Saturday, 3 October 2015

[amdavadis4ever] મારા ગાંઠિયા નહીં દેંગે, નહીં દેંગે, નહીં દેંગે!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ટાઇટલ્સ: દરેક જોક એક સંકેત છે. (સિગ્મંડ ફ્રોઇડ)

દેવાળું ફૂંકેલા બેકાર ગરીબ સંતાનો, બાપદાદાની મહાનતાનાં કિસ્સાઓ યાદ કરી કરીને પોરસાતાં હોય છે કે "અમારાં દાદાનાં કાકાનાં મામાએ એવી લડાઇ લડેલી કે એમનું માથું કપાઇ ગયેલું પણ તોયે ધડ બે દિવસ લડતું રહયું. લડાઇ જીત્યા પછી હેલ્મેટની જેમ એમણે માથું ઉપાડી લીધું! જેમની પાસે વર્તમાનની ઉપલબદ્ધિ કે ગર્વનીની વાત ના હોય એ લોકો જૂના ઉદાહરણો આપીને મહાનતાની સાબિતી આપે. જેમ કે- "એક જમાનામાં અમારા વડવાઓ પાસે એટલી મોટી હવેલી હતી કે દાળઢોકળીની થાળી, રસોડાથી ડ્રાઇંગરૂમ સુધી લઇ જતાં જતાં ઠંડી પડી જતી! પછી એ ઠંડી દાળઢોકળીને કેકની જેમ ચાકાં પાડીને સૌ ખાઇ લેતાં! અથવા તો- "અમારાં દાદા તો પાન ખાવા માટે પણ હાથી પર બેસીને જતાં. પાનવાળો, હાથીની સૂંઢમાં પાન આપતો. હાથી સૂંઢ ઊંચી કરીને દાદાને પાન આપતો જેથી દાદાએ ઝૂકવું ના પડે. પાનથી લાલ થયેલાં હાથ ધોવા હાથી સૂંઢથી પાણી છાંટતો!

વેલ, આ કિસ્સાઓ તો અમે ઉપજાવેલાં છે પણ પરંપરાની છાતી પીટીને જીવવાની આપણા દેશમાં ફેશન છે. એક જ સૂત્ર: અમે બેસ્ટ અને બીજાં બધાં ટોટલી વેસ્ટ! હમણાં ઓડિશાનાં એક પાકશાસ્ત્રી નબીનચંદ્ર દાસે એવો દાવો કર્યો કે રસગુલ્લાં કાંઇ બંગાળની ખોજ નથી પણ એ તો ૧૩મી સદીમાં ઓડિશાનાં પવિત્ર પૂરી શહેરમાં પહેલીવાર બનેલાં. ત્યાં સુધી તો ઠીક છે પણ ઓડિશા સરકારે આની ખોજબીન માટે ત્રણ-ત્રણ કમિટીઓ પણ નીમી દીધી! આ કમિટીઓ રસગુલ્લાંનાં ઓડિશામાં થયેલા ઉદ્ભવ વિશે તપાસ કરશે! બંગાળીઓનાં રસગુલ્લાં વીશેનાં દાવાને પડકારતી તપાસ કરશે. આમાં ઓડિશા સરકારનું કલ્ચર ડિપાર્ટમેંટ પણ શામેલ છે! આ એજ ઓડિશા રાજ્ય છે જયાં કલહંડી વિસ્તારમાં અતિ-ગરીબ આદિવાસીઓ કીડીઓ ખાઇને પેટ ભરે છે અને રાજ્યને રસગુલ્લાં પર હક જતાવવો છે પછી ભલેને ત્યાં સૌને જીવવાનો હક હોય કે નહીં. જોકે રાજકારણીઓ માણસનું ખૂન ચૂસી શકે તો રસગુલ્લાંમાંથી પણ રસ ચૂસી લે એમાં નવાઇ શી?

પણ આમનેઆમ ચાલશે તો દેશનાં દરેક રાજ્યો છોલે-ભટૂરે, ઇડલી-ઢોસાં, ખીચડી-કઢી, વડા-સમોસાં પર પોતપોતાનાં હક જતાવવા માંડશે. દેશમાં કરોડો કિચન-કમિટીઓ બનવા માંડશે. મરાઠીઓ તો એમની પૂરણપૂરી, કાંદાપોહે (બટાટાપૌઆ) કે પીથલાં જેવી આઇટેમો પર હક જતાવવા રસ્તા પર બિનમરાઠીની થાળી ઝુંટવીને મારામારી કરે તોયે નવાઇ નહિં. એ લોકો એમ પણ કહી શકે કે જેને મરાઠી ભાષા આવડતી હોય એણે જ ઉસળ-પાંવ કે વડાપાંવ ખાવાનાં! (જેમ હમણાં મહારાષ્ટ્રની બીજેપી સરકારે પ્રસ્તાવ મૂકયો છે કે જેને મરાઠી ભાષા આવડતી હોય એને જ ઓટો રિક્ષા-ટેક્સીનું લાઇસંસ-પરમિટ અપાશે! બોલો?) જો કે અમને તો કડકડાટ મરાઠી આવડે છે એટલે કોશિંબીર વડી કે કોકમ કઢી ખાતાં કોઇ રોકી નહીં શકે. ભાષા-પ્રેમનાં ઘણાં ફાયદા છે, ગાળો પણ ખાવા મળે અને વાનગી યે ખાવા મળે! 

ઈન્ટરવલ: 

કૈસે કૈસે મંઝર સામને આને લગે? 

ગાતે ગાતે લોગ ચિલ્લાને લગે! (દુશ્યંત કુમાર)

અમને થાય છે ગુજરાતીઓને પણ આવા દાવા કરવાની પરવાનગી મળવી જોઇએ. (પર-વાનગી એટલે બીજાની વાનગી?) આપણે ગુજરાતીઓ બહુ અસ્મિતાને વારે ઘડીએ યાદ કરીને હરખાઇએ છીએ તો તરત દાવા ઠોકી દેવાં જોઇએ કે ઇડલી મૂળ તો ઇડરમાં પહેલીવાર બની હતી! ઢોસાં,૧૪મી સદીમાં ઢસા' ગામે પહેલીવાર રાંધવામાં આવેલા. સૂતરફેણી સૌ પ્રથમ સુરતમાં બનેલી અને ત્યારે લોકો એને સૂરતફેણી' કહેતાં પણ પછી સમય જતાં સૂરતફેણીમાંથી સૂતરફેણી થઇ ગયું. ભજિયા કે જેને હિંદીમાં ભુજિયા પણ કહેવાય છે એ ભૂજની પેદાશ છે. ત્યાંનાં કોઇ મહારાજાએ કચ્છનાં રણમાં ધોમધખતા તાપમાં ચૂલા વિના આપોઆપ જ તેલ ઉકળતું જોયું અને એમાં અચાનક એક ચકલી પડી જે ઉકળતાં તેલમાં જીવતી ભૂંજાઇ ગઇ. એમાંથી ભજિયા તળવાનો આઇડિયા આવ્યો. આવાં અનેક કિસ્સાઓ પણ ઉપજાવી શકાય. જેમકે પિત્ઝા, ઉંઝામાં બનવાનાં શરૂ થયેલાં અને ત્યારે એ ઉંત્ઝા' નામે ઓળખાતાં. શરૂઆતમાં ઉંઝાનાં જીરુ પણ એનાં પર છંટાતા. પછી એકવાર પીર-ફકીરે ત્યાં દુષ્કાળમાં ગરીબોને મફતમાં ઉંત્ઝા ખવડાવ્યાં ત્યારથી એ પીરનાં માનમાં લોકો ઉંત્ઝાને-પિત્ઝા કહેવા માંડયા! પણ, પંજબી-છોલે પર દાવો કરવા જશું તો પંજાબીઓ તલવાર લઇને છોલી નાખશે!

વળી "આપણો વિકાસ-દર સારો છે, આપણે સૌથી વિકસિત છીએ, આપણું સાહિત્ય વિદ્રોહી અને શ્રેષ્ઠ છે -એવાં દાવાઓ જે ઝનૂનથી આપણે કરીએ છીએ એજ ઝનૂનથી, ઓડિશા સરકારની જેમ વાનગીઓ પર દાવા કરવા રહ્યાં. સો વાર, હજાર વાર, જોરજોરથી બોલશું તો દુનિયા માની પણ જાશે. એમ પણ આપણે ખાતીપીતી પ્રજા છીએ, ખાવા-ખવડાવવાનાં શોખીન છીએ એટલે બીજાં લોકો બહુ વિરોધ પણ નહીં કરે. સોમાંથી નવાણું તો ચવાણું સમજીને અસત્યને ગળેથી પણ ઉતારી લેશે!

પણ હા, આવું કરવાનાં ઉત્સાહમાં એ ના ભુલાય કે દાળઢોકળી કે ખમણ કે ગાંઠિયા જેવી આપણી અસલી ગુજરાતી આઇટેમો પર દાવો કરવાનો ભૂલી જવાય! સૌથી પહેલાં આપણે સૌએ એક થઇને ગાંઠિયાને આપણે તરત જ પેટન્ટ કે રજીસ્ટર્ડ કરી જ લેવાં રહ્યાં! ફાફડા, સેવ, વણેલાં, ભાવનગરી, જામનગરી વગેરે ગાંઠિયાનાં જે કોઇ પ્રકારો હોય એનાં પર દાવો કરીને સમગ્ર વિશ્ર્વમાં ડિક્લેર કરી દેવાનું કે ગાંઠિયા પર માત્ર ગુજરાતીઓની જ મોનોપોલી છે. અરે.. ગાંધી, ગાંઠિયા, ગરબા એ આપણી ઓળખ છે. એમાં ચાન્સ ના લેવાય. કારણકે ભૂલથી પણ જો નાગાલેંડ ગાંઠિયા પર દાવો ઠોકી દેશે તો આપણે નાગાં થઇ ગયાં હોઇએ લાગશે.

ગાંઠિયાં આપણી આઇડેન્ટિટી છે, અસ્તિત્વ બોધ છે. ગાંઠિયા, માત્ર આદત નથી પણ શહાદત માગતી આઇટેમ છે. ઝાંસીની રાણી એ અંગ્રેજોને કહેલું: મેરી ઝાંસી નહીં દૂંગી! આપણે પણ કહેવું પડશે હમારા ગાંઠિયા નહીં દેંગે. કારણકે પેલા બૌદ્ધિક બંગાળીઓનું કાંઇ કહેવાય નહીં, રવીન્દ્રનાથ ટાગોરે ગાંઠિયા ખાતાં ખાતાં ગીતાંજલી' પુસ્તક લખ્યું અને એને માટે જ્યારે નોબેલ પ્રાઇઝ મળેલું ત્યારે ટાગોરે ગાંઠિયાની પાર્ટી આપેલી-એવા પુરાવાં ઊભા પણ કરી નાખે! તારી ભૂખ જાણી કોઇ ના આવે તો એકલો ખાજે રે ગાંઠિયાને તું એકલો ખાજે રે એવી ટાગોરની અપ્રગટ રચના પણ શોધી લાવશે. ત્યારે આપણે છ કરોડ ગુજરાતીઓ ગાંઠિયા વિના માત્ર ચટણી કે મરચાં લઇને નિ:સહાય ઊભા રહી જશું! કલ્પના કરો, એવું પુરવાર થશે તો? પછી એજ ગાંઠિંયા ખાવામાં પહેલાં જેવો ટેસ્ટ આવશે? અને પછી ગુજરાતી અસ્મિતાની કે ગુજરાતની ટીકા કરનારાં, બિન ગુજરાતી કે બિન રહેવાસી ગુજરાતી પર ગાંઠિયાં ખાતા ખાતા ગાળો આપવાની મજા આવશે? ગાંઠિયા પરનો હક જશે લોકો આંદોલન કરશે, દેશમાં ભયંકર તોફાનો થશે-કારણ કે ગાંઠિયા આપણી આન-બાન-શાન છે! 

તમારી સૌની જેમ અમને પણ ગાંઠિયા એટલાં જ પ્રિય છે. ગુજરાતી સાહિત્ય-કળા-સંસ્કૃતિનું જે થવાનું હોય એ થાય પણ ગાંઠિયાના હક માટે અમે પણ લડીશું. જો ગાંઠિયા માટે ગોળી પણ ખાવી પડશે તો સૌથી પહેલાં અમે ખાઈશું! મરતાં મરતાં. મરચાં ખાઈને 'હાડડડડડય' એવો નિ:સાસો છોડીને જશું પણ ગાંઠિયા-ગર્વ તો નહીં જ છોડીયે!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment