Saturday, 28 November 2015

[amdavadis4ever] આપણી પાસે મનની સાર વાર માટેન ો પટારો છે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ગયા વખતે આપણે વાત કરી રહ્યા હતા કે શરીરને નાની અમથી ઈજા પણ પહોંચે તો આપણે એને દવા લગાડવાથી માંડીને સારી એવી આળપંપાળ કરવા બેસી જઈએ છીએ. પરંતુ જેના પર આપણા શરીરનું સ્વાસ્થ્ય નિર્ભર છે એવી મનની ઈજાઓની મોટાભાગે અવગણના કરીએ છીએ, પછી એ ઈજા આપણને થઈ હોય કે આપણા સ્વજનોને.

અમેરિકાના માનસિક રોગના તજ્ઞ ડોક્ટર ગે વિન્ચે રોજબરોજના જીવનમાં આપણે જે માનસિક ઈજાઓનો ભોગ બનીએ છીએ એની એક યાદી તૈયાર કરી છે. 'ઈમોશનલ ફર્સ્ટ એઇડ' નામના પુસ્તકમાં તેમણે આ બધી માનસિક ઈજાઓનું વ્યવસ્થિત વર્ગીકરણ કરી અને એ વિશેની સમજણ આપી છે. 

રિજેક્શન અથવા બીજાઓ દ્વારા નકારી કાઢ્યા હોવાની લાગણી, એકલતા, નજીકની વ્યક્તિને ગુમાવવાની પીડા અને ખાલીપો, ધંધામાં મોટું નુકસાન કે પછી કુદરતી આફતને પરિણામે ઘર ગુમાવવાનો વારો આવે ત્યારે આપણે અંદરથી ભાંગી ગયાં હોઈએ એવી લાગણી થાય છે. અપરાધભાવ, નિષ્ફળતા, હીનભાવ જેવી ઠોકરો આપણે બધા જ અવારનવાર ખાતા હોઈએ છીએ. ડોક્ટર ગે વિન્ચના આ પુસ્તકમાં આ ઈજાઓ અને એની અસરની છણાવટ કરી છે. એના પર કેવા પ્રકારની મલમપટ્ટી કરી શકાય એનાં સૂચનો આપ્યાં છે.

ઘણા ડોક્ટરો રોગનું નિદાન સારી રીતે કરી શકે છે, એના વિશે જાણકારી આપી શકે છે, એ બીમારીને અવગણવાથી એ કેટલી હદે વકરી શકે છે એની પણ સમજણ આપી શકે છે પણ એના અસરકારક ઉપાય આપી શકતા નથી. ડોક્ટર ગે વિન્ચનું પુસ્તક વાંચ્યા પછી કંઈક આવી જ લાગણી થાય છે. ઉપરાંત જે પ્રાથમિક સારવારનું સૂચન કર્યું છે એ પશ્ર્ચિમના સામાજિક તેમ જ કૌટુંબિક વાતાવરણ માટે યોગ્ય હોય તોય આપણા માટે એ બહુ ઉપયોગી નીવડે એવું લાગતું નથી. એને કારણે એ બધાની ચર્ચા અહીં ઉપયુક્ત નથી. 

હકીકતમાં આપણને આવા કોઈ ઇમ્પોર્ટેડ ફર્સ્ટ એઇડ બોક્સની આવશ્યક્તા નથી કારણ કે આપણી પાસે પ્રાથમિક સારવારનું બોક્સ નહીં એક્સક્લૂઝિવ પટારો છે. ઘણી વખત કેટલીક વસ્તુઓ ઘરના ભંડકિયામાં કે પછી કોઈ ખૂણામાં ધૂળ ખાતી હોય અને અચાનક એ આપણે હાથે ચડી જાય કે કોઈ આપણને યાદ કરાવે ત્યારે ખ્યાલ આવે છે કે આટલી ઉપયોગી જણસ હાથવગી જ હતી અને છતાં આપણે એનો ઉપયોગ જ કરતા નહોતા.

સૌથી પહેલી વાત તો એ કે આપણા મન પર આવા ઘસરકાઓ પડે તોય એ આપણું ઝાઝું કંઈ બગાડી ન શકે એ માટે પરિવારોમાં જાણે-અજાણ્યે જ આપણને માનસિક રીતે તૈયાર કરવામાં આવતા. એક ઉદાહરણ આપું તો હજુ ત્રીસ-ચાળીસ વર્ષ અગાઉ આપણા વડીલો ધોકો ને ધડકી લઈને બચ્ચાંઓની પાછળ નહોતા પડી જતા કે પહેલો નંબર નથી આવ્યો તો તારી ચામડી ઉતરડી લઈશ. હા, આજના મા-બાપ પણ કંઈ રીતસર ચામડી ઉતરડી નથી લેતા પણ જે હદે હરીફાઈમાં તેમને ઉતારી દે છે બિચારાંને જો બે માર્ક પણ ઓછા આવે તો ચામડી પર કડકડતું તેલ પડ્યું હોય એવી માનસિક પીડા અનુભવતા હોય છે. થોડા વર્ષો અગાઉ અમારા પરિવારમાં એક છોકરો સાતમા કે આઠમા ધોરણમાં નાપાસ થયો હતો ત્યારે તેને બેવકૂફ, બુદ્ધિહીન, ડોબો કહીને ઉતારી પાડવાને બદલે (અમેરિકન ડોકટર ગે વિન્ચની ભાષામાં કહીએ તો તેના સેલ્ફ એસ્ટીમના ધજ્જિયાં ઉડાવી દેવાને બદલે) ઘરના વડીલે સાવ સહજતાથી કહ્યું હતું, વાંધો નહીં ભાઈ, લેસન પાકું થશે.

આપણે બાળપણથી જ શાસ્ત્રોમાં કહેવાયેલી આ વાત જુદી-જુદી રીતે સાંભળતા આવ્યા છીએ કે વ્યક્તિનો જન્મ, મૃત્યુ, વિદ્યા, સંયોગ અને વિયોગ- જીવનમાં કોની-કોની સાથે મેળાપ અને વિરહ થશે અને કેટલી નામના કે ખ્યાતિ પ્રાપ્ત થશે એ વ્યક્તિના ભાગ્યને આધીન છે. મનને ઠોકર વાગે તો એના પર મલમ તરીકે કામ કરી શકે એવું આ સાધન આપણને ગળથૂથીમાંથી જ મળ્યું હતું. 'જે ગમે જગતગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો' આ પ્રભાતિયું આપણે જિંદગીના પરોઢિયે જ સાંભળ્યું હતું અને આપણા માનસપટ પર એ અંકિત થઈ ગયું હતું. 

થોડા વર્ષો અગાઉ અંગત જીવનમાં બનેલી કેટલીક ઘટનાઓને કારણે મન પર ઈજા થઈ હતી અને પીડા લબકારા મારી રહી હતી. એ વખતે કોઈ માનસશાસ્ત્રી પાસે જવાને બદલે આપણા સંત કવિ મકરંદ દવે પાસે અનાયાસે પહોંચી ગઈ હતી. તેમના નંદીગ્રામ ખાતેના નિવાસસ્થાને કુદરતના સાનિધ્યમાં બેઠેલા ઋષિતુલ્ય મકરંદભાઈએ ત્રણ જ શબ્દો કહ્યા હતા અને સંતપ્ત મનને અદ્ભુત અને અકથનીય શીતળતાનો અનુભવ થયો હતો. એ ત્રણ શબ્દો હતા- 'ઠાકર કરે તે ઠીક.' આ ત્રણ શબ્દરૂપી મલમને લીધે અનેકવાર મન પર પડેલી ઈજાઓ તુરંત રુઝાઈ ગઈ છે. 

આવા જ કે આવા મતલબના શબ્દો આપણામાંના ઘણા બધાએ તેમના વડીલો પાસેથી સાંભળ્યા હશે કે ભગવાન જે કરે તે સારા માટે કે પછી ભાગ્યમાં લખ્યું હોય એમ જ થાય, વિધાતાના લેખ કોઈ બદલી શકતું નથી વગેરે વગેરે. શબ્દો કે રજૂઆત અલગ-અલગ હશે પણ એનો ભાવ તો એ જ રહ્યો છે. 'વક્ત સે પહેલે ઔર નસીબ સે જ્યાદા કિસી કો કુછ નહીં મિલતા' જેવા સંવાદો સાંભળીને આપણી એક આખી પેઢી મોટી થઈ અને એટલે જ વાતવાતમાં ડિપ્રેશ્ડ થઈ જવાને બદલે દરેક ઠોકર પછી સહેજ કળ વળે એટલે દોડતી રહી. આવું પોષણ આપણા મનને મજબૂત બનાવતું રહ્યું અને એટલે નાની-મોટી ચોટ જીવનમાં ગૅંગ્રીન ન બની શકી.

ઈશ્ર્વર પ્રત્યેની શ્રદ્ધા આપણને વારસામાં મળી છે. 'ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ'નું નિયમિત પઠન કરનાર જીવનમાં પડે-આખડે કે પછી તેનું સ્વજન તેને છોડીને જતું રહે અથવા સંબંધોમાં કોઈ દગો કરે તો ઘડીકવાર કદાચ તેને દુ:ખ થાય, પણ તેને એકલવાયાપણું કોરી ન ખાતું. તેના મનને કાયમ ધરપત રહેતી કે પરમાત્મારૂપી પિતા તેની પડખે જ છે. 

જીવનમાં નાની-નાની ઠોકરો જ નહીં પણ પહાડ જેવું દુ:ખ આવી પડે ત્યારેય ફસડાઈ પડતા બચાવી લે એવી સામગ્રીઓ આપણી પાસે છે. કર્મના સિદ્ધાંત- જેવું વાવો એવું લણો -ની સમજણ આપણને ગમે એટલી મોટી વિપત્તિમાં મદદરૂપ થવા તત્પર જ હોય છે. જીવનમાં નાની કે મોટી નિષ્ફળતા મળે કે કોઈ અંગત મિત્ર દગો કરે અથવા કોઈ છોડીને ચાલ્યું જાય તો પૂર્વજન્મનો હિસાબ ચૂક્તે થયો, ઋણાનુબંધ પૂરા થયા કે પછી કોઈક જન્મમાં તેણે મારા માટે કંઈક કર્યું હશે એના બદલામાં તે આ લઈ ગયો એ વાત આપણા ચરચરાટને હળવો કરે છે.

રામાયણ, મહાભારત કે પુરાણો આપણે ભલે વાંચ્યા ન હોય પણ એમાંની ઘણી બધી વાતો આપણે સાંભળી છે. આ બધા પ્રસંગો આપણા અસ્તિત્ત્વમાં વણાઈ ગયા છે. માનસશાસ્ત્રીઓની ભાષામાં કહીએ તો એ આપણા અવચેતન અને અચેતન મનનો હિસ્સો થઈ ગયા છે. જીવનમાં દુ:ખની ઘડી આવે ત્યારે આ પુરાણોમાંનું ડહાપણ આપણી વહારે આવે છે. દશરથ રાજાને ચાર-ચાર દીકરાઓ હતા અને એ પણ પાછા રામ, લક્ષ્મણ અને ભરત, શત્રુઘ્ન જેવા અને તોય અંતકાળે તેમની પાસે એક પણ પુત્ર નહોતો એ વાત સુખ અને દુ:ખ જિંદગીનો અનિવાર્ય હિસ્સો છે અને કોઈ એમાંથી બચી શકતું નથી એની યાદ અપાવે છે. આવું દુ:ખ મારા પર જ શા માટે? એવો પ્રશ્ન પછી આપણને સતાવતો નથી. 

આપણા અવતારપુરુષો રામ, કૃષ્ણ કે ધર્મરાજ યુદ્ધિષ્ઠિર, યોદ્ધા અર્જુન , બળશાળી ભીમ કે ભવિષ્યવેત્તા સહદેવ તેમ જ જેના પાંચ-પાંચ બળવાન અને સમર્થ પતિઓ હતા એવી દ્રોપદીને પણ વનવાસ વેઠવો પડ્યો હતો. આ વાતોનું સ્મરણ આપણા જીવનના કપરા કાળને સ્વીકારી લેવાની હામ આપે છે. નરસિંહ મહેતા જેવા કવિઓ પણ આપણને એનું સ્મરણ કરાવે છે કે 'સુખ દુ:ખ મનમાં ન આણીએ ઘટ સાથે રે ઘડીયાં/ ટાળ્યાં તે કોઈનાં નવ ટળે રઘુનાથના ઘડીયાં'

એક સંત પાસે એક પ્રૌઢ દંપતી આવ્યું. એ દંપતી ખૂબ જ વ્યથિત હતું કારણ કે તેમના બે દીકરાઓ વચ્ચે ખૂબ જ ઝઘડો ચાલતો હતો. બંને પરસ્પર વેરી થયા હતા અને એકબીજાનું મોં જોવા પણ તૈયાર નહોતા. સંતાનોને આ રીતે લડતા-ઝઘડતા જોઈને આ પતિ-પત્ની દુ:ખી હતા. સંતે તેમની વાત શાંતિથી સાંભળી અને પછી કહ્યું કે, 'તમે કૃષ્ણ કરતા તો સમર્થ અને શક્તિશાળી નથી જ ને?' આ પ્રૌઢ દંપતી એકદમ ચોંકી ગયું કે આ સંત શું બોલી રહ્યા છે? તેમના ચહેરા પર અચંબો જોઈને સંતે કહ્યું કે, તમે ભલે કદાચ મહાભારત કે ભાગવત્ વાચ્યું હોય પણ એટલું તો જાણતા જ હશો કે કૃષ્ણને ૧૬૮૦૧ રાણીઓ હતી અને તે દરેક રાણીને આઠ-દસ સંતાનો હતા. કૃષ્ણના પોતાના સંતાનોના અંદરોઅંદર યુદ્ધને લીધે તેમનો આખો વંશ જ ખતમ થઈ ગયો હતો. જ્યારે દુર્વાસા મુનિએ કૃષ્ણને પૂછ્યું હતું કે તમારા સંતાનો અંદરોઅંદર લડી રહ્યા છે તો તમે તેમને રોકતા કેમ નથી? ત્યારે કૃષ્ણે જવાબ આપ્યો હતો કે' જે કથાનો આરંભ થાય છે એનો અંત નિશ્ર્ચિત છે તો મારા કુળનો પણ નાશ થશે જ. બીજી વાત એ કે દુર્વાસાજી, તમે એ વાત ભૂલી રહ્યા છો કે તેમનો જન્મ મારા થકી થયો છે પણ તેઓ મારા નથી અર્થાત તેઓ મારા સંતાનો છે પણ હું તેમનામાં આસક્ત નથી' 

ભગવત્ગીતા તો એક એવો ખજાનો છે જેના થોડાક સૂત્રોને પણ આપણે જીવનમાં ઉતારી શકીએ તો જીવનના ગમે તેવા યુદ્ધો પણ આપણું કંઈ બગાડી ન શકે. આવા અનેક સાધનો, દવાઓ, મલમ અને જખમો પર પાટાપિંડી કરવા માટેની સામગ્રી આપણા પટારામાં મોજૂદ છે, જરૂર છે ફક્ત એને ફંફોસવાની અને ધૂળ ખંખેરીને ઉપોયગમાં લેવાની.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment