Sunday, 1 May 2016

[amdavadis4ever] મૈં ઔર મેરી તન્હાઈ - Gujarati

 




Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મૈં ઔર મેરી તન્હાઈ
 
 
પ્રેમલ પરીખ
 
પ્રશ્ર્ન: પાંચેક વર્ષ પહેલા મારાં લગ્ન થયાં. મારો અને મારી પત્નીનો ઉછેર ૭૫ હજારની વસતિ ધરાવતા એક નાનકડા શહેરમાં થયો છે. મારી ઉંમર ત્રીસ વર્ષની છે. અત્યારે અમારે એક ત્રણ વર્ષનો પુત્ર છે. પત્ની હજી બીજું બાળક ઈચ્છે છે. તેની દલીલ છે કે એક દીકરી તો હોવી જ જોઈએ. અલબત્ત આ તો ભવિષ્યની વાત છે જેની અત્યારે બહુ ચિંતા કરવાની જરૂર નથી. અચાનક અમારા જીવનમાં એક વળાંક આવ્યો છે. મને મુંબઈ શહેરમાં સારા હોદ્દાની અને ઊંચા પગારની નોકરી મળતા ત્રણેક મહિના પહેલા જ અમે આ શહેરમાં આવી ગયા છે. આયુષ્યના ૩૦ વર્ષ કોઈ જાતની ભાગદોડ વગર સરળતાથી વીત્યા હોવાને કારણે અત્યારે આ વિશાળ શહેર સાથે ગોઠવાઈ જવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે. રોજિંદા જીવનમાં તો ધીરે ધીરે ગોઠવાઈ રહ્યા છીએ. સદ્નસીબે પત્ની ઘણી સૂઝબૂઝવાળી હોવાને કારણે એ મને ધરપત આપતી રહે છે અને બને એટલી જલદી શહેરથી ટેવાઇ જવાની કોશિશ કરી રહી છે. દૈનિક જીવનથી, એની ભાગદોડથી ટેવાઈ રહ્યા છીએ અને વિશ્ર્વાસ છે કે અન્ય રીતે સુધ્ધાં ગોઠવાઈ જશું. ચિંતા મને સતાવે છે બાળકના ઉછેરની. અમારું જીવન કાયમ વડીલોની છત્રછાયામાં વીત્યું છે. મારી પત્ની પણ શિક્ષિકા છે એટલે શાળામાં નોકરી કરતી હતી, પણ ઘરે વડીલો હોવાથી અમારું બાળક ક્યારે ચાલવા માંડ્યું કે ક્યારે એને દાંત આવ્યા અમને ખબર જ નથી પડી. કહેવાનું તાત્પર્ય એટલું જ કે બાળઉછેરની બધી જવાબદારી મારા માતા-પિતાએ ઉપાડી લીધી હતી. શહેરમાં તો એમને સાથે નથી લાવી શક્યો અને અહીં સારી સ્કૂલના ઍડમિશનની વાતો સાંભળું છું અને મારા પગ ઢીલા પડી જાય છે. આર્થિક બાજુને પહોંચી વળવાની તાકાત છે, પણ અહીંના વાતાવરણમાં ઉછેર કઈ રીતે કરવો એની ગતાગમ નથી પડતી.
ઉત્તર: તમારી વાત સાવ સાચી છે. આજના સમયમાં બાળકોનો ઉછેર અને એ પણ મુંબઈ જેવા મહાનગરમાં એ લોઢાના ચણા ચાવવા જેવું વિકટ કાર્ય છે. આજના યુગનું બાળક બધી વાતો ઘણી જલદી ગ્રહણ કરી લેતું હોય છે અને સમજણું થયા પછી બહુ બધા આગ્રહ રાખતું થઇ જાય છે. એટલે બાળકોની ગતિવિધિ પર બાલ્યાવસ્થાથી જ ધ્યાન આપવું જરૂરી છે. કુમળી વયનાં ભૂલકા સ્વભાવે એકદમ ચંચળ હોય છે. તમે એને જે દિશામાં વાળશો એ દિશામાં એ સહેલાઈથી વળી જશે. નાનપણથી જ એમનામાં એવી ભાવનાઓ જન્માવો કે તે આજ્ઞાકારી બને. ઘરમાં માતા-પિતા તેમ જ અન્ય વડીલોનું કહ્યું માનવાનું અને શાળામાં શિક્ષકોને અનુસરવાની પહેલેથી જ આદત પાડો. અલબત્ત આજના યુગમાં આ અત્યંત મુશ્કેલ બાબત છે, પણ પ્રયત્ન તો કરવો જોઈએ. આજના મા-બાપ ઘણા નબળા લાગે છે. બાળકોનું વધારે પડતું ધાર્યું થવા દે છે. તેમની દલીલ હોય છે કે અમે જે ન કરી શક્યા એ બધું કરવાની છૂટ બાળકોને આપવી જોઈએ. આવો અભિગમ રાખવાથી એક તો બાળકને સ્વચ્છંદી બની જતા વાર નથી લાગતી અને બીજું એ થાય છે કે જીવનમાં સંઘર્ષ શું કહેવાય એની સમજ જ નથી કેળવાતી. પીરસેલા ભાણા પર જમવા બેસનારને એ તૈયાર કરવા પાછળ કેવી ને કેટલી મહેનત કરવામાં આવી હોય છે એનો અંદાજ નથી હોતો. બાળકોમાં એવા સંસ્કાર રેડવા જોઈએ જેથી એને કોઈ પણ બાબતે જીદ કરવાની ટેવ ન પડે. આમ કરવાથી ચલાવી લેવાની કે જતું કરવાની આદત એનામાં કેળવાશે. બાળકો પર પકડ ભલે ન રાખી શકાય, પણ અમુક અંકુશ હોવો તો જરૂરી છે. જો બાળકને મનફાવે એમ વર્તન કરવાની એક વાર ટેવ પડી ગઈ તો પછી તમારે પસ્તાવાનો વારો આવી શકે છે. તમારું મનોબળ દૃઢ હોય એ જરૂરી છે. તમે એ રીતે વર્તો કે જેથી બાળકમાં એવી સમજ કેળવાય કે અંતિમ નિર્ણય તો તમારો જ હોવાનો. તમારી ધાક હોવી જરૂરી છે. બાળકોને પ્રેમ કરવો અને વહાલ કરવું એ બધું બરાબર છે, પણ વહાલ કરતા કરતા વેવલાવેડા ન કરી બેસાય એ વિષે સજાગ રહેજો. દરેક બાળક પોતાનું ધાર્યું કરવા મક્કમ હોય છે પણ એના દુરાગ્રહોને મચક ન આપવી એ તમારું કામ છે.
પ્રશ્ર્ન: આસપાસ નજર નાખીએ છીએ ત્યારે એવો સવાલ જરૂર થાય છે કે આપણો સમાજ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે. બાળકોના ઉછેરમાં પાછી પાની નહીં કરતા અને તેમનું જીવનું જેમ જતન કરતાં મા-બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી દેવામાં આવે છે. સંયુક્ત પરિવારની પ્રથા તો નામશેષ થઇ જ ગઈ છે, પણ નાના પરિવારોમાં નાની નાની વાતોમાં મોટા મોટા ઝઘડા થતા જોવા મળી રહ્યા છે. બે ભાઈને ક્યારે અણબનાવ થઇ જાય છે એની ખબર નથી પડતી. માતા-પિતા ધામધૂમથી સારું ઘર અને સારી ક્ધયા જોઇને બાળકોને પરણાવી તો દે છે, પણ એ દંપતી વચ્ચેનો મનમેળ ક્યારે તૂટી જાય છે એની ખબર નથી પડતી. જીદે ચડેલા બાળકોને નાની નાની વાતે વાંકું પાડવા લાગે છે. ઘણા પરિવારોમાં મૅરેજના ત્રણેક વર્ષમાં તો છૂટા પડવાના બનાવો જોવા મળી રહ્યા છે. કોઈને બાંધછોડ નથી કરવી. બધાને પોતાનું ધાર્યું કરવું છે. બેમાંથી એકેય પક્ષ નમતું જોખવા કે મચક આપવા તૈયાર નથી. આમાં દીકરીના માતા-પિતાની હાલત કફોડી થાય છે. જો આર્થિક સ્થિતિ સદ્ધર હોય તો છૂટાછેડા લીધેલા દીકરાને ક્ધયા મેળવવામાં બહુ મુશ્કેલી નથી નડતી. ડિવોર્સ લીધેલી ક્ધયાનું ચોકઠું બીજે બેસાડતા પરિવારને ધોળે દિવસે તારા દેખાઈ જાય છે. એમાં પાછો સગાં-સંબંધીઓનો ચંચુપાત સહન કરવો પડતો હોય એ તો અલગ જ. આવું થવાનું કારણ શું હોઈ શકે? શું આજની પેઢીને મન સંબંધોનું મૂલ્ય શૂન્ય બરાબર થઇ ગયું છે? કંઈ સમજાતું નથી.
ઉત્તર: તમારી વ્યથા યોગ્ય અને સમજી શકાય એવી છે. પશ્ર્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરતી આજની પેઢી વિદેશી જીવનશૈલી અપનાવવાનો પ્રયાસ કરી રહી છે એમાં આ દૂષણ પણ ઘૂસી ગયું છે. આજ કાલ તો લગ્ન થયાં એના બે કે ત્રણ વર્ષમાં જ નજીવા કારણસર ડિવોર્સ થવાનાં કારણો વધી રહ્યાં છે. સમાજ જીવનના અભ્યાસુઓના કહેવા પ્રમાણે આજકાલના બાળકો સગાઇ અને લગ્ન વચ્ચે બહુ ઓછું અંતર રાખે છે જે બરાબર નથી. કોઈ કોઈ કેસમાં તો સગાઇ અને લગ્ન આગળ પાછળના દિવસે જ થતા જોવા મળે છે. સમાજશાસ્ત્રીઓની દલીલ છે કે સગાઈ થયા પછી ત્રણ કે ચાર મહિના બાદ મૅરેજ કરવા જોઈએ. આ દરમિયાન યુવક અને યુવતી બને તેટલો સમય સાથે વિતાવે એ એમના હિતમાં છે. એમ કરવાથી એકબીજાના સ્વભાવનો સુપેરે પરિચય થાય છે. જેને આજ કાલ કમ્પેટિબીલિટી જેવું રૂપકડું નામ આપવામાં આવે છે. આ સમયમાં ભાવિ પતિ-પત્ની એકબીજા સાથે કઇ રીતે વર્તે છે તેના પર સંબંધની સફળતા અને અસફળતા નિર્ભર હોય છે. જો બે જણ મોકળા મને વાત ન કરે અને એકબીજાથી અમુક વાતો છુપાવે એનો અર્થ એટલો જ થાય કે તેમને એકબીજામાં પૂર્ણ શ્રદ્ધા નથી. એકબીજાને મહત્ત્વની વાતો કહેવામાં જો સંકોચ અનુભવાતો હોય તો એ લક્ષણ સારું નથી. આ પ્રકારનું યુગલ જીવનભર તેના પાર્ટનરની કીમત ઓછી આંકીને તેની સાથે અણછાજતો વ્યવહાર કરે છે. વારંવાર સામી વ્યક્તિ સાથે ગેરવર્તન કરવાથી દિલમાં પ્રેમ રહેતો નથી અને સંબંધોમાં તિરાડ પડવાની શરૂઆત થાય છે. આજકાલ તો વિપરીત ઉછેરને કારણે યુવક અને યુવતીના સ્વભાવ અલગ હોય એ સ્વાભાવિક છે. એટલે નજીવી બાબતે નાની-નાની વાતોમાં ઝઘડા થતા જોવા મળે છે. પોતે આધુનિક હોય એનો વાંધો નહીં પણ યુવતી જો વધુ મોડર્ન હોય તો યુવકને એ વાત સ્વીકાર્ય નથી હોતી. બીજી તરફ જો યુવક કોઈ કારણસર સરળ જીવનશૈલી અપનાવવાનો આગ્રહ રાખે તો યુવતીઓ તેને બૅકવર્ડ સમજી બેસે છે. છૂટાછેડામાં આ કારણ પણ મહત્ત્વનું હોય છે. ક્યારેક ભોજન પદ્ધતિમાં વિરોધાભાસ પણ કંકાસનું કારણ બને છે. યુવક અને યુવતી એકબીજા સાથે લગ્નબંધનમાં જોડાય છે ત્યારે પરસ્પર પ્રેમ, એકબીજા પર અધિકાર જમાવવો જેવી વાત સામાન્ય હોય છે. જોકે પછી એમાં અતિરેક થવા લાગે છે. સગાઇ પછી જ્યારે બે જણ ફરવા જાય ત્યારે એકબીજાના સાચા સ્વભાવનો પરિચય થાય છે. સામેની વ્યક્તિ અલગ અલગ સ્તરના લોકો સાથે કેવો વ્યવહાર કરે છે તે જોઇને ભવિષ્યમાં તે તમારી સાથે અને બાળકો સાથે કેવો વ્યવહાર કરશે એનો અંદાજ ચોક્કસ મૂકી શકાય છે. દરેક વાતની મુદ્દાસર ચર્ચા કરવાની ટેવ હોય એ જરૂરી છે. સમજદાર દંપતી એકબીજાની ખામી નહીં પરંતુ એકબીજાની આવડતને આદર આપે છે, જ્યારે અણસમજુ દંપતી વાતવાતમાં એકબીજાની ટીકા કર્યા કરે અને એકબીજાના અવગુણ જોયા કરે છે. આવા યુગલોનો સંબંધ લાંબો સમય ટકતો નથી.

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment