Thursday 29 October 2015

[amdavadis4ever] કથા કોલાજ... સહજીવનની ટૂંક ી, પણ ‘મધુરી ’ યાત્રા..... કોટક વિનાનાં વર્ષો, ‘અધૂર ી’ યાત્રા.... ..કથા કોલાજ..

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સમય : ઑક્ટોબર, ૨૦૧૫
ઉંમર : ૮૫


'જીવન એ જન્મ અને મૃત્યુ વચ્ચેની એક તેજ રેખા છે. આ તેજ રેખા કેવડી છે એ જોવું જરૂરી નથી, પરંતુ કેટલી તેજસ્વી છે એ જાણવું જરૂરી છે, કારણ કે જન્મને અજવાળી મૃત્યુ સમીપ ઝંખવાઈ જતી આ તેજ રેખા એ જીવનનો અંત નથી. એ માનવીની આખરી નિંદ પણ નથી, પરંતુ અંતને પાર રહેલા સત્યને નીરખવા માટેની પ્રથમ જાગૃતિ છે.' કોટકે જ્યારે આ લખ્યું હશે ત્યારે એમને ખબર હશે કે એમની તેજ રેખા બહુ મોટો અજવાસ ઊભો કરીને અચાનક જ ઝંખવાઈ જશે? 

મને યાદ છે એ ક્ષણ. ૨૭ નવેમ્બર, ૧૯૫૯ને દિવસે સવારે છ વાગ્યે અમે ચા પીવા બેઠાં. કોટકને મેં યાદ દેવડાવ્યું કે આજે પ્રેસ શૉમાં 'અર્ધાંગિની' ફિલ્મ જોવા જવાનું છે તેથી તમે ચાલુ નવલકથા 'રોશનલાલ'નો હપતો નહીં લખી શકો. વળી 'જી' પેકઅપ કરવાનું એટલે એના ફોટાની લાઇનો પણ લખી જ આપજો. એમણે જવાબ આપ્યો, "ભલે ! આયુર્વેદ અને ઊંટવૈદનો હપતો લખાઈ જશે એટલે એ તો પતાવી દઉં. ઑફિસમાં જઈને તને લાઇનો લખી આપીશ.

અમારાં બધાં કામ આ જ રીતે થતાં. ઘરમાં 'ચિત્રલેખા', 'બીજ' અને 'જી'ની ચર્ચા હોય તો ઑફિસમાં ક્યારેક બાળકોની સ્કૂલના રિપોર્ટ જોવાઈ જાય. કોઈ સગાને ત્યાં જવાનું હોય એની ચર્ચા પણ ઑફિસમાં જ થાય ને નવલકથાનો હપતો હું ક્યારેક શાક સમારતા પણ વાંચી નાખું. પ્રણય અમારે માટે સહકાર્યકર હોવાની પહેલી ફીલિંગ. સાચું પૂછો તો અમે 'પ્રેમમાં પડ્યા' એવી કોઈ લાગણી મને યાદ જ નથી. મને યાદ છે કે મારી મોટી બહેનનો પત્ર બાપુજીએ મારા હાથમાં આપેલો ને કહેલું, "વાંચ, તારી મોટી બહેને તારા માટે છોકરો શોધ્યો છે. નામ છે વજુ કોટક. સામાન્ય રીતે છોકરો છોકરીને ઘેર એને જોવા આવે એવો અમારામાં રિવાજ, પણ મારે છોકરો જોવા મુંબઈ જવાનું છે એ વિચારે જ મને આનંદ થઈ ગયો, ને આશ્ર્ચર્ય પણ થયું. મારા મોટા ભાઈ સાથે મુંબઈ પહોંચી. ચોપાટી પર મફતલાલ બાથના રેસ્ટોરાંમાં મારાં મોટાબહેન અને એક વડીલ પુષ્પાબહેન માવાની સાથે અમે વાતો કરતા હતા ત્યારે મેં કોટકને જોયા. એમનો તેજસ્વી ચહેરો, વનરાજ જેવી રુઆબભરી ચાલ, હોઠ પર મલકાટ ! એ ક્ષણને પ્રેમમાં પડ્યાની ક્ષણ કહું તો જરાય અતિશયોક્તિ નથી.

એ પહેલાં મેં કંઈ બહુ છોકરાઓ જોયેલા નહીં. ઘરની જવાબદારી એટલી બધી કે મિત્રો પણ ખાસ નહીં. માજીરાજ સ્કૂલમાં સાતમા ધોરણ સુધી ભણી. ત્યાં મા દિવાળીબહેન બીમાર પડ્યાં. હું બાર-તેર વર્ષની. ઘરકામ, રસોઈ કરું ને સ્કૂલે જાઉં. સ્કૂલેથી ઘરે આવું એટલે મારી બા મને એના પડખે વહાલથી બેસાડે, "મારી દીકરી ખૂબ થાકી ગઈ ને ? જરા વાર આરામથી બેસ. એટલું કહેતાં તો એનું ગળું ભરાઈ આવે.

કોટક વિશે ખાસ જાણવાનું કે વાંચવાનું બનેલું નહીં, કારણ કે હું રહું ભાવનગર. ઈરાનના ટેમ્બી ગામમાં મારો જન્મ. ૧૯૨૮-૨૯ની આસપાસ ઈરાનમાં નવી રેલવે લાઇન નખાતી હતી, મારા પિતા વધુ કમાણી અર્થે ઈરાન હતા ત્યારે હું જન્મી. હું ત્રણ મહિનાની હતી ત્યારે મારા પિતા ઈરાનથી ભાવનગર પાછા આવ્યા. ભાવનગરમાં મારા બાપુજીને ત્યાં અમે છ બહેનો ને ત્રણ ભાઈઓ. ઉષાબેન, કનૈયાલાલ, પ્રવીણભાઈ, ઇન્દુબેન, પુષ્પાબેન, મનુભાઈ, હંસાબેન અને સૌથી નાનાં સુમિત્રાબેન. મારી મા અમને બધાને છોડીને ક્યારનીયે ચાલી ગયેલી. મારી સૌથી મોટી બહેન અને મોટા ભાઈનાં લગ્ન થઈ ગયેલાં. એમના ગયા પછી હું ઘરમાં સૌથી મોટી. મોટી એટલે? પંદર વર્ષની... મારા બાપુજી જીવરાજભાઈ રૂપારેલ રેલવેમાં ગાર્ડ. ક્યારેક અઠવાડિયામાં બે-ત્રણ વાર ઘરની બહાર રહે. મારા નાનાં ભાઈ-બહેનોને લગભગ માની જેમ જ મોટા કર્યાં એમ કહું તો ખોટું નથી... ફેબ્રુઆરી ૧૯૪૯માં દસમી તારીખે અમારું વેવિશાળ થયું. વેવિશાળ પછી વજુ કોટકે સૌથી પહેલી ભેટ મોકલી, 'સત્યના પ્રયોગો'.

એ સમયે 'ચિત્રપટ'ના તંત્રી તરીકે કોટક બહુ બિઝી રહેતા. લગ્નની કંકોતરી છપાવવી, પોસ્ટ કરવી એ બધા માટે એમને સમય જ નહોતો એટલે એમણે આગવી સ્ટાઇલમાં કંકોતરી લખી ને 'ચિત્રપટ' મેગેઝિનમાં જ છાપી દીધી. કંકોતરીમાં એમણે લખેલું, "આપને વ્યક્તિગત રીતે કંકોતરી મોકલી નથી શકાઈ તો એ માટે ક્ષમા ચાહું છું અને ઇચ્છું છું કે આપ કૃપા કરીને એ બાબતનું જરા પણ દુ:ખ ન લગાડશો. આ પત્રિકા હું આપને આંગણે હાથોહાથ પહોંચાડવા આવ્યો છું એમ માનીને આપ આપની શુભેચ્છાઓ અને આશીર્વાદ આ શુભ પ્રસંગે પાઠવશો એવી આશા રાખું છું. ૧૯ મે, ૧૯૪૯. ગાંગા રૈયાની શેરીમાં અને ભાવનગરની લોહાણા વાડીમાં રંગબેરંગી તોરણ બંધાયાં. રૂપારેલ કુટુંબના નવ ભાઈ-બહેન અને પિતા જીવરાજભાઈ અત્યંત આનંદથી વજુ કોટકનું સામૈયું કરતા હતા. મુંબઈના જાણીતા લેખક વજુ કોટક એ જમાનામાં વિમાનમાં જાન લઈને આવેલા. મારા મનમાં નવા જીવનનો ઉત્સાહ હતો, કોટકને જોતાં જ એમની સાથે જીવવાનાં સ્વપ્નો મને ઘેરી વળતાં, પણ મારા ગયા પછી મારા ભાઈભાંડુઓનું ધ્યાન કોણ રાખશે એ વિચારે મારો જીવ બહુ કોચવાતો હતો.

એક અઠવાડિયું તો અમે કોટકનાં બહેનને ત્યાં રહ્યા. પછી ખેતવાડીની છઠ્ઠી ગલીમાં 'સાકરભવન'ની સિંગલ રૂમ ભાડેથી મળી, પણ ચાર મહિનામાં રૂમ પાછી આપી દેવી પડી. મારા દિયરે મલાડના એક સેનેટોરિયમમાં રૂમ અપાવી, બે મહિના ત્યાં રહ્યા ને પછી માટુંગા (વેસ્ટ)માં રિવૉલી થિયેટરની આગળ 'રામરાવ સદન'માં વન રૂમ - કિચન અને ઓટલા સાથેની સરસ મજાની રૂમ મળી. એ પછીના પાંચ મહિના તો જાણે આંખ મીંચીને ઉઘાડીએ એમ વીતી ગયા. અચાનક એક દિવસ 'ચિત્રપટ'ના એક વિવાદમાં વજુ કોટકે નોકરી છોડી દીધી. હવે શું કરીશું એ સવાલ હતો, પણ કોટકે નરોત્તમ ઘાસવાલાના સાપ્તાહિક 'છાયા'માં 'જુવાન હૈયાં' નામની નવલકથા શરૂ કરી. અચાનક ફેલાવો છ હજાર નકલ વધી ગયો. દરમિયાનમાં 'ચિત્રલેખા'ની શરૂઆત થઈ. વ્રજલાલ રાડિયાની સમજાવટથી કોટકે પોતાનું મૅગેઝિન શરૂ કર્યું. મજાની વાત તો એ છે કે 'ચિત્રપટ'ના તંત્રી રામુભાઈએ પણ અભિનંદ આપ્યા અને શુભેચ્છા પાઠવી. ૨૨ એપ્રિલ, ૧૯૫૦ 'ચિત્રલેખા'ના પહેલા અંકની ૧૦,૧૦૧ નકલ બહાર પડી. હું ડિલિવરી માટે ભાવનગર ગયેલી. 'ચિત્રલેખા'ના જન્મ પછી બરાબર પાંત્રીસ દિવસે ૨૬ મે, ૧૯૫૦, મૌલિકનો જન્મ થયો. મારે માટે તો હવે બીજું કશું વિચારવાનું જ નહોતું. મૌલિક અને 'ચિત્રલેખા'ને ઉછેરી રહેલા કોટકને હું જ્યારે પત્ર લખીને પૂછતી, "આપણી રૂમ કેટલી બંધાઈ ? ત્યારે એ જવાબ આપતા, "બે વખત રૂમ જોવા ગયો, પણ રસ્તો જ ભૂલી ગયો એટલે પાછો આવ્યો. આવતા અઠવાડિયે તપાસ કરીને કહીશ. ત્રણ મહિનાના મૌલિકને લઈને હું શ્રાવણ મહિનામાં મુંબઈ આવી. અમારી રૂમ પણ તૈયાર થઈ ગયેલી અને કોટકે નાનકડું પાર્ટિશન કરીને પોતાના લખવા માટેની જગ્યા પણ ઊભી કરેલી. 

આમ જુઓ તો ભૌતિક વૈભવ કંઈ નહીં, પણ અમારી પાસે સ્નેહનો, સંવાદનો અને સમજદારીનો વૈભવ જરાય ઓછો નહોતો. એ દિવસો, એ દુનિયા જ અમારી અલગ હતી. ગમે તેટલો વરસાદ હોય કે ઠંડી, સવારે સાડા પાંચ વાગ્યે ઊઠીને બહાર ચાલવા નીકળી જતા. માટુંગાથી ચાલતા ચાલતા મોટે ભાગે શિવાજી પાર્કના દરિયાકિનારે જતા. કોટકના ખભે કૅમેરા તો લટક્તો જ હોય. પશુ, પંખી, ફૂલ, ઝાડ, આકાશ, દરિયાકિનારો. કોટક સતત ક્લિક... ક્લિક કરતા જતા. આ ચાલવા જવું એટલે માત્ર મોર્નિંગ વૉક નહીં. પોતે ફોટા પાડે અને સાથે મને કૅમેરાની ટેક્નિક બતાવતા જાય. જુદા જુદા ઍન્ગલથી ફોટા પાડવાની પ્રેરણા આપતા જાય. કોને ખબર ! એમનો ઉદ્દેશ કદાચ મને ફોટોગ્રાફર બનાવવાનો જ હશે ! હોમાયે વ્યારાવાલા પછી હું પહેલી ગુજરાતી ફોટોગ્રાફર છું...

'ચિત્રલેખા'ને એક વર્ષ પૂરું થયું ને સવા વર્ષના મૌલિકે ભાખોડિયાં ભરવાનું શરૂ કરી દીધું હતું. ફેબ્રુઆરી મહિનાની એક સાંજે હું ઢોકળાં બનાવતી હતી ત્યારે બારણે ટકોરા પડ્યા. કોટક સામે ઊભા હતા, એમની સાથે ઝભ્ભો-લેંઘો પહેરેલો એક પાતળો યુવાન ઊભો હતો. કોટકે ઓળખાણ આપી, "મધુ, આ છે હરકિશન, આજે આપણી સાથે જમશે. એ દિવસે સહભોજનથી શરૂ થયેલી મિત્રતા

હરકિશનભાઈના અંતિમ સમય સુધી અમારા પરિવાર સાથે જોડાયેલી રહી... લગભગ એ જ સમયે બિપિનનો પણ જન્મ થયો. ઘર અને બાળકોમાં હું એવી તો ગૂંથાઈ ગઈ કે મને દિવસના ચોવીસ કલાક ઓછા પડતા. ૧૯૫૨માં 'ચિત્રલેખા' પોતાના પ્રેસમાં છપાવા લાગ્યું ને ૧૯૫૩માં કોટકે પોતાની ગાડી 'રેનોલ્ડ' કાર ખરીદી. થોડા સમયમાં એ વેચીને સેક્ધડ હેન્ડ 'બ્યુક' ખરીદી... એ 'બ્યુક'ની પણ કથા મજાની છે. સરદાર ચંદુલાલે કોટકને સામેથી ફોન કરીને બોલાવેલા. એમની પાસે પાંચ કે છ બ્યુક ગાડી હતી. એમાંથી એક એમણે કોટકને વેચાતી આપી. કાળા રંગની સાત સીટની એ ગાડી અમારે માટે આનંદથી કંઈક વધુ જ હતી.

કોટકનો સ્વભાવ જ જુદો. એક દિવસ ઘેર આવ્યા ને મારાં ડ્રોઇંગ જોયાં. મને કહે, "મધુ, તારું ડ્રોઇંગ આટલું સારું છે, તારામાં આવડ છે, પણ એને પદ્ધતિસર તાલીમની જરૂર છે. કાલથી જ ડ્રોઇંગના ક્લાસમાં જોડાઈ જા. જોકે, એ પછી બિપિન બીમાર પડ્યો ને મેં ક્લાસમાં જવાનું બંધ કર્યું. ક્લાસ બંધ થયા એ પછી કોટક બ્યુટીલેક્સ કૅમેરા લઈ આવ્યા, "મધુ, લે આ એક એવું શું છે, જે આપણા સુખી સંસારને કેદ કરીને આપણું ગોલ્ડન સંભારણું તૈયાર કરી આપશે. 

આજે એ તસવીરો ઊથલાવું છું ત્યારે જાણે કોટક મારી નજર સામે ઊભા હોય એવી લાગણી થાય છે. બિપિન ને મૌલિક ફરી પાછા નાના થઈ જાય છે... રોનક એની નાની-નાની હથેળીઓ સાથે તાળીઓ પાડતી હોય એ દૃશ્ય નજર સામે ઊભું થઈ જાય છે. કોટકે લખ્યું છે, "આ પૃથ્વીના મેદાનમાં ભગવાને આપણને ભમરડાની જેમ વહેતા મૂકી દીધા છે. બાળપણ, યૌવન, વૃદ્ધાવસ્થા કે બીજી કોઈ પણ સ્થિતિમાં આપણે ભમરડાની જેમ જ જ્યાં ત્યાં ફર્યા કરીએ છીએ. ઘણી વાર આપણે માનીએ છીએ કે આપણે જિંદગીમાં સ્થિર થઈ ગયા છીએ, પણ એ સ્થિરતામાંય ગતિ છે જ! અરે, આ સ્થિર જણાતી પૃથ્વીને પણ પ્રભુએ ભમરડાની જેમ બ્રહ્માંડમાં ફરતી કરી મૂકી છે. ગતિની અંદર ગતિ અને એમાં પણ ગતિ ! ખરેખર આ સંસારમાં ગતિના એવા ગુણાકાર થતા રહ્યા છે કે જેની ગણતરી કરતાં આપણી મતિ મૂંઝાઈ જાય એવું છે અને માણસના દેહમાં ભમી રહેલા મનના ભમરડાનો કોઈ પાર પામી શક્યું છે ખરું? 
કોટક ક્યારેક ન સમજી શકાય એવું, ગૂઢ બોલી નાખતા. મને ક્યારેક વિચાર આવતો કે હું જે માણસ સાથે જીવું છું અને જે આવી ગંભીર વાતો લખે છે એ બંને એક જ છે કે જુદા ? એમણે એક વાર કહેલું, "આપણે આપણી જાતને જ પ્રેમ કર્યા કરીએ તો એ પ્રેમ આપણને જ ખાઈ જાય છે. આપણા પ્રેમની શક્તિ બીજાને માટે જેમ જેમ વપરાતી રહે છે તેમ તેમ આપણામાં નવી શક્તિ અને નવો પ્રેમ પ્રગટ થતો રહે છે. પ્રેમ એ એક મૂડી છે. જો તે સાચવી રાખીએ તો વખત જતા કટાઈ જાય છે, પણ જો તેનો ઉપયોગ બીજાઓને માટે થતો રહે તો એ મૂડીમાં વધારો થતો રહે છે. આમ જુઓ તો વાત કેટલી સાદી છે, પણ આવું જીવવું સહેલું નથી. કોટક સાચા અર્થમાં બીજાને માટે ઢોળાઈ, વેરાઈ, વપરાઈ ને વહેંચાઈ જતા. ક્યારેક મને થતું, "ક્યારેક તો તમારો વિચાર કરો. ત્યારે હસીને કહેતા, "સુખી થવાનો એક જ માર્ગ છે. જ્યારે બે વ્યક્તિ મળે ત્યારે ત્રીજીને સુખી કરવાનો વિચાર કરે. ને સાચે જ કહું તો એમણે સામાન્ય રીતે અમારા સુખનો જ વિચાર કર્યો. મારા ડ્રોઇંગ ક્લાસ બંધ થયા ને કોટક બ્યુટીલેક્સ કેમેરો લઈ આવ્યા. માત્ર કેમેરા મારા હાથમાં પકડાવ્યો એવું નહીં, પણ ઑફિસથી વહેલા ઘેર આવવા માંડ્યા. મારે બાળકોને તૈયાર કરી રાખવાના. એમની સાથે સાંજે દરિયા કિનારે કે બીજે ક્યાંય પણ ફરવા જવાનું. કેમેરા સાથે રાખવાનો ને ફોટા પાડતા જવાના... એ જ વખતે મને એમણે 'ચિત્રલેખા' માટે ફોટોગ્રાફી કરવાનું કહ્યું. થોડો સંકોચ હતો મને, પણ એમણે તો પહેલું જ અસાઇન્મેન્ટ ગગનવિહારી મહેતાનું આપ્યું. આટલા મોટા માણસના ફોટા પાડવાના ! ખૂબ સંકોચ સાથે મેં ફોટા પાડ્યા. રિઝલ્ટ સારાં આવ્યાં ને ફોટા 'ચિત્રલેખા'માં છપાયા... 

એ પછી સવારે ચા પીતી વખતે મારા ઈંગ્લિશ પર ધ્યાન આપવા માંડ્યું. ગુજરાતીમાં સમાચાર વાંચે ને પછી એ જ સમાચાર 'ટાઇમ્સ'માં વાંચી સંભળાવે, ધીમે ધીમે મને અર્થ સમજાવતા જાય... થોડું થોડું લખતી થઈ. બરાબર એ જ વખતે રોનકનો જન્મ થયો. રોનક મોટી થઈ એટલે જાણે સાવ સાહજિક હોય એમ કોટકે કહ્યું, "હવે થોડા કલાક ઑફિસે આવતી જા. હરકિશનભાઈને પણ બીજા ક્ષેત્રમાં ભાગ્ય અજમાવવાની ઇચ્છા થઈ ને કોટક થોડા એકલા પડ્યા. ૧૯૫૮માં મેં ઑફિસ જવાનું શરૂ કર્યું. 'બીજ'ની સાથે સાથે 'ચિત્રલેખા'નું કામ પણ કોટક મને સોંપવા લાગ્યા. મારી કલ્પના પણ નહોતી એવી રીતે એમણે મને જે જવાબદારી આપી એને વિશે આજે વિચારું છું ત્યારે સમજાય છે કે કોટકને કદાચ જાણે-અજાણે એ વાતનો અહેસાસ હશે કે એ અમારી સાથે ઝાઝું નથી રહેવાના. 

છેલ્લા એક વરસમાં 'ચિત્રલેખા'નું સરક્યુલેશન થોડું ઓછું થયું. એને સામાજિક-રાજકીય સાપ્તાહિક બનાવવું ને ફિલ્મોને લગતું જુદું પ્રકાશન શરૂ કરવું એવું કોટક ઘણા સમયથી વિચારતા હતા. અંગ્રેજીમાં 'લાઇટ' માસિક પ્રકાશિત થતું હતું. એના સંપાદક હરીશ બૂચની તબિયત બહુ સારી નહોતી રહેતી... ૧૯૫૮ના જૂન મહિનાની એક સાંજે કોટક ઘેર આવ્યા, "મધુ, મને લાગે છે આપણે ફિલ્મનું અલગ મેગેઝિન શરૂ કરવું જોઈએ. મેં કહ્યું, "તમે જે નિર્ણય કરો છો, સમજી વિચારીને જ કરો છો... ત્યાં એમણે વળી નવો ધડાકો કર્યો, "આપણા નવા મેગેઝિનના તંત્રી તરીકેની જવાબદારી તમારે ઉપાડવી પડશે. હું સમજી નહીં, મેં પૂછ્યું, "જી ? એ હસી પડ્યા. એમણે કહ્યું, "પ્રશ્ર્ન નહીં પૂછો. માત્ર એટલું જ કહો, 'જી.' અને જી એટલે કબૂલાત. એ હસતા રહ્યા. કહે, "માસિકનું નામ 'જી' રાખો. ૧૯૫૮ના દિવાળી અંકથી 'જી'નો પ્રથમ અંક માર્કેટમાં મૂકવાની તૈયારીઓ જોરશોરથી થવા લાગી...

આજનાં પતિ-પત્નીને જોઉં છું તો ક્યારેક વિચાર આવે છે કે એક જ વ્યવસાયમાં રહેલાં પતિ-પત્ની એકબીજાનો સપોર્ટ-સહારો કે સાથી બનવાને બદલે હરીફાઈમાં ઊતરી પડે છે. પતિ-પત્ની તો એકબીજાનાં પૂરક છે, એકબીજાના હરીફ કેવી રીતે હોઈ શકે ? કોટક જ્યારે પણ કંઈ પણ શીખવે ત્યારે એટલી કાળજીથી અને સ્નેહથી શીખવે, એકની એક વાત વારંવાર શીખવે - થાક્યા વગર... પણ એમની અપેક્ષા પરફેક્શનની. પોતાની પાસેથી પણ ને બીજાઓ પાસેથી પણ. અમારા શંકરભાઈ સરક્યુલેશન અને વહીવટી બાબતો સંભાળતા. એક દિવસ કોટકે શંકરભાઈને બોલાવીને પૂછ્યું, "સરક્યુલેશન કેટલું છે ? શંકરભાઈએ જવાબ આપ્યો, "સાત હજાર... પ્રથમ વાર મેં કોટકને અપસેટ જોયા. આ વાત જુલાઈ-ઓગસ્ટ મહિનાની હશે. એ પછી કોટક જાતે જ વેચાણની વિગતો ચેક કરે. એક દિવસ અચાનક એમણે શંકરભાઈને કહ્યું, "તું બરાબર યાન રાખ. વેચાણ છે તો બધું છે... એ સિવાય કંઈ નથી.

હું જોઈ રહી હતી કે કોટકની તબિયત બગડતી જતી હતી, પણ એમને કંઈ કહેવાનો અર્થ નહોતો. 'ચિત્રલેખા' એમનું સંતાન, એમનો જીવ... એમનો ડાયાબિટીસ વધતો જતો હતો. સપ્ટેમ્બર મહિના પછી તો તબિયત વારંવાર બગડવા લાગી. ડૉક્ટરના કહેવાથી થોડા દિવસ બધું છોડીને ભાવનગર આરામ કરી આવ્યા. તબિયતથી કંટાળીને એમણે એલોપથીની દવા છોડી આયુર્વેદ શરૂ કર્યું, કદાચ અહીં જ એમનાથી ભૂલ થઈ હોય એમ બને ! શુક્રવાર ૨૭ નવેમ્બર, ૧૯૫૯... સાંજે લગભગ પાંચ વાગ્યે કોટકને છાતીમાં દુખાવો થયો, શ્ર્વાસ લેવામાં તકલીફ પડવા માંડી. સિવિયર હાર્ટઅટેક હતો. હરકિશનદાસ હૉસ્પિટલ પહોંચ્યા. શુક્રવારની રાત અમે ફફડતા હૃદયે પસાર કરી. 

૨૮ નવેમ્બર, શનિવાર... અમારો 'ચિત્રલેખા'નો સ્ટાફ એમને મળવા આવ્યો તો બધાને કહે, "જી'નો છેલ્લો ફર્મો મશીન પર ગયો કે નહીં ? ડિસેમ્બર મહિનાનો અંક પહેલી તારીખે પ્રગટ થવો જ જોઈએ. શુક્રવાર અને શનિવાર અમારે માટે ભયાનક હતા, પણ શનિવારે અચાનક એ બોલ્યા, "ભગવાન મને યાદ કરે છે. એ જ મારા નામની માળા જપી રહ્યો છે. 

મને ફાળ પડી હતી, પણ કોટકનો સ્વભાવ એવો કે એમની સામે દુ:ખી થવું કે રડવું તો પોસાય જ નહીં. બત્તીના આછા પ્રકાશમાં બિછાનામાં સૂતેલા કોટકના ચહેરા પર તેજ કે ખુમારી જરાય ઓછા નહોતા, એમને મેં પહેલી વાર ચોપાટીના મફતલાલ બાથમાં જોયા એવા જ કોટક મારી સામે જોઈ રહ્યા હતા, "મધુ, હું તને મારાં ત્રણ નહીં, છ બાળકો સોંપીને જાઉં છું. મૌલિક, બિપિન અને રોનક ઉપરાંત બીજાં ત્રણ છે - ચિત્રલેખા, બીજ અને જી.... એ છએને સંભાળજે ને મોટાં કરજે. હું હેબતાઈ ગઈ. એમના નાના ભાઈ શંકરલાલ રડવા લાગ્યા ત્યારે કહે, "મધુ, શંકરલાલ... બધા હસો. આ રડવાનો સમય નથી, હસવાનો પ્રસંગ છે. ઘડિયાળનો કાંટો ૧૦.૪૫નો સમય બતાવતો હતો.

એમની વસમી વિદાયને એક વર્ષ પૂરું થવા આવ્યું ત્યારે હું ત્રણેય બાળકોને લઈને માટુંગાની રૂમમાં મેટ્રો સિનેમા નજીક 'ગુલબહાર'માં રહેવા આવી. 'ચિત્રલેખા'ની ઑફિસ અહીંથી પાંચ મિનિટ ને ચાલતા જઈએ તો પંદર-વીસ મિનિટ દૂર. 'ગુલબહાર'માં ગુણવંતરાય આચાર્ય અમારા પડોશી. હજી તો હું સામાન લઈને દાદરા ચડતી હતી ત્યાં એમણે એમની દીકરીને બૂમ પાડી, "વર્ષા, જા જઈને મધુબેનને મદદ કર.

અમારો જૂનો નોકર રામજી અમારી સાથે રહેતો. બાળકોને ઉઠાડું, તૈયાર કરું, સ્કૂલે મોકલું ને સાડા દસે તો ચિત્રલેખાની ઑફિસે પહોંચી જાઉં. સાંજ પડે પાછી આવીને છોકરાંઓ સાથે... ગુલબહાર બિલ્ડિંગના પહેલા માળે આવેલા આ ફ્લૅટમાં ડ્રોઇંગરૂમ અને બેડરૂમની બારી કબ્રસ્તાન તરફ પડતી. પૂનમ હોય ત્યારે ઝાડનાં પાંદડાંમાંથી ચંદ્રનાં કિરણો ચળાઈને બારી વાટે ઘરમાં આવતાં... ક્યારેક ડર લાગતો તો ક્યારેક એમ થતું કે બધું વેચીને ભાવનગર જતી રહું. પછી કોટકને આપેલું વચન યાદ આવતું. આંસુ દદડી પડતાં, પણ ફરી એક વાર કોટકનો ચહેરો યાદ આવે એટલે જાતને હિંમત બંધાવું. મોડી રાત્રે આંખો મીંચાય ને સવાર પાછી એવી ને એવી !

કોટક કહેતા કે, "સમયને પાંખો હોય છે ને આંખો પણ. કામ કદી ખૂટવાનું નથી ને વેપાર કદી વૃદ્ધ થવાનો નથી. તેથી કામ એવી રીતે કરવું જોઈએ, જેથી શરીરને ખોટો ઘસારો ન લાગે. અમુક કલાક એટલે કે આઠેક કલાક કામ કર્યા પછી તમારે ધંધો પડતો મૂકવો જોઈએ અને ધંધા સિવાયની બીજી પ્રવૃત્તિ સ્વીકારવી જોઈએ. ત્રણેય સંતાનોનાં લગ્ન થયાં. બિપિનની પત્ની રેખા. એનાં સંતાનો યશ અને ચિરાગ, મૌલિક અને રાજુલને ત્યાં જય અને મનન. રોનક અને ભરત કાપડિયાને ત્યાં માનસી, તેજસ અને સમયનો જન્મ થયો... છોકરાંઓ સાથે જીવન સાવ બદલાઈ ગયું. આટલી મોટી ઉંમરે છોકરાઓ સાથે તરવા જતી ત્યારે ઘણા બધા લોકોને નવાઈ લાગતી. કોટકે મને લગ્ન પછી સ્વિમિંગ શીખવેલું. પછી તો હું વૉટર સર્ફિંગ, સ્કેટિંગ અને સ્કીઇંગ પણ શીખી. મારી પુત્રવધૂઓને પણ આ બધું શીખવવાનું મને ગમ્યું. અમારી રાજુલ તો પોરબંદરથી આવેલી, પણ મુંબઈ આવી પછી અમારી સાથે એવી રીતે ભળી ગઈ કે આજે મને રોનક અને રાજુલમાં કોઈ ફરક લાગતો નથી.

કોટક કહેતા, "વૃદ્ધત્વ માનસિક બાબત છે. વાત સાચી... આજે પણ દસ-બાર મહેમાન જમવા આવવાના હોય તો મને બહુ તકલીફ ન પડે. બપોરે ઑફિસ જાઉં ત્યારે મનન અને મૌલિક માટે ગરમ નાસ્તો બનાવીને લઈ જવાનું મને આજે પણ ગમે!

ધીરે ધીરે 'ચિત્રલેખા'ની જવાબદારી મૌલિક અને મનન સંભાળે છે. 'જી' અને 'બીજ' હવે નથી, પણ આજેય ભાવનગર જાઉં તો તખતેશ્ર્વર મંદિરના પગથિયા ઉપર કોટકનાં પગલાં દેખાય છે મને. એમના ગયાનો આઘાત આજે પણ મારી ભીતરથી સહેજેય ઓસર્યો નથી. ઑફિસ હજુ પણ જાઉં છું, કારણ કે એ ઑફિસમાં કોટકનો અવાજ, એની સુગંધ, એનો સ્વભાવ અને એનો સ્નેહ અનુભવી શકું છું! 

કોટકે લખ્યું છે, "જન્મ અને મૃત્યુ વચ્ચેનો જે કાળ છે એને હું એક વિરાટ હાસ્ય ગણું છું.

જે જન્મ લે છે એનું મૃત્યુ નિશ્ર્ચિત છે એની આપણને ક્યાં ખબર નથી? સ્ટેશન આવે એટલે સહુએ ઊતરવાનું છે, પણ આપણી પહેલાં ઊતરી ગયેલા માણસની ખોટ આપણને આપણા બાકીના પ્રવાસમાં લાગ્યા જ કરે એ પણ એટલું જ સત્ય છે...

કોટક વિનાના આ સાડા પાંચ દાયકાથી વધુ સમય દરમિયાન મેં એમને આપેલું વચન પૂરી નિષ્ઠા, સ્નેહ અને સમર્પણથી નિભાવ્યું છે એના આનંદ સાથે હવે મારા બાકી રહેલાં વર્ષોનો પૂરો આનંદ ઉઠાવી રહી છું.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment