Friday, 27 May 2016

[amdavadis4ever] જેની હાજર ીમાં તમે તમારા પોત ાના પ્રેમમ ાં પડી શક ો એવો સંબ ંધ તમારા માટે ઉત્તમ .......પ્રેમમાં કે ટલું આપ્ય ું અને કેટ લું મળ્યુ ં એનું ઑડ િટિંગ કરવ ાનું ન હોય

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



લગ્નજીવન દરમિયાન અનેક લોકો પ્રસન્નતા અને સંતોષને બદલે અભાવ અને અધૂરપ અનુભવતા રહે છે એનું કારણ શું? આવા લોકોએ હાઈવેના ટ્રક ડ્રાઈવરો પાસેથી કંઈક શીખવાનું છે. ટ્રકની પાછળ તેઓ જે સૂત્રો લખે છે એમાંનું એક હોય છે: અપની ઔકાત મત ભૂલો. જેઓ પોતાની હેસિયત, પોતાની લાયકાત, પોતાની પાત્રતા ભૂલી જાય છે તેઓ લગ્નજીવનમાં જ નહીં, જીવનના તમામ પાસાઓમાં અભાવગ્રસ્ત મનોદશા અનુભવતા થઈ જાય છે. માણસ પોતાની જાતને તટસ્થ બનીને મૂલવે અને પોતાના જીવનના જમા-ઉધારનો ચોપડો અપડેટ કરતો રહે તો એને પ્રતીતિ થયા વિના નહીં રહે કે સરવાળે પોતાને જે કંઈ મળ્યું છે તે પાત્રતા કરતાં ઘણું વધારે મળ્યું છે અને જે કંઈ નથી મળ્યું એના માટે બીજું કોઈ જવાબદાર નથી.

દાંપત્યજીવન શરૂ કરવું કે નહીં અને જો કરવું તો કોની સાથે કરવું તે નક્કી કરતાં પહેલાં સમજી લેવું જોઈએ કે સારું દાંપત્યજીવન આપમેળે નથી સર્જાતું. એ માટે મહેનત કરવી પડે છે. પોતાના પતિમાં કે પોતાની પત્નીમાં જે કંઈ ખામીઓ દેખાઈ રહી છે તે એનામાં ન હોત તો લગ્નજીવન બહેતર હોત એવા નિસાસાઓ નાખીને બેસી ન રહેવાય. આ એક સંબંધ એવો છે જેમાં બીજાની ખામીનો ખાંચો દેખાય તો પોતાના વ્યક્તિત્વને ઊંચે ઉઠાવીને એ ખાંચો પૂરી દેવાનો હોય.

પણ સાથે રહેવાની ટેવ પડી ગયા પછી આવું કરવાનું સૂઝવાની વાત તો બાજુએ રહી, એકબીજા પ્રત્યે આદર વ્યક્ત કરવાનું પણ ભાગ્યે જ સૂઝતું હોય છે. બીજી વ્યક્તિ પોતાના જીવનમાં કેટલો મહત્ત્વનો ભાગ ભજવે છે. એના થકી શું શું જીવનમાં મળી રહ્યું છે અને એ ન હોત તો જીવનમાં શું શું ન હોત એવું સતત વિચાર્યા કરવાથી એ વ્યક્તિ પ્રત્યે ઊંડા અંતરથી આદર વ્યક્ત કરી શકાય. એકબીજાને સતત ધુત્કારતાં અને વારેવારે હડધૂત કરતાં બે જણના લગ્નજીવનમાં અપમાનિત થનાર વ્યક્તિ કરતાં વધુ દુખી, અપમાન કરનાર થાય છે. પોતાના આ વર્તનનો સંતાપ એણે આજીવન ભોગવવો પડે છે.

ચોવીસ કલાકનો સહવાસ અનિવાર્યપણે એકબીજા માટેની ઉપેક્ષામાં પરિણમે છે. જે વ્યક્તિને તમે અગાઉ દર વખતે અપ-ટુ-ડેટ તૈયાર થયેલી જોઈ હોય, એનું અક્ષુણ્ણ વર્તન અનુભવ્યું હોય એ વ્યક્તિને તમારે લગ્ન પછી ચોળાયેલાં કપડાંમાં, વિખરાયેલા અસ્તવ્યસ્ત વાળ સાથે, ઊંઘમાંથી ઊઠીને બગાસાં સહિતનાં અનેક શારીરિક અવાજો કરનાર વ્યક્તિ તરીકે સ્વીકારવી પડે છે. અત્યાર સુધી દાબી રાખેલું વ્યક્તિત્વનું વરવું પાસું ધીમે ધીમે બહાર આવી જાય છે. અઠવાડિયે એક કે બે વાર મળવાનું થતું હોય ત્યારે બે-ચાર કલાક સુધી સામી વ્યક્તિને પસંદ પડે એવું વર્તન કરવું સહેલું છે. ક્યારેક બેચાર દિવસ સુધી સળંગ એવું વર્તન કરી શકો. પણ જિંદગી આખી ચોવીસે કલાક બીજી વ્યક્તિને ગમે એ પ્રકારનું વર્તન કરવું અઘરું જ નહીં, અશક્ય પણ છે. આવા વખતે તમારા પોતાના વ્યક્તિત્વની ખરાબીઓ બહાર આવ્યા વિના રહેતી નથી. અગાઉ બત્રીસલક્ષણી લાગતી વ્યક્તિમાં લગ્નનાં થોડાં જ વર્ષોમાં તમને દુનિયાની તમામ બુરાઈઓ દેખાવા માંડે ત્યારે વાંક એ વ્યક્તિનો નહીં, તમારી પોતાની સમજ અને તમારી પોતાની અપેક્ષાઓનો છે.

ગમતી વ્યક્તિની સાથે રહેવાનું નક્કી કર્યા પછી એનામાં દેખાવા માંડેલી ઊણપોને પણ જો તમે સ્વીકારી શકો તો એ ખરો પ્રેમ છે. અને આ વાત સમજતાં પહેલાં કોઈની સાથે રહેવાનો નિર્ણય લઈને જિંદગી આખી માટે એને ને તમને પોતાને દુખી કરવાનો કોઈ અર્થ નથી. ૨૫થી ૪૦ની ઉંમર પ્રેમના આ બીજા તબક્કાને સમજવાની ઉંમર છે.

અને ઉંમરનો આ ૧૫ વર્ષનો ગાળો આ ૭ વાતની સપ્તપદીને ટ્રાયલ ઍન્ડ એરર દ્વારા જીવનમાં ઊંડે સુધી ઉતારી દેવાનો છે. એટલે ઊંડે સુધી કે આ પછી આવનારાં ૪૦થી ૬૦ વર્ષ સુધી ચાલનારા પ્રેમના ત્રીજા તબક્કાનાં ૨૦ વર્ષ દરમિયાન અને ૬૦થી ૮૫ વર્ષ સુધી ચાલનારા પ્રેમના ચોથા તબક્કામાં ૨૫ વર્ષ દરમિયાન કોઈ ધારે તો ય આ પાયાને હચમચાવી ન શકે. પ્રેમનો બીજો તબક્કો પૂરો થાય તે પહેલાં, આયુષ્યનાં ૪૦ વર્ષ પૂરાં થાય તે પહેલાં આ ૭ વાતની સપ્તપદી જીવનમાં ઉતારી લેવી જોઈએ. માત્ર લગ્નસંબંધથી જોડાયેલી બે વ્યક્તિઓએ જ નહીં, લગ્ન વિના સમાજમાં સાથે રહેતી વ્યક્તિઓએ અર્થાત્ લિવિંગ ઈન રિલેશન્સથી જોડાયેલી વ્યક્તિઓએ તેમ જ લિવિંગ આઉટ રિલેશનશિપમાં હોય એવી વ્યક્તિઓએ તેમ જ લગ્નેતર સંબંધોથી જોડાયેલી વ્યક્તિઓએ - આ ચારમાંના કોઈપણ પ્રકારના સંબંધોથી જોડાયેલી વ્યક્તિઓએ ઉંમરના ૪૦ વર્ષ પૂરાં થાય તે પહેલાં ટ્રાયલ ઍન્ડ એરરથી છેવટે આટલી ૭ તકેદારી રાખતાં શીખી જવું પડે કારણ કે એના વિના કોઈપણ સંબંધની જીવંતતા ઓછી થઈ જાય અને વખત જતાં આમાંનો કોઈપણ સંબંધ મૃત:પ્રાય બની જાય. લગ્નસંબંધ, લગ્નેતર સંબંધ, લિવિંગ ઈન રિલેશનશિપ - આ ત્રણ તો તમને ખબર છે. લિવિંગ આઉટ એટલે? એક ઘરમાં રહ્યા વિના બેઉ જણ એકબીજા માટે કમિટેડ છે એવા પ્રેમની સમજૂતી એટલે લિવિંગ આઉટ રિલેશનશિપ. જોકે, આપણે ત્યાં તો હજુ માંડ લિવિંગ ઈન રિલેશનશિપનો સ્વીકાર થવા માંડ્યો છે ત્યાં લિવિંગ આઉટ રિલેશનશિપની ક્યાં વાત કરવી. વાર લાગશે. ઍની વે. સાત વાત:

પહેલી વાત: કોઈ પણ કાયમી સંબંધના પ્રાથમિક તબક્કે વ્યક્તિએ પોતાની સાથે, અને સામેની વ્યક્તિ સાથે, બેસીને ચાર બાબતોની સ્પષ્ટતાઓ કરીને ચાર યાદીઓ તૈયાર કરી લેવી જોઈએ. પછી એ યાદીને સમયાંતરે જોતાં રહીને તપાસવું જોઈએ કે નક્કી કરેલા મુદ્દાઓમાંથી શું બની રહ્યું છે, કેવું બની રહ્યું છે અને શું નથી બની રહ્યું, શા માટે નથી બની રહ્યું.

આ ચાર પેટા મુદ્દાઓમાંનો પહેલો એ કે આ સંબંધમાં આપણે ભૌતિક સ્તરે શું શું કરવું છે, શું શું જોઈએ છે. દા.ત. યાદીની શરૂઆત ફરવા જવાના સ્થળથી થઈ શકે અને તેનો વ્યાપ અનેક ક્ષેત્રો સુધી પહોંચી શકે જેમાં ઘરમાં ક્યા પ્રકારનું ઈન્ટિરિયર જોઈએ છે તેનો પણ સમાવેશ થઈ જાય. બીજો પેટા મુદ્દો: ભૌતિક સ્તરે શું શું નથી કરવું કે શું શું નથી જોઈતું એની પણ યાદી તૈયાર કરી દેવાની. દા.ત. માસીની નણંદની પાડોશીને ત્યાં લગ્ન હોય તો રૂબરૂ આવીને કંકોત્રી આપી હોવા છતાં ત્યાં નથી જવાનું. અથવા તો ગમે એટલા પૈસા કમાઈ ગયા પછી પણ ઘર-ગાડી - લાઇફસ્ટાઇલને અમુક હદથી વધુ અપગ્રેડ નથી કરવાં.

ત્રીજો પેટા મુદ્દો: અભૌતિક સ્તરે શું શું નથી કરવું. દા.ત.: ધંધા-નોકરીમાં અપ્રામાણિકતા આચરીને કે ચોરીના માલની કે કોઈને છેતરીને કરેલી કમાણીમાંથી ઘર નથી ચલાવવું. આ વિષયની યાદી પણ એટલી જ વ્યાપક બની શકે. ચોથો પેટા મુદ્દો: અભૌતિક સ્તરે શું શું કરવું છે, જેમાં જીવનના કયા કયા વિચારોને વ્યવસ્થિત ઉછેરવા છે એ અંગેની યાદી તૈયાર થાય. આ ચાર મુદ્દા તમારા પ્રેમસંબંધને આપવા ધારેલા આકારનો નકશો છે.

બીજી વાત: પ્રેમ પાંગરતો રહે અને ગૂંગળાઈ ન જાય એ માટે બેઉ વ્યક્તિએ એકબીજાની નિકટ રહેવા એકબીજાની વચ્ચે ભરપૂર અવકાશયુક્ત જગ્યા રાખવી પડે. બંધિયાર વાતાવરણમાં ન વ્યક્તિ ખીલી શકે, ન પ્રેમ વિકસી શકે. દરેક વ્યક્તિએ સામેની વ્યક્તિને બંધનમાં નાખ્યા વિના એના વ્યક્તિત્વને વિકસવા માટે બને એટલી વધુ જોગવાઈ કરી આપવી જોઈએ અને એની શરૂઆત બીજી વ્યક્તિનો ફોનમાં એના વૉટ્સઍપ મૅસેજીસ જોવાનું બંધ કરીને થઈ શકે. જેના જીવનમાં પહેલેથી જ એવું થઈ ગયું હોય તો લખનારનાં અભિનંદન સ્વીકારીને એક વિનંતીને માન્ય રાખશો કે ભવિષ્યમાં કંઈ પણ થાય, સામેની વ્યક્તિની પાંખો કાપી લેવાની કુચેષ્ટા નહીં કરતા. સામેની વ્યક્તિનું વ્યક્તિત્વ જેટલું ખીલશે એટલો તમારો આનંદ વધશે.

ત્રીજી વાત: લગ્ન સહિતના કોઈપણ પ્રેમસંબંધમાં બેઉ વ્યક્તિઓ પાસે ખૂબ બધા રસના વિષયો હોવા જોઈએ. સવારના પહોરમાં ચિન્મય મિશનના સ્વામી બ્રહ્માનંદના કંઠે ગવાયેલા ભગવદ્ ગીતાના શ્ર્લોક સાંભળવાથી માંડીને સાંજે એન્ટિક્વિટીના કડક પેગ સુધીના અનેકવિધ નિર્દોષ, સાત્વિક આનંદો ભરપૂર પ્રામાણિકતાથી માણી શકાય એવી રેન્જ માણસમાં જોઈએ. આમાંથી પાંચ-દસ વધુ ગમતા વિષયો હોય અને બે-ચાર એવા વિષય હોય જેમાં કાયમ રચ્યાપચ્યા રહેવાનું મન થાય. મુગ્ધાવસ્થાના પ્રથમ તબક્કાથી માંડીને પ્રૌઢાવસ્થાના છેક છેલ્લા તબક્કા સુધીની વિચારશ્રેણીઓનો સમાવેશ એક જ વ્યક્તિમાં થતો હોય એવું શક્ય છે. આવી વ્યક્તિઓ જ્યારે પ્રેમથી સાથે રહેતી હોય ત્યારે ખરેખર સ્વર્ગ રચાય.

ચોથી વાત: ઉત્તમ સંબંધ એ છે જે તમારામાં રહેલી ઉત્તમ બાબતોને બહાર લાવે, તમારામાં રહેલી નકામી વસ્તુઓને ધીમે ધીમે જાકારો આપે. જેની હાજરીમાં તમે તમારા પોતાના પ્રેમમાં પડી શકો એવો સંબંધ તમારા માટે ઉત્તમ. ક્યારેક લાગે કે તમારામાં રહેલાં આ જ બધાં સુલક્ષણો પ્રત્યે હજુ સુધી તમારું પોતાનું જ ધ્યાન કેમ નહોતું ગયું.

પાંચમી વાત: દોષ દરેકમાં હોય. એ પોતાના હોય ત્યારે સુધારવાના, બીજાના હોય ત્યારે સમજવાના. દરેક પ્રેમસંબંધ એક પૅકેજ ડીલ છે. બધું જ એક સાથે તમને મળે છે. કશુંક ન જોઈતું હોય તો બદલી શકાતું નથી, માટે પરાણે બદલાવવાની કોશિશ કરવાને બદલે એને સામેથી બદલવાની પ્રેરણા થાય એવું પ્રસન્ન વાતાવરણ સર્જી આપવું. શક્ય છે કે એણે પોતે પણ અમુક બાબતે બદલાવાનું નક્કી કર્યું હોય પણ અત્યાર સુધી એવી તક ન મળી હોય. દબાણ કરવાને બદલે કે ફરજ પાડવાને બદલે માત્ર આવી તક પૂરી પાડવાથી પણ ધાર્યું કામ થઈ જતું હોય છે.

પોતાની અને સામેની વ્યક્તિની સારી સારી બાજુઓ માટે મનોમન ગૌરવ લેવાથી અને દોષો પ્રત્યે સભાનતા કેળવવાથી માણસ આત્મનિંદા કે આત્મદયાના બિચારાપણામાંથી, લાચાર મનોદશામાંથી બહાર નીકળી જાય. એકબીજાની સાથે નાની મોટી વાતે સમાધાન કરવાની ક્ષણો આવે ત્યારે બીજા પર ઉપકાર કરતાં હોઈએ એવી ભાવના જતાવવાને બદલે એને કશાકની ભેટ આપી રહ્યા છીએ એવી ભાવના રાખવાથી સંબંધમાં કેટલો મોટો અને સુંદર તફાવત પડી શકે એનો અનુભવ તમે કર્યો છે ક્યારેય?

છઠ્ઠી વાત: પ્રેમસંબંધમાં જ્યારે તક મળે ત્યારે એની સાથેની દરેક ક્ષણ માણી લેવી. આવા સમયે ભૂતકાળને વાગોળવો નહીં કે ભવિષ્યનાં સપનાં (કે પછી કાલ્પનિક ભય)ને જોવાં નહીં. એ જ ક્ષણને, વર્તમાનની એ જ પળને માણીને એમાંથી ભરપૂર આનંદ મેળવી લેવો. સંબંધો વર્તમાનમાં થતાં વ્યવહાર-વર્તનને કારણે જ ઊછરે છે. ભવિષ્યમાં શું બનશે ને શું નહીં તેનો થોડો ઘણો ખ્યાલ જરૂર હોય પણ વાદળાં વરસતાં નથી ત્યાં સુધી નક્કી થઈ શકતું નથી એનાંથી જળાશય કેટલું છલકાશે. ભૂતકાળના રોમાંચો કે જખ્મોને યાદ કરીને નૉસ્ટેલ્જિક બની જવાની મઝા છે, પરંતુ એ મઝા લંબાતી રહેશે તો આજની ઘડી ચૂકી જવાશે, વર્તમાનની મઝા લેવાનું રહી જશે. આવું થશે તો ભવિષ્યમાં તમને હંમેશાં વાસી ભૂતકાળ જ મળશે, ઝાકળતાજા ભૂતકાળની મઝા લેવા વર્તમાનને જ હર્યોભર્યો બનાવવો પડે.

સાતમી અને છેલ્લી વાત: કેટલાંક લગ્નો અને કેટલાક પ્રેમ-સંબંધો ત્રીજા દિવસની શાકભાજી જેવાં હોય છે. કાછિયો એના પર ગમે એટલું પાણી છાંટે એની લીલોતરીનો ભૂતકાળ પાછો આવી શકતો નથી. વિસર્જનનું મહત્ત્વ આપણી સંસ્કૃતિએ સ્વીકારેલું છે. ગણેશવિસર્જનનો તો ઉત્સવ મનાવવામાં આવે છે. દરેક અંગત સંબંધ વ્યક્તિ પોતાના માટે બાંધે છે; મા-બાપ, કુટુંબીઓ કે સમાજ - મિત્રોનું કે જ્ઞાતિજનોનું ભલું કરવા નહીં. આવા અંગત સંબંધને વ્યક્તિએ છોડવો હોય તો તેમાં એણે પોતાનો જ વિચાર કરવાનો હોય; મા-બાપ શું કહેશે, પાડોશીઓ શું બોલશે કે મિત્રો કેવી કૂથલી કરશે કે સમાજ-જ્ઞાતિમાં કેવું દેખાશે તે વિશે વિચારવાનું ન હોય. જે મૃત થઈ જાય તેનાં અંતિમસંસ્કાર વહેલામાં વહેલી તકે કરી નાખવા પડે.

રમેશ પારેખના મુંબઈના સન્માન સમારંભમાં સુરેશ દલાલે કહ્યું હતું કે, 'લોકો પૂછે છે કે રમેશની કવિતામાં જે વારંવાર દેખા દે છે એ સોનલ કોણ છે? આ સોનલ આપણા ગયા જન્મનો ડૂમો છે, આ સોનલ આપણા આ જનમની અભિવ્યક્તિ છે અને આ સોનલ આપણા આવતા જનમનું આશ્ર્વાસન છે.'

જોકે, સુરેશભાઈએ સાથે સાથે એ પણ જણાવી દેવાની જરૂર હતી કે આ સોનલ જ્યારે પ્રિયતમામાંથી પત્ની બની જાય છે ત્યારે ગયા જન્મનો કકળાટ, આ જનમનો કજિયો અને આવતા જનમનો કંકાસ બની જાય એ પણ શક્ય છે. શોભિત દેસાઈએ કહ્યું છે: 'જે વ્યક્તિની સાથે દરિયાની રેતી પર બેસીને આથમતા સૂરજના રંગો નિહાળ્યા હોય એની સાથે રોજ સવારે ધોબીની ડાયરીમાંના હિસાબની ચર્ચા નથી થઈ શકતી.'

લગ્ન એક એવો વિષય છે જેને એક પ્રથા તરીકે માત્ર સમાજશાસ્ત્રની દૃષ્ટિએ જુઓ તો એનાં ઘણાં બધા પાસાં ઊઘડ્યા વિનાનાં રહી જાય અને લગ્નને માત્ર એક રોમૅન્ટિક કલ્પના તરીકે કવિ-સાહિત્યની દૃષ્ટિએ જુઓ તો પણ એનાં અનેક પાસાં બહાર આવ્યા વિનાનાં રહી જાય. લગ્નનું સત્ય સમાજશાસ્ત્ર અને રોમેન્ટિસિઝમના બે અંતિમોની વચ્ચે છે.

લગ્નમાં કે ફૉર ધૅટ મૅટર કોઈપણ પ્રેમસંબંધમાં બે આત્માઓ એક થઈ જાય એવી રોમૅન્ટિક પરંપરાની વિચારણા છે - દો જિસ્મ ઔર એક જાન! પણ વાસ્તવિકતા એ છે કે લગ્નમાં કે કોઈ પણ પ્રેમસંબંધમાં બેઉ વ્યક્તિઓએ પોતપોતાની આગવી ઓળખ જાળવી રાખવી જોઈએ.

લગ્ન સહનશક્તિની મર્યાદાની કસોટી કરવાની પ્રયોગશાળા નથી. આપણાં મા-બાપોએ, એમનાં મા-બાપોએ કે એમનીય આગલી પેઢીનાં આપણા વડવાઓ એકબીજાને 'ચલાવી લીધાં' હોય એ શક્ય છે. આજે એકબીજાંને ચલાવી લેવાની સુષુપ્તાવસ્થાને બદલે એકબીજાંને પ્રયત્નપૂર્વક સમજવાની જાગ્રત પ્રક્રિયા સતત ચાલતી રાખવી પડશે.

જિગ્ઝો પઝલના બે વાંકાચૂંકા ટુકડા જેવાં બે વ્યક્તિત્વો એકબીજા સાથે ફિટ થઈ શકે ત્યારે આદર્શ લગ્નજીવન સર્જાતું હોય છે. તકલીફ એટલી છે કે પઝલની જેમ અહીં વારંવારના ટ્રાયલ ઍન્ડ એરરને અવકાશ નથી. વારાફરતી એક પછી એક ટુકડો ઉઠાવીને એ તમારી સાથે ફિટ થાય છે કે નહીં એવા ઝાઝા પ્રયોગો તમે લગ્નમાં કે લગ્નની બહાર કરી શકતા નથી. જે સમાજમાં એવું થઈ શકે છે ત્યાં દરેકને છેવટે પોતાના વ્યક્તિત્વ સાથે ચુસ્તપણે બંધબેસતો ટુકડો મળી જ જશે એની કોઈ ગૅરન્ટી હોતી નથી.

કોઈ પણ પ્રેમસંબંધ એના પ્રથમ તબક્કામાં જેવો હોય છે એવો કાયમ રહી શકતો નથી. કાં તો એ વિકસે અથવા મુરઝાઈ જાય. સતત માંજીને ઊજળા રાખવાના સંબંધ પ્રત્યે બેધ્યાન થઈ જવાથી વખત જતાં એને કાટ લાગે છે. લેવું જ અને આપવું કશું જ નહીં એવી માનસિકતા એમાંથી એક વ્યક્તિની હોય કે થઈ જાય ત્યારે પ્રેમનું અસ્તિત્વ જોખમમાં મુકાય છે. આની સામે, આપ-લેની આ વાતને ત્રાજવામાં મૂકીને સતત બે પલ્લાની સમતુલા જાળવવા માગતા પ્રેમમાં કૃત્રિમતા પેસી જાય છે. કેટલું આપ્યું અને કેટલું મળ્યું એનું ઑડિટિંગ જ્યાં ન થતું હોય એ પ્રેમમાં જ સાહજિકતા અને તાજગી જળવાઈ રહે છે.

માણસ પ્રેમમાં શું કામ પડે છે? પોતે જે કંઈ લાગણીઓ પામી શક્યા નથી એ તમામ સામેની વ્યક્તિ પાસેથી પામવાની ઝંખનાને કારણે પ્રેમ સર્જાય છે. માણસ પ્રેમ કરે છે પોતાનાં સપનાંઓ સાકાર કરવા માટે, પોતાની ખુશી માટે, પોતાના સંતોષ માટે. આવું કરતી વખતે સામેની વ્યક્તિનાં પણ સપનાં સાકાર થઈ જાય, સામેની વ્યક્તિને પણ ખુશી અને સંતોષ પ્રાપ્ત થાય તો એ આડલાભ છે, હેતુ એવો નથી હોતો. સામેની વ્યક્તિને ખુશ જોવાની ઈચ્છામાં પણ છેવટે તો પોતે સંતોષ મેળવવાનો હેતુ રહેલો હોય છે.

અહીં સવાલ એ ઊભો થાય છે કે શું પ્રેમ સ્વાર્થી છે?

જો પ્રેમ સ્વાર્થી હોય તો પ્રેમમાં એકમેકની લેવાતી નિર્દોષ કાળજીને શું કહીશું? એકમેકનાં સુખદુ:ખમાં સહભાગી થઈને પરસ્પરની લાગણીઓને સરખે હિસ્સે વહેંચી લેવાની તમન્નાને શું કહીશું? પ્રેમનો આરંભ કદાચ સ્વાર્થને લીધે થતો હશે. પ્રેમનો વિકાસ થતો જાય એમ આ સ્વાર્થ એક વ્યક્તિનો મટીને બેઉનો સામાન્ય સ્વાર્થ બની જતો હોય છે, બેઉનો એકસમાન હેતુ બની જતો હોય છે. બેઉ વ્યક્તિના સ્વાર્થની દિશા જ્યારે એક બની જાય છે ત્યારે માણસ પોતાની હારને પ્રિય વ્યક્તિની જીત ગણીને ઊજવતો હોય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment