી 'સ્વર્ણમ્'ને નામે નવીન શાહના જ કેટલાક ગરબા ફરીથી સ્ટેજ ઉપર રજૂ કરી રહ્યા છે.

આંગણના ગરબા ટકાવી રાખવામાં સૌથી સફળ થયેલા તે કમલા નિવાસના સાંતાક્રુઝના ગરબા. એમાં આસપાસના ઘરોમાંથી ભાઈબહેનો આવે, જૂના રહેવાસને કારણે શોભિત દેસાઈ જેવા કલાકાર પણ થોડા ગરબા ગવડાવે. અહીં નાના મોટા સહુ ભાગ લઈ શકે. ધીરે ધીરે આંગણો નાના થતા ગયા. મૂળ રહેવાસીઓ સાંતાક્રુઝ છોડી બીજે રહેવા લાગ્યા, આખો માહોલ બદલાઈ ગયો. આ જ મકાનના મૂળ રહેવાસી ઉર્વી હોરા એક કમિટેડ કોરિયોગ્રાફર, એમનું દૃઢપણે માનવું રહ્યું કે લોકનૃત્ય એ કાંઈ માત્ર જુવાનિયાઓનો ઈજારો નથી. એક આફ્રિકન કહેવત છે ઈફ યુ કેન ટૉક, યુ કેન સીંગ, ઈફ યુ કેન વૉક યુ કેન ડાન્સ. લોકસંસ્કૃતિમાં ગાવું અને નાચવું એ બોલવા કે ચાલવા જેવું સહજ છે. એ માટે થોડી તાલીમ મળે તો નૃત્યમાં (કે ગીતમાં) ઓપ આવે. મનમોજી થઈને નાચવાનું માણનારને જોવામાં પણ દર્શકોને રસ પડે. ઉર્વીબહેનના ગરબાઓમાં પાંચ વર્ષનાં બાળકોથી માંડીને પચાસ સાઠ વર્ષની મહિલાઓ પણ હોંશથી ભાગ લે. ગરબા જ્યારે હવે ઝાઝા થતા નથી ત્યારે એ હવે ગરબાને લોકનૃત્ય તરફ પાછા લઈ ગયા છે. આમાં દર વખતની જેમ એમને અવનિ દેસાઈનો સાથ. આનંદની વાત એ છે કે નવરાત્રિ નિમિત્તે નવ નવ કોરિયોગ્રાફરોએ મળીને દેશવિદેશના લોકનૃત્યો રજૂ કરવાનો નિર્ણય લીધો આ ગાળામાં યોગ્ય વિસ્તારમાં ઑડિટોરિયમ મેળવવાની માથાકૂટ વગેરે કારણોસર એમણે નવરાત્રિને અગાઉથી વધાવવા ૨૫મી સપ્ટેમ્બરે જ કાર્યક્રમ કરી લીધો. ઘણાં વર્ષોથી વિલેપારલેમાં વંદના દેસાઈ ગરબા કરાવતાં હતાં, જે વીણા મહેતાના ભગિની સમાજની કંઈક યાદ અપાવતા. કોટ હિંદુ સ્ત્રીમંડળ વગેરેમાં તો વર્ષોથી ગરબાને બદલે નૃત્યનાટિકાઓ શરૂ થઈ ગયેલી. વંદના દેસાઈ પોતે તો ભરતનાટ્યમ્ શૈલીના નૃત્યગુરુ છે પણ નવરાત્રિ આવે કે એમનું મન ગરબામાં. એમ તો સિદ્ધિ ઝવેરી પણ તાલીમબદ્ધ બનારસ ઘરાણામાં કથ્થકનૃત્ય શીખેલા છે અને હજી પરીક્ષક તરીકે એમને આમંત્રણ મળે છે પણ નવરાત્રિ અને વર્ણમ્ની તો વાત જ જુદી હતી, નવ કોરિયોગ્રાફરોએ મળીને કાર્યક્રમ કર્યો તે હતો ઋતુરંગ. આ વખતે નામ તો એ જ હતું પણ નૃત્યોમાં રાજસ્થાન, મહારાષ્ટ્રથી માંડીને કોરિયા, ચીન અને જાપાન સુધીનાં લોકનૃત્યો હતાં. મૂળ કાશ્મિરનું લોકગીત એક ફિલ્મમાં જાણીતું થઈ ગયેલું તે 'ભૂમરો, ભૂમરો' અહીં એ મૂળ ગીતને સાચવીને આધેડ વયની મહિલાઓએ રજૂ કર્યું તો દર્શકો આફ્રિન થઈ ગયાં, કાજલ થાણાવાલા, ઈલા શાહ વગેરે કોરિયોગ્રાફરો પોતપોતાના વર્ગો ચલાવે છે પણ અહીં સહુનાં તાણાંવાણાં મળી એક જ થીમ પર વિવિધતા જળવાઈ. સ્તુતિ ઉપરાંત અવિનાશ વ્યાસના "ચરર ચરર મારું ચગડોળ ચાલે ગીતોમાં નાનાં બાળકો દેખાયાં. વેશભૂષા ખરેખર સુંદર હતી, નહીં તો એકનાં એક કામળા કે ઓઢણી જોઈને કંટાળો આવે. મને થયું કે ડાંગ, કે મિઝોરમ વિશે તો જાણી શકાય, ઓનમ્નાં ગીત પણ મળી રહે પણ પરદેશી લોકગીતોનું શું? અહીં રશિયન નૃત્ય માત્ર સંગીત ઉપર કરાયું જ્યારે કોરિયન પંખાવાળા નૃત્યમાં તો એમની ભાષાનું ગીત પણ હતું. કલબલિયા જે રાજસ્થાનના વણઝારાનું નૃત્ય હતું તો જીપ્સી નૃત્યમાં સ્પેનીશ સંગીત હતું. હવે એ જાણીતું છે કે સ્પેનના ફલેમિંકો નૃત્ય અને કથકમાં સામ્ય મળી આવે છે. કારણ કે જીપ્સીઓ રાજસ્થાનથી ગીતસંગીત લઈ ગયેલાં. કથક ભલે શાસ્ત્રીય નૃત્ય હોય પણ શું સંગીત કે શું નૃત્ય, આખરે તો એ લોકસંસ્કૃતિનો વિકાસ થઈને જ ઘડાય છે.

આનંદની વાત છે કે 'મુંબઈ સમાચાર' પોતે ગરબાઉત્સવ કરાવી રહ્યું છે. એક યા બીજા સ્વરૂપે ભારતીય નૃત્યોને ટકાવી નહીં રખાય તો ગ્લેમરમાં યુવાનો માત્ર લેટિન અમેરિકન નૃત્યો કે બેલે ડાન્સિંગ જ શીખશે. ફિલ્મ નૃત્યોના તો પારાવાર વર્ગો ઊભા થયા છે, કારણ કે સારે પ્રસંગે આપણને એ જ ધૂનો પર કોરિયોગ્રાફી કરાવવાનું પસંદ પડી ગયું છે. એ સામે કોઈ વિરોધનો સવાલ નથી પણ સાથો સાથ પોતાની લોકકલાઓ જળવાય, વધુ વિકસે અને જીવિત રહે તે માટે કામ કરતી રૂપા અને રુચિકા શાહ, સોનલ ભાટિયા, દિશા મહેતા અને એમના સાથીઓને અભિનંદન. આવતે વર્ષે આ નવે બહેનો અને જોડેની નૃત્યાંગનાઓ શું લઈને આવશે તેની ઈંતેજારી રહે છે. સ્વર્ણમ્માં નવીન શાહના જૂના સાથી કોરિયોગ્રાફર શિલ્પા અને અવનિનો સાથ પણ અભિનંદનીય છે. આશા રાખીએ કે વર્ણમ્થી પ્રારંભ કરનાર આજના મોટા કલાકારો વર્ણમ્ને સજીવન કરવા તત્પર રહે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment