Tuesday, 3 May 2016

[amdavadis4ever] ઉઘાડી બારી - Gujarati

 




Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



'સરસ્વતીચંદ્ર'નાં સવાસો વરસ અને ગોમાત્રિ!
 
 
ઉઘાડી બારી - ડૉ. દિનકર જોશી
 
ગુજરાતી ભાષાના રસગ્રંથ ગણાતા 'સરસ્વતીચંદ્ર'ના રચયિતા ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની સ્મૃતિમાં ૨૭ એપ્રિલે એક ટપાલ ટિકિટ બહાર પડી છે. એ નિમિત્તે આ સર્જકના અંગત જીવન અને તેમના સાહિત્યિક પ્રદાન વિશે રોચક લેખોનું નજરાણું
 
સાઠ વરસની વય વળોટી ગયેલા કોઈ પણ શિક્ષિત, અર્ધશિક્ષિત કે અલ્પ શિક્ષિત ગુજરાતીને પૂછી જોજો-ઉપર ટાંકેલી કાવ્ય પંક્તિઓ એને યાદ છે. સરસ્વતીચંદ્રનો ગૃહત્યાગ, મનોહરપુરીના સીમાડે અર્થદાસ અને ચંદરભાઈનો સંવાદ તથા જનોઈએ બાંધેલી મણિમુદ્રાની વાત-સરસ્વતીચંદ્ર નવલકથાની આ ત્રણ-ચાર ઘટનાઓનાં પ્રકરણો વરસોનાં વરસો સુધી ગુજરાતી પાઠ્યપુસ્તકમાં એનાં એ જ રહ્યાં હતાં. શિક્ષક વર્ગખંડમાં ગોવર્ધનરામની વાત કરે, સરસ્વતીચંદ્ર નવલકથાનો સારાંશ આપે. (એમણે પણ ચાર ભાગ અને બે હજાર મોટા કદનાં પૃષ્ઠોમાં આલેખાયેલી આ નવલકથા મૂળમાં વાંચી ન હોય, સારાંશ જ વાંચ્યો હોય.) વર્ગમાંથી બે-ચાર વિદ્યાર્થીઓ સરસ્વતી ચંદ્રનો પહેલો ભાગ વાંચે પણ ખરા, કોઈક વળી બીજો ભાગ પણ વાંચે, ત્રીજો અને ચોથો ભાગ પણ જેમણે વાંચ્યા હોય એવા સારસ્વતો આંગળીના વેઢે ગણાય.
વચ્ચે બે વરસ ભાવનગર રાજ્યના દીવાનના સહાયક તરીકે સેવાઓ આપી અને આ ગાળામાં રજવાડી ખટપટોનો અંદાજ પણ મેળવ્યો. રજવાડી ખટપટોની આ પ્રથમદર્શી વાતો 'સરસ્વતીચંદ્ર' નવલકથા લખતી વખતે એમને બહુ ઉપયોગી થઈ. ભાવનગર રાજ્ય સાથેનો બે વરસનો કરાર પૂરો થયો ત્યારે રાજ્યે એમને ભાવનગર રાજ્યના ન્યાયતંત્રના વડા તરીકે માસિક રૂ. રપ૦/-ના દરમાયાથી નીમવાની ઓફર કરી, પણ ગોવર્ધનરામે એ સ્વીકારી નહીં, તેતાળીસ વરસની ઉંમરે જ્યારે વકીલાતની માયાજાળ સમેટી લીધી ત્યારે કચ્છના મહારાવે એમને માસિક રૂ. ૧૫૦૦/-ના પગારથી કચ્છના દીવાન તરીકે જોડાવા નિમંત્રણ આપ્યું પણ ગોવર્ધનરામ પ્રતિજ્ઞાબદ્ધ હતા. તેતાળીસ થઈ ચૂક્યા હતા અને કદાચ પોતાની આયુમર્યાદા વિશે એમના અંતરાત્માએ એમના કાનમાં ફૂંક મારી હોવી જોઈએ. બાવન વરસની ઉંમરે ગોવર્ધનરામ સદ્ગત થયા.
બત્રીસ વરસની ઉંમરે ૧૮૮૭માં 'સરસ્વતીચંદ્ર' નવલકથાનો પહેલો ભાગ પ્રગટ થયો. ચૌદ વરસના લાંબા ગાળા પછી ૧૯૦૧માં ચોથો અને છેલ્લો ભાગ પ્રગટ થયો. ખરેખર તો ગોવર્ધનરામ નવલકથા લખવા જ નહોતા માગતા. આયુ કાળનાં વરસો દરમિયાન પોતે જે વાંચ્યું હતું, વિચાર્યું હતું, જેનું ચિંતન અને મનન કર્યું હતું એ બધું ધર્મ, રાજ્ય પરિવાર જીવન ઈત્યાદિ ઈત્યાદિ વિષયો ઉપર ઉપદેશાત્મક મહાનિબંધ લખવા માગતા હતા, પણ આવી વાતો જો નિબંધ તરીકે લખે તો લોકો રસપૂર્વક વાંચે નહીં એટલે એમણે નવલકથાનું માધ્યમ લઈને પોતાના ઉપદેશને શબ્દબદ્ધ કર્યો. જોકે આમ કરવા જતાં જે વ્યાપ અને આડકથાઓ એમાં ઉમેરાતી ગઈ એના ફળ સ્વરૂપે એ મહાનવલ બની પણ એને વાચકો તો ઓછા જ મળ્યા.
નવલકથા લખવી એ એમનો ઉદ્દેશ જ નહોતો એટલે કલાના ગમે એટલા ઉદાર માપદંડો વાપરીએ તો પણ 'સરસ્વતીચંદ્ર'ને કલાત્મક નવલકથા કહેવાનું જોખમ કોઈ ઉઠાવી શકશે નહીં. ગોવર્ધનરામે આમાં ધરેલા જ્ઞાનના વ્યાપને બહુ ઓછા વાચકો અંગીકાર કરી શકે છે. (પોતે અંગીકાર નથી કરી શકતા એવું કહેવાથી ક્યાંક અણસમજુમાં ખપી જઈશું એવા ભયથી સહુ કોઈ 'હમ ભી ડીચ' કરે છે.) આ નવલકથામાં ત્રણ મુખ્ય પ્રવાહો અને બાર આડકથાઓ આલેખાઈ છે. મુખ્ય પ્રવાહોમાં પરિવારજીવન, રાજ્ય તંત્રની ખટપટો અને સાધુ-સંન્યાસીઓનું અરણ્ય જીવન રહ્યા છે. ખુદ ગાંધીજીએ આ નવલકથા વાંચી હતી અને એમનો પુત્ર હરિલાલ જ્યારે ગૃહત્યાગ કરીને જતો રહ્યો ત્યારે એમણે કહ્યું છે-'સરસ્વતીચંદ્ર' વાંચવાનું જ આ પરિણામ (હરિલાલે 'સરસ્વતીચંદ્ર' વાંચી હશે કે કેમ એનો કોઈ પુરાવો નથી.) આ નવલકથા વિશે એમણે જે મત દર્શાવ્યો છે એ 'મહાદેવભાઈની ડાયરી' ભાગ-૧માં સંગ્રહાયેલો છે. ગાંધીજી કહે છે-'પહેલા ભાગમાં એમણે પોતાની શક્તિ ઠાલવી. નવલકથાનો રસ પહેલામાં ભરેલો છે. ચરિત્ર ચિત્રણ એના જેવું ક્યાંય નથી, બીજામાં હિંદુ સંસાર સરસ ચિતરાયો છે. ત્રીજામાં એમની કળા ઊડી ગઈ અને ચોથામાં એમને થયું કે હવે મારે જગતને જેટલું આપવું છે તે આ પુસ્તક દ્વારા જ આપી દઉં તો કેવું સારું?)
ગુણાઢ્ય રચિત 'કથાસરિત્સાગર'માં શિવપાર્વતી સંવાદ આવે છે. પાર્વતી શિવજીને એક વાર્તા કહેવા વિનવે છે. આ વાર્તા સાવ નવી, લાંબી અને રસપ્રદ હોવી જોઈએ એવી પૂર્વશરત પણ મૂકે છે. ગોવર્ધનરામે 'કથાસારિત્સગર'ની આ ત્રણ પૂર્વ શરતો કદાચ વાંચી હશે, કદાચ નહીં પણ વાંચી હોય. 'સરસ્વતીચંદ્ર' ઘટનાઓને સંબંધ છે ત્યાં સુધી સાવ નવી છે. લંબાઈને સંબંધ છે ત્યાં 'કથાસરિત્સાગર'ને પણ વળોટી જાય છે. હવે વાત રહી રસની. રસને સંબંધ છે ત્યાં સુધી તુંડે તુંડે મતિર્ભિન્ના:. આનંદશંકર ધ્રુવ આને નવલકથા જ નથી કહેતા. એ કહે છે કે આ તો પુરાણ છે. રામનારાયણ વિશ્ર્વનાથ પાઠક કહે છે કે 'સરસ્વતીચંદ્ર'ને કોઈ આકાર જ નથી. આકાશ અને સમુદ્રની જેમ એને માત્ર સૌંદર્ય હોય. આ બધા વચ્ચે એક વાત ભૂલવા જેવી નથી. આ મહાનવલ જ્યારે પ્રગટ થઈ ત્યારે અન્ય કોઈ ભારતીય ભાષાઓમાં આવી નવલ લખાઈ નહોતી. આજેય 'સરસ્વતીચંદ્ર' અને એના સર્જક ગોવર્ધનરામનું જે સ્થાન છે એ એની આ વિશેષતાને લીધે જ છે. નહીં તો ગુરુદેવ ટાગોરની નવલકથા 'ગોરા'માં સંદેશ કે રસગુલ્લા આરોગતાં આરોગતાં પાત્રો પાનાનાં પાનાં ભરીને નરી ચર્ચા જ કર્યા કરે છેને! ઘટના આગળ વધતી જ નથી.

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment