Saturday, 3 October 2015

[amdavadis4ever] કથા કોલાજ - Gujarati (Posted by B D jesrani)

 


હૈદરાબાદ હાઉસમાં આજે ડિનર છે. ખૂબ જાણીતા ઇતિહાસવિદ આર્નોલ્ડ ટોઇનબીના માનમાં અપાયેલા ડિનરમાં જવા માટે જવાહર તૈયાર થઈ રહ્યા છે. એમની આંખો રડી રડીને લાલ થઈ ગઈ છે. એમની ગોરી ચામડી અને નાક પર લાલ ચાઠા ઊપસી આવ્યા છે, તેમ છતાં એક વડા પ્રધાનના ગ્રેઇસ અને દબદબાથી જવા માટે એ તૈયાર છે. એ જ્યારે એમના કમરામાંથી બહાર આવ્યા ત્યારે ઇન્દિરાએ એમની સામે જોયું, "પાપુ ! વિલ યુ બી એબલ ટુ ? ઇન્દુએ પૂછ્યું.

જવાહરે એક અક્ષર બોલ્યા વગર ડોકું ધુણાવ્યું. એમની સામે ઊભેલા એમના એ.ડી.સી.એ શેરવાનીમાં ખોસવા માટે ગુલાબ ધર્યું, પણ જવાહરે ડોકું ધુણાવ્યું અને ઝડપથી તીન મૂર્તિના પૉર્ચમાં ઊભેલી ગાડીમાં બેસી ગયા. જવાહરના મનમાં જે ચાલતું હતું એ હું સમજી શકું છું, કદાચ ઇન્દુ પણ સમજી શક્તી હશે થોડુંઘણું... અમારી વચ્ચેના સંબંધો કદાચ પૂરા થયા છે, પરંતુ અમારી વચ્ચેનું બોન્ડ, અમારી વચ્ચેનાં તાણાંવાણાં, અમારો સ્નેહ કે અમારી લાગણીઓ ક્યારેય પૂરી થઈ શકે એમ નથી.

લેડી એડવિના માઉન્ટબેટનના નિધનના સમાચાર વિશ્ર્વભરના રેડિયો પરથી પ્રસારિત થઈ રહ્યા છે. આમ તો મરવા માટે મારી ઉંમર નાની કહેવાય, પણ આ અઠ્ઠાવન વર્ષમાં હું અઠ્ઠાવન જિંદગીઓ જીવી ગઈ છું એમ કહું તો ખોટું નથી...

એ આખી સાંજ હૈદરાબાદ હાઉસના ડિનર ટેબલ પર બેઠેલા લગભગ બધા જ દિગ્મૂઢ થઈને જવાહરને જોઈ રહ્યા હતા. જવાહરની અંદર જે ખળખળાટ ચાલતો હોય તે, પરંતુ એમણે ક્યાંય કશું જ દેખાવા દીધું નહીં. એક વડા પ્રધાન તરીકે રાષ્ટ્રના મહેમાનને જે રીતે સંભાળવા જોઈએ એ બધું જ એ કરતા રહ્યા. એમના ચહેરા પર એક વિચિત્ર પ્રકારની ગ્લાનિ દેખાતી હતી, પરંતુ એ ગ્લાનિને એમના વર્તન સુધી આવવા દીધી નહીં. વૉલ્ટર ક્રોકર નામના એક લેખકે નોંધ્યું, "ત્યાં બેઠેલા બાકીના બધા ચિંતામાં સહેજ ઇન્હીબિટેડ અને થોડાક ઝંખવાયેલા હતા, પરંતુ જવાહરલાલ નહેરુ એમની હંમેશની હેન્ડસમ પર્સનાલિટી સાથે ! રડેલી છતાં ચમક્તી આંખો, ગોલ્ડન લાઇટ બ્રાઉન હેલ્ધી ત્વચા અને હેલ્ધી પર્સનાલિટી સાથે ત્યાં હાજર હતા. એમને ખબર પડી જ હશે કે લેડી માઉન્ટ બેટન હવે આ દુનિયામાં નથી. પોતાની પ્રિયતમ વ્યક્તિને ખોયા છતાંય એમણે પોતાની જાતને જે રીતે સંભાળી અને જે રીતે રજૂ કરી એ કાબિલ-એ-દાદ છે.

હું હવે નથી...

આજે સવારે નોર્થ બોર્નેયોના જેસલ્ટનમાં હોટેલના રૂમમાં હું ઊંઘમાં જ મૃત્યુ પામી. જવાહરલાલને આ સમાચાર મારા મૃત્યુના અડધો કલાકમાં મળી ગયા હતા. એણે આખો દિવસ કોઈ કામ ન કર્યું, અથવા એ ન કરી શક્યા... દિવસ એકાંતમાં ગાળ્યા પછી સાંજે એમણે હૈદરાબાદ હાઉસના ડિનરમાં હાજરી આપી. હું સમજું છું કે એમની પાસે આ કર્યા વિના કોઈ છૂટકો નહોતો. એ કોઈ ટીનેજ પ્રેમી નથી. ભારત જેવા દેશના વડા પ્રધાન છે. આવી જગ્યાએ બેઠા પછી માણસ પાસે અંગત દુ:ખો માટે બહુ સ્પેસ બચતી નથી હોતી !

આજે હું અહીં આવી હતી. સેન્ટ જોન્સ એમ્બ્યુલન્સ બ્રિગેડના ઇન્સ્પેક્શન માટે. સાંજ પડી ગઈ હતી. આખો દિવસ પૂરો થાય ત્યાં સુધી મન વ્યસ્ત રહે. ખાસ વિચારો ન આવે મને, મારી જાતને સંપૂર્ણપણે કામમાં ડુબાડીને હું ખુશ રહી શકું છું એવું મેં ગોઠવી લીધું હતું. આમ જોવા જાવ તો જિંદગી સામે મને બહુ ફરિયાદ નથી... રેડક્રોસ સોસાયટી સાથે કામ કરતી. ઈંગ્લેન્ડના ઘણાં બધાં સામાજિક કામ કરતા યુનિટ્સ અને સંસ્થાઓ સાથે જોડાયેલી રહી. આખો દિવસ કામ કરી શકું એટલી શક્તિ અને એટલાં કામ હતાં મારી પાસે, તેમ છતાં સાંજ પડવા લાગે ત્યારે જાણે કશુંક ખૂંચતું મારી ભીતર... 

ગઈ કાલે પણ એવી જ એક સાંજ એકલતા અને અંધારા સાથે મારી અંદર ઓગળવા લાગી. હોટેલના રૂમ પર આવીને મેં મારી બેગ ખોલી. અંદરથી જવાહરના પત્રોનો બંચ કાઢ્યો. છેલ્લાં દસ વર્ષો દરમિયાન લખાયેલા આ પત્રો અમારી વચ્ચેનો સંવાદ છે. જવાહર બહુ જ સુંદર પત્રો લખે છે, "આટલાં વર્ષો પછી જાણે મને અચાનક રીઅલાઇઝ થાય છે કે આપણે વધારે ગાઢ તાંતણે બંધાયાં છીએ. કોઈ રોકી ન શકાય એવા ખેંચાણથી એકબીજા તરફ આકર્ષાયેલાં રહીએ છીએ. હું જાણતો હતો કે આપણી વચ્ચે આવું કોઈ આકર્ષણ છે, પણ તું દૂર જઈશ ત્યારે આ આકર્ષણ મને આટલી ભયાનક રીતે બાંધી લેશે એવી તો મને કલ્પના નહોતી જ... આજે એવું લાગે છે કે જાણે આપણી વચ્ચેનો કોઈ પડદો ખસી ગયો છે અને આપણે એકબીજા સાથે વધુ સ્નેહ, વધુ સ્પષ્ટતા અને વધુ સત્યથી જોડાયાં છીએ. હું સમજી શકું છું કે તું હજુ ઘણી યુવાન છે. તારા જીવનમાં એક પતિ ઉપરાંત કોઈ બીજો પુરુષ હોય તો પણ મને એની ઈર્ષ્યા ન જ થવી જોઈએ... જોકે મારા જીવનમાં હવે આ દેશથી વધુ મહત્ત્વનું કશુંયે નથી. ક્યારેક આ પત્રો વાંચતા હું હસું છું, તો ક્યારેક આંખો ભીની થઈ જાય છે. ક્યારેક જવાહર સાથે ગાળેલા એ દિવસોને યાદ કરું છું તો મન અકથ્ય સુખથી ભરાઈ આવે છે. આને પ્રેમ ન કહેવાય તો શું નામ આપી શકાય ? જવાહરના પત્રો મારી આવી ડૂબતી સાંજનો સહારો છે. કેટલી વાર વાંચ્યા હશે એ પત્રો, તેમ છતાં દરેક વખતે લાગે કે જાણે પહેલી જ વાર વાંચું છું. દરેક વખતે લાગે કે જાણે આ તો મેં ક્યારેય નથી વાંચ્યું... 

૧૯૪૭માં આખરી વાઇસરૉઇન તરીકે હું અને આખરી વાઇસરૉય તરીકે લૂઇસ માઉન્ટબેટન ભારત ગયાં. ભારતને આઝાદી આપવાની આખીયે પ્રક્રિયાની હું સાક્ષી છું. જવાહરને હું પહેલી વાર ત્યારે મળી. જોકે એ પહેલાં હું એક વાર મળેલી ઈંગ્લેન્ડની એક પાર્ટીમાં, પણ ત્યારે મેં જવાહર તરફ બહુ ધ્યાન નહીં આપેલું. હું ત્યારે યુવાન હતી અને ઈંગ્લેન્ડની લગભગ તમામ પાર્ટીમાં હું આમંત્રિત રહેતી. મારા નાના સર અર્નેસ્ટ જોસેફ કેસલ એ વખતના અબજોપતિઓમાંના એક હતા. કિંગ એડવર્ડ - આઠમાના પ્રાઇવેટ ફાઇનાન્સર હતા. મારી મા બહુ નાની ઉંમરે મૃત્યુ પામી - એમિલિયા મૅરી મોડ કેસલ. મારા પિતા વિલ્ફ્રેડ વિલિયમ એશ્લે પાર્લામેન્ટના ક્ધઝર્વેટિવ પાર્ટીના મેમ્બર હતા. હું સંભ્રાંત પરિવારમાંથી આવું છું. જોરથી હસાય નહીં, મોટેથી બોલાય નહીં, છોકરીઓએ અમુક રીતે જ વર્તવાનું અને ચાલવાનું - આવું અમને સાવ બાળપણથી શીખવવામાં આવે. અમારા પરિવારો ઈંગ્લેન્ડના ગણ્યાગાંઠ્યા ખાનદાની પરિવારોમાંના એક ગણાતા. મારી માના મૃત્યુ પછી મારા નાના બહુ એકલા થઈ ગયા. એમાંય ૧૯૧૪માં મારા પિતાએ જ્યારે ફરી લગ્ન કર્યાં ત્યારે હું તેર વર્ષની હતી. મને બોર્ડિંગ સ્કૂલ મોકલવામાં આવી. મને ભણવામાં કોઈ રસ નહોતો. જોકે બીજી બધી પ્રવૃત્તિઓમાં બહુ રસ પડતો. હું પિયાનો ખૂબ સારો વગાડતી, ચિત્રો દોરતી. મારા નાનાને લાગ્યું કે મને હૉસ્ટેલમાં રાખીને ભણાવવાને બદલે ઘરમાં રાખવાથી મારી કેળવણી સારી રીતે થઈ શકશે, એટલે એ મને એમની પાસે લઈ આવ્યા. મારા મામાનું એ જ વખતે મૃત્યુ થયું. એકલા પડી ગયેલા મારા નાના માટે હું એકમાત્ર સહારો હતી... વીસ વર્ષની ઉંમરે જ્યારે હું પહેલી વાર લૂઇસ માઉન્ટબેટનને મળી ત્યારે આખું ઈંગ્લેન્ડ જાણતું હતું કે હું બે મિલિયન પાઉન્ડ (આજના ૮૦, મિલિયન પાઉન્ડ) પ્લસ એક વૈભવી ઘરની હું એકલી વારસદાર હતી. મારા ભાવિ પતિ તરીકે લૂઇસને પસંદ કરતા પહેલાં મારા નાનાએ મને કહ્યું હતું, "હું તારી જિંદગીમાં આડે નહીં આવું, પણ મારે તને એટલું સમજાવવું જોઈએ કે તારા ભાવિ પતિનો વાર્ષિક પગાર ફક્ત ૬૧૦ પાઉન્ડ (આજના ૨૦,૦૦૦ પાઉન્ડ) છે. તું જીવી શકીશ ?

કોણ જાણે કેમ, પણ મને 'ડિકી' ગમી ગયેલો. લૂઇસને એનો આખો પરિવાર 'ડિકી' કહેતો. અમે પરણ્યાં ત્યારે લગભગ આઠ લોકોનું ટોળું આ લગ્ન જોવા ભેગું થયેલું. ક્વીન મૅરી, ક્વીન એલેકઝાન્ડ્રા, પ્રિન્સ ઑફ વેલ્સ, ભવિષ્યના કિંગ એડવર્ડ-આઠમા અને પ્રિન્સ ફિલિપ સહિત રૉયલ ફેમિલીના અને પાર્લામેન્ટના કેટલાય મહેમાનો આ લગ્નમાં આવેલા. લગ્નના થોડા જ સમયમાં ડિકી ફરીથી પોતાની નેવીની નોકરીમાં જોડાઈ ગયા ને હું ફરી પાછી ઈંગ્લેન્ડની પાર્ટીઝમાં મારી જાતને શોધવા લાગી. મને થોડા જ સમયમાં સમજાઈ ગયેલું કે મેં લગ્ન તો કર્યાં છે, પરંતુ ડિકી જેટલો હેન્ડસમ કે પૌરુષી દેખાય છે એવો છે નહીં. હું બેસિકલી બહુ રોમેન્ટિક વ્યક્તિ છું. મારે માટે પ્રેમમાં પડવાની એ થ્રિલ સતત જળવાઈ રહેવી જોઈએ... મને એ શરીર સાથે જોડાયેલાં મનનાં સંવેદનો આજે આ ઉંમરે પણ આકર્ષે છે. ત્યારે હું એકવીસની હતી અને ડિકી ત્રેવીસનો. અમારા વિચિત્ર પ્રકારના હનીમૂન પરથી અમે પાછા ફર્યાં ત્યારે હું ઈંગ્લેન્ડની છ બેસ્ટ ડ્રેસ્ડ મહિલાઓમાંની એક ગણાતી હતી. જ્યારે ડિકી મારી તરફ જોતો હતો ત્યારે એની આંખોમાં માલિકી કરતાં વધુ અહોભાવ જોઈ શક્તી હતી હું. ડિકીને સેક્સમાં બહુ રસ પણ નહોતો. એ મારાં સ્તનોને અડતો ત્યારે મને લાગતું કે એ કોઈ લેબોરેટરીની ચીજનું પરીક્ષણ કરી રહ્યો છે. એણે મારાં સ્તનોને નામ આપ્યાં હતાં - મટ ઍન્ડ જેફ - વર્લ્ડવૉર-એક દરમિયાન સોલજર્સ દ્વારા એમના કેમ્પેઇન મેડલને અપાયેલાં આ નામ એ મારાં સ્તન માટે વાપરતો ત્યારે મને ઑકવર્ડ લાગતું. ડિકી માટે સેક્સ એકદમ અનરોમેન્ટિક બાબત હતી. એ ક્યારેક હસીને કહેતો, "મને સેક્સ સાઇકોલોજી અને હાઇડ્રોલિક્સના મિશ્રણ જેવી ફીલિંગ આપે છે. એક-બે વાર મને લાગ્યું કે એને સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધારે રસ પડે છે. અમારા સંબંધો ધીમે ધીમે ઠંડા પડતા ગયા... એ હંમેશાં સેઇલ કરવાનું પસંદ કરતો અને હું બ્રાન્ડ્સ, પાર્ટીઝ અને પ્રશંસકોથી ઘેરાયેલી રહેવાનું પસંદ કરતી રહી...
મારા જેવી સ્ત્રી જે પ્રેમ ઝંખે છે એ પરસેવાથી લથબથ શારીરિક સંતોષ નથી


ક્યારેક મને આ વર્તન પર ગુસ્સો આવતો ને ક્યારેક દયા આવતી... ડિકી બીજા પુરુષોની જેમ આધિપત્ય કેમ નથી જમાવતા ? ગુસ્સો કેમ નથી કરતા ? કે ઈર્ષ્યાળું કેમ નથી એવું વિચારીને હું ક્યારેક મારી જાતને બદનસીબ માનતી.

અમારા શારીરિક સંબંધો આમ નૉર્મલ હતા... પણ એમાં ઉત્તેજના, ઉષ્મા કે ઉન્માદ નહોતો.

અમે પરણ્યાં ત્યારથી જ કદાચ આ લગ્નમાં કશુંક ખૂટતું હતું!

ડિકીને મારી સંપત્તિની જરૂર હતી કે એક પત્નીની. એ સવાલ હું મારી જાતને આખી જિંદગી પૂછતી રહી... મારી બંને દીકરીઓ પેટ્રિશિયા અને પામેલા આજે પણ અમારા સંબંધો વિશે જરા વિચિત્ર લાગણી અનુભવે છે...

૧૯૨૪માં મારી પહેલી દીકરી પેટ્રિશિયા જન્મી ત્યારે મને લાગેલું કે મારી જિંદગીમાં કોઈ બદલાવ આવશે, પણ એવું થયું નહીં ! સમય સાથે અમે એકબીજાથી વધુ ને વધુ દૂર થતા રહ્યા. અમારા સંબંધો ઠંડા અને કંટાળાજનક હતા ત્યારે હું એરિસ્ટ્રોક્રેટિક અને સોફેસ્ટિકેટેડ લૉર્ડ મોલિનેક્સને મળી. કોને ખબર, એ પછી મને શું થઈ ગયું... પણ મારા જીવનમાં પ્રેમીઓની એક વણથંભી વણજાર આવતી રહી ને જતી રહી. મોલિનેક્સ સાથેનો મારો સંબંધ બહુ લાંબો ન ચાલ્યો, કારણ કે એક અમેરિકન પોલો પ્લેયર લાડી સેનફોર્ડ તરફ હું અદમ્ય આકર્ષણ અનુભવવા લાગી. લાડી એના પોલો માટે ખૂબ પ્રવાસ કરતો... એ પ્રવાસ પર હોય ત્યારે એની ગેરહાજરીમાં મારી સાંજ દુષ્કર થઈ જતી. એવામાં હું માઇક વૉર્ડેલને મળી. લંડનના ઇવનિંગ ન્યૂઝ પેપરનો મેનેજર. એ મારો ઇન્ટરવ્યૂ કરવા આવેલો. મેં એને ચા પીવા બોલાવ્યો હતો, પરંતુ એ આખી સાંજ અમે ઇન્ટરવ્યૂ સિવાયની બીજી બધી વાતો કરી...

આ ત્રણેય જણ સાથેના સંબંધો લગભગ સમાંતર કહી શકાય એમ ચાલતા રહ્યા. મને ત્રણેય જણને એકબીજાથી દૂર રાખવાના પેંતરા આવડી ગયા હતા. આ બધું સરસ રીતે ગોઠવાયેલું હતું. દરમિયાનમાં, ડિકીનું પોસ્ટિંગ માલ્ટામાં થયું. માલ્ટામાં હું બૉબી સ્વિનીને મળી. યુવાન ગોલ્ફ ચેમ્પિયને મારું હૃદય જીતી લીધું. બૉબી બહુ ફોકસ્ડ હતો એટલે એની પ્રૅક્ટિસ દરમિયાન મને મળવાનું કે મારી સાથે વાત કરવાનું પણ ટાળતો. મને તો સતત અટેન્શન જોઈએ. એમ કોઈ વ્યક્તિ પોતાની રમત માટે મારાથી દૂર રહે તે મને ન પોસાય... હું મેક્સિકન ક્રૂઝ પર પ્રવાસ કરતી હતી ત્યારે લૅરી ગ્રૅને ભટકાઈ. અમે ક્રૂઝ પર જ એકબીજાની નજીક આવી ગયાં. ક્રૂઝ પરથી પાછી આવી ત્યારે કેલિફોર્નિયાના બે માલેતુજાર ભાઈઓ ટેડ ફિલિપ્સ અને બની ફિલિપ્સ સાથે મને મજા પડવા માંડી. આ ૧૯૩૦-૩૧નો સમય હશે. હું મારી જિંદગીના ત્રણ દાયકા વટાવીને કશુંક અર્થપૂર્ણ અને સમજદાર જીવવાનો પ્રયત્ન કરતી હતી. મને લાગ્યું કે આ બધું નકામું છે. પુરુષો મને કશું આપી શક્તા નથી, કારણ કે મારી પાસે આર્થિક સલામતી તો હતી જ, સુંદરતા અને સોફેસ્ટિકેશન હતા. હું એ સમયની બુદ્ધિશાળી અને વીટી (સારી રમૂજવૃત્તિ ધરાવતી) સ્ત્રીઓમાંની એક હતી... તો પછી પુરુષને જીતવો ક્યાં અઘરો હતો ! હું હવે આ રમતથી થાકી હતી અને ડિકી તરફ પાછી ફરવા માગતી હતી. મેં જ્યારે મારી વિખરાયેલી જાતને સમેટી અને ડિકી પાસે પાછી ફરી ત્યારે મને ખ્યાલ આવ્યો કે ચોત્રીસ વર્ષનો ડિકી - લૂઇસ માઉન્ટબેટન અઢાર વર્ષની એક ડચેસ એગ્રિલ સાથે ખૂબ નિકટના સંબંધો ધરાવતો હતો. એ એગ્રિલનો ફોટો પોતાના ટેબલ પર રાખતો... થોડો વધુ સમય જતાં મને સમજાયું કે એગ્રિલ એકલી નહોતી. બાર્બરા કાર્ટલેન્ડ નામની લેખક અને યૉલા લિટેલિયર નામની એક ફ્રેન્ચ સ્ત્રી સાથે પણ ડિકીના અંગત સંબંધો હતા. હું ઈર્ષ્યામાં સળગી ગઈ. મને લાગ્યું કે ડિકીએ મને છેતરી છે... મેં શું કર્યું એવું વિચારવાનો પણ મેં પ્રયત્ન ન કર્યો. ઊલટાના આ બધી રમતોમાં અમે એકબીજાથી વધુ ને વધુ દૂર થઈ ગયા. એ વિચિત્ર ગાળામાં હું માલ્કમ સાર્જન્ટને મળી. માલ્કમ સાર્જન્ટથી છૂટી પડી ત્યારે બ્રિટિશ ટેબ્લોઇડ્સે એક 'બ્લેક લવર' સાથેના મારા સંબંધો વિશે જાતભાતની વિગતો ઉડાડી. એક ઝવેરીની દુકાનમાંથી મેં ખરીદેલા ગોલ્ડ બ્રેસલેટ, ગોલ્ડ સિગારેટ કેસ અને હીરા જડેલા પેનિસ પર ચડાવવાના કવરનાં બિલ્સ છાપીને મારી બદનામી કરી નાખી.

આજે વિચારું છું તો સમજાય છે કે મને શરીરમાં રસ નહોતો. હું સાચે જ એવો સંબંધ શોધતી હતી, જે મને ઠરવાની તક આપે, જ્યાં પહોંચીને હું નિરાંતે પલાંઠી વાળીને બેસી શકું, જ્યાં મને કશુંક પોતીકાપણું અને સલામત લાગે ! લૂઇસે એના એક ઇન્ટરવ્યૂમાં કહેલું, "અમે અમારું આખું લગ્નજીવન બીજાઓની પથારીમાં પૂરું કર્યું... મને નથી સમજાતું કે આ બધા પછી પણ હું અને લૂઈસ છૂટા કેમ ન પડ્યા. પામેલા અને ઈન્ડિયા બંનેને હું ઉત્તમ ઉછેર આપી શકી એનો મને સંતોષ છે... ક્યારેક મને લાગતું કે હું લૂઈસને ન પરણી હોત તો મારું લગ્ન જીવન કદીયે આટલું સલામત અને શાંત ન રહી શક્યું હોત ! હું શું શોધતી હતી એ વિશે મને પોતાને જ ક્યારેક પ્રશ્ર્ન થતો... આટ આટલા પુરુષોના સંપર્ક અને સંબંધો પછી પણ હજી સુધી એવું મને કોઈ નહતું મળ્યું જ્યાં મારું હૃદય સ્થિર થઈ જાય. એ જ વખતે હું અને લૂઈસ માઉન્ટબેટન ભારતના વાઈસરોય અને વાઈસરોઈન તરીકે ભારત આવ્યા. ભારત હવે આઝાદ થવાની તૈયારીમાં હતું. બલકે શાંતિપૂર્ણ આઝાદીની કાર્યવાહી પૂરી પાડવા માટે જ લૂઈસને ભારત મોકલવામાં આવ્યા હતા. એ વખતે હું જવાહરને મળી. એનામાં કશુંક એવું હતું જે મને તરત જ બાંધી શક્યું. સ્ત્રીઓ વિશેનો એનો અભિગમ બીજાઓથી જુદો જ હતો... હું જાણું છું કે હું અત્યંત સુંદર છું, મને જોનારા દરેક પુરુષને મારો મોહ થઈ જાય એ સ્વાભાવિક છે, પણ જવાહરને મોહ નહોતો થયો. જવાહર આકર્ષાયા હશે કદાચ, પણ એ આકર્ષણમાં અધ્યાત્મિક્તા હતી. હું પહેલીવાર એવા પુરુષને મળી જેને મારામાં રહેલી બુદ્ધિ સાથે નિસ્બત હતી. મોટા ભાગની સ્ત્રીઓ શરીરમાંથી પસાર થઈને હૃદય સુધી પહોંચવાના પ્રયાસમાં ચૂંથાઈ-વિખેરાઈ જતી હોય છે. મારા જેવી સ્ત્રી જે પ્રેમ ઝંખે છે એ પરસેવાથી લથબથ શારીરિક સંતોષ નથી, અછડતા સ્પર્શમાંથી રુંવેરુંવા સુધી ફેલાઈ જતી કોઈ અકથ્ય સંવેદના છે. શરીરનો સંતોષ તો ખરેખર થોડીક ક્ષણો પૂરતો જ હોય છે. સંભોગની પહેલાં અને પછીની ક્ષણો કદાચ સંબંધનું સત્ય શોધી આપે છે. 

જવાહરના પત્રોમાં હું એ એડવિનાને શોધી શકું છું, જેને મેં આ બધી રખડપટ્ટી દરમિયાન ક્યાંક ખોઈ નાખી હતી... આ પત્રો વાંચતા મને સમજાય છે કે આ બધા ઉબડખાબડ રસ્તાઓમાંથી પસાર થઈને મારે અંતે જવાહર સુધી પહોંચવાનું જ હતું.

જવાહરને હું પહેલી વાર મળી ત્યારે કમલા આ દુનિયામાં નહોતાં. જોકે, કમલાની સુંદરતા વિશે અને એમના જવાહર સાથેના સંબંધો વિશે મેં ઘણું સાંભળ્યું હતું. મોતીલાલ નેહરુના પરિવારમાં કદાચ સ્ત્રીઓનું મૂલ્ય ખાસ નહોતું. લગ્ન કરીને આવતી પુત્રવધૂઓ એમની હવેલીની ચાર દીવાલોમાં બંધ થઈને જીવી નાખતી. કમલા શરીરે નાજુક હતી, બીમાર રહેતી અને બૅરિસ્ટર થયા પછી જવાહરને દેશભક્તિનો રંગ લાગ્યો હતો... ૧૯૪૬ના અંતના એ દિવસોમાં હું જ્યારે જવાહરને મળી ત્યારે અમે, હું અને ડિકી (લૂઇસ માઉન્ટ બેટન) પહેલી વાર ભારત નહોતા આવ્યાં. એ પહેલાં એક વાર મેં ભારત જોયું હતું... હું ભારતની પરંપરાઓથી, રંગોથી, વેજિટેરિયન ભોજનથી અને ખાસ કરીને બ્રાઉન સ્કીનના ભારતીય પુરુષોથી આકર્ષાયેલી હતી. જવાહર ઈંગ્લેન્ડ ભણીને આવેલા...એમનામાં સ્ત્રીદાક્ષણ્ય ભારોભાર હતું, પરંતુ. એમની સેન્સ ઑફ હ્યુમર મને અત્યંત આકર્ષતી. વિશ્ર્વના ઈતિહાસ વિશેની એમની સમજ અભિભૂત કરી નાખે એવી હતી, એમના રાષ્ટ્રપ્રેમથી હું અંજાઈ ગઈ હતી. 

ભારત આઝાદ થયું. અમે પાછા ફર્યા...દરમિયાનમાં ભારતીય અખબારોએ મારા અને જવાહરના સંબંધો વિશે બહુ ગ્રેઈસફુલી છતાં ઘણું વધારે કહી શકાય એવું લખ્યું. હિંદુસ્તાનના ભાગલા પડ્યા ત્યારે મને પહેલીવાર પીડા અને તકલીફ જેવા શબ્દોના અર્થ સમજાયા. જવાહરની સાથે મળીને મેં રેયુજી કેમ્પસમાં કામ કરવાનું શરૂ કર્યું. એક મુસ્લિમ રેયુજી કેમ્પમાં જ્યારે શીખોએ આવીને સ્ત્રીઓ પર અત્યાચાર કરવાનું અને કેમ્પને બાળવાનો પ્રયાસ કર્યો ત્યારે હું એ ટોળાંની સામે ઊભી રહી ગયેલી. એ પછી જ્યારે રાત્રે જવાહર કેમ્પ પર આવ્યા ત્યારે એમણે મારા ખભે હાથ મૂકીને આંખમાં ઝળઝળીયા સાથે કહેલું, 'તને કંઈ થઈ જાત તો આ આઝાદી મને બહુ મોંઘી પડી હોત !' હું આખીએ રાત એ સ્પર્શ અને આંખમાં આવી ગયેલા એ ઝળઝળીયાનો વિચાર કરીને મારા ભાગ્ય પર ગૌરવ અનુભવતી રહી...

એ પછી જવાહર પ્રાઈમ મિનિસ્ટર બન્યા ત્યારે પણ હું અને પામેલા પ્રાઈમ મિનિસ્ટર હાઉસના મહેમાન તરીકે અનેકવાર ભારત આવ્યા. શરૂઆતમાં પામેલા 'જવાહર મામુ' કહેતી હતી, પરંતુ સમય સાથે એ એમને 'જવાહર અંકલ' કહેતી થઈ ગઈ. ઈંદુ સાથેની એની મૈત્રી આજે પણ અકબંધ છે. અમે ત્યારે પણ મિત્રો હતા અને આ ક્ષણે પણ મિત્રો છીએ. 

જવાહરના પત્રો અત્યારે પણ મારા પડખામાં હૂંફ આપતા વિખરાયેલા છે...એક પછી એક પત્ર વાંચુ છું ને જાણે એજ સમયમાં પાછી પહોંચી જાઉ છું. હું જાણું છું કે જવાહર અને હું એક છત નીચે ક્યારેય નહીં રહી શકીએ, એવો કોઈ ઈરાદો કે ઝંખના પણ નથી. 

પ્રેમ દરેક વખતે બે શરીરો વચ્ચે ન હોય એમ પણ બને ! 

બે વ્યક્તિ અથવા બે વિચાર વચ્ચે પણ એક એવો સંબંધ હોઈ શકે જે આ પત્રોમાં હજી પણ સુગંધ બનીને રેલાઈ રહ્યો છે.

ફૂટ નોટ: પામેલા (માઉન્ટબેટન) હિક્સે એક પુસ્તક લખ્યું જેમાં એણે નહેરુ અને એડવિના વચ્ચેના સંબંધોને અધ્યાત્મિક અથવા આત્મીય ગણાવ્યા છે. એણે એવું લખ્યું છે કે, 'મારી મા અને નેહરુ વચ્ચે શારીરિક સંબંધો નહોતા.'

મૃત્યુ પામ્યા પછી નહેરુના આ બધા જ પત્રો એડવિનાએ લોડ માઉન્ટબેટનને મળે એવું વીલ કર્યું હતું. લોડ માઉન્ટબેટને એવો આગ્રહ રાખ્યો હતો કે આ પત્રો પહેલા પામેલા વાંચે ! પામેલાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે, 'એ પત્રો મેં વાંચ્યા છે અને મારા પિતાને એ પત્રો આપતી વખતે મને સંતોષ હતો કે એમાં એવું કશું જ નહોતું જેનાથી મારા પિતાની લાગણી દુભાય'. 

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment