Sunday, 3 April 2016

[amdavadis4ever] લો હવા બદલ ગઇ હૈ , ચલ હવા આને દે...

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ટાઇટલ્સ: 

ભારતમાં લેખકો અને કલાકારો માટે સરકારી ચમચાગીરી ફરજિયાત કરવામાં આવે એ લોકો વધુ આસાની અને કુશળતાથી એ કામ કરી શકે (છેલવાણી)


સમ્રાટ સિકંદર જગત જીતીને પોતાનાં વિજયી અશ્ર્વ પર ફરતાં ફરતાં એક ખેતર પાસે આવી પહોંચ્યો જયાં એક ફકીર બેઠો હતો. એણે ફકીર સામે માથું નમાવીને કહ્યું, "હું વિશ્ર્વવિજેતા સિકંદર છું! હુકમ કરો! શું સેવા કરું તમારી? ફકીરે ઉપર જોયા વિના બેફિકરાઇથી કહ્યું, "પહેલાં તો હટી જા... અને મારાં પર તડકો આવવા દે! જગતસમ્રાટને પેલાં ફકીરે ટૂંકમાં એક જ વાત કરી: "ચલ હટ, હવા આને દે! આ "હવા આને દે વાક્ય એ મુંબૈયા ટપોરીની ભાષાનો અદ્ભુત મંત્ર છે. આ "હવા આને દે એટલે કોઇને અવગણવા, સીધો કરવા, ચાલતો કરવા, બેપરવા રીતે બોલાતો ડેડલી ડાયલોગ છે. સત્તાધીશો, પાવરફૂલ માણસો, સ્થાપિત હિતો, પૈસાવાળાંઓ અને મોટા માથાઓને ખાલી ત્રણ શબ્દોમાં હૂલ આપવાની આ બિન્દાસ શૈલી છે. ચલ હવા આને દે એટલે કે હટ પાવરફૂલ, મને તારી પરવા નથી, તારાથી થાઇ તે કરી લે પણ હું તારી સામે નહીં ઝૂકું! આજકાલ કોલેજોમાં હવા બદલાઇ છે અને સરકાર અને સિસ્ટમ સામે જે આંદોલન થઇ રહ્યાં છે એની પાછળ વિદ્રોહી મનનો એટિટયૂડ છે કે ચલ, હવા આને દે...

આ "હવા આને દેમાં એક અદ્ભુત મર્દાના એટિટ્યૂડ છે. પણ આમ કહી શકવાં સર પર કફન બાંધવાની સોલીડ તૈયારી જોઇએ. મહાભારતમાં દાનવીર કર્ણે પોતાના કવચકુંડળ ચૂપચાપ આપી દીધાં ત્યારે એણે પોતાના મૃત્યુને આમંત્રણ આપ્યું હતું અને એણે એકચ્યુઅલી તો સાક્ષાત મૃત્યુને કહી દીધેલું કે: ચલ હવા આને દે. રવીન્દ્રનાથ ટાગોરે જલીયાંવાલા બાગ હત્યાકાંડ પછી અંગ્રેજ સરકારને "સરનો ઇલ્કાબ પાછો આપ્યો ત્યારે એક કવિની ખુદ્દારી એમાં પોકારી રહી હતી કે: "હે વિકટોરીયા રાણી, નથી જોઇતો તારો ઇલ્કાબ, ચલ... હવા આને દે! આપણાં ભક્તકવિ નરસિંહ મહેતાએ સદીઓ પહેલાં હરિજનોની બસ્તીમાં જઇને બિન્દાસ હરિકીર્તન કરેલું અને એમને ન્યાતમાંથી બહાર કરવામાં આવેલા ત્યારે નરસિંહએ ગાયેલું "એવા રે અમે એવા રે... તમે કહો છો... તેવા રે આ કાવ્યમાં પણ પડઘાય છે: હવા આને દે!

"હવા આને દે એ વિદ્રોહનો મહામંત્ર છે. દુનિયાદારીનાં દાવપેચ સમજીને જીવનારાં શાણાંઓ સામે નિ:શસ્ત્રનો કાંકરીચાળો છે. પાવરફૂલ નેતાઓ કે લોકોની કુરનીશ બજાવી, એમનાં દરબારમાં મુજરો કરનારાઓને એ વાત ક્યારેય નહીં સમજાય કે બળવો હંમેશાં એક સામાન્ય માણસનાં પાતળાં અવાજથી શરૂ થાય છે. ક્રાંતિકારી કોમ્યુનિસ્ટ નેતા, ફીડલ ક્રાસ્ટો ખુલ્લેઆમ કહે છે, "લોકો ભલે મને અત્યારે વગોવે પણ ઇતિહાસ મને માફ કરશે! મહાસત્તા અમેરિકા સામે બળવો પોકારવાનો આ જબરદસ્ત તરીકો છે. પણ આપણે ત્યાં આજે હવા આને દે કહેનારાંઓની રાતોરાત કમી સર્જાઇ છે. જીગરવાળાં ઝુઝારૂઓની જોબવેકેન્સી સર્જાઇ છે કારણકે આજે ઠેરઠેર સત્તાવાળાંઓને ધ્યાનમાં રાખીને લખનારાં બોલનારાં મીડિયોકરો મીડિયામાં છવાયેલાં છે. એ સૌ જાણૈ છે કે મુઠ્ઠીભર માલેતુજારો માટે સર્જાયેલ વિકાસપંથની વાહ-વાહ કરવામાં માલ છે, સાવ છેવાડાનાં લોકોની "આહમાં "આહ મેળવવી ખૂબ અઘરી વાત છે.

આપણાં કવિ નર્મદે એક જમાનામાં સુરતમાં ધર્માચાર્યો સામે બગાવત કરેલી, વિધવા વિવાહ માટે મુહિમ ચલાવેલી અને એ માટે નર્મદ પર જાનલેવા હુમલાઓ પણ થયેલાં... પણ એ ઝુક્યો નહીં અને આખરે નર્મદને એ લીધે પેલી ગંદી પ્રથા નાબૂદ થઇ! નર્મદે એ સમયના બાવા-બાપુ-સંત-મહંત-સાધુઓ સામે સ્ટેજ પર બેસીને ગરદન નહોતી ઝુકાવી બલકે આંખ ઉઠાવીને કહેલું- "હવા આને દે! નર્મદ અને નામર્દમાં પ્રાસથીયે વિશેષ એક મોટો ફર્ક છે.

સદીનાં સૌથી લોકપ્રિય કલાકાર ચાર્લી ચેપ્લીનને અમેરિકાએ સામ્યવાદ તરફી કહીને જેલમાં નાખવાનો પ્રયત્ન કરેલો. ત્યારે ચાર્લીએ પોતાની કારર્કિદી ઠુકરાવી, દેશ છોડયો પણ પોતાની ડાબેરી વિચારસરણી નહીં! અંતસુધી એણે સ્વિટ્ઝરલેંડમાં જીવન ગાળ્યું પણ મૂડીવાદી સામંતવાદી ક્રૂર અમેરિકામાં એ કદીય પાછો ન ફર્યો માત્ર જીવનના અંતે ઓસ્કાર એવૉર્ડ લેવા પગ મૂક્યો! ચાર્લીએ દેશવટો ભોગવીને અમેરિકન સરકારને કહી દીધેલું કે "ચલ, હવા આને દે!

આપણાં સદાબહાર કવિ પેણીભાઇ પુરોહિત એક કવિતામાં લખે છે: "આપણામાંથી કો'ક તો જાગે! આ "કો'ક તો જાગે-ત્રણ શબ્દોમાં નિંભર સમાજનાં લોકોને જગાડવાની એલાર્મબેલ છે. એમાં અનેક સવાલોને છંછડેતો સાપનો રાફડો છે. મણિશંકર ભટ્ટ ઉર્ફ કવિ કાંતે લગભગ સો-સવાસો વર્ષ પહેલાં, સનાતની બ્રાહ્મણ હોવા છતાં ખુલ્લંખુલ્લાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરેલો અને સમાજ સામે કહી બતાવેલું-"હવા આને દે!

આ હવા આને દે એ મરદનો મુદ્રાલેખ છે. લાખો કરોડો લોકોની ભીડ જે માને છે કે જે સત્યથી અજાણ છે કે જે અન્યાયની સામે લાચારીથી ચૂપ છે એની સામે એલાન છે!

ઇન્ટરવલ:

આજ હમ જૈસે જિગરવાલે કહાં?

ઝખ્મ ખાયેં હૈં, તબ હુએ હૈં જવાં.(મજરૂહ)

આજકાલ ફેસબૂક, ટ્વિટર કે લેખોમાં રાતોરાત કલમનવીશોની ફૌજ તૈનાત થઇ ગઇ સરકાર માઇબાપની સલામી કરવા! વાત સમજ્યાં વિનાં વધામણાંના જોડકણાઓ અને સ્તુતિવચનો વરસવા માંડે છે. સ્વસ્થ સમાજમાં આ સરકારીસલામી, સુનામીથી પણ વધુ ખતરનાક હોય છે. દરેક દૌરમાં દહાડિયા મજૂરોની જેમ સત્તાવાળાની સામે સજદાંમાં પડવા લોકો તો તૈયાર હોય જ છે. વિકાસનાં આંકડાં, ઇન્વેસ્ટમેંટના સમીકરણો અને ગોખેલાં સ્લોગનો બોલીને સિંહાસન સામે સમરસોલ્ટ મારનારાંઓનાં લોહીમાં કયું "સોલ્ટ હશે પૂછવાનું મન થાય છે! "સોલ્ટ એટલે કે નમક અને નમકથી યાદ આવે છે કે અંગ્રેજ સલ્તનત સામે નમકનું આંદોલન છેડનાર પણ મોહનદાસ કરમચંદ ગાંધી નામનો સુકલકડી ગુજરાતી મરદ હતો જેણે એકવાર દ.આફ્રિકામાં ટ્રેનમાંથી ન ઉતરવાની જીદ શું પકડી કે બસ પછી તો એણે આખો ઇતિહાસ બદલી નાખ્યો. એ જાબાંઝ જીદનું નામ હતું: "હવા આને દે!

સંત કબીરે હિંદુ-મુસ્લિમ ધર્માચાર્યો સામે ખુલ્લેઆમ એક ઇશ્ર્વરઅલ્લાની વાત કરી હતી અને એ પણ માત્ર ચાદર વણતાં વણતાં કારણકે સત્તા સામે ગરદન ઝુકાવી શાલ પહેરવાની એને પડી નહોતી. શાલ અને ચાદરમાં એજ તફાવત છે. ચાદર અંગ ઢાંકે છે પણ શાલ હૂંફ આપે છે. શાલ આરામ આપે છે, ચાદર માત્ર શરીર સાચવે છે. શાલ, ઐયાશી છે. ચાદર એક જરૂરિયાત છે. શાલમાં જીવવાની લાચારી છે, ચાદરમાં મરવાની તૈયારી છે અને એ તૈયારી એટલે "ચલ હવા આને દે!

મહાનાયક જયપ્રકાશ નારાયણે ૭૭-૭૮માં ઇમરજન્સી પછી અવાજ ઊઠાવ્યો અને હિંદની જનતાએ ત્યારની સરમુખત્યાર સરકારને એકીઅવાજે ફૂંક મારીને કહ્યું કે "હવા આને દે અને સરકાર પત્તાનાં મહેલની જેમ પડી ગઈ!ચીકણાં ચીકણાં શબ્દો બોલીને, લખીને પ્રજાનાં ટેસ્ટ પર છવાઇ ગયેલાં લેખકો કે બૌદ્ધિકોની રીઢની હડ્ડીમાં દમ નથી કે હાંશિયાંની પેલે પાર ધકેલાઇ ગયેલા માટે એકવાર પણ સત્તા સામે આંખ કાઢીને કહી શકે કે "ચલ, હવા આને દે!

એક જમાનામાં કરપ્ટ ઇન્કમટેકસ ડિપાર્ટમેંટ સામે "પીછે પડ ગયા ઇન્કમટેકસ જેવું પેરોડી ગીત ગાનારાં કિશોરકુમારમાં સૂરીલી મર્દાનગી હતી. ઇમરજંસી દરમિયાન કિશોર કુમારને ઇંદિરાપુત્ર અને આપખુદ સંજય ગાંધીએ કૉંગ્રેસનાં ચૂંટણી પ્રચાર માટે બોલાવેલાં. કિશોરકુમારે એ ઓફર ઠુકરાવી દીધી અને પછી સરકારી ફરમાનથી ત્રણ વરસ સુધી એમનું એકપણ ગીતને ઓલ ઇંડિયા રેડિયો પર વગાડવામાં નહોતું આવ્યું પણ શરદિલ કિશોરકુમારમાં "હવા આને દે! કહીને એ બહિષ્કાર ઝેલવાની તૈયારી હતી! અરે આજથી ૫૦૦-૬૦૦ વર્ષ પહેલાં ખુલ્લાપગે રાજઘરાણાંને ઠુકરાવીને ગિરીધરગોપાલની ખોજમાં નીકળી પડનાર મીરાંબાઇની રિબેલિયસ યાત્રામાં "હવા આને દે! વાળી સાચી મર્દાનગી ગુંજે છે.

ખૈર, કાશ, કદાચ આપણે ત્યાંયે એકદિવસ ફરી એવી હવા લહેરાશે જેમાં ઉન્નત મસ્તિષ્ક સાથે લોકો સરમુખત્યારો સામે કે કરપ્ટ સત્તાધિશો સામે કે સેન્સેકસ પૂજારીઓ સામે કોરસમાં કહી ઊઠશે કે "ચલ, હવા આને દે! બસ એવી હવા જલ્દીથી બદલે અને એક ખુદ્દાર સમાજ જન્મે એવી ઝાંખી ધૂંધળી આશા સાથે આજે કહેવાનું મન થાય છે કે: વો હવા કભી તો આયેગી!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment