Wednesday, 10 February 2016

[amdavadis4ever] બોલીવૂડની બ ીજી બાજુ: ઊ જળા પડછાયા, કાળો રસ્તો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ટાઇટલ્સ: ઇમોશનલ બ્લેકમેઈલ એ રેશમમાં વીંટેલ હત્યા છે (છેલવાણી) 

દૃશ્ય-૧, ૨૦૧૧-૧૨

ફિલ્મી પાર્ટીમાં,એક છોકરી ટૂંકા કપડાંમાં પ્રવેશે છે.મિત્રોનાં ગ્રુપમાંથી પીઠ પર સ્હેજ ધબ્બો મારે છે.છોકરી ચીસ પાડી ઊઠે છે.ફ્રેંડ,'સોરી'કહે છે.ત્યારે છોકરી કહે છે,'રોજ ચાર-ચાર કલાક જિમ્નેશિયમમાં કસરત કરું છું એટલે આખું શરીર દુ:ખે છે!'તો ફ્રેંન્ડઝ એને પૂછે છે,'ચાર-ચાર કલાક કસરત કરવાની શું જરૂર છે?'પેલી છોકરી ભીની આંખે કહે છે,"જિમમાં આટલી કસરત નહીં કરું તો મને થાક નહીં લાગે..થાકીશ નહીં તો રાત્રે ઊંઘ નહીં આવે..ઊંઘ નહીં આવે તો બીજે દિવસે ચહેરો સૂજી જશે.ચહેરો સૂજી જશે તો કામ નહીં મળે અને કામ નહીં મળે તો અત્યારે જેમ આખો દિવસ ઘરમાં ગાંડાની જેમ બેઠી રહું છું,રાતે પડખાં ઘસું છું એવું જ ચાલ્યાં કરશે..બે વર્ષથી એક દિવસ પણ શૂટિંગ નથી કર્યંુ.લખનઊથી મમ્મીનાં ફોન આવે છે તો 'બિઝી છું' કહીને તરત મૂકી દઉં છું જેથી એ મારાં અવાજ પરથી સચ્ચાઇ પકડી ના પાડે સૌ ચૂપ થઇ જાય છે..એ બધાંની પણ લગભગ આ જ કથા છે.ઝંખવાયેલાં મેકઅપ અને આવતીકાલની ઉજળી આશા સાથે એ સૌ અંધારિયા રસ્તે નીકળી પડે છે.

દૃશ્ય-૨, ૧૯૫૦થી ૬૦

મુંબઇના ખાલી ફ્લેટમાં મોતીલાલ નામનો મહાન એકટર, એક જમાનાના હીરો ચંદ્રમોહન સાથે શરાબ પી રહ્યો છે.આજે ચંદ્રમોહન પાસે પૈસો કે કામ નથી.મોતીલાલે પણ ફિલ્મો પ્રોડયુસ કરીને કરીને બહુ માર ખાધો છે.બેઉ નામશેષ સ્ટાર્સ વેદનાનાં તાપણાં પાસે બેઠા છે..આવી ઉદાસ સાંજો એમનું રોજનું રૂટીન છે..પણ આજે ચંદ્રમોહન 'વેટ-૬૯' નામની મોંઘી શરાબ એકલો એકલો પી રહ્યો છે.મોતીલાલને નવાઇ લાગે છે કે દિલદાર ચંદ્રમોહન એને એક પેગ પણ ઓફર નથી કરી રહ્યો? મોડી રાત્રે મોતીલાલ જવાં નીકળે છે ત્યારે ચંદ્રમોહન એને ભેટીને કહે છે:"સોરી યાર,મેં તને એકપણ પેગ ઓફર ન કર્યો..કારણકે સાચું કહું?વેટ-૬૯ની મોંઘી વિદેશી શરાબની બોતલમાં હું દેશી દારૂ ભરીને પી રહયો હતો!એ તને ઓફર કઇ રીતે કરું?'થોડા દિવસો પછી ચંદ્રમોહન,એકપણ રૂપિયા વિનાં સડક પર મરી જાય છે."ઝિંદગી ખ્વાબ હૈ..ખ્વાબ મેં જૂઠ કયા ઔર ભલા સચ હૈ ક્યા?'ગીત ગાનારો મોતીલાલ પણ ઝિંદગીને ખ્વાબની જેમ જીવીને દેવાદારની હાલતમાં મૃત્યુ પામે છે.

દૃશ્ય-૩

૧૯૭૦-૮૦

દેશ મુખર્જી, બંગાળથી મુંબઇ ફિલ્મલાઇનમાં કલા-નિર્દેષક બનવા આવેલો.રહેવા માટે ઘર નહોતું એટલે એણે એક અજીબ ઉપાય શોધ્યો. ૧૦ વર્ષ સુધી એ મુંબઇની સાયન હોસ્પિટલમાંના મોર્ગ કે મુર્દાઘરમાં મડદાંઓ વચ્ચે,ઠંડાગાર ઓરડામાં રોજ રાત્રે ચૂપચાપ સૂઇ જતો.જીવતાં માણસોએ એને સાથ ના આપ્યો તો પછી એણે મડદાંઓ વચ્ચે હુંફ શોધી લીધી! કદાચ એ મડદાંઓ સાથે વાતો કરતો હશે,'ડોન્ટ વરી,તમારી વચ્ચે આવીને હું સૂઇ જાઉં એ પહેલાં એકવાર મારું સપનું પૂરું કરીશ'

દૃશ્ય-૪ 

૧૯૯૭-૯૮

દીપક નામનો હિંદી સાહિત્ય,અંગ્રેજી ફિલ્મોનો અભ્યાસુ યુવાન મારી સાથે 'નુક્કડ' જેવી અમુક સિરિયલોનાં એપિસોડ લખતો.એણે ૭-૮ ફિલ્મોની સ્ક્રિપ્ટ એણે લખેલી..દિવસે સિરિયલો લખે,રાત્રે ફિલ્મ સ્ક્રિપ્ટનાં ડ્રાફટ બનાવે,વચ્ચે વચ્ચે ડાયરેક્ટર પ્રોડયુસરને ત્યાં ધક્કા ખાય.પેંઇગગેસ્ટ તરીકે રહીને દિવસમાં એક જ વાર જમે. આંખમાં સપનાંઓનું ભાથું લઇને ૧૦ વર્ષ ઝઝૂમ્યો..એક દિવસ અચાનક મને એનો ફોન આવ્યો,'યાર,બોલીવૂડમાં કંઇ થાય એમ નથી..હું અમેરિકા જઇ રહ્યો છું,ત્યાં એરપોર્ટ પર ટોઇલેટ સાફ કરવાની નોકરી મળે એમ છે!'હું કાંઇ કહેવા જાઉં એ પહેલાં ફોન મૂકી દે છે.અઠવાડિયા પછી ફરી અચાનક ફરી એનો ફોન આવે છે,'હમણાં અમેરિકાની ફલાઇટ પકડી રહ્યો છું.મારી સાથેનાં મુસાફરો ખુશ છે કારણકે એ લોકો અમેરિકામાં નોકરી-ધંધા માટે હોંશેહોંશે જઇ રહ્યા છે,પણ હું તો હારીને જઇ રહ્યો છું,હું પરાજિત સિપાહી છું..આજે ૧૦ વર્ષ પછી બોલીવૂડમાં લોકો મારો ફોન નથી ઉપાડતાં,મને જોતાંવેત બારણા બંધ કરી દે છે.તને ખબર છે,આ ક્ષણે હું દિલમાં શું પ્રાર્થના કરી રહ્યો છું?એજ કે હે ઇશ્ર્વર,મારી અમેરિકાની ફલાઇટ હવામાંજ બ્લાસ્ટ થઇ જાય કે દરિયામાં પડી જાય..કારણકે મારે હારીને નથી જવું..'એનો ફોન કપાઇ જાય છે.એ કપાયેલાં ફોનની ખામોશી,એકસાથે એક હજાર વીંછીના ડંખ જેટલી પીડા આપે છે..

'બંદીની'ફિલ્મના બંગાળી લેખક જરાસંધે, જેલર તરીકેના અનુભવો પર એક કિતાબ લખેલી,જેના ગુજરાતી અનુવાદનું નામ છે:"ઉજળાં પડછાયા,કાળી ભોંય'.બોલીવૂડની ડાર્કસાઇડ માટે એ કેવું ફીટ છેને? તમે કહેશો: સો વ્હોટ?આવી અગણિત સંઘર્ષકથા વરસોથી બોલીવૂડમાં ચાલ્યાં જ કરે છે.પણ ના,બોલીવૂડ એક લોહીયાળ લોહચુંબક છે..આખા દેશમાંથી સૂટકેસમાં સપનાંઓ ભરીને જુવાનો અહીં આવીને વસે છે.એક ફલેટમાં ૬-૬-૭-૭નાં ટોળાંમાં રહે છે.હજારોના ખર્ચે ફોટા પડાવીને,ફિલ્મી ઓફિસોમાં કલ્લાકો બેઠાં રહે છે.દરેક એપિસોડમાં પૂજાપાઠ દેખાડનારાં નિર્માતાઓ પાણી પણ નથી પૂછતાં.સ્ટ્રગલરો પેટે પાટાં બાંધીને મોંઘા કપડાં લે છે,આખો દિવસ સ્ટુડિયોમાં ધક્કા ખાય છે.રાત્રે એકલતાનાં ઓશિકાંને વળગીને સૂઇ જાય છે.ફરી સવારે ઊઠીને'કોઇ સપનાં લ્યો,કોઇ સપનાં' બોલતાં બોલતાં શહેરમાં નીકળી પડે છે.બાંદ્રાથી અંધેરીની સેંકડો ઓફિસોની આસપાસ હજારો સ્ટ્રગલરો માખીની જેમ મંડરાય છે,આવે છે,જાય છે.એક ટાઇટેનીક તૂટે તો એક સદી પછી પણ સેંકડો લોકો આંસુ સારે છે પણ અહીંયાં તો ટેલેન્ટની અનેક ટાઇટેનીકો રોજ અપમાનની ચટ્ટાનોથી ટકરાઇને ડૂબ્યાં જ કરે છે પણ કોઇ પૂછતુંયે નથી.લેખકો-નિર્દેશકો પોતાનાં વરસો લગાવીને,માગી ભીખીને પૈસા લાવીને પોતાનાં સપનાની ફિલ્મો બનાવે છે,રિલીઝ કરવાં ધક્કા ખાય છે અને લોકોની ગાળો ખાય છે

નવી છોકરીઓ માટે 'ક'કળાનો 'ક'નહીં પણ 'ક' કોમ્પ્રોમાઇસનો 'ક' હોય છે.નવાં છોકરાંઓ માટે 'ચ'-ચાન્સનો 'ચ' નહિં પણ ચમચાગીરીનો 'ચ' હોય છે!બોલીવૂડમાં માત્ર ભભકો નથી પણ ભૂખમરો છે,ગ્લેમર નથી પણ ગંદકી છે...આજની અવગણના અને ભાવિનો અંધકાર છે.ઠેરઠેર તૂટેલાં સપનાંઓની કાંચ જેવી કરચ છે...જે હરપળ આંખોમાં ચૂભ્યાં કરે છે અને કલાકારને એ જંપવા નથી દેતી.ફિલ્મલાઇનને બહારથી જોનારાં લોકોને આ બધું કયારેય નહીં સમજાય.એ લોકો પાસે તો બોલીવૂડનાં લોકો પર કેવળ શંકા હોય છે અને ચકાચૌઁધને લીધે બધાંને સુખી કે ઐયાશ બેસે છે

બોલીવૂડમાં લાખ્ખોમાંથી એક શાહરુખ બને છે એવી ખબર હોય છે તોય સૌ જીવતરનો જુગાર રમે છે...પરંતુ 'મારોય ચાન્સ લાગશે'એવું અરીસા સામે બોલનારાંને એક દિવસ અરીસો સાચી ઉમ્મર દેખાડી દે છે...પછી મોટાભાગની નિષ્ફળ છોકરીઓ થાકી હારીને કોઇ બદસૂરત માલદારને પરણી જાય છે કે પછી અમીરની રખૈલ બનીને રહી જાય છે.હારેલાં છોકરાંઓ દિવસે જિમમાં ટ્રેનર બને છે.કોલસેંટરમાં રાતે જાગે છે કે પછી ગે-મસાજપાર્લરનાં સ્ટાફ બની બેસે છે.નિષ્ફળ લેખકો સસ્તી જાહેરાતોમાં કોપીરાઇટરો બની જાય છે કે સિરિયલોમાં બીજાનાં નામે લખે છે.ડિરેકટર બનવા આવેલાઓ ટીવી ચેનલોમાં સલાહકાર બની જાય છે.પણ એ સૌ પાછાં જતાં નથી કારણકે એ બધાં કયા મોઢે પાછાં જાય?મુંબઇ,એક વિશાળ અજગરની જેમ એમને ગળી જાય છે પણ કમબખ્તી એ છેકે એ પૂરેપૂરું ચાવી ને મારી પણ નથી નાખતું...એ બધાંની અંદર મરેલાં સપનાઓ ઊંડેઊંડે કયાંકને કયાંક જીવતાં જ હોય છે...એક ચાન્સની અમીટ આશામાંને આશામાં ઉમરિયા બીતી જાય છે.એ ગ્રેડનો કલાકાર બી-ગ્રેડની ફિલ્મનાં પોસ્ટરમાં પોતાનું નામ-ચહેરો શોધે રાખે છે અને એમનાં પર વાંકદેખા વિવેચકો પત્રકારો કે ચેટચતુરો લઘુશંકા કરીને જતાં રહે છે!

બોલીવૂડ એટલે માત્ર પાર્ટીઓ થિરકતી છોકરીઓ,પૈસા ફેંકીને કમાવેલું નામ,અંડરવર્લ્ડની અફવાઓ,કેટરીનાનાં અફેર,દીપિકાની કમર...આવી બાલિશ છાપ મુંબઇ બ્હારનાં લોકો પર હોય છે કારણકે એમણે તૂટેલાં સપનાંઓની કાંચ જેવી કરચ અનુભવી નથી.હે વાચક, બીજીવાર બોલીવૂડનાં લોકો વિશે લખાયેલ ક્રૂર ટીકા કે ગલગલિયાં કરતી વાતો તુંચ વાંચે તો પેલાં ભાંગેલા કલાકારો માટે દિલમાં સ્હેજ ભીનાશ રાખીને વિચારજે,કારણકે સપનાં ભાંગવાનો અવાજ નથી આવતો!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment