Saturday 30 April 2016

[amdavadis4ever] મીઠી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વોલ-ક્લોકમાં 'ટીક્-ટીક્' અવાજ સિવાય ખંડમાં શાંતિ છે. લાલ ટામેટા જેવાં શેઠાણી બેઠાં છે. 'બાર' વાગ્યા નથી, 'આઠ' જ વાગ્યા છે!

મીઠી બરફના ટુકડાની જેમ ઓગળી રહી છે... શેઠાણી સામે જોવાની હિંમત મીઠીમાં નથી!

શેઠાણી સ્વસ્થપણે બેઠાં છે, પરંતુ મીઠીને પસીનો વળી રહ્યો છે-ટ્યુબલાઈટના સફેદ અજવાળામાં.

મીઠી ધારણા બાંધી રહી છે: શેઠાણી બરાબર વિચાર કરીને જે બોલશે, એનો એક પણ જવાબ હાજર નહીં હોય! શેઠાણીની બંને હથેળીઓ એકમેક સાથે ઘસાઈ જશે, ધારદાર આંખોના ખૂણા રાતા બની જશે, કપાળમાં બે'ક કરચલીઓ પડી જશે, પણ શેઠાણી તો...

આશ્ર્ચર્ય! અત્યારે શેઠાણી શાંતિથી બેઠાં છે! એક ચટપટી છે મીઠીના મનમાં! આખા શરીરે ભભૂતિ લગાવે તો પણ ગંજેરી છૂપો ના રહે! નક્કી, શેઠાણીને વાતની ગંધ આવી ગઈ છે.

અને આ 'વાત'ની કલ્પના માત્રથી જ મીઠીનું હૈયું વૉલ-કલૉકના 'ટીક્-ટીક્' અવાજ સાથે ધબકારા કરતું જાય છે!...

હવે તો... હવે તો... શેઠાણી બીજી ખાસ અંગત નોકર-બાઈ શોધી લાવશે. એ બાઈ થોડા દિવસો સુધી એની જોડમાં બધુ કામ કરશે. પછી શેઠાણી એને રજા આપશે. બંગલાની આ રીત છે! 

રીત!...

* * *

પોતે નવી સવી આવેલી, ત્યારે ભની આ બંગલાની ખાસ નોકર-બાઈ હતી. થોડા દિવસ મીઠીએ ભની સાથે કામ કર્યું હતું. અરે! ખુદ શેઠાણી સાથે રહીને એને બધાં કામની સમજણ આપતાં હતાં. થોડા દિવસો પછી ભનીને રજા આપવામાં આવી હતી-શેઠસાહેબ દ્વારા. જતી વેળાએ ભની ઉદાસ હતી. એ ક્યાં જાય? એ એકલી હતી-પાછી જુવાન હતી. એનું કોઈ ન હતું. એનું કોઈ ન હતું.

'ભની ભલે રહે, શેઠસાહેબ! અમને બેઉને કામમાં મજા પડશે.' મીઠીએ શેઠસાહેબને વિનંતી કરી હતી.

શેઠસાહેબે આંખ કાઢીને મીઠીને સંકેતમાં સમજાવી દીધી હતી. મીઠી શેઠસાહેબના ચહેરાને તાકતી રહી ગઈ હતી! ભનીએ છેલ્લે-છેલ્લે મીઠીને કહેલું: 'મીઠી! મેં બરાબર કામ ના બજાવ્યું એટલે મને રજા મળી. મોટાભાગના બંગલાઓમાં શેઠાણીઓનું ચાલતું હોય છે. આ બંગલામાં ખરેખર શેઠનું ચાલે છે. તું પણ જો સરસ રીતે કામ નહીં બજાવે તો...' 

ત્યારે મીઠી મોં વકાસીને રહી ગઈ હતી. 

એ દિવસથી જ મીઠી વધુ કામઢી બની ગઈ હતી. મીઠીએ મનમાં ગાંઠ વાળી હતી. સૌ પ્રથમ શેઠસાહેબની આજ્ઞા માથે ચઢાવવી. શેઠાણી તો બિચારી ભલી અને ભોળી દેખાતી હતી. મીઠીને નવાઈ લાગતી બંગલાની શેઠાણીઓ ભારે પાકી હોય છે, જ્યારે આ શેઠાણી ભોળીભટાક લાગતી હતી. ક્યારેક મીઠીને એમ પણ લાગતું કે ભોળીભટાક જણાતી શેઠાણીઓ અંદરથી પાકી હોય છે. આ શેઠાણીનું પણ એમ જ હશે?-કામ કરતાં કરતાં, મીઠી પોતાની શેઠાણી વિશે વિચારો કર્યા રાખતી, પરંતુ એને જવાબ મળતો નહીં. એક નિર્ણયની ગાંઠ મીઠીએ બરાબર વાળી હતી. 'શેઠની સેવા બરાબર બજાવવી. શેઠ સા'બ ભલા છે!'

...એક માસ પૂરો થયો, ત્યારે મીઠીના આશ્ર્ચર્યની અવધિ ન રહી! શેઠાણીએ ધાર્યા કરતાં પણ વધારે પગાર આપીને એને ખુશ કરી હતી અને મીઠીને શેઠસાહેબનું વિશેષ ધ્યાન રાખવાની મીઠી ટકોર પણ કરી હતી. જેમ જેમ દિવસો સરતા ગયા, તેમ તેમ મીઠી આ બંગલાથી પરિચિત બનતી ગઈ. એને મજા તો આવી ગઈ હતી. ઝૂંપડપટ્ટીમાં રહીને ઉછરેલી મીઠી સમજણી થઈ ત્યારે એટલી ખબર હતી કે એ એના બાપનું ફરજંદ ન હતી. જુવાન થઈ ત્યારે ખબર પડી કે કોઈ ઉજળિયાત બાઈનું એ 'પાપ' હતી! એક દિવસ મીઠીને એ ઝૂંપડપટ્ટીની માયા ના રહી. એક સારે ચોઘડિયે એ એક શેઠસાહેબની મોટરની હડફેટમાં આવતી આવતી બચી. એ શેઠસાહેબે એને બંગલે બોલાવી અને મીઠી ખુશ થઈ ગઈ! મીઠીને નિરાંત વળી કે ઉડતા પંખીને વિસામો મળ્યો! એના દેહની ડાળીએે યુવાનીની વસંત બેસી રહી હતી. પંદરમું વરસ ઊતરીને સોળમું બેઠું હતું. મનમાં મીઠી હલચલ થયા રાખતી! મીઠી જોતી કે ઝૂંપડપટ્ટીના તો શું, શહેરના ઘણા બધા છોકરાઓ એને ટીકી-ટીકીને જોઈ રહેતા! મીઠીએ ગાંઠ વાળી હતી કે માલદાર છોકરો શોધવો... ત્યાં ઝૂંપડું છોડવાનું સદ્ભાગ્ય આવી ગયું. એક બંગલામાં મીઠીને 'નોકરબાઈ' તરીકે કામ મળી ગયું. ચોવીસે કલાક બંગલામાં રહેવાનું, સારું સારું ખાવાનું, શેઠાણીની ઊતરેલી સાડીઓ પહેરવાની, એક અલગ ઓરડીમાં રહેવાનું. નહાવા ધોવાની મજા. કામ ના હોય ત્યારે ઊંઘવાની મજા. મીઠીને આ બંગલાની દુનિયા નવી નવી લાગવા માંડી હતી! મીઠી એના પાલકબાપને ભૂલી ગઈ! બંગલામાં કામ કરતાં-કરતાં, મીઠીએ નવો નિશ્ર્ચય કર્યો: 'ઝૂંપડા કરતાં માલદાર બંગલાની ઓથ સારી! એક નહીં, તો બીજો બંગલો! કામનાં ઠેકાણાં બદલાવવાં. ગમે ત્યાં કામ કરવું છે ને! સુખની ઓથ તો ખરી! ટાઢો છાંયડો ભલો...!!'

* * *

આજે, છ માસની નોકરી દરમિયાન, આ બંગલો છોડવાની નોબત વાગી રહી છે. મીઠી આજે પહેલી જ વખત બરફના ટુકડાની જેમ ઓગળી રહી છે...! 

સામે જ નીલૉ-પીલૉ ગાદી જેવાં પણ સુડોળ કાયા ધરાવતાં શેઠાણી બેઠાં છે. મીઠી શેઠાણીના ચહેરા પર નજર માંડે છે... શેઠાણીના કપાળમાં એક કરચલી પડે છે. મીઠી થથરી જાય છે-છઠ્ઠા માસના પગાર બાદ આજે હવે 'રજા' ઉપરાંત 'નીચ'નો સરપાવ મળવાનો છે! કરોળિયાના જાળામાં અટવાયેલી માખીની જેમ મીઠીનું મન વિચારોનાં તાણાંવાણાંમાં અટવાઈ રહ્યું છે: 'બળી નોકરી! વગર પગારે અહીંથી છૂટીએ તોય ગંગા નાહ્યાં! બીજો બંગલો શોધશું. બીજું શું થાય? આ બંગલાનું કામ કરતાં કરતાં, હરખના ઓડકાર આવતા રહ્યા. શું ભોગ લાગ્યા કે રહી-રહીને કડવો ઓડકાર ખાવા ભગવાને આ દા'ડો દેખાડ્યો! 

મીઠીની જીભ તાળવે ચોંટે છે... 

મીઠીની ભયભીત નજર સામેથી શેઠાણીનો ચહેરો ધીરે ધીરે ઓગળી જાય છે અને શેઠસાહેબનો ગોળમટોળ પેંડા જેવો ચહેરો હસી રહે છે...

* * *

શેઠસાહેબનો ગોળમટોળ પેંડા જેવો ચહેરો હસી રહ્યો છે. કાળી-જાડી ફ્રેમના ચશ્માનાં કાચ ચમક ચમક થાય છે. 'બરાબર છેને પગાર?' શેઠસાહેબ પૂછે છે. 'બરાબર છે.' મીઠી ટૂંકો જવાબ આપે છે. 'પગાર ઓછો પડતો હોય તો...' બહાર જવાની તૈયારીમાં અંબોડે વેણી નાખતાં શેઠાણી હસે છે.

'ના, બાઈ સા'બ! પગાર ઓછો શું કામ પડે? તમારી દયા છે!'

'ના, મીઠી! એકલી દયા નહીં. આ તો... તારું કામ બોલે છે! કામ કર્યું એણે કામણ કર્યું! તું મન દઈને કામ કરે છે ને!'-શેઠ સાહેબના સ્વરમાંથી નીતરતી મીઠાશ.

'મીઠી એટલે મીઠી!' શેઠાણી ડાઈ કરેલા વાળની એક લટને સરખી કરતાં બોલે છે અને સાડીની પાટલી સરખી કરે છે.

'હા, મીઠી એટલે મીઠી!'-અવ્યક્ત ભાવે ચીપાતા બે જાડા હોઠ અને 'કલપ' કરેલી મૂછો પર ફરતો હાથ.

'કશી ફરિયાદ નથી મીઠીની, ખરું?' શેઠાણી શેઠને પૂછે છે. પેલા અંબોડાની ઝૂલતી વેણી પર-આયનામાંના પ્રતિબિમ્બ પર સ્થિર થતી બે આંખો.

'મીઠી આવ્યા પછી આ બંગલાની હવા ફરી ગઈ છે!' શેઠસાહેબ બોલે છે: 'બધું ચોખ્ખુંચણાક, બધું જ વ્યવસ્થિત, બધું જ સમયસર! મીઠીના કામઢા હાથોમાં કસબ છે!!' મીઠીના દિલમાં કશુંક

સળવળે છે...

* * *

મીઠીના દિલમાં અત્યારે ગભરામણ થઈ રહી છે. મીઠી હાથ વતી કપાળ પરનો પસીનો લૂછતાં, શેઠાણીને જોઈ રહે છે...!

મીઠી વિચારે છે: 'ભની પર પણ શેઠસાહેબે આ પ્રકારે ગુસ્સો ઠાલવ્યો હશે. આંખ પણ રાતી કરી હશે, પગાર ગણી આપવાની સાથે ઠપકાની વાત પણ જોડી દીધી હશે. ભની ય મારી જેમ રૂપાળી હતી-સાવ સીધીસટ થઈને રહી, જો જરીક સમજી હોત તો...'

અને ભનીના વિચારો પરથી મીઠી પોતાની જાત પર ઊતરી પડે છે. એને પંડ પર દાઝ ચઢે છે: 'હું પણ સુખના દી' હતા તે કાપીને દુ:ખનાં તણખલાં વીણવા બેઠી! જો થોડુંક ધ્યાન આપ્યું હોત તો? પણ શું કમત સૂઝી કે ભૂલ ખાઈ બેઠી!' અને એ સાથે જ, મીઠીને સામે બેઠેલાં શેઠાણીનું સ્મરણ થઈ આવે છે: 'કદાચ બાઈસા'બને વાતની ગંધ આવી ગઈ હશે. ના... ના... બાઈસા'બ તો મોટેભાગે બહારના ભાગે ઊઠવા-બેસવામાં વખત ગાળે છે. શેઠસા'બ બપોરે જમીને પેઢી પર ચાલ્યા જાય પછી બાઈસા'બ એમના ઓરડામાં સૂઈ જાય. ખાસ્સી લાંબી નિંદર તાણી લ્યે. પછી રોંઢાટાણે બીજી ગાડી લઈને બહાર નીકળી જાય... તે છેક સાંજ મોર્ય આવે!'

ને મીઠી શેઠસાહેબના વિચારો કરવા લાગે છે: 'નક્કી શેઠસા'બે જ મને આ બંગલામાંથી કાઢવાનું નક્કી કર્યું લાગે છે! બીજી કોઈ નોકર-બાઈ એમને જડી ગઈ લાગે છે!' મીઠીનું મન પાસું ફેરવે છે. એ ભીતરમાં ઊતરી પડે છે...

* * *

શેઠસાહેબ એને-મીઠીને-જોઈ રહે છે, હસે છે, જોરથી આળસ મરડે છે. અને બેડરૂમમાં પહેલી વખત આટલી નજીકથી મીઠી શેઠસાહેબના તંદુરસ્ત ગોરેવાન શરીરને જોઈ રહે છે-કંઈક વિચિત્ર નજરે. ફટ્ કરતું એની અને શેઠસાહેબના જીવન વચ્ચેનું મોટું અંતર મીઠીને સમજાઈ જાય છે. મીઠી નીચું જોઈને ઊભી રહે છે. 

'મને બોલાવી, શેઠસા'બ?'

'હા.'

'કાંઈ કામ?'

'હા, કામ તો-'

'કહો-'

'માથું દુ:ખે છે એટલે...'

'દબાવી આપું?'

'હા, બામ પણ ઘસી આપજે.'

ટિપોઈ પર પડેલી બામની શીશી તરફ શેઠસાહેબ આંગળી ચીંધે છે. મીઠી બામની શીશી ઉઠાવે છે, ત્યાં- 

'રહેવા દે.'

'કેમ?'

'બામની જરૂર નથી.'

'ભલે.' કહીને મીઠી બામની શીશી મૂકી દે છે.

'માથું દબાવી આપ.'

મીઠી શેઠસાહેબના ઓશિકા પાસે બેસે છે. એની જુવાન કાયા એક વિચિત્ર પ્રકારનો કંપ અનુભવે છે. એ ધીરે ધીરે શેઠ સાહેબના કપાળ પર હાથ ફેરવે છે. શેઠસાહેબ મૃદુતાથી હસે છે. મીઠીથી પણ મલકી જવાય છે. મીઠીના શરીરમાં કદી ન અનુભવેલી ધ્રૂજારી આવે છે...! મીઠી નાજુક સમય વરતી જાય છે! મીઠી શેઠાણીને યાદ કરી લે છે, આ બંગલામાંથી ચાલી ગયેલી ભનીને પણ યાદ કરી લે છે. મીઠી એના મનને બાંધતી નથી. વસંતના વાયરામાં જાણે ઓઢણી લહેરાય છે!... એ ઝડપથી ઊઠે છે અને બેડરૂમનું ડોર અંદરથી બંધ કરે છે. શેઠસાહેબ ત્રાંસી નજરે આ જુએ છે. મીઠી ઝડપથી શેઠસાહેબના ઓશિકા પાસે આવી બેસે છે. શેઠસાહેબ મલકીને આંખો બંધ કરી લે છે.

'મીઠી...!'

'હં... શેઠસા'બ'

'તું કેટલી ભલી છો!'

'તમે પણ.'

'ભની બામ જેવી હતી!'

'અને હું?'

'તું સમજદાર છો, આ બંગલાને લાયક છો. તેં જાતે ઊઠીને ડોર અંદરથી બંધ કર્યું છે!'

'મેં ઈ બરાબર કર્યું ને?'

'હા.'

મીઠી કંઈ પણ વિચારે એ પહેલાં બે માંસલ બાહુઓ વચ્ચે...

'શેઠસા'બ!'

'મીઠી!'

'મારા બાઈસા'બ આ જાણશે તો...?'

'તારી બાઈસાહેબને અત્યારે ભૂલી જા.'

- અને બંધ બેડરૂમ વચ્ચે એ બધું ભૂલી જાય છે!

'શેઠસા'બ!'

'મીઠડી મ્હારી!!' - અને હવે તો મનની નદીના બેઉ કિનારા છલકાવા લાગે છે...!

* * *

- અને અત્યારે ખુલ્લા ડ્રોઇંગરૂમ વચ્ચે મીઠી જાગી જાય છે - એની વિચારતંદ્રા તૂટે છે. પાનની પેટી ખખડે છે.

મીઠી જુએ છે શેઠાણી પાન બનાવી રહ્યાં છે. એક પાન ચવાયું નથી ત્યાં અગાઉથી જમાવવા માટે બીજું આગોતરું પાન બનાવી રહ્યાં છે.

'મીઠી!' - શેઠાણી બોલે છે.

'જી.'

અને હવે તો મીઠી બરફના ટુકડાની જેમ ઓગળવા લાગે છે. ભયનો તાપ મીઠી સહન કરી શકતી નથી! ક્યારનાં મૂંગા બેઠેલાં 'બાઈસાહેબ' પાન મોંઢામાં મૂકતા પહેલાં મોઢું બરાબરનું ખોલશે.

'જી - જી - શું કરે છે?'

અને મીઠી યંત્રવત્ બોલી જાય છે: 'જી!'

'બીજું કંઈ બોલતાં નથી આવડતું? ક્યારની મારી સામે મૂંગી મૂંગી બેઠી છો, પરંતુ...'

'તમેય મૂંગા - મૂંગા...' મીઠીના ગળામાં જ શબ્દો અટવાઈ જાય છે, ઉચ્ચારણ થતું નથી. મોંઢે મર્યાદાનું તાળું મારેલું છે!

શેઠાણી મીઠી સામે તાકી રહે છે અને પછી મલકી પડે છે: 

'તું કેટલી ભોળી છો મીઠી!'

'બાઈસા'બ! ભોળી છું, ભેગી ગમાર પણ છું!' અંદરથી બળ એકઠું કરીને મીઠી બોલી નાખે છે: 'તમારી દયા સિવાય બીજો રસ્તો નથી, બાઈસા'બ!'

'મીઠી!'

'બાઈસા'બ!'

'તું કેટલી ભલી છો!'

'હેં...?'

'હા, તું ખૂબ ભલી જણાય છે!'

શેઠાણીનો હાથ મીઠીના ખભા પર ફરવા લાગે છે... 'જો, મીઠી! આ ડ્રોઇંગરૂમમાં અત્યારે તારા અને મારા વચ્ચે કોઈ નથી.'

'હા કોઈ નથી.'

'જે કંઈ આ બંગલામાં બની રહ્યું છે, તે તું જાણે છે.'

'તમે શેની વાત કરો છો?...'

'હવે રહેવા દે! તને બધી ખબર છે.' શેઠાણી બબડે છે: 'અત્યાર સુધી તો તેં તારી જીભ ખોલી નથી.'

'બાઈસા'બ! તમારી દયા-'

'દયા તો છે જ!' હવેથી તારો પગાર પૂરા ત્રણસો રૂપિયા!'

'હેં...?' મીઠીને આશ્ર્ચર્ય થાય છે - આ તો મોટા કોથળામાંથી નવું બિલાડું નીકળ્યું!

- અને શેઠાણી મોકળા મને કહેવા લાગે છે: 'મીઠી!તું મજાથી આ બંગલામાં રહે! ખા... પી... મોજ કર...! એક વાત ખાસ યાદ રાખવાની કે મારી બાબતમાં તારે જીભ ખોલવાની નથી. જે "સાહેબ બપોર પછી, શેઠસાહેબ પેઢી પર ગયા પછી, ઘણી વખત મારી પાસે આવે છે, એ બાબતમાં તેં તારી જીભ ખોલી નથી, એટલે માનું છું કે તું ડાહી છો અને સમજું છો! એ "સાહેબ અંગેની વાત તારા શેઠસાહેબના કાન સુધી ન જવી જોઈએ!'

- અને મીઠીના પેટમાં ટાઢકનો શેરડો પડે છે: 'હાશ...! મારી અને શેઠસા'બની વચારે જે કાંઈ રંધાઈ રહ્યું છે, ઈની ગંધ બાઈસા'બને આવી નથી.... પણ બાઈસા'બ અને ઓલા સાયબ વચારે જે કાંઈ રંધાતું હશે, ઈની ગંધ આજે ઈની મેળે જ...' અને મીઠીને મનોમન અનહદ આનંદ થાય છે. 'મીઠી! આ તો બાઈસા'બની દુ:ખતી નસ તારા હાથમાં આવી ગઈ...!'

મીઠી અવ્યક્ત આનંદથી શેઠાણીના પગ પકડી લે છે. શેઠાણીનો હાથ હળવે - હળવે મીઠીના પીઠ પર ફરવા લાગે છે. - 

'મ્હારી મીઠી!!'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment