Thursday, 1 October 2015

[amdavadis4ever] ક્યારે કરીશ ું ઈન્ટેલેક ્ચુઅલ વેસ્ટ મેનેજમેન્ટ?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



થોડા સમય પહેલાં કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ વિભાગનાં પ્રધાન મેનકા ગાંધીએ કામ કરતી મહિલાઓ માટે મેટરનિટી લીવની સમયમર્યાદા ત્રણ મહિનાથી વધારી આઠ મહિના કરવાની માગણી કરી હતી. જે લગભગ મંજૂર થઈ જશે. માંસબંધી પર પાબંદી આવે ત્યારે હોહા કરતા કે પછી ઈન્દ્રાણી મુખરજીના કારાનામાની ચર્ચામાં તલ્લીન સમાજે આ મામલે ન કોઈ ઉત્સાહ બતાવ્યો કે ન ખેદ. ન વાદ કે ન વિવાદ. એક દિવસ અખબારમાં ચમકેલી આ ખબર માત્ર ખબર બની ને રહી ગઈ. થોડી ઘણી ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ. મહિલાઓની સમસ્યા અને તેમના મુદ્દાઓને મામલે ઘણી ચર્ચા થાય છે, પણ વર્કિંગ વુમનની વાત આપણે ત્યાં બહુ ઓછી થાય છે, એનું એક કારણ એ છે કે આપણે ત્યાં વર્કિંગ વુમન જ ઓછી છે. હા, ભારતમાં માત્ર ૨૭ ટકા વર્કિંગ વુમન છે. તેમાંથી પણ ૭૫ ટકા અનઑર્ગેનાઈઝડ સેક્ટર સાથે જોડાયેલી છે, તેથી ગાંધીનો પ્રસ્તાવ મંજૂર થશે તો પણ લાભ માત્ર ઑર્ગેનાઈઝડ સેક્ટરની ૨૫ ટકા મહિલાઓને જ થશે. 

૨૦૧૧ની વસતિગણતરી અનુસાર ભારતીય મહિલાઓમાં સાક્ષરતાનું પ્રમાણ ૬૫.૪૬ ટકા છે. જનજાગૃતિના અથાગ પ્રયત્નો બાદ ક્ધયાકેળવણીનું પ્રમાણ વધ્યું છે જે આનંદની વાત છે, પરંતુ તેમની આ કેળવણી, જ્ઞાન કે કૌશલ્ય હજુ ઘરની ચાર દીવાલોમાં કેદ થઈને રહી જાય છે. ઘરમાં રહેનારી મહિલાઓને ભણતરની જરૂર નથી હોતી કે તે બુદ્ધિશાળી નથી હોતી કે ઘરના કામ અને બાળકની જવાબદારી લેવામાં કૌશલ્યની જરૂર નથી તેમ કહેવાનો કોઈ આશય નથી. વિશ્ર્વનાં તમામ કામમાંથી અઘરું, સૌથી વધારે સમય અને શક્તિ માગી લેતું અને મહત્ત્વનું કામ ગૃહિણી કે માતાનું હોઈ શકે, પણ આ મહિલાઓ સમાજને પણ એટલું જ યોગદાન આપી શકે છે અને સમાજને તેની તાતી જરૂર છે, પરંતુ આ જ સમાજની કેટલીક ખોટી માન્યતાઓ અને બંધનોને કારણે જ તેની પ્રતિભા રૂંધાઈને રહે છે. 

ભારતમાં મહિલાઓની સાક્ષરતામાં ભલે વધારો થયો હોય, પરંતુ કામ કરતી મહિલાઓની સંખ્યા ૨૭ ટકાએ આવીને અટકી છે. તેમાં પણ ગ્રામીણ મહિલાઓનું પ્રમાણ ૪૦ ટકા છે જ્યારે શહેરી મહિલાઓનું પ્રમાણ તેનાથી અડધું ૨૦ ટકા છે. જાણીને અચરજ સાથે દુ:ખ થશે કે ભારતમાં ૪૯ ટકા મહિલા વસતિ હોવા છતાં વિશ્ર્વમાં કામ કરતી મહિલાઓની ટકાવારીને મામલે ભારત છેલ્લેથી બીજા નંબરે છે. ૧૯૯૧માં આ આંકડો ૩૩.૭ ટકા હતો જે ૨૦૧૨માં ઘટીને ૨૭ ટકા થયો છે. 

એક તરફ દેશમાં તમામ ક્ષેત્રમાં નિષ્ણાત, શિક્ષિત અને તાલીમ પામેલા લોકોની અછત છે બીજી બાજુ બેરોજગારીનો મોટો પ્રશ્ર્ન છે ત્યારે તે જ દેશમાં એક વર્ગ એવો છે જેનામાં કાબેલિયત છે, તેમને કામ મળે પણ છે, પરંતુ કેટલાંક પરિબળો તેમને રોકે છે. શિક્ષિત અને કામ કરવા ઈચ્છતી મહિલાઓને જ્યારે બળજબરીપૂર્વક ઘરે બેસાડવામાં આવે છે ત્યારે તેની હાલત એ પક્ષી જેવી છે, જેની પાસે પાંખ છે, નજર સામે ઊડવાને વિશાળ આકાશ છે, પરંતુ તેને પાંજરામાં પૂરી દેવામાં આવ્યું છે. 

નૉન-વર્કિંગ મહિલાઓ કરતાં કામ કરતી મહિલાઓની સમસ્યાઓ વધારે વિકટ અને ગંભીર છે. ખાસ કરીને દરેક સ્થળે અનુભવાતો જાતીય ભેદભાવ, જાતીય સતામણી, કામના નક્કી કલાકો, માળખાકીય સુવિધાઓનો અભાવ, વેતનમાં ભેદભાવ વગેરે ઘણાં કારણો હોઈ શકે,પણ ભારતમાં મહિલાઓ સાથે જોડાયેલો કોઈ પણ વિષય ધાર્મિક અને સામાજિક ઢાંચા સાથે સંકળાયેલો હોય છે અને આથી ં કામ કરતી મહિલાઓનું ઓછું પ્રમાણ મહદ અંશે સામાજિક પરિબળોને આભારી છે. 

નોકરી કરતી સ્ત્રી સ્વતંત્ર મિજાજની હોય, ઘરને સમય ન આપી શકે અને બાળકનો ઉછેર બરાબર ન કરી શકે તેવી પાયાવિહીન ધારણા હજુ સમાજનો બહુ મોટો વર્ગ ધરાવે છે. સારા, શિક્ષિત પરિવારને પણ વહુ ઘરની જવાબદારી નિભાવતી જ જોઈએ છે. તે પોતે જો ઘરના બોજ સાથે કામનો બોજ વંઢારી શકતી હોય તો ઘરની

લક્ષ્મી 'લક્ષ્મી' લાવે તે ચાલે, બાકી 'આપણે નોકરીની જરૂર નથી' આ એક બ્રહ્મવચન લાખો યુવતીની પ્રતિભા ખીલવા પહેલાં જ મૂરઝાવી દે છે. ઘરની દિકરીને ભણાવવાની જાગૃતિ આપણામાં આવી છે, પરંતુ દીકરાને ઘરની જવાબદારી, ઘરનાં કામ શિખવાડવાની અને જમવાથી માંડી તમામ આદતો અને જરૂરતોમાં સ્વનિર્ભર બનવાની વાત તો આપણી હાઈ સોસાયટી પણ પચાવી નથી શકતી. પત્ની કિટી પાર્ટીમાં ગઈ હોય કે કોઈ પ્રસંગે ગઈ હોય તો હોંશે હોંશે બહારથી પાર્સલ મગાવીને ખાતા પતિઓ કે પરિવારો નોકરીએથી થાકીને આવેલી પત્ની પાસેથી તો ઘરે રાંધવાની જ અપેક્ષા રાખે છે. કાંજીવરમની સાડીમાં પત્ની પતિની આવકનું પ્રદર્શન કરવા રખડવા જાય તે પરવડે પણ કેમેસ્ટ્રીના ક્લાસ લેવા કે બૉટની ભણતી યુવતી કોઈ દૂરના વિસ્તારમાં સંશોધન કરવા જાય તો ઘરની જવાબદારી કોણ લે, તેવો સવાલ આજે પણ વિવાહસંબંધ બાંધતા સમયે પૂછવામાં આવતો હોય છે. ખાસ કરીને ગુજરાતી પરિવારોમાં આજે પણ સસરા કે પતિની ગરમ રોટલીની ટેવ(એટલે કે ખાવાપીવાની ટેવો અને રહેણીકરણી)ને કારણે કેટલીય મહત્ત્વાકાંક્ષી યુવતીઓનાં સપનાં ઘીની જેમ ઓગળી જાય છે. ઘરની જવાબદારી અને કામ બન્ને ટાઈમ મેનેજમેન્ટ સાથે સંભાળવું એટલું અઘરું નથી, પણ ઘરની મહિલા ચોવીસે કલાક ઘરની જ સેવામાં રહે તેવો ખુલ્લો કે છૂપો એજન્ડા દરેક પરિવારનો હોય છે. જે પરિવારોમાં આર્થિક તંગીને લીધે ફરજિયાત ઘરની મહિલાએ કામ પર જવું પડે તેમાં પણ પરિવાર અને બાળકોની જવાબદારીમાં નિષ્ઠાપૂર્વક સહભાગી થનારા પુરુષોની સંખ્યા ઓછી જ છે. યુવાન દીકરીનાં મા-બાપ પણ ભણેલી-ગણેલી છોકરીને જો સારું પાત્ર મળતું હોય તો નોકરી છોડવાને બહુ મોટો ત્યાગ કે બાંધછોડ માનતાં નથી. 

યુવતીઓને લગ્ન બાદ કારકીર્દિ બનાવવી કે નહીં અને કેવી બનાવવી તેનો નિર્ણય માત્ર તેણે જ કરવાનો છે. ભારતના બંધારણના આર્ટિકલ ૨૧ અંતર્ગત તેને પૂરો હક્ક છે, પોતાના નિર્ણયો લેવાનો, પણ આપણે ત્યાં બંધારણ કરતા બંધન વધારે કામ કરી જાય છે. નાનપણથી જ સ્ત્રી અને પુરુષ બન્નેના મગજમાં ઠસાવી દેવામાં આવે છે કે કોની કેટલી અને કેવી જવાબદારી. જ્યારે કુદરતે કે કાયદાએ બન્નેની જવાબદારીઓ વચ્ચે કોઈ સીમારેખા બાંધી જ નથી. 

વકિંગ વુમનમાં પણ એક બાળક બાદ કે બે બાળક બાદ કામ છોડી દેતી મહિલાઓની સંખ્યા વધારે ચોંકાવનારી છે. આની પાછળ ચોક્કસ જે તે સંસ્થા કે કંપની પણ એટલી જ જવાબદાર છે. આપણે ત્યાં કામના સ્થળે ઘોડિયાઘર(ક્રેડલ હાઉસ) જવલ્લે જ જોવા મળશે. બહુ આલીશાન ઈમારત ધરાવતી અને વર્ષેદહાડે અબજોનું ટર્નઑવર ધરાવતી કંપનીઓ પણ પોતાની મહિલા કર્મચારીઓને આ સુવિધા નથી આપતું. મુંબઈ જેવા શહેરમાં પોતાનું નાનું બાળક ઘરે મૂકી કલાકોનો પ્રવાસ ખેડી કામ પર જવાની હિંમત અને સાહસ જે મહિલાઓ કરે છે તેમને સલામ કરવા જેવી છે. આયાના ભરોસે બાળક મૂકવાનું આજકાલ જોખમી થઈ ગયું હોવાથી નછૂટકે માતા બન્યા બાદ મહિલા પાસે નોકરી છોડવાનો જ વિકલ્પ રહે છે. વળી, મહિલાઓ માટે કામના કલાકોમાં ફ્લેક્સિબિલિટી જેવો કોન્સેપ્ટ આપણે ત્યાં હજુ નવો જ છે. આ સમયે તેને જો પરિવારનો સાથ મળે તો તે જંગ જીતી જાય, પણ આપણે ત્યાં સંયુક્ત પરિવારમાં રહેવું અને કામ પર જવું તો વધારે મુશ્કેલીભર્યું છે. પોતાનાં પુત્ર-પુત્રવધૂ વિદેશમાં રહેતાં હોય તો ત્યાં જતાં માતા-પિતાને બન્ને કામ પર જાય ત્યારે બાળક સંભાળવામાં કે ઘરમાં આયા રાખવામાં કઈ અજુગતું નથી લાગતું, ફ્રિજમાં પડેલું ભોજન ઑવનમાં ગરમ કરી ખાવામાં અને એકલતાભરેલું જીવન જીવવામાં ત્યાં કોઈને વંધો નથી, પરંતુ આપણે ત્યાં નાના બાળકને તો માતા જ સંસ્કાર આપે અને તે માટે માતાએ ચોવીસે કલાક બાળક પાસે રહેવું જોઈએ તેવી ભૂલભરેલી માનસિકતા ઘર કરી ગઈ છે. વળી, ઘરના મોટાઓ બાળકની જવાબદારી લેવા નથી માગતા. બાળકના ઉછેરમાં માતાનો ફાળો મહત્ત્વનો અને અમૂલ્ય છે, પરંતુ માતૃત્વ સામે સ્ત્રીત્વ હારી જાય કે હણાઈ જાય તે સ્વીકાર્ય નથી. બાળકની જવાબદારી ઘરના તમામ લોકો થોડી થોડી ઉપાડે તો કામ ઘણું આસાન બની શકે. બાળકને ક્વોન્ટિટી ઑફ ટાઈમ કરતાં ક્વૉલિટી ઓફ ટાઈમની વધારે જરૂર હોય છે. કામ કરતી મહિલા પોતે જ એ લઘુતાગથીથી પીડાતી હોય છે કે બાળકને ધ્યાન નથી આપી શકતી તેથી તે વધારે મમત્વ બતાવતી હોય છે. વળી, સમજુ, શિક્ષિત અને આર્થિક રીતે સ્વાવલંબી માતા બાળકની જવાબદારી વધારે સારી રીતે લઈ શકે છે. થોડા સમય પહેલાં થયેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે નૉન-વર્કિંગ મહિલાઓ બાળકો સાથે વધારે હિંસક વલણ દાખવે છે અને તેમના ઉછેરમાં વધારે ઊણપ દેખાય છે. હજુ સુધી એવું ક્યાંય સાબિત થયું નથી કે કામ કરતી મહિલા કરતાં માત્ર ગૃહિણી હોય તે માતા જ બાળકોની સારી સંભાળ કરી શકે. ઈન્દિરા ગાંધીથી લઈ આનંદીબહેન પટેલ અને ઈન્દ્રા નૂયીથી લઈ ચંદ્રા ખોચર સારી માતા સાબિત થઈ છે. દર વર્ષે દસમા અને બારમા ધોરણનાં પરિણામો સમયે ઘરકામ કરતી કે રસોઈ કરવા જતી કે ખેતમજૂરી કરતી કે સિલાઈકામ કરતી માતાઓનાં બાળકો બૉર્ડમાં ઝળક્યાના સમાચારો છપાય છે. જ્યારે અમને માહિતી છે ત્યાં સુધી દાઉદ ઈબ્રાહિમથી માંડી અજમલ કસાબની માતાઓ નૉન-વર્કિંગ જ હતી, પણ બાળકોને ગુનાખોરી તરફ જતી રોકી શકી નહીં. 

ઘણા સમય પહેલાં એક નાટક વાંચ્યું હતું. 'કજળેલા'. કજળેલા એટલે રાખમાં ઢંકાઈ ગયેલા ધગતા અંગારા. શિક્ષિત મને મહત્ત્વાકાંક્ષી મહિલાઓની હાલત આ કજળેલાં જેવી થાય છે અને તેમનો અંદરની જ્વાળા સમાજને ઘણી રીતે દઝાડી જાય છે. આજના સમયમાં પારિવારિક અને સામાજિક ક્ષેત્રે જોવા મળતી ઘણી સમસ્યાઓ સ્ત્રી-પુરુષો માટેનાં અલગઅલગ ધોરણો અને અભિગમોની દેન છે. 

કામ કરતી મહિલાઓ પ્રત્યેની આ સૂગને લીધે જ ઊંચો હોદ્દો ધરાવતી ઘણી યુવતીઓ સિંગલ રહેવાનું પસંદ કરે છે અથવા તો બાળકની ઈચ્છા રાખતી નથી. 

મેનકા ગાંધીના પ્રસ્તાવ બાદ કેટલાય મતમતાંતરો વહેતા થયા છે. ઈન્ટરનેટ પર પોસ્ટ થયેલી કૉમેન્ટમાં સૌ પ્રથમ તો યુવતીઓએ ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવતા સવાલો પર જ આપત્તિ દર્શાવી હતી. જો યુવાન, અપરિણીત સ્ત્રી જાય તો અન્ય સવાલો સાથે મુખ્ય સવાલ લગ્ન કરવાનો નજીકમાં કોઈ પ્લાન છે? અને લગ્ન બાદ પણ કામ કરશો? જ્યારે પરણેલી યુવા સ્ત્રી હોય તો બાળક અંગે શું વિચાર કર્યો છે? વગેરે. મેનકા ગાંધીના પ્રસ્તાવ બાદ એક એચઆર મેનેજરે તો ત્યાં સુધી કહી દીધું કે જો આમ થશે તો કંપનીઓ મહિલાઓને કામ આપશે જ નહીં, કારણ કે આઠ મહિના પગાર આપી પોતાની કર્મચારીને ઘરે બેસાડી રાખવાનું કોઈને પોસાય નહીં. સગર્ભા કે બાળક ધરાવતી મહિલાને પ્રમોશન મેળવવામાં પણ સમસ્યાનો સામનો કરવો પડે છે. આધુનિક ગણાતા અન્ય દેશો પણ મેટરનિટી લીવ આપવાના મામલે પછાત જ છે. અમેરિકામાં તો હજુ સુધી કોઈ ખાસ સ્કીમ સરકાર તરફથી બની નથી. જાપાન, જર્મની, ન્યુઝીલેન્ડમાં સાડાત્રણ મહિનાની રજા મળે છે. જે ભારતમાં ત્રણ મહિનાની છે. માત્ર યુરોપના અમુક ભાગોમાં નવ મહિનાની રજા મળે છે. વળી, ભારતમાં ૭૫ ટકાથી વધારે મહિલાઓ અનઑર્ગેનાઈઝડ સેક્ટર સાથે જોડાયેલી છે અને વર્ષોથી વેતનથી માંડીને કેટલાય માનસિક અને શારીરિક શોષણનો ભોગ બને છે. આ માટે રાજકીય અને સામાજિક ક્ષેત્રે મહાપરિવર્તન લાવવાની જરૂર છે, પરંતુ શિક્ષિત સમાજ પણ હજુ વર્કિંગ વુમન મામલે જોઈએ તેટલી પરિવક્વ માનસિકતા ધરાવતો નથી. 

મહિલાઓના જાહેર જીવનમાં ઓછા યોગદાનથી માત્ર મહિલાઓને નહીં પુરુષોને પણ એટલું જ નુકસાન થઈ રહ્યું છે. દેશની આર્થિક અને બૌદ્ધિક જવાબદારી તેમના એકલા પર છે. એક કમાઈને પાંચ તેના પર નભે છે ત્યારે જ આત્મહત્યાઓ થાય છે. ભારતનું બંધારણ દરેક વ્યક્તિને પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરવાની, કારકિર્દી બનાવવાનો પાયાનો હક્ક આપે છે. દેશના આર્થિક અને સામાજિક ગ્રાફ ઊંચે લાવવા માટે સમાજના બન્ને ઘટક એકબીજાના હાથમાં હાથ પરોવી કામ કરે તે બહુ જરૂરી છે. ઓફિસમાં પણ મહિલા-પુરુષ સાથે કામ કરતા હોય તો સ્પર્ધાત્મક અને સ્વસ્થ વાતાવરણ સર્જાય છે. ઘણા આને અન્ય અર્થમાં સ્વસ્થ સમજે છે, પરંતુ કામના સ્થળે સ્ત્રી અને પુરુષ સાથે હશે તો એકબીજાને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વધારે સારી રીતે સમજી શકશે, જે સારા સામાજિક વાતાવરણમાં પરિણમશે. 

ભારત વૈશ્ર્વિક સ્તરે વિકસી રહ્યું છે. નવી સરકારે નવી આશાઓનો સંચાર કર્યો છે. ધીમે ધીમે પણ પ્રગતિ તરફ આપણે ડગ માંડી રહ્યા છીએ. શિક્ષણ અને કૌશલ્ય વિકાસની નવી ક્ષિતિજો ખૂલી છે. દેશના વાતાવરણને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા જેટલી જરૂર કચરાના વેસ્ટ મેનેજમેન્ટની છે, તેના કરતાં દસ ગણી વધારે આ ઈન્ટેલેક્ચુઅલ વેસ્ટ મેનેજમેન્ટની છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment