Thursday, 1 October 2015

[amdavadis4ever] સ્વમાની શકુબાઈ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નંદિતાનો ફૂડ પ્રોડક્ટનો વ્યવસાય મુંબઈ-ગુજરાત-બેંગલોર જેવાં મોટા શહેરોમાં વિકાસ પામ્યો હતો. ભારત ઉપરાંત યુ.કે., દુબઈ, સિંગાપોર અને યુ.એસ.ના પ્રતિનિધિઓ નંદિતા પટેલ સાથે કોઓર્ડિશન કરીને તેની રેસિપી અને ટ્રેડમાર્ક સાથે ત્યાં કારીગરો પાસે તેવો માલ તૈયાર કરાવતા. 'કિચન ક્વીન પ્રોડક્ટ્સ'ની ગુણવત્તાને પહોંચી વળવા નંદિતા પટેલની ટીમ સતત નવાં સંશોધન કર્યા કરતી. છેલ્લાં પાંચ વર્ષમાં તો નંદિતાનું ઉત્પાદન ચાર ગણું થયું છે અને કેટલાંય વિદેશી કેન્દ્રોમાં એની ફ્રેન્ચાઈઝ કંપનીઓ ઊભી થઈ છે. 

આજે નંદિતાની મુંબઈસ્થિત મુખ્ય ઓફિસમાં કેટલાક વિદેશી પ્રતિનિધિઓ આવવાના હતા. નંદિતા સાડાનવ વાગ્યા પહેલાં ઓફિસ પહોંચવા ઉતાવળમાં હતી ત્યાં જ ઘરકામ કરી રહેલી શકુબાઈ બાથરૂમમાં ચક્કર ખાઈને પડી ગઈ. નંદિતાએ દોડીને તેનો હાથ ઝાલ્યો અને બહારના સોફા પર બેસાડી કહ્યું: શકુબાઈ, હું તારા માટે કોફી બનાવી લાવું છું, જરા બેસ.' શકુબાઈને કોફી આપ્યા પછી રાતની ભાખરી અને અથાણું આપ્યું. 'લે થોડું ખાઈ લે.'

નંદિતાનો દીકરી જેવો પ્રેમ જોઈને શકુબાઈની આંખો ભીની થઈ. નંદિતાએ શકુબાઈને પગારના ૩,૦૦૦ રૂ. હાથમાં આપતાં કહ્યું:

'શકુબાઈ, આજે ડોક્ટરને બતાવીને દવા લઈ આવજે. આમ અચાનક ચક્કર આવે તે સારું નહીં.'

શકુબાઈએ પ૦૦ રૂ.ની ત્રણ નોટો પોતાના નાના પાકીટમાં મૂકી દીધી. બાકીના પૈસા નંદિતાને પરત આપતાં કહ્યું: 'તાઈ, આ પૈસા તમારી પાસે જમા રાખો. મને જરૂર હશે ત્યારે માગીશ.

શકુબાઈ દર મહિને પોતાનો અડધો પગાર તાઈ પાસે જમા કરાવી દેતી. એક વાર નંદિતાએ પૂછ્યું: 'શકુબાઈ, આ પૈસા તું કોના માટે બચાવી રાખે છે? તારી તબિયત સારી નથી, તો બરાબર ખા, દવા લે, દૂધ અને ફળ ખા...'

શકુબાઈ સામે શ્રીનાથજીના ફોટા સામું જોઈને બોલી: 'તાઈ, મને ખબર નથી. આ વિઠોબા મને ક્યારે બોલાવી લેશે? આ ઘરડી ઉંમરે હવે તમારા સિવાય મારું કોણ છે?' એટલું બોલતાં ડૂસકું ખાઈ ગઈ. 'માઝા નવરા બેવડા ઝાલા અને દારૂની લતમાં જ મરી ગયો. અને પંદર વરસનો એ ગણપત...' પોતાના દીકરા ને મૃત પતિને યાદ કરતાં શકુબાઈ રડવા લાગી. 

શકુબાઈને સાંત્વન આપીને નંદિતાએ કહ્યું: 'ચાલ હવે ખોટો જીવ ન બાળ. આજે અમારું ટિફિન ન બનાવતી, પણ મિતાલીના માટે રોટલી-શાક અને ખીચડી બનાવજે. સાંજ પડે ત્યારે મિતાલીને બગીચામાં લઈ જજે.'

ઓફિસે જતી વખતે નંદિતાની નજર સામેથી શકુબાઈનું ચિત્ર ખસતું ન હતું. 

અઠ્ઠાવન વર્ષની આ ગરીબ શકુબાઈ. દહિસરમાં નંદિતાના ઘર મારુતિ અપાર્ટમેન્ટની પાછળ આવેલી ઝૂંપડપટ્ટીમાં રહે છે. નંદિતાને સુવાવડ આવી ત્યારથી નાની બેબીને માલિશ કરવા, સાચવવા એને કામ પર રાખી. આજે મિતાલી પાંચ વર્ષની થઈ ગઈ છે. શકુબાઈને આજી કહીને જ બોલાવે છે. અને શકુબાઈ પણ નંદિતાના ઘરને પોતાનુું ઘર માને છે.

સવારે સાતના ટકોરે લીલા રંગની નવવારી સાડી પહેરીને શકુબાઈ અચૂક હાજર થઈ જાય. કપાળે મોટો લાલ ચાંદલો કર્યો હોય. તેલ નાખીને ઊંચો અંબોડો બાંધ્યો હોય. હાથમાં એક નાની થેલી હોય જેમાં નાનું પાકીટ અને પ્લાસ્ટિકના ત્રણ-ચાર નાના ડબ્બા હોય. આવતાંવેંત જ બોલે... 'તાઈ જે શ્રીકૃષ્ણ. જય વિઠોબા...'

અડધું મરાઠી-અડધું હિન્દી અને ભાંગ્યુતૂટ્યું ગુજરાતી બોલતી શકુબાઈ નંદિતાના ઘરનું મુખ્ય ચક્ર હતું. સવારે આવીને ચા મૂકે ત્યારથી માંડીને રાત્રે મિતાલીને સુવડાવીને જ શકુબાઈ પોતાના ઘરે જાય. 

એક વાર સવારે છ વાગતામાં શકુબાઈ આવી પહોંચી અને કહ્યું: 'તાઈ, મી ઘરાત નાય રાહણાર. વિષ્ણુ દારૂ પીએ છે અને પછી મને પીટે છે. તાઈ, મારા પાકીટમાંથી ૨૦૦ રૂ. ચોરી ગયો. પાછું જૂઠું બોલે છે...'

નંદિતાએ એને શાંત પાડી. 'શકુબાઈ, એની દારૂની ટેવ આપણે છોડાવવાની. તું જો એની સાથે નહીં રહે તો એ વધુ દારૂ પીશે. સારું, હમણાં શાંત થા. રાતે વાત કરીશું.'

તે રાત્રે નંદિતા શકુબાઈને સમજાવીને તેને ઝૂંપડે લઈ ગઈ. એના પતિ વિષ્ણુએ પણ બે હાથ જોડીને માફી માગી. 'તાઈ, આતા મી શકુલા નાય મારણાર. ચૂકલો મી, માફ કરા.' પણ દારૂની લત તો ના છૂટી. શકુબાઈના બચાવેલા પૈસા ચોરી કરીને વિષ્ણુ દારૂના પીઠા પર પહોંચી જતો. જે મકાનમાં વોચમેન તરીકે કામ કરતો હતો એ સોસાયટીવાળાએ પણ વિષ્ણુને કામ પરથી કાઢી મૂક્યો. 

એ વાતને ત્રણ વર્ષ થઈ ગયાં. શકુબાઈ સાવ એકલી પડી ગઈ હતી. નંદિતાએ શકુબાઈને એક મોબાઈલ અપાવ્યો અને કાગળ પર પોતાનો મોબાઈલ નંબર અને પતિ પ્રકાશનો નંબર લખી આપ્યો. જો... ૧) નંબરના આંકડા જોડીશ તો મારી સાથે વાત થશે અને ર) નંબરના આંકડા જોડીશ તો પ્રકાશ સાથે વાત કરવાની. સમજી? તને જ્યારે પણ જરૂર જણાય તારે અમને ફોન કરવો. 

એક વાર શકુબાઈને સખત તાવ આવ્યો અને નંદિતા તેને ડોક્ટર પાસે લઈ ગઈ.

ડોક્ટરે કહ્યું: 'આજી, તમે ખૂબ અશક્ત થઈ ગયાં છો હવે કામ ઓછું કરો.' (પછી નંદિતા સામું જોયું)-બોલ્યા: 'મને લાગે છે કે શકુબાઈના થોડા ટેસ્ટ કરાવવા પડશે. એને ગ્લુકોઝ ચઢાવવાની જરૂર છે. એના ઘરમાં બીજું કોણ છે?' 

નંદિતા કંઈ ઉત્તર આપે તે પહેલાં જ શકુબાઈએ પોતાની હૈયાવરાળ કાઢતાં કહ્યું: 'ડોક્ટરસાબ, હી શકુબાઈ ચા કુણી ચ નાય. માઝા મરદ કામકાજ કરતા નહીં થા. બેવડા મલા દારૂ પીવુન મારાયચા... મીઝ હકલૂન કાઢલા... ઘરાતૂન.'

'મગર... અભી વો કહાં હૈ?' ડોક્ટરે પૂછ્યું. 

'બે વર્ષ પહેલાંની વાત છે. એ રાતેે લોન્ડ્રી પાસે તે દારૂ પીને પડ્યો હતો. મેરી બાજુમેં રહતા હૈ વો રઘુ ઔર દૂસરે દો લડકે ઉસકો ઘસીટ કે લાયે. રઘુ બોલલા... શકુબાઈ વિષ્ણુકો ઘરમેં લેલો. 

ડોક્ટરસાબ, મેરે કો બહુત ગુસ્સા આયા થા. મી એવડા કષ્ટ કરુન પૈસે કમવતે તે કુણા સાઠી? હ્યા બેવડા સાઠી? દારૂ કી વજહ સે કામ ભી છૂટ ગયા. અબ દારૂ કે લિયે ઘરમેં સે પૈસેકી ચોરી કરતા હૈ... મૈં ગુસ્સે સે ખડી રહી, રઘુ ઔર દો લડકેને વિષ્ણુ કો ઝોંપડીમેં સુલા દિયા...' (તેને અટકાવતાં) 

નંદિતાએ કહ્યું: 'શકુબાઈ, અત્યારે શાંત થાઓ. તમારી તબિયત ઠીક નથી...'

દયાભરી આંખે નંદિતા સામું જોઈને શકુબાઈએ કહ્યું: 'તાઈ, તુમચા મુળે ચ મી જીવું સકતે... નાયતર કવાચી વરતી પહોંચલી અસતી. કાય કરાયચા અસ જીવન જગૂન...'

શકુબાઈ સામે જોઈને ડોક્ટરે પૂછ્યું: 'અભી તુમ્હારા મરદ કહાં હૈ?'

'ડોક્ટરસાહબ દો સાલ પહેલે હી રઘુ કે સાથ મૈંને વસઈ કી સરકારી અસ્પતાલ મેં જાકે મરદ કો છોડા થા-૧૫૦૦ રૂ. ભર્યા હતા. આ તાઈ પાસેથી ઉધાર લીધા. વહાં દારુ છુડાને કી દવા દેતે હૈ. મુઝે લગા મેરા વિષ્ણુ અચ્છા હો જાયેગા. 

મી રોજ દેવાલા પ્રાર્થના કરાયચી, પણ, નસીબ માઝ! ઉલ્ટા... ફક્ત છ મહિનામાં જ તો દેવ ઝાલા...

'બહુત દુ:ખ કી બાત હૈ. અબ તેરે સાથ કોન રહેતા હૈ?' ડોક્ટરે પૂછ્યું.

'મેરી ઝોંપડી મેં? મૈં ઔર મેરા વિઠોબા. શકુબાઈ ચા કુણી નાય... હી તાઈ લય ભાવ ઠેવતે...' (આટલું બોલતાં) તે રડવા લાગી. 'શકુબાઈ રડો નહીં. ડોક્ટર પૂછે છે તેનો જવાબ આપો. તમારો દીકરો ગણપત ક્યાં છે?' નંદિતાએ પૂછ્યું. 

'મેલ્યા ગણપત? તો માઝા લેક નાય... મી શકુબાઈ એેવડી ઈમાનદાર આણી મેલ્યા ગણપતની માઝી ઈજ્જત બુડવલી? ડોક્ટર... આ માઈ મંદિરમાં હું અને ગણપત સફાઈ કરવા જતાં હતાં. પૂજારી અમને રાતનું ખાવાનું આપતો. એેણે મારા ગણપતને મ્યુનિસિપલ શાળામાં ભણવા પણ મૂક્યો હતો.'

(શકુબાઈ આંખ મીંચીને વેદનાનાં આંસુ પી રહી) ડોક્ટર આ નિ:સહાય-ગરીબ વૃધ્ધના કજળેલા હૈયાની વાત જાણી દુ:ખી થયા, પણ શકુબાઈને જો કોઈ ગંભીર બીમારી હોય તો એના ઘરનું કોઈ હોવું જોઈએ એવું વિચારીને પૂછ્યું:

'તો શકુબાઈ, તમારો છોકરો ગણપત ક્યાં છે?'

એક વાર રાત્રે ગણપત મંદિરમાં મોડે સુધી રોકાયો. હું ઘરે આવી ગઈ. ગણપતે મંદિરની ભેટપેટીનું તાળું તોડ્યું અને તેમાં રાખેલા પૈસા એક પ્લાસ્ટિકની કોથળીમાં ભરવા લાગ્યો. ત્યાં જ પૂજારી આવી પહોંચ્યા અને ગણપતને પકડીને ખૂબ માર્યો. 

ગણપતે કરગરતાં કહ્યું: 'હવે કદી ચોરી નહીં કરું.' પણ પૂજારીએ મોટા અવાજે કહ્યું: 'ખબરદાર જો હવે તેં મંદિરમાં પગ મૂક્યો છે તો. તારી આઈ શકુબાઈ સામું જોઈને તને છોડું છું. નહી તો સીધો પોલીસને જ સોંપી દેત.'

ગણપતે ઘરે આવીને રડતાં રડતાં બધી વાત જણાવી. મારું માથું શરમથી ઝૂકી ગયું. મારો છોકરો ચોરી કરે? એણે મંદિરમાં ચોરી કરી? જ્યાં લોકો પોતાનાં પાપકર્મ છોડી દે ત્યાં ગણપતે ચોરીનું પાપ કર્યું?

હું ખૂબ અકળાઈ ગઈ. રોકકળ કરવા લાગી. મેં એને ખૂબ ફટકાર્યો. તારો બાપ દારૂડિયો થઈને મર્યો તે તું ચોરી લૂંટફાટ કરતો ભટકજે. તું મારા ઘરમાંથી જતો રહે. તારું મોં પણ મને બતાવતો નહીં... પછી હું જ એને ઘસડી પોલીસચોકીએ લઈ ગઈ.'

આટલું બોલતાં શકુબાઈને આંખે અંધારાં આવવા લાગ્યાં. ફરી પાછો દમનો હુમલો આવ્યો. શકુબાઈનું શરીર તપી રહ્યું હતું-એને ગભરામણ થવા લાગી. ડોક્ટર સિદ્ધાંત શ્રીવાસ્તવે શકુબાઈને ઈન્જેકશન આપ્યું.

(પછી નંદિતા સામું જોઈને કહ્યું): ગણપતની તપાસ કરવી પડશે. શકુબાઈની તબિયત સિરિયસ જણાય છે. એના ધબકારા પણ નોર્મલ નથી. મને લાગે છે કે શકુબાઈ એના ધણી અને દીકરાનાં કુકર્મો યાદ કરીને સ્ટ્રેસ લે છે. એ બહારથી નોર્મલ દેખાવાનો પ્રયત્ન કરે છે પણ ભારે સ્ટ્રેસમાં જીવે છે. 

'ડોક્ટર શ્રીવાસ્તવ, તમે તમારી ક્લિનિકમાં ટ્રીટમેન્ટ શરૂ કરો. શકુબાઈની સારવાર હું કરાવીશ અને ગણપત ક્યાં છે તે પણ તપાસ કરીએ.' નંદિતાએ કહ્યું. 

ત્રણ દિવસ શકુબાઈની ટ્રીટમેન્ટ કર્યા પછી ડોક્ટરે તેમને ઘરે જવાની રજા આપી. અને જરૂરી સૂચના પણ આપી, પછી ડોક્ટરે પૂછ્યું: 'શકુબાઈ, દીકરા પરનો ગુસ્સો હવે છોડી દો-ભૂલ તો બધાથી થાય. તમે એને માફ ન કરી શકો?'

'ડોક્ટર, ઉસકો દેઢ સાલકી જેલ હુઈ થી, મગર વો ઘર પે આયા હી નહીં. મી પણ જળતે જ ના...' શકુબાઈએ કહ્યું.

'શકુબાઈ મેં ગણપતની બધી માહિતી કઢાવી છે. હવે તમારો ગણપત સુધરી ગયો છે. જેલમાં હતો ત્યારે સુથારીકામ શીખ્યો, કિશોર રિમાંડ હોમમાં રહ્યો. હવે એક સુથાર સાથે કામ કરે છે,' ડોક્ટરે કહ્યું.

'ડોક્ટર, મારા ગણપત પાસે મને લઈ જાઓ,' શકુબાઈએ કરગરતાં કહ્યું.

નંદિતાએ કહ્યું: 'શકુબાઈ હું ગણપતને મળી છું. એ રાત્રિશાળામાં ભણે છે. આ વર્ષે એસ.એસ.સી.ની પરીક્ષા આપી છે. 'મેં એને પૂછ્યું: આઈ કડે કા યેત નાય? તો એણે કહ્યું: કયું મોઢું લઈને આઈ પાસે આવું?'

શકુબાઈએ કહ્યું: 'તાઈ, મારા ગણપતને ઘરે લઈ આવો.' 

એટલામાં નંદિતાની ઓફિસ આવી ગઈ. એની વિચારમાળા તૂટી. ગણપત એની શકુમાઈ સાથે રહે છે એ વાતને બે મહિના થઈ ગયા. શકુબાઈને એનો ઘડપણનો ટેકો મળી ગયો. ડેલિગેટ્સની મીટિંગમાં બેઠાં બેઠાં પણ શકુબાઈનું દૃશ્ય નંદિતાની નજર સમક્ષ ખડું થતું હતું. 

રાત્રે ઘરે ગઈ ત્યારે શકુબાઈએ કહ્યું: 'તાઈ, હા વિઠોબાચા પ્રસાદ... મી શીરા કેલા હોતા ઘરી. માઝા ગણપત આલા-' નંદિતાએ ખુશ થતાં પ્રસાદ ખાધો.

બીજે દિવસે સવારે ગણપતે ડોરબેલ મારી. હજુ તો સાડાછ વાગ્યા છે કોણ હશે?

'તાઈ, જલદી ચાલો. મારી શકુમાઈને કંઈક થઈ ગયું છે. એ સાવ લાકડાની જેમ પડી છે. કશું બોલતી જ નથી...'

એકીશ્ર્વાસે નંદિતા પહેરેલ કપડે કબાટમાંથી પૈસાનું પાકીટ હાથમાં લેતાં શકુબાઈની ઝૂંપડીએ ગઈ. રસ્તામાંથી જ ડોક્ટર સિદ્ધાર્થ શ્રીવાસ્તવને ફોન કરી દીધો. 

ડોક્ટરે તપાસતાં જ હાથ હેઠા મૂકતાં કહ્યું: 'આઈ એમ સોરી. શી ઈઝ નો મોર. કદાચ આનો જીવ એના છોકરા માટે જ ટકી રહ્યો હતો. ગણપત, તું તારી માની માફક હિંમતવાન થજે. મહેનત કરીને-ઈમાનદારીપૂર્વક જીવન વિતાવજે. આ જ સાચી શ્રદ્ધાંજલિ...'

નંદિતાએ ઘરમાં મૂકેલા વિઠોબાના ફોટા સામે હાથ જોડીને કહ્યું: 'વિઠોબા, તમે સમયસર ગણપતને એની મા પાસે મોકલી દીધો. શકુબાઈ, આ તારો ગણપત આજથી મારો ભાઈ. હું એને ભણાવી-ગણાવીને ઠેકાણે પાડીશ.'

સ્વમાની શકુબાઈના ચહેરા પર મંદ સ્મિત સાથે કોઈ ચિરશાંતિના ભાવ પથરાઈ ગયા હોય એવો ભાસ નંદિતાને થયો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment