Saturday 30 April 2016

[amdavadis4ever] એક ઇમાનદાર પ્ રધાનની વાર્તા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એક પ્રધાન હતા. એમણે પ્રધાનપદ સ્વીકાર્યું તે વખતે એમના ખાતામાં બધાં જ ખાતાં'તાં!

રાજ્યમાં 'મધ્યાહ્ન ભોજન યોજના' નામે એક યોજના ચાલતી હતી, પરંતુ આ પ્રધાનશ્રીના ખાતામાં 'બ્રાહ્મમુહૂર્ત ભોજન યોજના', 'પ્રાત:કાલ ભોજન યોજના' 'પૂર્વ મધ્યાહ્ન ભોજન યોજના', 'મધ્યાહ્ન ભોજન યોજના', 'ઉત્તર મધ્યાહ્ન ભોજન યોજના', 'પૂર્વ સાયંકાલ ભોજન યોજના', 'ઉત્તર સાયંકાલ ભોજન યોજના', 'રાત્રિ ભોજન યોજના', 'મધ્યરાત્રિ ભોજન યોજના' એમ કોઈપણ સમયે કોઈપણ યોજનામાં 'ભોજન' કેન્દ્ર સ્થાને રહેતું. કોઈપણ યોજનાનું ભોજનયોજનામાં રૂપાંતર કરવાની શક્તિ એમના ખાતામાં કામ કરતા તમામ માણસોમાં સારી પેઠે વિકસી હતી. પ્રધાને સત્તા ગ્રહણ કરીને એકાએક ઉપવાસનું વાતાવરણ ખડું કરી દીધું. મિતાહાર પણ નહિ - ઉપવાસ. ઉપવાસ પણ ફરાળી નહીં - નકોરડો ઉપવાસ!

પ્રધાનશ્રી બહુ સાદાઈથી રહેતા. પોતાનાં કપડાં પોતે જાતે ધોતા. કપડાં ધોનાર નોકરને એટલો વખત આરામ આપતા. પોતાનાં કપડાંને ઇસ્ત્રી કરવાનો સમય મળી રહે એ માટે તેઓ ક્યારેય કોઈ ઉદ્ઘાટન કરવા જતા નહિ. હૅરકટિંગ સલૂનથી માંડીને સ્મશાન સુધીનાં ઉદ્ઘાટનો માટેનાં નિમંત્રણો તેમને મળતાં. પણ તેઓ વિનયપૂર્વક ના પાડતા.

રાત્રે સરકારનું કામ પૂરું કરી એ બે-એક કલાક વાંચતા. વાંચવાનું શરૂ કરતાં પહેલાં મીટરનું રીડિંગ નોંધી લેતા. પોતાનું જ કામ કરતા હોય તે વખતનું વીજળીનું બિલ તેઓ પોતે ભરતા. અંગત કામે શહેરમાં જવાનું થાય ત્યારે પોતાનું સ્કૂટર વાપરતા. અંગત કામે વતનમાં કે બહારગામ જવાનું થાય ત્યારે એસ.ટી.ની બસમાં કે ટ્રેનના બીજા વર્ગમાં મુસાફરી કરતા.

પ્રધાન તરીકે મળતા પગારભથ્થામાંથી એમનો જીવનનિર્વાહ ચાલતો નહિ. આ કારમી મોંઘવારીમાં બે છેડા ભેગા કરવા માટે એમને મિત્રોની મદદ લેવી પડતી. પોતાની સત્તાનો દુરુપયોગ કરી, પોતે કશી મદદ નહિ કરે એવી શરતે જ એ મિત્રોની મદદ સ્વીકારતા. આવી શરત છતાં એમને મિત્રોની મદદ મળી રહેતી. દર વર્ષે એ ઇન્કમટેક્ષનું સાચું રિટર્ન ભરતા, જે ઇન્કમટેક્ષના અધિકારીઓને સાચું નહોતું લાગતું. અલબત્ત, એમના કેટલાક સાથી પ્રધાનોની રિટર્નમાં બતાવ્યા મુજબની આવક તો આ પ્રધાનશ્રીની આવકથીય ઓછી હતી. ઇન્કમટેક્ષના અધિકારીઓ પ્રધાનો પોતાની જે આવક દર્શાવે તે સાચી માની લેવાની સમજદારી દાખવતા એટલે પ્રધાનશ્રીનું રિટર્ન માન્ય થઈ જતું. આ ઉપરાંત પ્રધાનશ્રી છાપાંઓ દ્વારા પોતાની મિલકત જાહેર કરતા. આ કારણે શરૂઆતનાં વર્ષોમાં પ્રજા પર એવી છાપ પડેલી કે આપણા પ્રધાનશ્રી ઘણા રમૂજી છે.

પ્રધાનશ્રીને ચાર સાળાઓ હતા, ત્રણ સાઢુ ભાઈઓ હતા, ચાર ભાઈઓ હતા, સાત ભત્રીજાઓ હતા, ત્રણ બનેવીઓ હતા, પાંચ ભાણેજ હતા, બે પુત્રો હતા, ચાર જમાઈઓ હતા. આમ છતાં પ્રધાનશ્રીએ કોઈને સરકારી લોનો ન અપાવી, સરકારી નોકરીઓ ન અપાવી, લાઇસન્સો ન અપાવ્યાં. પ્રધાનશ્રીને કોઈ ઉદ્યોગપતિ સાથે ઓળખાણ નહોતી. ચૂંટણીમાં ક્યારેય એમણે કોઈ ઉદ્યોગપતિ પાસેથી નાણાં મેળવ્યાં નહોતાં. આમ છતાં, એ ચૂંટાઈ જતા હતા.

ધીમે ધીમે સી.બી.આઈ.ના વડાના ધ્યાનમાં આ પ્રધાનની વાતો આવી. આ જાણીને એમને એમની આટલી સર્વિસમાં નહોતો લાગ્યો એવો આઘાત લાગ્યો. આ આઘાતને કારણે એમને પંદર દિવસની રજા લેવી પડી. રજા પરથી હાજર થયા પછી એમણે પોતાની રીતે તપાસ કરી જોઈ. પ્રધાન કશા ગોટાળા કરતા નથી કે એમને ગોટાળા કરતાં આવડતું નથી એ તેની સમજમાં ઊતરતું નહોતું. પ્રધાન હોય અને નાના-મોટા ગોટાળા કરે નહીં એ તેની સમજમાં ઊતરતું નહોતું. પ્રધાન હોય ને એને નાના મોટા ગોટાળા કરતાં આવડતું ન હોય એ પણ એના માન્યામાં આવતું નહોતું.

સી.બી.આઈ.ના વડાની ઘનિષ્ઠ તપાસ પછી માલૂમ પડ્યું કે, ખરેખર પ્રધાનશ્રી ખાદ્ય પદાર્થો સિવાય કશું ખાતા નથી!

* * *

ઉપરોક્ત કથા વાંચ્યા પછી નીચેના 

પ્રશ્ર્નો વાંચો અને નવરાશના સમયે એના ઉત્તરો ખોળી કાઢો:

(૧) આ કથા વાંચવામાં તમને રમૂજ પડી? તમારો જવાબ જો હામાં હોય તો તમારી રમૂજવૃત્તિ ઘણી સતેજ છે એમ કહેવાય. આજના વિકટ સમયમાં રમૂજવૃત્તિ સતેજ હોય તે ઘણું જરૂરી છે.

(૨) આ કથાને તમે સાચી માની લીધી? તમારો જવાબ જો હામાં હોય તો તમે ઘણા ભોળા છો. આજના વિકટ સમયમાં દુ:ખી થવાની ઘણી તકો તમને મળી હશે.

(૩) આ કથા વાંચ્યા પછી આપણા પ્રધાનો આવા હોય તો કેવું સારું! એવી લાગણી તમને થઈ? તમારો જવાબ જો હામાં હોય તો તમે ઘણા આશાવાદી છો એમ કહેવાય. આજના વિકટ સમયમાં આશાવાદી હોવું તે ઘણી સારી બાબત છે.

(૪) સાહિત્યસ્વરૂપની દૃષ્ટિએ આ કથા નીચેનામાંથી કયા સ્વરૂપની ગણાય? હાસ્યકથા, કરુણકથા, કલ્પનાકથા, પરીકથા.

(૫) ભવિષ્યમાં તમે પ્રધાન થાઓ તો આ દૃષ્ટાંતને અનુસરવાનું પસંદ કરશો? તમારો જવાબ
જો હામાં હોય તો તમે આ જમાનાને લાયક નથી એમ સમજવું.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment