Wednesday, 25 November 2015

[amdavadis4ever] વ્હાય ધીસ વિન્ટ ર ઇઝ સો મેજિકલ?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બરફની વિશાળ બંજર જમીન ઉપર હજારોની તાદાદમાં બેપગા સજીવો ભેગા થયા છે. થાક સરખો લાગે છે પણ થાક અત્યારે કોઈને યાદ આવવાનો નથી. કારણકે આ બધા સજીવોના મનમાં લડ્ડુબહુ ફૂટી રહ્યા છે એટલે કે ટૂંક સમયમાં એ સજીવોનો સંવનનકાળ ચાલુ થવાનો છે. બે પગે ચાલતા સજીવોએ, હવે પોતાના 'એ' ગોતવાના છે. અને આ સજીવો એટલે ઠંડાગાર એન્ટાર્કટિકામાં જોવા મળતા પેંગ્વિન પક્ષીઓ. એ લોકોનો મેટિંગ પિરીયડ ચાલુ છે માટે નર પેંગ્વિને ગીત ગાઈને માદાને આકર્ષવાની છે. નર-માદાની જોડી બની જાય પછી તે જોડી હજારો પેંગ્વિનના ટોળામાંથી દૂર જઈ જશે અને એકબીજાના ધનિષ્ઠ સમાગમમાં આવશે અને તરત જ માદા પેંગ્વિન ઈંડું મૂેકશે. ઈંડું મુકાઇ ગયું છે અને હવે સેકન્ડોનો જ ખેલ છે.બને એટલું જલ્દી એને માદાના પગ પાસેથી નરના શરીરમાં ટ્રાન્સફર કરવાનું છે. સાવ બાજુ બાજુમાં ઉભા રહેલ નર-માદા પેંગ્વિન દંપતી ઈંડું શિફટ કરવામાં પાંચ-છ સેંકડ પણ મોડા પડે તો અતિશય ઠંડીને કારણે ઈંડું ફેઈલ જાય. નર પેંગ્વિન એના બે પગ ઉપર, એની જાડી ચામડીવાળા રુંવાટીદાર શરીરની ચરબીની હૂંફવાળા પોલાણમાં ઈંડું રાખે છે. હવે નર પેંગ્વિન્સ ઈંડા સેવશે. તો માદાઓ શું કરશે? માદાઓ બધી ચાલતી પકડશે, તેઓ સેંકડો કિલોમીટર ચાલીને દૂર જ્યાંથી આવેલા ત્યાં જ પરત ફરવા માટે. હવે ઠંડો પવન શરુ થવાનો છે. હાડકાગાળી નાખતું ઠંડુગાર તુફાન આવશે. શૂન્ય નીચે ચાલીસ ડીગ્રીના ચીલીંગ વાતાવરણમાં આ હજારો પેંગ્વિન એક સાથે, બાજુમાં મહિના-બે મહિના સુધી ઉભા રહેશે. ઠંડી ઓછી લાગે એટલે એકબીજાને પરસ્પર ચીપકીને દિવસો સુધી થીજેલી હવાના સુસવાટાનો સામનો કરશે. આખા શરીર ઉપર હિમકણીઓ બાઝી ગઈ હશે, આંખ સૂકાઈ ગઈ હશે, ઠંડીના માર્યા જીવ જવાની અણી ઉપર હશે અને ત્યારે જ ઠંડા પવનનું વાવાઝોડું બંધ થશે અને મહિનાઓ પછી પહેલી વખત આ બધા બેપગા પક્ષીઓ સૂર્ય જોશે. રેફ્રીજરેટરના બરફના ખાના કરતા પણ આઠથી દસ ગણી ઠંડીમાં દિવસો સુધી ધ્રૂજયા પછી બધા પેંગ્વિન' પહેલી વખત આંખ ખોલે છે અને જુવે છે તો એના બે પગ વચ્ચે રહેલું ઈંડું ફૂટી ગયું હોય છે અને એક નવો જીવ ચાંચ બહાર કાઢતો જોવા મળે. તાજા જ જન્મેલા બધા જ બેબી પેંગ્વિન ભૂખ્યા છે, એને ખાવાનું ક્યાંથી મળશે હવે? ચારેબાજુ તો માઈલો સુધી ફક્ત બરફ જ છે, તો ખોરાક ન મળે પણ નહિ, ખોરાક છે. પોતાના જન્મવાના બચ્ચાઓ માટે બધા નર પેંગ્વિને એના પેટમાં એક ટંકનું ભોજન સાચવીને રાખેલું. એ ઓકીને અશક્ત બચ્ચાને ખવડાવે છે. એક મહિનામાં એ બરફની જાયન્ટ પાટ પર રહેલ સજીવોની વસ્તી બમણી થઈ ગઈ છે પણ હવે સવાલ એ છે કે આ નર પેંગ્વિન લોકોએ છેલ્લા ચાર મહિનાથી કશું ખાધું નથી. ઈંડા સેવીને અને એના પેટમાં પચાવ્યા વિના સ્ટોર કરી મૂકેલું એક ટંકનું ભોજન પણ બચ્ચાને આપી દીધું એટલે તાકાત બિલકુલ રહી જ નથી. જો થોડા મીટર ચાલશે તો પણ મરી જશે. સૂરજ ભલે ઉગ્યો હોય પણ બરફ ઓગળ્યો નથી અને ખોરાક તો કિલોમીટરના કિલોમીટર જેટલો દૂર છે. હવે પોતાની જાતને કેમ જીવાડવી અને આ તાજા જન્મેલા સાવ ઝીણકાક બચ્ચાને શું ખવડાવું? ખોરાક ઝીરો છે અને હવે મોત નક્કી છે. પણ ના. નિરાશ એવા સેંકડો નર પેંગ્વિનને ક્ષિતિજ ઉપર કાળા માથા દેખાય છે, પોતાની તરફ ચાલી આવતા. ઠચૂક ઠચૂક ચાલતા એ કાળા માથાઓ થોડી કલાકોમાં જ આ નર પેંગ્વિનના ટોળા નજીક આવી જાય છે અને એ કાળા માથા એટલે બીજું કોઈ નહિ પણ મેટિંગ પીરીયડ પતાવીને નીકળી ગયેલી બધી જ માદા પેંગ્વિન. જેના પેટ માછલીઓ વડે ભરેલા છે. પ્રપોઝ કરતી વખતે જે ગત નરે ગાયેલું એ જ ગીત એમણે મહિનાઓના ભૂખ્યા પેટે ફરીથી ગાવાનું, જેથી માદા એને ઓળખી શકે, અને એને પોતાને જમવા આપે અને એના જન્મેલા બચ્ચાને ઉછેરી શકે. અને ફરીથી એ પેગ્વિંન દંપતીઓના ગીતોનો અવાજ શાંત આર્કટીકમાં જાન લાવી દે છે અને એ મધુર ધ્વની કિલોમીટરો દૂર સંભળાય છે. શિયાળો બધા પેંગ્વિનની જિંદગીમાં સૌથી વધુ ખુશી લાવ્યો છે.
સહેજ લાંબુ થઈ ગયું પણ શિયાળો આખી પૃથ્વી પર જે કરિશ્મા પાથરે છે એની ઝાંખી આપવા પેંગ્વિનની જિંદગીના આ ઘટમાળાનું વર્ણન જરૂરી હતી. વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફૂલ થિંગ્સ ઓફ નેચર ઈન વિન્ટર. શિયાળો દબે પાંવ પણ પૂરી તાકાતથી આવી ગયો છે અને હવે વધુ ઠંડી લાવતો રહેશે. શિયાળો એટલે ઠંડીની ઉજવણી કરવાની મૌસમ. હકીક્તમાં, શિયાળાને ઘણો અન્યાય થયો છે બીજી બધી ઋતુઓની સરખામણીમાં. જુવોને, ચોમાસું આવે ને ખાબોચિયા કરતા વધુ કવિતાઓ અને એના કવિઓ આપણી ચોપાસ ફૂટી નીકળે. ફિલ્મોમાં પણ ફ્રેમ ભરેલી બતાવવા મહત્ત્વના દ્રશ્યો કે ક્લાઈમેક્સ સીન ચોમાસામાં જ ફિલ્માવવામાં આવે. ઉનાળો જયારે આવે ત્યારે એસી/કુલરની લોભામણી જાહેરાતોથી લઈને હિલ સ્ટેશન સુધી આપણે ઉનાળાને આપણે હાથ ફેલાવીને આવકારીએ. પણ સાલો શિયાળો આવે ત્યારે આપણે અંદર પૂરાઈ જઈએ. શિયાળા દરમિયાન ર્ધાિમક તહેવારો ભલે ઓછા હોય પણ ઋતુઓનો રાજા એટલે શિયાળો. શિયાળો ઠંડી લાવે પણ જગતને ખૂબસુરત બનાવી દે. શિયાળાની ઠંડીને કારણે જ પેલા પેંગ્વિન એના બચ્ચાને જન્મ આપી શકે અને શિયાળાને કારણે જ ઘઉં જેવા રવિપાક આપણને મળે. 'શિયાળે શીતળ વા વાય પાનખરે ઘઉં પેદા થાય.' સૌજન્ય કવિ દલપતરામ.
પાનખર અને વસંત વચ્ચે આવતી ઋતુ, શિયાળો બધા દેશો ઉપર રાજ કરે છે. ત્રેવીસેક અંશની ધરી પર નમેલી પૃથ્વીનો જે ભાગ સૂર્ય બાજુ ન હોય તે ગોળાર્ધમાં શિયાળો ચાલુ થઈ જાય ભલે ને શિયાળા દરમિયાન પૃથ્વી સૂર્યની ઉનાળામાં હોય એનાથી વધુ નજીક હોય. આ હેંમત-શિશિરના મિલનની ઋતુ અડધા જગત પર યુનિફોર્મ સફેદ ચાદર ઓઢાડી દે છે અને એ બરફની ચાદર હકીક્તમાં માણસોને હૂંફ આપવાનું કામ કરે છે. શિયાળાને ર્પિશયનમાં 'યલ્દા' કહેવાય. યલ્દા એટલે જન્મ. ર્પિશયન સંસ્કૃતિમાં તો શિયાળાને આવકારવા અમુક નક્કી દિવસો હોય, જેમાં કુટુંબીજનો અને મિત્રો ભેગા થાય, ફૂટ અને મીઠાઈઓ ખાય, પીણાં પીવે અને હાફીઝની કવિતાઓનો સમૂહપાઠ કરે. ઈરાનમાં એક મહાકવિ થઈ ગયો-હાફીઝ. જેની કવિતાઓની ચોપડીઓ દરેક ઈરાનીના ઘરમાં હોય અને તેની કવિતાઓ જે ઈરાનમાં કહેવત બની ગઈ છે તેનું પઠન થાય. શિયાળો અહીં સાહિત્યનું કામ કરે.
શિયાળો ચાલુ થયો એની પહેલી સાબિતી ગામડાંના લોકોને ખબર પડે. આખા વર્ષ દરમિયાન ન જોયા હોય એવા પક્ષીઓ આવી ચડયા હોય. છેક રશિયાથી કે ચીનથી કે યુરોપમાંથી હજારો કિલોમીટરની હિજરત કરીને તમારી બાજુના તળાવમાં શિયાળો એમને લાવીને મૂકી દે. ઠંડીને કારણે ઘરમાં ભરાઈ રહેવાથી ફક્ત કુટુંબ જ નહિ વિશ્વ આખું એકબીજાની નજીક આવે, આ રીતે, અમુક પ્રાણીઓ શિયાળા દરમિયાન સુષુપ્તવસ્થામાં ચાલ્યા જાય તો ઝાડપાન એના પાંદડા પીળા કરીને ખેરવી નાંખે. અને પછી એ પીળા પાન પર 'મોહબત્તે'નો રાજ શાહરૂખ આર્યન બે વાક્યોનો લવ લેટર લખીને ઐશ્ચર્યાને પ્રપોઝ કરે! શિયાળો ઈઝ અ મેજીકાલ રોમેન્સ ઈટસેલ્ફ. વિદેશોમાં હજુ ઘણી જગ્યાએ વિન્ટર ર્કાિનવલ થાય છે. લંડનમાં પરમ સદી સુધી જામી ગયેલી થેમ્સ નદીના પટ પર 'ફ્રોસ્ટ ફેર'યોજાતા. જામી ગયેલી નદી પર મેળા ભરાતા જેને એકાએક લંડનવાસી માણતો. એ જામી ગયેલી નદી એટલી સખત રહેતી કે એની ઉપર કામચલાઉ પ્રિન્ટીંગ પ્રેસ સ્થપાતું અને એ સાહિત્યનો બ્રિટનવાસીઓ શિયાળામાં લુત્ફ ઉઠાવતા. અંગ્રેજો શિયાળાથી એટલા ટેવાઈ ગયેલા કે ઉનાળા દરમિયાન તેઓને ભારતની રાજધાની દિલ્હીમાંથી કામચલાઉ ધોરણે શિમલામાં ટ્રાન્સફર કરવી પડતી અને ત્યારે નાનકડા શિમલા ગામની ઠંડીમાં આખી રાત એક આંટીના ઘરે લાઈટ ચાલુ રહેતી જે આખા શિમલાને ખબર રહેતી. એકલી રહેતી એ બાઈ શિમલાની સર્દ હવામાં શું કરતી હશે? એ જાણે, અને શિયાળો જાણે. રેગ્યુલર ઓલિમ્પિકસ ગેમ્સ કરતાં જેમાં વધુ સ્ટેમિનાની જરૂર પડે એવા વિન્ટર ઓલિમ્પિકસથી લઈને,
ભારતમાં વસતા ભારતીયો ઘણી બધી બાબતે બહુ નસીબદાર છે. કુદરતના પણ આપણી ઉપર ચાર હાથ છે એનો અહેસાસ ઓછો છે આપણને. આપણા દેશમાં ક્યારેય કોઈ સીઝન એકસ્ટ્રીમ નથી જતી. (રાજસ્થાન, કાશ્મીર અને મેઘાલયના અપવાદ સિવાય). અહીં શિયાળો પણ કંટ્રોલમાં રહે છે અને સહારાના રણ કે અમેરિકાની ડેથ વેલી જેવું તાપમાન પણ ઊંચું નથી જતું. અને બધી ઋતુઓ કલીઅર કટ માણી શકાય છે. શિયાળો એટલે આપણે ત્યાં કુદરત તો ખરી જ પણ પોતાની જાતને રીનોવેટ કરવાનો મોકો. શિયાળો મફતમાં તમને અંદરથી રીજુવેનેટ કરી જાય છે જો તમે શિયાળાને આવકારો તો. લીલાછમ અને સસ્તા શાકભાજી અને એ શાકભાજીના ઘરે બનાવેલા ગરમ સૂપ(ના, બહારના સૂપમાં કોર્નફ્લોર જ ધીબેડયો હોય), શિયાળામાં આવતા ભરપૂર દ્રાક્ષ, સંતરા, દાડમ જેવા અનેક રસદાર ફળ, શાની અને જીંજરા અને દાડમ, ગરમ કાવો અને ઉકાળા અને કરીયાતાઓના થતા પ્રયોગો, કેસરોલમાં ઘી થીજવાથી ચોટી જતી રોટલીઓ અને વધારાની ખુશ્બૂ, દિવસ ટૂંકો અને લાંબી રાતના કારણે અંધારામાં-'હજુ સાંજના સાત જ વાગ્યા છે?!'ની અચરજભરી ફીલિંગ અને ક્રીમ-લોશન-વેસેલીનની સુગંધો; ઊંધિયું, ચીક્કી અને દાલબાટીની લહેજત, બધા શાક મિક્ષ કરીને માટલામાં પકવવામાં આવતું પ્રવાહી ઘૂંટો અને રોટલા ઉપરનું સફેદ ચમકતું માખણ, દાળઢોકળીના શીંગદાણા ઉપરથી ઉડતી વરાળ અને એવા સમયે તાપણું જો કર્યું હોય તો એની બાજુમાં બેસવામાં આવતી અનેરી લહેજત, બહારથી આવેલ કોઈ સ્વજન એના ઠંડા હાથ પેટ પર અડાડે તે અને નાહતી વખતે પહેલું ટમ્બલર નાખતા જે ગભરામણ થાય તે, અમેરિકન મકાઈના બાફેલા ડોડા અને ગાજરના હલવા, પીળા રંગની લીલી હળદર અને પાલક-કોથમીરના જુમલા, વહેલી સવારે પરાણે ઉઠીને ટયુશનમાં જવું પડે તે અને મોડી રાતે બેડરૂમની બારીમાંથી ત્રણ કિલોમીટર દૂરથી પણ ટ્રેનની વ્હીસલનો અવાજ સંભળાય તે ચોખ્ખા આકાશમાં દેખાતા નક્ષત્રો અને સ્વેટર પહેરી ઢબુરાઈને વાંદરા ટોપી પહેરવી તેની અસમંજસ, આખું ગામ સૂઈ ગયું હોય ત્યારે શિયાળાની અડધી રાતે ગમતું પુસ્તક વાંચવાનો રોમાંચ અને અચાનક દૂર કયાંકથી આવતી મસ્જીદમાંથી ઉઠતી બાંગનો કરતાલ અવાજ, થેપલા-પરોઠાને કારણે ઘરમાં થઈ જતો ધુમાડો ય વહાલો લાગે અને સવારે ઉઠીને બાઈક કે કાર પર ધુમ્મસ બાજવાને કારણે ઠરેલી ઝાકળ ઉપર પોતાનું કે કોઈ ન જુએ તેમ પ્રિપપાત્રનું નામ લખવું પણ વહાલું લાગે; ડબલબેડ ઉપર અને પહોળી રજાઈ નીચે જન્મસમયના પોશાકમાં રહેલ બે જુવાન શરીરોની મહેક અને સફરજન જેવા ગુલાબી થઈ જતા બાળકોના ગાલની ચમક, શિયાળા દરમિયાન મોડી રાતે મિત્રો સાથે આઈસક્રીમ એડવેન્ચર અને લગ્નસરાની સીઝનમાં મહાલવાનો આનંદ, ધુમ્મસમાં ઓછી થઈ જતી વીઝીબીલીટીમાં વોકિંગનું મહત્ત્વ અને મખમલી કંબલની હૂંફ અને એટલુંબધું શિયાળાનું સૌંદર્ય કે વાત કરતા ધરાઈયે જ નહિ.
ધીસ ઈસ વિન્ટર. આ છે શિયાળો. અમુક કમનસીબો ફૂટપાથ પર ટૂંટિયું વાળીને સુતા હશે કે ત્યાં સરહદ પર અમુક જવાનો પગના હિમડંખથી પીડાતા હશે. પણ જો શિયાળો ન હોત તો? આટલું સૌંદર્ય હોત? શિયાળો ન હોત તો, નેપોલિયન રશિયામાં જીતી ગયા પછી પણ હારીને પાછો ફર્યો હોત? શિયાળો ન હોત તો પ્રકૃતિને સોળે કળાએ ખીલી વસંત બનીને ઝૂમવાનું મન થતું હોત? શિયાળો ન હોત તો આખા જગતને ર્સ્ફૂિતવંત થઈ ફરીથી તરોતાજા થવાનો અવસર મળતો હોત? વિરાટવાચકો, શિયાળો આમ તો સર્વત્ર છે પણ એને માણી શકવાનું ચંદ નસીબદારો પાસે જ છે. શિયાળા દરમિયાન દેડકાની જેમ સુષુપ્ત રહેવાને બદલે ખુલ્લા દિલે હાથ ફેલાવીને, તન,મન,ધનથી આ તહેવારોના રાજને હબોહબ આપણી અંદર ભરી લેવો જોઈએ એવું નથી લાગતું?

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment