Saturday 30 April 2016

[amdavadis4ever] રામ લક્ષ્મ ણની જોડીની ઈશ્ર્વરને આવી ઈર્ષા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કાઠિયાવાડના પંચાળ પ્રદેશમાં ચોટીલાના થડમાં આવેલું અને પાઘડી પને પથરાયેલું કાઠિયાવાડના છોગા જેવું નાનકડું રૂપકડું ગામ એટલે આણંદપુર. આ ગામે અનેક ચડતી પડતીઓ જોઈ છે, ગામમાં સોલંકી રાજવી સિદ્ધરાજે બંધાવેલ કિલ્લો અને નવલખા મંદિર છે તેણે અનેક રંગપલટાઓ જોયા છે. એક દિવસ વાણિયાઓની ઠસોઠસ દુકાનોવાળું ગામ આઝાદીબાદ પડતીના પંથે જઈ ચડ્યું છે.

આઝાદી પહેલા આણંદપુરમાં ૨૪ ગામોમાં સતા ધરાવતી ચાર ડેલીઓ હતી એટલે કે ગામનો અખત્યાર ધરાવતા ચાર દરબાર. આણંદપુર અને ચોટીલા બંને એક જ બાપના પેટના ગણાય છે. 'ચોટીલા' આણંદપુરના વિખ્યાત અને શૂરવીર મૂળું ખાચરનો અહીં મઢ છે. આણંદપુરની ચોથી ડેલીના તાલુકદાર એટલે દરબારશ્રી જેઠસુર માણસુર ખાચર.

જેમનો જન્મ સજુબાઇની કુખેથી માણસુર ખાચરના ઘેર તા.૯-૯-૧૮૬૯નાં રોજ બળવાન નક્ષત્ર અને ગ્રહમાં થયો હતો, આથી તેમના વૈભવ અને ઈજ્જત-આબરૂ-માન-પ્રતિષ્ઠામાં રાત દિવસ ઝડપી વધારો થવા લાગ્યો છે. 

જેના બાળપણનું વર્ણન કરો તો હસમુખો ચહેરો, મૃગ જેવા લોચન, ઢાલ જેવી પહોળી છાતી, સિંહ જેવી કટીમેખલા, પ્રભાવશાળી ભરેલી મુખમુદ્રા અને બુદ્ધિ ચપળતાના સદ્ગુણો તેમનામાં દરેકને અનાયાસે જ દેખાતા હતા.

જેમને શાળામાં દાખલ કર્યા તો ત્યાં પોતાની આવડત ને મગજને ચિતની સ્વચ્છતા ચંચળતાનો પરિચય કરાવી તે હંમેશા પ્રથમ નંબરે જ આવતા હતા. આવા કુશાગ્ર અને હોંશિયાર હોવાથી તેમના પિતાશ્રીએ તેમને વઢવાણની તાલુકદારી ગરાસિયા કૉલેજમાં દાખલ કરી દીધા, પણ ત્યાં પણ તેમણે પોતાની ઉચ્ચ રહેણીકરણી અને ખંત ભર્યા અભ્યાસથી કૉલેજના સાહેબોનું અઢળક માનપાન મેળવ્યું હતું.

અભ્યાસ કરી લીધા પછી જેઠસુર ખાચરે પોતાના સીમાડાની તકરાર અને મારામારી-ખૂન જેવા કારણોસર સરકારે તેમનો વિસ્તાર પડાવી લીધેલ તે વિસ્તાર તા.૩-૫- ૧૮૯૦થી પાછો મેળવી લીધો ત્યારે આજુબાજુના દરબારો કહેવા માંડ્યા કે દીકરા હો તો જેઠસુર ખાચર જેવા.

જેઠસુર ખાચરે ભણી ગણી રાજ્યનો પાંચમાં ક્લાસનો અખત્યાર સંભાળ્યો, કેટલાક સુધારા કર્યા અને કામદાર તરીકે સોરઠિયા વાણિયા ત્રિભુવન કેશવજીને અને ફોજદાર તરીકે ઓધવજી હીરજી ભટ્ટને નીમી દીધા. રાજ્યના અનેક કામો પોતે જાતે જ સંભાળતા, ગાદીએ આવી રાજ્યને સધ્ધર બનાવવા, જમીનોમાં ખાતર વવરાવ્યા, નબળા ખેડૂતોને મદદ કરી, કરવેરાનું પ્રમાણ ઘટાડ્યું, સારા ખેડૂતોને વિશ્ર્વાસ અપાવ્યો ને ખેડૂતોની કદર કરવાનું ચાલુ કર્યું. આવા સુધારાથી રાજ્યના ખેડૂતો રાત દિવસ રળવા માંડ્યાને તેથી રાજ્યની આવક રૂ. ૬૦૦૦માંથી વધીને રૂ.૧૦,૦૦૦ની થઇ ગઈ.

જેઠસુર ખાચર દિલના દિલાવર અને અતિથિ સત્કારમાં અજોડ હતા, તેમનો પોશાક કાયમ સાદો રહેતો જેવો કે પાયજામો, બંડી માથે આંટીયાળી પાઘડીને બીરજીસ પર ભેટ બાંધતા અને ભેટ ઉપર સોનેરી મૂઠની તલવાર કેડે લટકાવતા ને ભેટમાં શોભતી કટાર ને હાથમાં છડી રાખતા હતા. કદી બહાર નીકળે તો પાંચ માણસ સાથે લીધા વગર એકલા દોઢીએ કે કચેરી બહાર નીકળતા નહિ.

જેઠસુર ખાચરને કાળુ ખાચરના નામે એક નાના ભાઈ હતા જે રામ લક્ષ્મણની જોડી જેવા હતા. નાનાભાઈને મોટી અણીયાળી પરણાવ્યા ને બંનેના રસોડા અલગ થયા, પણ છતાં બંને વારાફરતી એકબીજાના રસોડેથી થાળ મગાવીને સાથે જ જમે.

ગામમાં હોય ત્યારે એકબીજા વિના કદી એકલા જમે નહિ આવો તો ભાતૃપ્રેમ. 

આવી રામ લખમણની જોડીને જાણે કે ઈશ્ર્વરને ઈર્ષા આવી ને એકબીજાના 

મનમાં અમૃતબીજની જગ્યાએ વિષ વૃક્ષ રોપાયું.

એવામાં બ્રિટિશ સરકારે ટીલાયત ધારો કર્યોને જસદણ જેવા રાજ્યે તે સ્વીકાર્યો હતો, હવે આણંદપુરમાં પણ આ બંને ભાઈઓના ગરાસમાં સરખાભાગની વહેંચણનો પ્રશ્ર્ન આવીને ઊભો રહ્યો. આ બાબતમાંથી બંને ભાઈઓ વચ્ચે બોલ્યા વહેવાર પણ બંધ થયો.

હવે કાળુ ખાચર તો તાલુકો વહેંચવા અક્કડ રહ્યા, જેઠસુર ખાચર કહે છે કે ભાઈ તાલુકાની સ્થિતિ સુધરવા દયો યોગ્ય સમય આવ્યે આપણે ગરાસ વહેંચી લેશું ને તમે એમ ન માનો કે હું તમારો ભાગ પચાવી પાડી મોટું રાજ કરવા માગું છું, મારી ભાવના તો તમને મારાથી સવાયા કરવાની છે, પણ કાળુ ખાચર કોઈ રીતે સમજતા નથી ને એકના બે થતા નથી.

કાળુ ખાચરને પછી તો નાની નાની અમસ્તી વાતોમાં પણ ખોટું લાગે છે, એમાં એક દિવસ કાળુ ખાચરે જેઠસુર ખાચરની ડેલીએ બેઠેલા માણસોને માર માર્યો, આ દુ:ખમાં જેઠસુર ખાચર બે ત્રણ દિવસ જમ્યા નહીં ને તા.૩૦-૫-૧૯૦૫ના રોજ જેઠસુર ખાચર બહાર ઘોડાગાડીમાં ફરવા નીકળ્યા ને તેમણે પાદરની વાડીમાં કાળુ ખાચરનો ચાલતો કોશ બંધ કરાવ્યો હતો તે પાછો ચાલુ દેખતા ફરી પાછો બંધ કરાવ્યો ને ત્યાં કાળુ ખાચર આવી જતા જેઠસુર ખાચર ડરી ગયા કે ક્યાંક મને મારશે તો મારી ઈજ્જત જશે ને ભાગવા જતા હતા ત્યાં કાળુ ખાચરે પડકાર્યા કે શું નામર્દ થઈને ભાગો છો, આવું સાંભળતાને ત્રણ દિવસનો ક્રોધ અને ક્ષુધાતુર પેટે જેઠસુર ખાચરે બેબાકળા બની ગયા ને સામે સગો ભાઈ છે કે દુશ્મન એ ભૂલીને કાળા મોઢાવાળી જોટા વાળી બંદૂકનો અવાજ કરી દીધો, એક બે ને ત્રણ અવાજો કર્યા ને ગોળીઓ ધ્રોપટ ઊતરી ગઈ પેલા ઘા પછી તો કાળુ ખાચર સામે દોડતા આવ્યા કે અરે અરે ભાઈ આ શું કરો છો ? 

આ બધું જોતા સાંભળતા જેઠસુર ખાચરનો સાચો માંહ્યલો જાગ્યોને તે બોલ્યા કે મેં કાઠી કુળને ભોઠું પાડ્યું છે હું સૂર્યનારાયણના દર્શન જોગ રહ્યો નહિ હવે દરબારી ડાયરાને શું મો બતાવીશ ને વધુમાં બોલ્યા અરે કાળુભાઈ તમારા જીવની સદ્ગતિ કરજો હું તમારી વાંહોવાહ આવું છું એમ કહીને તરત જ ઘોડાગાડીએ પગ ટેકવીને કાળા મોઢાવાળીને પોતાની છાતી સામે વાળીને ભડાકો કરી દીધો ને ગોળીએ એક જ દિવસે એક સાથે બે ભાઈઓને પ્રભુને પ્યારા કરી દીધા.

આ વાતની ખબર સમગ્ર પંચાળમાં વાયુવેગે પડી ગઈ ત્યારે વઢવાણની તાલુકદારી ગરાસિયા કૉલેજનો ગોરો પ્રિન્સિપાલ એ. એસ. સ્ટ્રીપ પણ આણંદપુર આવ્યો ને માથેથી ટોપો ઉતારી જમીન ઉપર પછાડી બોલ્યો કે જેઠસુર ખાચર તમારે મરવું નોતું તમે બે ખૂન કર્યા હોત તો પણ હું તમને બચાવી લેત.

આજે પણ આણંદપુરના પાદરમાં રસ્તાને બંને કાંઠે આ બેય ભાઈઓના સ્મરણમાં બંધાયેલા મંદિરો ઊભા છે તે ક્ષણિક ક્રોધ તરફ લાલબત્તી ધરે છે અને આ રામ લખમણની જોડીની વાત મૂંગામોઢે જાળવી રહ્યા છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment