Saturday 30 April 2016

[amdavadis4ever] એક વર્ષમાં અનેક દિવસો નવા વર્ષના!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પહેલાં મરાઠીઓ, સિંધીઓ, ક્ધનાડિગાઓ અને તેલુગુ લોકોના નવા વર્ષના ઉત્સવો ગૂડીપડવો, ચેટ્ટી ચંદ અને ઉગડીની ઉજવણી થઈ અને પછી બંગાળીઓ, તમિળો, પંજાબીઓ, આસામીઓ અને મલયાળીઓના નવા વર્ષ પોઈલા બૈશાખ, પુથન્ડુ, વૈશાખી, બિહુ કે બોહાગ બિહુ અને વિશુનું આગમન અને ઉજવણી આપણે, મુંબઈમાં રહીએ છીએ એટલે જોઈ-અનુભવી, પણ આવા જ બીજા નવા વર્ષો પણ હશે, એવો વિચાર આપણને આવ્યો નહીં. ભારતમાં અનેક જાતિ-ધર્મ, સંપ્રદાયોના લોકો વસે છે એટલે દરેક કોમ, જાતિ-જમાત, સમૂહ-સમાજના પોતાના નવા વર્ષની ઉજવણીઓ પણ હોવાની જ અને તે સૌને પોતાના એ દિવસનું મહત્ત્વનું પણ અનેરું જ હોવાનું. વિવિધ પ્રાંતો-પ્રદેશોના નવા વર્ષની ઉજવણીનો શાબ્દિક લહાવો મેળવવો જોઈએ.

ગયા ગુરુવારે કેરળ અને તમિળ અય્યૈરોએ વિશુની ઉજવણી કરી હતી. એ લોકો એમની ઉજવણીમાં 'વિશુ કાની' (પવિત્ર ચીજવસ્તુની) ગોઠવણી કરી હતી. એમાં પીળી છાલની કાકડી, સોપારી, નાગરવેલના પાન, ચોખા, ફણસ, કેરી, સોના તથા ચાંદીના સિક્કા વગેરેનો સમાવેશ થાય છે. એ જ દિવસે તમિળ નવું વર્ષ પુથન્ડુ પણ ઉજવાયું હતું અને તમિળોએ મન્ગા પચડી (કાચી કેરીની વાનગી-રાયતું)ની સાથે અન્ય મીઠી વાનગીઓ બનાવી દિવસ ઉજવ્યો હતો. આસામીઓએ બોહાગ બિહુની ઉજવણી કરી હતી. બંગાળીઓએ પોઈલા બૈશાખ ઉજવ્યો. પંજાબીઓ અને શીખોએ પણ બુધવારે તેમનું નવું વર્ષ ઉજવ્યું હતું.

ઉગડી
ઉગડી અને ગૂડીપડવો કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ, આન્ધ્ર પ્રદેશ અને તેલંગણ જેવા દેશના મધ્ય દક્ષિણના પ્રદેશોમાં નવા વર્ષના દિવસ તરીકે ઉજવાય છે. આ ઉગડી કે યુગાડી નામ 'યુગ અડી' પરથી આવ્યું છે, જેનો અર્થ થાય છે, 'નવા યુગનો પ્રારંભ'. હિન્દુ પરંપરા પ્રમાણે તે ચૈત્ર મહિનાના પહેલા દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે વસંત ઋતુ શરૂ થાય છે. એમ માનવામાં આવે છે કે બ્રહ્માએ સૃષ્ટિનું નિર્માણ કાર્ય આ દિવસથી શરૂ કર્યું હતું. ઉજવણીની તૈયારી દિવસો આગોતરી જ કરવામાં આવે છે. ઘરો ધોવામાં આવે છે. લોકો નવા વસ્ત્રો બનાવડાવે છે. જાત જાતની વાનગીઓ-મીઠાઈઓ બનાવે છે. આ વાનગીઓમાં છ સ્વાદની વાનગીઓનો સમાવેશ થાય છે.

રોંગલી બિહુ
રોંગલી બિહુ અથવા બોહાગ બિહુ આસામીઓના નવા વર્ષ તરીકે લગભગ એપ્રિલના મધ્ય સમયગાળામાં અને વસંતના આરંભના કાળમાં ઉજવવામાં આવે છે. આ દિવસ હિન્દુ સૌર કૅલેન્ડરનો પહેલો દિવસ હોવાનું માનવામાં આવે છે. બિહુના પહેલા દિવસને 'ગોરું બિહુ' અથવા 'કાઉ બિહુ' કહેવામાં આવે છે આ દિવસે ગાયોને સ્નાન કરાવી, શણગારી તેની પૂજા કરવામાં આવે છે. તેને પીસેલી હળદર વગેરેથી શણગારવામાં આવે છે, ગાયને ગળે નવું દોરડું બાંધવામાં આવે છે. આની પાછળ જ માનુહ (આસામીમાં માણસ) બિહુ આવે છે જે ૧૫મી એપ્રિલે હતો અને એ આસામી નવું વર્ષ છે. એ લોકો ઘર, ઘરની આસપાસની જગ્યા વગેરેને ધોઈ-રંગી, શણગારીને વસંતને આવકારે છે, નવા વસ્ત્રો ધારણ કરે છે અને નવું વર્ષ સમૃદ્ધિનું, સુખાકારીનું જાય એવી પ્રાર્થના કરે છે, શુભેચ્છાઓ આપે છે.

ગૂડીપડવો
ગુડી પડવો અને ઉગડી એક જ દિવસે ઉજવાય છે એટલે ચૈત્ર મહિનાના પહેલા દિવસે, પડવાને દિવસે ઉજવાય છે. ગામનાં ઘરોના આંગણા વાળીઝૂડી, ધોઈને સ્વચ્છ કરવામાં આવે છે. ગાયનાં છાણનું નવું લીંપણ કરાય છે. બારણે રંગોળી કરવામાં આવે છે. આ નિમિત્તે નવાં વસ્ત્રો બનાવાય, આહારમાં ખાસ વાનગીઓ, મીઠાઈઓ થાય. આ દિવસે બ્રહ્માની પૂજા કરાય છે અને ઘરની બહાર 'ગૂડી' (બ્રહ્માનો ધ્વજ) એટલે કે બ્રહ્મધ્વજ ઉભારવામાં આવે છે. બ્રહ્મપુરાણમાં આ ધ્વજની વાત આવે છે. એ સાથે શાલિવાહનના શક પરના વિજય કે રામના વાલી પરના વિજયની નિશાની તરીકે પણ ગૂડી ઉભારવામાં આવે છે.

પુથન્ડુ
પુથન્ડુને 'વરુદા પિરપ્પુ' નામે પણ ઓળખવામાં આવે છે. તમિળનાડુમાં આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. તમિળ મહિના 'ચિખીરૈ'ના પહેલા દિવસે, જે ૧૪ એપ્રિલના આવે છે ત્યારે આ તહેવાર રંગેચંગે મનાવવામાં આવે છે. મહિલાઓ કોલમ (રંગોળી) બનાવે છે. આ રંગોળીની મધ્યમાં કુથ્થુવિલાકુ (ઊંચી-લાંબી દીવીનો દિવો) મૂકવામાં આવે છે. એ અંધકારને દૂર કરવાનું પ્રતીક છે. 'ક્ધની' નામની વિધિ થાય છે. ક્ધની એટલે પવિત્ર દૃશ્ય. તેમાં ફળો, શાકભાજી, ફૂલો, સોપારી, સિંગ જેવા સખત ફળ, ચોખા વગેરે મૂકવામાં આવે છે. તમિળ લોકોમાં એવી માન્યતા છે કે આ ચીજો સુખ-સમૃદ્ધિ લાવે છે તેથી તેનું પ્રથમ દર્શન કરવું જોઈએ. નવાં વસ્ત્રો ધારણ કરવા અને ખાસ વાનગીઓ બનાવવી એ આનંદની ઉજવણીનોે એક હિસ્સો જ છે.

વિશુ
જાણીતી માન્યતાથી અલગ પડે એવી વાત છે આ, કેરળમાં વિશુને મલયાલમ નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. વિશુ મલયાલમ કૅલેન્ડર પ્રમાણે મેડામ મહિનાના પહેલા દિવસે (ગ્રેગોરિયન કૅલેન્ડરમાં એપ્રિલના મધ્યના સમયમાં) ઉજવવામાં આવે છે. મલબારમાં મલયાલમ ક્ધનીના પહેલા દિવસે (ભાદરવો-આસોમાં) અને ત્રાવણકોરના પ્રદેશમાં ચિન્ગમના પહેલા દિવસે (શ્રાવણ-ભાદરવામાં) નવું વર્ષ ઉજવાતું હતું. કેરળ સરકારે જ્યારે પ્રાદેશિક કૅલેન્ડર પેટે કોલા વર્ષમ અપનાવ્યું ત્યારથી ચિન્ગમની ઉજવણીને મલયાલમ નવા વર્ષ તરીકે સ્વીકારવામાં આવી હતી. ખગોળીય કૅલેન્ડર પ્રમાણે મેડામ (ચૈત્ર-વૈશાખ) એ પહેલો મહિનો છે અને તે શક કૅલેન્ડરના ચૈત્ર મહિના જેવો જ મહિનો છે. મેડામનો પહેલો દિવસ (ઓન્નુ) મેડાપોન્નું તરીકે ઉજવાય છે તેને વિશુ પણ કહે છે.

સાજિબુ નોન્ગમા પાન્બા-ચૈરાઓબા
મણિપુરમાં ચૈરાઓબાને નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. સાજિબુ ચૈરાઓબા એ વાર્ષિક ધાર્મિક ઉજવણી છે, જેમાં પરંપરાગત શ્રદ્ધાથી કેટલી રીતિ-વિધિ કરવામાં આવે છે. સામાન્ય રીતે માર્ચ-એપ્રિલમાં આ દિવસ આવે છે. ઉજવણીમાં આગલા વર્ષને વિદાય આપીને નવા વર્ષને આવકારવામાં આવે છે. ચૈરાઓબા શબ્દ બે શબ્દોથી બન્યો છે. એક છે ચૈ અથવા ચઈ એટલે વર્ષ અને આઓબા એટલે જાહેરાત તેથી ચૈરાઓ-બા એટલે આવતા વર્ષની જાહેરાત કે ઘોષણા એવો અર્થ થાય છે.

નાવરેહ
નાવરેહ એ ચાંદ્ર કૅલેન્ડરમાં આવતું કાશ્મીરી પંડિતો દ્વારા ઉજવાતું નવું વર્ષ છે. એ ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે આવે છે. આ દિવસે કવિ કલ્હણના રાજતરંગિણી અને કાશ્મીરના પ્રાચીન ગ્રંથ 'નીલમત પુરાણ'નું વાંચન કરવામાં આવે છે. પુરાણમાં કાશ્મીરનો ઈતિહાસ આલેખાયો છે. આ દિવસને શિવરાત્રિ જેટલો જ પવિત્ર માનવામાં આવે છે. આરબ વિદ્વાન અલબિરુનીએ લખ્યું છે કે કાશ્મીરીઓ તેમના મહાન રાજા લલિતાદિત્યના વિજયની ઉજવણી નવરાત્રના બીજા દિવસે ભારે ઉલ્લાસથી કરે છે. નવરેહ ઉગડી, ચૈરાઓબા અને ગૂડીપડવાના દિવસે આવે છે.

મહાવિશુવા સંક્રાતિ
આ દિવસને ઓરિયા નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ધાર્મિક લોકો તુળસીના છોડને તથા ભગવાન શિવ, શાલિગ્રામ અને શિવપંચાયતનને જુદા જુદા ફળો, પાણી, દૂધ, બિલીપત્ર અને સાકર કે ગોળનું બનેલું ગળ્યું શરબત (તેને પના કહેવાય છે તે) ધરાવે છે. લોકો પણ પ્રસાદ રૂપે પના પીએ છે. રસ્તા પર પાણી ભરેલાં માટલાં વટેમાર્ગુની તરસ છીપાવવા મુકાય છે. પશુ-પક્ષીને પણ પાણી પીવડાવવામાં આવે છે.

દિવાળી અને બેસતું વર્ષ, નૂતન વર્ષાભિનંદન
ગુજરાતીઓ વિક્રમ સંવત અનુસાર આસો વદ અમાસના દિવાળી અને કારતક સુદ પડવાના બેસતું વર્ષ એટલે કે નવા વર્ષની ઉજવણી કરે છે. ફટાકડાં ફોડવા, રંગોળીઓ પૂરવી, મીઠાઈઓ બનાવવી અને વહેંચવી, સંબંધીઓને ઘરે ઘરે જઈને 'સાલ મુબારક'ની શુભેચ્છા આપવી એનાથી આપણામાંનું કોણ અજાણ હોઈ શકે.

થાપના
મારવાડી કૅલેન્ડર (મારવાડી મીતી) અનુસાર ચૈત્ર સુદ પડવાનો દિવસ થાપના દિવસ છે જે મારવાડીઓના નવા વર્ષનો દિવસ કહેવાય છે. આ દિવસે મારવાડી લોકો હોમ-હવન કરે-કરાવે છે અને એકબીજાને 'નવા બરસ રિ બધાઈયાં' કહીને શુભેચ્છા આપે છે.

ચેટી ચાંદ
સિંધીઓનું નવું વર્ષ હિન્દુ કૅલેન્ડર પ્રમાણે ચૈત્ર મહિનાના બીજના દિવસે ઉજવવામાં આવે છે, ચૈત્રને સિંધીમાં ચેટ કહે છે. ગૂડીપડવાના બીજા દિવસે આ દિવસ ઉજવાય છે.

ચૈતી અને બાસોઆ-બિશુ
ચૈતી અને બાસોઆનો તહેવાર હિમાચલ પ્રદેશમાં ઉજવાય છે. વિક્રમ સંવતના ચૈત્ર મહિનાના પહેલા દિવસે ચૈતીને વર્ષના પહેલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બાસોઆને બિશુના નામે પણ ઓળખવામાં આવે છે. વૈશાખ મહિનાના પહેલા દિવસે ઉજવવામાં આવે છે. આમ તો આ ખેડૂતોનો તહેવાર છે. આ દિવસે કોદરામાંથી મીઠાઈ બનાવાય છે. કેકમાં ત્રીજા દિવસે આથો આવે પછી પરણેલી દીકરીઓને બોલાવીને તે સાથે મળીને ખાવામાં આવે છે.

બૈશાખી
એને વૈશાખી પણ કહેવામાં આવે છે. પંજાબી સમાજ અને પંજાબના ખેડૂતો અને હરિયાણાના લોકો નાનકશાહી કૅલેન્ડર પ્રમાણે બીજા મહિનાના પહેલા દિવસે આ તહેવારને નવા વર્ષ તરીકે ઉજવે છે જે ૧૩ કે ૧૪ એપ્રિલે આવે છે. શીખોે પણ તેમના દસમા ગુરુના માનમાં આ દિવસને ઉજવે છે. ગુરુ ગોવિંદસિંહે ૧૬૯૯માં આનંદ સાહિબ ખાતે જાતિ-જ્ઞાતિ પ્રથા રદ કરી અને ખાલસા પંથની સ્થાપના કરી હતી. આ દિવસને શીખોના નવા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે.

પોઈલા બોઈશાખ
પોઈલા બોઈશાખ બંગાળી નવું વર્ષ છે. 'બાંગલા નોબોબોર્ષો' બંગાળી કૅલેન્ડર અનુસાર તે ૧૪ એપ્રિલે બાંગલાદેશમાં અને ૧૫મી એપ્રિલે પશ્ર્ચિમ બંગાળમાં ઉજવાય છે. આસામ, ત્રિપુરા, ઝારખંડ અને ઓરિસ્સા તથા વિશ્ર્વભરના બંગાળીઓ રંગેચંગે ઉજવણી કરે છે.

જુડિ-શીતલ
જુડિ-શીતલ મૈથિલી નવું વર્ષ છે. તેને પહિલ બૈશાખ અથવા બૈશાખી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગ્રેગોરિયન કૅલેન્ડર પ્રમાણે આ દિવસ સામાન્ય રીતે ૬ એપ્રિલના આવે છે. ભારતના મિથિલા અને નેપાળના મૈથિલી લોકો ઉજવે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment