Tuesday, 3 May 2016

[amdavadis4ever] મિજાજ મસ્તી - Gujarati

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મોંઘી ગાડી આવી, હજારો પ્રશ્ર્નો લાવી
 
 
મિજાજ મસ્તી - સંજય છેલ
 
આજકાલ અમીર બાપનાં બિગડેલાં બચ્ચાઓ દ્વારા થતાં મર્સિડીઝ જેવી ગાડીઓનાં અકસ્માતો હેડલાઇનમાં બહુ ચમકે છે. સાંભળીને અમારું દિલ ધડકી ઊઠે છે, કારણ કે થોડાં વર્ષ અગાઉ મોટે ઉપાડે અમે પણ મર્સિડીઝ કાર ખરીદેલી. ત્યારની સરકાર જાણે અમારા પર જ નજર ટાંપીને બેઠી હોય એમ એ જ દિવસે પેટ્રોલના ભાવ વધાર્યા. પાછી અમારી કારની એવરેજ એટલી ખરાબ છે કે એ પેટ્રોલપંપ જોઇને જ એ ઊભી રહી જાય છે. હવે જેવી ઉડતી ઉડતી ખબર મળે છે કે પેટ્રોલના ભાવ વધવાના છે કે અમે તરત રાત્રે બાર પહેલાં પેટ્રોલપંપ પર પહોંચી જઇએ છીએ! આમાંને આમાં પેટ્રોલપંપનાં આંટાફેરા એટલા વધી ગયા કે ઘણાને તો એમ લાગે છે કે અમે પેટ્રોલપંપ પર જ ફૂલટાઇમ કામ કરીએ છીએ! હવે તો કાર એ મુસાફરી માટે નહીં પણ સસ્તામાં પેટ્રોલ ભરાવીને પૈસા બચાવવા માટે જ શોધાઇ છે, એવું અમને લાગવા માંડ્યું છે!
ફિલમલાઇનમાં મોટી કાર તમાચો મારીને ગાલ લાલ રાખવા લેવી પડે પણ બેઝિકલી અમે રહ્યાં મિડલક્લાસનાં માણસ એટલે કારની એવરેજ માટે રાતદિન હિસાબ લગાડીએ છીએ. આમાંને આમાં અમારું ગણિત સુધરવા માંડ્યું છે! જે કામ નાનપણમાં ગણિતનાં શિક્ષકોની ફૌજ ના કરી શકી એ મોંઘાં પેટ્રોલે રાતોરાત કરી આપ્યું! મર્સિડીઝની એવરેજ જોઇને જ્યારે જ્યારે અમારું મોં ઉતરી જાય છે ત્યારે અમારો ડ્રાઇવર સાંત્વન આપે કે સર, શહેરમાં એવરેજ ઓછી મળે છે, હાઇ-વે પર સારી મળશે. સંતો કહે છે કે સાચું સુખ આ જગતમાં નથી પણ મૃત્યુ પછી મોક્ષમાં છે, એમ સાચી એવરેજ શહેર બહારની લાંબી સફરમાં છે, એ ફિલોસોફી સમજાવા માંડી છે. પછી સારી એવરેજ મેળવવા અમે કારણ વિના હાઇ-વે પર પણ આંટા મારી જોયા!
મર્સિડીઝ લેવામાં સૌથી મોટો ગેરફાયદો છે કે તમે બહોળાં સમાજથી કપાઇ જાવ! મર્સિડીઝમાં તો 'કોઇક મોટું માણસ હશે' એમ વિચારીને સિગ્નલ પરનો હવાલદાર નજર ઘુમાવી લે અને બીજાં નાનાં બકરાંઓ શોધવાં લાગે. એક જમાનામાં સિગ્નલ કૂદાવીને હવાલદારને લાંચ આપીને છટકવામાં જે નટખટ આનંદ મળતો હતો એ પણ હવે નસીબમાં નથી! નાની ગાડી સાથે કોઇ મકાનમાં ઘૂસવા જઇએ તો તરત વોચમેન રોકે જાણે આપણે વાઘા બોર્ડર ક્રોસ કરી નાખી હોય. પણ હવે મોંઘી ગાડી જોઇને એ જ ચોકીદાર વગર કારણે સમ્માન આપીને અંદર જવા દે છે. આને કારણે એમ થાય કે એક વોચમેન જેવા વોચમેને આપણી નોંઘ ના લીધી? જુવાન છોકરી શણગાર કરીને નીકળે અને કોઇ એના પર એક નજર પણ ના ફેંકે તો એને કેવું ફિલ થાય? અમારી પણ ડિટ્ટો એવી જ હાલત થાય છે. અગાઉ તો વોચમેન સાથે ઝઘડવામાં, એની ભાષા, એનું ફસ્ટ્રેશન સાંભળવા મળતું એ હવે છીનવાઇ ગયું છે. એ બિચારો તો સલામ કરીને અમને અંદર જવા દે છે અને અમે અમારી કારમાં કારમી એકલતા સાથે એકલાં પડી જઇએ! ચોકીદાર, ટ્રાફિક હવાલદાર, ભિખારીઓ, ફેરિયાઓ જેવા જીવંત પાત્રોથી અમે જાણે કપાઇ ગયા છીએ! ફિલ્મી પાર્ટીઓમાં તો વધારે ટ્રેજી-કોમિક સ્થિતિ જન્મે. મર્સિડીઝ જોઇને બહાર રોડ પર ઊભેલી પબ્લિકને એમ લાગે કે અંદરથી કોઇ 'સ્ટાર' ઉતરશે. પણ પછી અમને ઉતરતા જોઇને એમનું મોઢું ઉતરી જાય. એ ઉતરેલાં મોઢામાં એવો ભાવ હોય છે કે પૈસા પડી ગયાં!
અમારા ઘણા મિત્રો માને છે કે વર્ષોથી ફિલ્મ લાઇનમાં સ્ટ્રગલ કરીને અમે કાંઇ ઉકાળ્યું નથી. કદાચ એ લોકો સાચા પણ હોય પણ મર્સિડીઝમાં બેસીને સ્ટ્રગલ કરવી એટલે હેલિકોપ્ટરમાં બેસીને વાળ ઓળવા જેવી અસંબદ્ધ વાત છે. કોઇ માને નહીં. સોનાની થાળી લઇને ભીખ માગવા જેવી વાત છે. વળી ફિલ્મી પ્રોડયુસરો પાસેથી પૈસા કઢાવવાં એટલે મૃગજળ સીંચીને વોટરપાર્ક ખોલવા જેવું ટફ કામ. ફિલ્મી નિર્માતા તો તરત જ મર્સિડીઝ જોઇને કહી દે, 'તમને શું પેમેન્ટની ઉતાવળ? તમને શું ફરક પડે?' જાણે અમે ગાડીમાં જ રહેતાં હોઇએ, પેટ્રોલ પીને પેટ ભરતા હોઇએ, ટાયરનું તકિયું બનાવીને સૂતા હોઇએ! ટૂંકમાં, વટ પાડવા ખરીદેલી મર્સિડીઝ વહીવટમાં આડી આવવા માંડી છે! ગુપ્ત રોગ માટે 'કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં' એમ કહેવાય છે પણ એ લાઇન, લકઝરી કાર માટે વધુ લાગુ પડે છે.
પહેલાં તો ફિલ્મી પાર્ટી બાદ કોઇ સુંદરીને જોઇને તરત જ 'આવો તમને ઘરે ડ્રોપ કરી દઉં' એવું વાકય મોંમાંથી નીકળી જતું. પણ હવે મર્સિડીઝની એવરેજ અને પેટ્રોલના દામ સામે દેખાવા માંડે છે અને મોં પર બ્રેક લાગી જાય છે. આમ મર્સિડીઝે અમારાં ચારિત્ર્ય પર લગામ લગાડીને શુદ્ધિકરણ કરવાનું પવિત્ર કામ પણ કર્યું છે. આજકાલ બસસ્ટોપ પર ઊભેલા કોઇ જૂના મિત્રને લિફટ ઓફર કરીએ છીએ તો એ અમારી સામે મુસ્કરાઇને એ રીતે ના પાડે છે જાણે સોનીયા ગાંધીની જેમ એ દિલ્લીની ગાદી ઠૂકરાવતો હોય! ઉપરથી 'મોટી ગાડીનો શો-ઓફ કરવાનું રહેવા દે, દોસ્ત!' જેવી કોમેંટ આપવા માંડે છે."અરે, ના.. આ તો શો-બિઝમાં આવી ગાડી રાખવી પડે' એવી સફાઇ આપવાનો અમે પ્રયત્ન કરીએ એ પહેલાં તો એ સ્વાભિમાની આત્મા જતો રહ્યો હોય છે!
મનચલી મર્સિડીઝ પળપળ નવી શિક્ષા આપતી જ રહે છે. જેમ કે 'જીવન ક્ષણભંગુર છે-ગમે ત્યારે કાર ઠોકાઇ શકે અને તમે જેલમાં જઇ શકો!' કે પછી 'પેટ્રોલના ભાવ, મનુષ્યનો સ્વભાવ અને સમયનો પ્રવાહ સતત બદલાતો રહે છે, કશુંય શાશ્ર્વત નથી!' અમારા મિડલકલાસના માતુશ્રી પહેલેથી માને છે કે જેમ ભગવાન પશુરામનો જન્મ, પૃથ્વી પરથી ક્ષત્રીયોનો નાશ કરવા થયેલો એમ અમારો જન્મ માત્ર બસ-રિક્ષામાં બેસવા માટે જ થયો છે. અમે જ્યારે જ્યારે કારમાં બેસીએ છીએ ત્યારે કોઇ ગુનો કરતાં હોઇએ એવી ફીલિંગ અમારી નસોમાં દોડવા માંડે છે! ફિલ્મોના જૂના જોગીઓ પણ યાદ અપાવે છે કે 'મુઘલે આઝમ' જેવી ફિલ્મ બનાવનાર કે. આસિફ તો કાયમ ટેકસીમાં ફરતાં, આવી મર્સિડીઝમાં નહી! ટૂંકમાં 'તમને બધી દિશામાંથી શુભ વિચારો પ્રાપ્ત થાય'ની જેમ અમને બધી દિશાઓથી મેણાંટોણા સાંભળવા મળે છે! એક સગાએ સલાહ આપી કે મોંઘી ગાડી ખરીદવા કરતાં તો શહેરથી દૂર પરાંમાં ફલેટ ખરીદીને એટલાં જ પૈસા ઇન્વેસ્ટ કરવા જોઇએ. અમે કહ્યું, "વાત સાચી પણ એ ફલેટને હું રોડ પર ચલાવીને મારાં કામે કઇ રીતે જઉં?' એનો જવાબ આપવા પહેલાં એ લોકલ ટ્રેન પકડવા ભાગી ગયાં! એક શુભેચ્છકે તો ત્યાં સુધી સલાહ આપી કે મોંઘી ગાડી, ઓફિસ વગેરે બધુ જ વેંચીસાટીને, પૈસા વ્યાજે મૂકી દઇએ તો લાઇફમાં કાંઇ કરવું જ ના પડે! મનમાં સવાલ ઊઠે છે કે એમ પણ લાઇફમાં અમે એમ પણ કયાં કંઇ ખાસ કરી રહ્યા છીએ? કમસેકમ, મર્સિડીઝને કારણે લોકોને વિચારતા તો કરી શકીએ છીએ?
 

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment