Thursday, 1 October 2015

[amdavadis4ever] આધુનિક ધ ાર્મિકતામ ાં સ્ત્રીઓ ક્યાં?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દુંદાળા દેવ આવ્યા અને વાજતેગાજતે વિદાય પણ થયા. ગણપતિને જ પ્રાર્થના કરવાનો વિચાર છે કે આટઆટલી ધમાલ સાથે તમને વિદાય કરીએ છીએ તે બધું તમને સંભળાય તો છેને! બધા દેવોમાં સૌથી મોટા એમના કાન છે, જોકે ભક્તોને લાગે છે કે તોયે એમને સંભળાય કે નહીં, કોણ જાણે? એથી વધારે ને વધારે રાડો પાડતા, ઢોલનગારા વગાડતા અને લાઉડસ્પીકરો પર ગાયનો સંભળાવતા એક પછી એક સૌ આવ્યા. મારું નસીબ એવું છે કે ઘરથી જરાક જ આગળ ખટારા રોકાય અને આગળ શાંતિથી દરિયા તરફ જવાનું એટલે અહીં જ આવેશમાં આવીને પુરુષભક્તો ઢોલ પીટે અને નાચે. બહુ જ થોડી, સાવ નહીં જેવી સંખ્યામાં છોકરીઓ હોય. એક તો મહારાષ્ટ્રમાં છોકરીઓ અને સ્ત્રીઓ જાહેરમાં નાચે એવી પરંપરા નથી અને મુખ્ય તો એ કે આટલી બધી ગતિથી આટલી ધમાલમાં જોર કાઢીને ભાયડાઓ નાચતા હોય ત્યાં છોકરીઓનું ગજું કેટલું? હજી થોડાં વર્ષો અગાઉ એવાં દૃશ્ય સામાન્ય હતાં જ્યાં આગળ ઘેલાતુર થઈને પુરુષો નાચતા હોય, પછી ઢેલણ ગાડીમાં ગણપતિ આવે. ઠીક છે, ઉત્સવ હોય ત્યારે આપણે ત્યાં ઘોંઘાટ તો થાય જ પણ બહેનો બાકાત કેમ? ચારે બાજુ પોસ્ટરો ને હોર્ડિંગો લાગેલાં હોય, આ મંડળ ને પેલું મંડળ પોતપોતાના ગણેશોત્સવની જાહેરાત કરે છે, આમાં બે પ્રકારના વિભાગો સાવ ઓછા છે, નાના કદના છે, એક તો અલબત્ત મહિલાઓ, આઠ, દસ કે બાર કાર્યકર્તાઓ અને નેતાઓના ચહેરાઓમાં ભાગ્યે જ કોઈ સ્ત્રી દેખાય. જો દેખાય તો એ સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેટર હોય, સ્થાનિક સ્વરાજમાં તેત્રીસ ટકા મહિલાઓને બેઠક આપવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે એટલે એમના ડોકાં પણ આ બધા વચ્ચે હોય છે, બીજા કોઈ માટે ઓછો અવકાશ દેખાતો હોય તો તે ગણપતિ બાપ્પા પોતે. બાર બાર ફોટાઓ વચ્ચે કેટલી જગ્યા રહે બાપ્પાને બેસાડવા? કેટલાંયે બેનરો ને હોર્ડિંગોમાં ગણપતિની સાઈઝ નાનકડી હતી. 


રાષ્ટ્રનિર્માણની વિભાવનામાં જ પૌરુષી તત્ત્વનું પ્રાધાન્ય હોય છે. ધાર્મિક અને સામાજિક રીતે પાછળ રખાયેલા હોય તે સૌ એવાં જ હોય એવી માન્યતા ઘડાયેલી હોય છે. અમેરિકન સંવિધાન ઘડાયું ત્યારે પ્રત્યેક નાગરિકની વ્યાખ્યામાં સ્ત્રી કે કાળી પ્રજાનો સમાવેશ નહોતો. ફ્રેન્ચ ક્રાંતિ થઈ ત્યારે રાજાશાહીમાંથી પ્રજાસત્તાક બને તેમાં સ્ત્રીઓ પણ મુક્ત નાગરિક હોય અને રાજકીય ગતિવિધિઓમાં સક્રિય હોય એવી કોઈ કલ્પના નહોતી. દર ગણપતિ ઉત્સવ વખતે યાદ આવે છે કે છેક ૧૮૯૩-૯૪માં રાષ્ટ્રીય ભાવના જગાવવા અને દૃઢ કરવા ટિળક મહારાજે જાહેર ગણેશોત્સવની પ્રથા શરૂ કરી ત્યારે એમને કેમ ખ્યાલ નહીં આવ્યો હોય કે ઘરના તહેવારને બહાર લાવવામાં ગણેશ જાહેરમાં આવશે પણ સ્ત્રીઓ અંદર જ રહેશે, રાષ્ટ્રની વિભાવનામાં કે રાષ્ટ્રમુક્તિના ખ્યાલમાં સ્ત્રીઓને જોડાજોડ રાખવામાં આવતી નથી. અત્યારે મહિલાઓની ક્યાં માંડો છો? દેશ મહત્ત્વનો છે, ધર્મ મહત્ત્વનો છે, કોમ મહત્ત્વની છે. આમ કડી સ્ત્રીઓના દરજ્જાની બાબત પાછળ રહે છે અને પછી પાછળ જ રહે છે. હા, ભક્તિ કરવાનો એમનો હક કોઈ લેતું નથી, એ કામ બીજા કોણ આટલી ચીવટથી કરે? સાંજે શાક લેવા જાય ત્યારે બાપડીઓ પૈસા આપીને લાઈનમાં ઊભી રહે છે કે બાપ્પાના દર્શન થાય. સંચાલન, આવેલા પૈસાની વ્યવસ્થા અને અનેક નિર્ણયો લઈ જાહેર જીવનની તાલીમ, નેતૃત્વ મેળવવાની તક એ બધું ભાઈઓને મળે છે. બંગાળમાં અને ગુજરાતમાં નવરાત્રિ પૂજાનું પણ તેમ જ છે. જોકે ગુજરાતી સ્ત્રીઓ જાહેર જીવનમાં વધુ હિંમતથી બહાર પડે છે એવું આપણને લાગે ખરું. નાચવા ને ગાવામાં તો પહેલેથી જ એમણે ચોક અને શેરીઓ ગજાવેલાં છે. જોકે એમાં પણ નવરાત્રિ મોટો જાહેર ઉત્સવ થયો અને ખર્ચાળ બન્યો પછી પુરુષોનું જ પ્રાધાન્ય વધ્યું છે. ઉત્સવોમાંથી પુરુષોને કમાણી પણ થાય છે અને નેતૃત્વ પણ મળે છે. 

જુદાં જુદાં તત્ત્વો આધુનિક ધાર્મિકતામાં સ્ત્રીઓને પાછળ રાખે છે તો કોઈ કોઈ વાર બદલાતી પરિસ્થિતિમાં જખ મારી સ્ત્રીઓ માટે જગ્યા કરી આપવી પડે છે, યહૂદીઓમાં એવું કે દસ પુરુષો ભેગા થાય નહીં તો અમુક ધાર્મિક વિધિ કરી જ ન શકાય. ભારત જેવા દેશમાં એમની સતત ઘટતી વસ્તીમાં આ ક્યાં સુધી નિભાવશે એ નવાઈની વાત છે. ભક્તિ અને આસ્થામાં સ્ત્રીઓ આગળ પડતી રહે, પણ પૂજારી થવા ન દેવાય એ ચાલ પણ હવે ઘસાવા માંડ્યો છે. જે જ્ઞાતિઓમાં અગાઉથી સાક્ષરજ્ઞાન હતું તેમાં બ્રાહ્મણો પહેલે નંબરે આવે, એમના દીકરાઓ, દોહિત્રો વગેરે પુરુષો ડોક્ટર, એન્જિનિયર, સી.એ., એમ.બી.એ. વગેરે થઈ ગયા પછી તમારે ત્યાં ટોકરી વગાડવા ને દક્ષિણા લેવા થોડા આવવાના છે? આથી હવે પૂજાપાઠ પારકાને કરાવવા કે લગ્ન-મરણની વિધિઓ કરાવવા પુરોહિતો મળતા નથી. આ વખતે ગણપતિનું સ્થાપન કરાવવા મહારાજ રાતે બે વાગે કે સવારે સાડાચારે આવવાના હતા એવું સાંભળેલું. કમાણીનો સમય છે, એમને જેમ દિવાળી કે ઈદ વખતે દુકાનદારોનો સમય હોય, આમ દિવસ આખો પૂજા કરાવવા કોઈ મળે નહીં તો એ ખાલી જગામાં સ્ત્રીઓને અવકાશ મળે તેમાં નવાઈ નથી. એમાં જ્ઞાતિવાદ ન રહે ને બ્રાહ્મણ જ મૂર્તિમાં પ્રાણ પૂરી શકે, પ્રાણપ્રતિષ્ઠા કરાવી શકે એ ચાલ બદલાય તો પ્રગતિ કહેવાય.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment