Wednesday, 10 February 2016

[amdavadis4ever] જેલમાં ગ યા ત્યારે. ...‘બૉમ્બ ટૉકીઝ’ની લ ૅબમાંથી અશ ોક કુમારની ટ્રાન્સફર થઈ ત્યારે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ફિલ્મ અભિનેતા રાજ કુમારને જેમણે 'મધર ઈન્ડિયા', 'વક્ત' કે 'પાકિઝા' સહિતની અગણિત ફિલ્મોમાં માણ્યા છે એ ચાહકો માટે શૉકિંગ અને રીવિલિંગ માહિતી છે કે ખૂનના આરોપસર રાજ કુમાર ત્રણ મહિના કરતાં વધારે સમય માટે પોલીસ કસ્ટડી અને પછી જેલમાં હતા.

રાજ કુમારના બિઝનેસ મૅનેજર તરીકે ૧૪ વરસ સુધી કામ કરનાર એસ. પી. મહેન્દ્રએ પત્રકાર સુષ્મા શેલીને આપેલા એક ઈન્ટરવ્યૂમાં વર્ષો પહેલાં આ વાત કહેવાઈ છતાં બહુ પ્રકાશમાં નહોતી આવી.

૧૯૫૮નો ગાળો, આગલા વર્ષે, ૧૯૫૭માં, 'મધર ઈન્ડિયા' સુપર હિટ થઈ ગયા પછી રાજ કુમારે પોલીસની નોકરી છોડી દીધી હતી. ૧૯૨૩માં જન્મેલા કુલભૂષણ નાથ પંડિત ઉર્ફે રાજ કુમાર ગ્રેજ્યુએટ હતા અને ૧૯૫૨માં સબ ઈન્સ્પેક્ટર બન્યા પછી માહિમ પોલીસ સ્ટેશનમાં એમનું પોસ્ટિંગ થયું હતું. 'મધર ઈન્ડિયા'ની સફળતા પછી, પોલીસની નોકરી છોડી દીધા બાદ, રાજ કુમારની જિંદગીમાં એક ઘટના બની. કહો કે દુર્ઘટના બની. બાન્દ્રા અને સાંતાક્રુઝ ઉપનગરની વચ્ચે આવેલા ખારની ખૂબ જાણીતી જયભારત સોસાયટીમાં પ્રકાશ અરોરા નામના રાજ કુમારના મિત્ર રહેતા. પ્રકાશ અરોરાએ ૧૯૫૪માં રાજ કપૂર માટે 'બૂટ પૉલિશ' ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું, જેને બેસ્ટ ફિલ્મનો ફિલ્મફૅર અવૉર્ડ મળ્યો હતો. પ્રકાશ અરોરા અને એમનાં પત્ની 'અરોરા મેટરનિટી સર્જિકલ હોમ'ના ગ્રાઉન્ડ ફલોર પર રહેતાં. સામે જ ઝૂંપડપટ્ટી. ત્યાંના એક દારૂડિયાએ શ્રીમતી શ્રીદેવી અરોરાની છેડતી કરી. રાજ કુમાર પિત્તો ગુમાવી બેઠા અને મોટરના લોખંડી સળિયા વડે જોરદાર પ્રહાર કર્યો. એમનો ઈરાદો પેલાને બીવડાવવાનો હતો, પણ એ માણસ તત્કાલ મરી ગયો. રાજ કુમાર પોલીસ હિરાસતમાં. રાજ કપૂર, ચેતન આનંદ અને કે. આસિફ જેવા મહારથીઓએ જામીન પર છોડાવવાની વાત કરી, પણ કોઈની મદદ રાજ કુમારે સ્વીકારી નહીં. એક સાક્ષીએ કહેલું કે હત્યારો 'મધર ઈન્ડિયા'નો હીરો હતો. તેથી બાન્દ્રા કોર્ટમાં ઓળખપરેડ ગોઠવવામાં આવી. 'મધર ઈન્ડિયા'માં ત્રણ સ્ટાર્સ હતા. રાજ કુમાર, રાજેન્દ્ર કુમાર અને સુનીલ દત્ત. આ ત્રણ ઉપરાંત બીજી બે અજાણ વ્યક્તિઓને પણ ઊભી રાખવામાં આવી. પેલા આઈ વિટનેસે રાજેન્દ્ર કુમાર સામે આંગળી ચીંધી. રાજ કુમાર બચી ગયા. હત્યાનો કિસ્સો નજરે જોનાર સાક્ષી સામે ફિલ્મમાં ખરેખર જ કામ કરી ચૂકેલા ત્રણ-ત્રણ ઍક્ટર્સ રજૂ થતાં ગૂંચવાડો થયો હતો. રાજ કુમારનો ગુનો પુરવાર થયો હોત તો એક ઊગતા સુપર સ્ટારની કરિયર મુંબઈની આર્થર રોડ સેન્ટ્રલ જેલમાં આથમી ગઈ હોત.

આ અને આવી ઢગલાબંધ ઓછી જાણીતી કે આપણા જેવાઓ માટે સાવ અજાણી એવી ભારે ઈન્ટરેસ્ટિંગ માહિતીઓનો ખજાનો સલિલ દલાલના પુસ્તક 'કુમાર કથાઓ'માં છે. છેલ્લાં ૪૦ વર્ષથી નિયમિત હિન્દી ફિલ્મો વિશે લખતા સલિલ દલાલ ગુજરાતી ભાષાના સૌથી લોકપ્રિય ફિલ્મ - કટારલેખક છે. ફિલ્મો વિશેનું એમનું જ્ઞાન અગાધ છે. એમની પાસે ચાર-પાંચ દાયકાથી ભેગું કરેલું રેફરન્સ મટિરિયલ છે જે એમના આણંદના ઘરમાં બે ખંડ રોકે છે. એમનું મૂળ નામ હસમુખ બી. ઠક્કર. ગુજરાત સરકારમાં મામલતદાર અને પછી ઉચ્ચ હોદ્દા પરથી નિવૃત્તિ લઈને છેલ્લાં આઠેક વર્ષથી ટોરન્ટો, કૅનેડા સ્થાયી થયા છે. લખવાનું તો હજુ પણ એકધારું ચાલુ જ છે.

'કુમાર કથાઓ' એમના બેસ્ટસેલર પુસ્તક 'ગાતા રહે મેરા દિલ' પછીનું બીજું પુસ્તક. હિંદી ફિલ્મો પર છપાઈ ગયેલા કુમારો વિશેનું આ પુસ્તક છે. અશોક કુમાર, સંજીવ કુમાર, રાજ કુમાર, રાજેન્દ્ર કુમાર અને કિશોર કુમાર.

કોઈને તરત યાદ આવે કે આમાં દિલીપ કુમાર કેમ નહીં. ઘણાં કારણો છે જેમાંનું એક એ કે હિન્દી ફિલ્મોના ત્રણ એક્કા સમાન દિલીપ-રાજ-દેવ વિશે ભવિષ્યમાં સલિલ દલાલ કદાચ પુસ્તક લખે. બાકી તો મનોજ કુમારથી લઈને અક્ષય કુમાર સુધી હિન્દી ફિલ્મોમાં અઢળક 'કુમાર' છે જે સૌને સલિલ દલાલે પુસ્તકની પ્રસ્તવાનામાં પ્રેમપૂર્વક વિગતે યાદ કર્યા છે.

'કુમાર કથાઓ' સલિલ દલાલને સ્પેશિયાલિટીઓથી છલકાય છે. એમની સેન્સ ઑફ હ્યુમર, એમની તમીઝ અને એમની ઝીણવટભરી ચોકસાઈ. અમારી પેઢીના અને અમારા પછીની બે પેઢીના કટારલેખકો આ બધું એમની પાસેથી શીખ્યા. સટલ સેન્સ ઑફ હ્યુમર એમનાં દરેક લખાણમાંથી સતત ટપકતી રહે. માહિતીનો બોજ ક્યારેય ન લાગે. ફિલ્મની હીરોઈન વહીદા રહેમાન હોય કે કૉમેડિયન જ્હૉની લીવર. કોઈનાય માટે તુંકારો ન વાપરે. વહીદાને જોયાં, જૉન લીવર ફાવી ગયા.... એવું. અહીં તો બીજા લોકો વાતે વાતે અમિતાભ આવો હતો અને હેલન તેવી હતી એવી છિછરી ભાષા વાપરતા હોય છે. ઝીણામાં ઝીણી માહિતી માટે સલિલ દલાલ આ ક્ષેત્રના નિષ્ણાતોનો સંપર્ક કરીને ડબલ ચેક કરે અને જો કોઈ માહિતી ક્ધફર્મ્ડ ન હોય તો વાચકોને સીધેસીધું કહી દે કે આ ગૉસિપ સામગ્રી છે.

ફિલ્મસ્ટારોના પ્રેમસંબંધો વિશે પણ એટલી ગરિમાપૂર્ણ રીતે વાત કરે કે તમને ક્યાંય તમારી સેન્સિબિલિટીઝ ઑફેન્ડ થતી હોય એવું ન લાગે. આવું બધું ઘણું ઘણું અમે લોકો શીખ્યા છીએ આ મહારથી કટારલેખક પાસે.

એટલે જ કૅનેડાથી થોડા જ દિવસ માટે એ ઈન્ડિયા આવ્યા ત્યારે અમારો આગ્રહ હતો કે એમણે મુંબઈ પણ આવવું. બે દિવસ માટે આવી રહ્યા છે. 'કુમાર કથાઓ' પ્રગટ થયા પછીની તાજી જ કૉપી હું સળંગ એક બેઠકે વાંચી ગયો - અશ્ર્વિની ભટ્ટની નવલકથા વાંચતા હોઈએ એ રીતે અને એ સ્પીડે. સલિલ દલાલની લખવાની શૈલી એવી કે એમના કોઈ પણ લેખનું પહેલું વાક્ય વાંચો તો તમારે આખો પેરેગ્રાફ વાંચવો જ પડે અને એક ફકરો વાંચો એટલે લેખ પૂરો કરવો જ પડે અને એ પુસ્તક હોય તો તરત જ બીજો લેખ શરૂ કરીને આખું દળદાર પુસ્તક રાત જાગીને પણ પૂરું કરવું જ પડે.

સંજીવ કુમાર વિશેની આ વાત ભલે જાણીતી હોય, પણ સલિલ દલાલ એને જે પસપેક્ટિવમાં મૂકી આપે છે તે જુઓ: 'શોલે'નાં ઠાકુર બલદેવસિંહ તરીકે સંજીવે ફરી એક વાર સાબિત કર્યું કે એ એક એવા અભિનેતા હતા કે જે પાત્રની એકાદ શારીરિક શક્તિ ઓછી હોય તો પણ અદ્ભુત ઍક્ટિંગ કરી શકે એમ હતા. એક અભિનેતા માટે હાથ કેટલા બધા જરૂરી, પણ સંજીવે 'શોલે'માં વગર હાથના ઠાકુર તરીકે જબ્બર ધાક જમાવી. માત્ર ચહેરાના હાવભાવ અને અવાજથી જ. એ જ અવાજ 'કોશિશ'માં ગેરહાજર રાખીને પણ એ તમને રડાવી જાય. કશા પડકારથી એ ગભરાયા નહીં. 'કોશિશ'ની રજૂઆતમાં પણ કેવો પડકાર હતો?

સલિલ દલાલ આગળ લખે છે: 'કોશિશ' અને 'પરિચય' બેઉ ગુલઝારની ફિલ્મો અને ૧૯૭૨માં બંને એક જ દિવસે રિલીઝ થઈ. એક લિબર્ટીમાં અને બીજી મેટ્રોમાં. એકમાં જયા ભાદુરી સંજીવનાં પત્ની બને અને બીજીમાં દીકરી. બીજા કોઈ કલાકારો હોય તો? અવ્વલ તો આવી ફિલ્મો કરે જ નહીં અને કદાચેય કરી હોય તો આ રીતે એક જ દિવસે બંનેને રિલીઝ ના થવા દે. એ જ જયા 'અનામિકા'માં પ્રેમિકા બને અને 'શોલે'માં પુત્રવધૂ. તો પણ નો પ્રૉબ્લેમ. આને કહેવાય પડકાર - પસંદ કલાકાર!

સલિલ દલાલની 'કુમાર કથાઓ' વિશેની થોડી વધુ વાતો 

હિન્દી ફિલ્મ જગત આપણા રોજબરોજના જીવન સાથે એ હદે સંકળાઈ ગયું છે કે હું વારંવાર કહેતો રહું છું કે આ ફિલ્મો, આ ગીતો આપણી ન લખાયેલી રોજનીશીનાં પાનાં છે. 
ફિલ્મ ઈન્ડસ્ટ્રીને જ નહીં, કદાચ બધાં જ ક્ષેત્રોને આ વાત લાગુ પડે છે. 'કુમાર કથાઓ' પુસ્તકમાં સલિલ દલાલે રાજ કુમાર ઉપરાંત રાજેન્દ્ર કુમાર વિશે પણ વાત કરી છે.

રાજ કુમાર વિશે લખતી વખતે સલિલ દલાલની ખાનદાની કલમનો એક ઔર પુરાવો મળે છે જેનો ઉલ્લેખ કરવાનો  રહી ગયો. બીજો કોઈ ફાસફુસિયો રાઈટર હોય તો લખે કે રાજ કુમાર ટાલ ઢાંકવા વિગ પહેરતા. સલિલભાઈ ગરિમાપૂર્ણ રીતે લખે છે: '...રાજ કુમાર પોતાને માથે ઓછા થઈ ગયેલા વાળની પૂર્તિ માટે જે વિગ પહેરતા તેને લીધે...' (પૃ. ૧૦૪)

રાજેન્દ્ર કુમારના સંદર્ભમાં સલિલ દલાલ લખે છે: 'કોઈ પણ કલાકારની સફળતામાં તેમની પડદા ઉપરની ઍક્ટિંગ ઉપરાંત પડદા પાછળની વર્તણૂક પણ એટલી, બલકે વધારે જવાબદાર હોય છે.' અર્થાત્ તમારી સફળતામાં તમારી ટેલન્ટ ઉપરાંત તમારા ઈમોશનલ ક્વોશન્ટનો પણ ઈક્વલ, કદાચ વધારે હાથ હોય છે. રાજેન્દ્ર કુમાર પોતે પ્રોડ્યુસરને પોતાની ફીઝનો આંકડો ન કહે. નિર્માતાને જ બોલવા દે અને તેમાં કોઈ વિવાદ (એટલે કે બાર્ગેન) નહીં. આવી માહિતી આપીને સલિલ દલાલ ઉમેરે છે:

'ક્યારેક કેટલાક કલાકારો માટેની આવી વાતો સામાન્ય પ્રેક્ષકોને ખબર ના હોય અને એ નવાઈ પામતા હોય કે આ ઍક્ટર એટલો ગ્રેટ નથી છતાં નિર્માતા શાથી તેને રિપીટ કરે જાય છે?... રાજેન્દ્ર કુમારને દરેક ફિલ્મ પછી અગાઉની ફિલ્મ કરતાં નિર્માતા જાતે જ વધારે રકમ ચૂકવતા અને સફળ ફિલ્મોની હારમાળા એવી તો સતત સર્જાઈ કે કોઈ પ્રોડ્યુસરને ક્યારેય પોતે ચૂકવેલી રકમનો અફસોસ ના થયો. એક સમય તો એવો આવ્યો કે રાજેન્દ્રને તે સમયના સૌથી મોંઘા ગણાતા સ્ટાર દિલીપ કુમાર કરતાં પણ વધારે રકમ મળતી થઈ હતી. દિલીપ કુમારના ૧૦ લાખ સામે રાજેન્દ્રને ૧૨થી ૧૫ લાખ મળતા.

આ રકમ મળતી થઈ એ પહેલાંની વાત છે. 'મધર ઈન્ડિયા' હિટ થયા પછી બાળકોના જન્મને કારણે સાંતાક્રુઝનો ફલૅટ નાનો પડવા લાગ્યો હતો. રાજેન્દ્ર કુમાર બી. આર. ચોપરા માટે 'ધૂલ કા ફૂલ' અને 'કાનૂન' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા હતા.

એમણે બાન્દ્રાના કાર્ટર રોડ પર

એક પારસીનો સી-ફેસિંગ બંગલો જોઈ રાખ્યો હતો. ખરીદવા માટે ૬૫ હજારની રકમ ખૂટતી હતી જેમાંથી ૧૫ હજારની બચત પોતાની પાસે હતી. બી. આર. ચોપરાને મળ્યા. ચોપરાસાહેબે પચાસ હજાર રૂપિયા આપવાની ઓફર કરી. સામે શરત કરી કે મારી બે ફિલ્મોમાં કામ કરવાનું. રાજેન્દ્ર કુમારે આ ઓફર એવું કહીને સ્વીકારી લીધી કે રકમ જો હમણાં ને હમણાં મળે તો બે ફિલ્મો કરવાનું નક્કી. રાજેન્દ્ર કુમારે બંગલાનું નામ 'ડિમ્પલ' પાડ્યું. રાજેશ ખન્નાએ જ્યારે આ બંગલો ખરીદ્યો ત્યારે એમણે એનું નામ 'આશીર્વાદ' પાડ્યું.

અશોક કુમાર હિંદી ફિલ્મોના સૌપ્રથમ સુપરસ્ટાર. ૧૯૪૩માં એમની ફિલ્મ 'કિસ્મત' રિલીઝ થઈ ત્યારે કલકત્તાના રોક્સી થિયેટરમાં સતત પોણા ચાર વર્ષ (૧૮૭ વીક) સુધી ચાલી હતી. એ જમાનામાં એ ફિલ્મે રૂપિયા એક કરોડનો બિઝનેસ કર્યો હતો. સલિલ દલાલે એક વાત આ 'કિસ્મત'ની રિલીઝ અગાઉની લખી છે. લીલા ચિટનીસ સાથે 'કંગન', 'બંધન', 'ઝૂલા' જેવી લોકપ્રિય હિટ ફિલ્મો અશોક કુમાર આપી રહ્યા હતા. 'કિસ્મત'ની વાર હતી. બૉમ્બે ટૉકીઝમાં અશોક કુમારનો મન્થલી પગાર રૂપિયા પાંચસોનો હતો.

સેક્ધડ વર્લ્ડ વૉરના એ ગાળામાં સૈનિકો માટેનો ફાળો ઉઘરાવવા અશોક કુમાર અને તેમનાં હીરોઈન લીલા ચિટનીસ ટ્રેનમાં લાહોર જવા નીકળ્યાં. દરેક રેલવે સ્ટેશને પર ચિક્કાર માનવમેદની, તેમની પ્રિય બેલડીને જોવા ભેગી થાય. રેલવે અને પોલીસ સત્તાવાળાઓને દરેક સ્ટેશને અપાર મુશ્કેલીઓ પડતી. ફ્રન્ટિયર મેલમાં અશોક કુમાર અને લીલા ચિટનીસ લાહોર પહોંચવાનાં હતાં ત્યારે રેલવે સ્ટેશને એટલી તો ધક્કામુક્કી થઈ કે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો પણ મારા ખાધા છતાં ચાહકોની પડાપડી ને ભીડ ઓછી ન થઈ. છેવટે ટ્રેનના જે ડબ્બામાં અશોક કુમાર મુસાફરી કરતા હતા તે ખાસ કમ્પાર્ટમેન્ટને લાહોર પહેલાંના બદામી બાગ સ્ટેશને જ ટ્રેનથી છુટો કરી દેવો પડ્યો. જેથી બાકીની ટ્રેન આગળ વધી શકે. આ ઘટના પછી 'બૉમ્બે ટૉકીઝ'માં અશોક કુમારના પગારમાં રાતોરાત ૯૦૦ ટકાનો વધારો થઈ ગયો. પાંચસોના સીધા સાડા ચાર હજાર અને 'કિસ્મત' તો હજુ બાકી હતી!

અને આ અશોક કુમાર બી.એસ.સી. થઈને મુંબઈ આવ્યા હતા ડિરેક્ટર બનવા. ઓળખાણને લીધે હિમાંશુ રાય અને એમનાં અભિનેત્રી પત્ની દેવિકા રાણીના 'બૉમ્બે ટૉકીઝ' સ્ટુડિયોમાં લૅબોરેટરી આસિસ્ટન્ટ તરીકેની નોકરી મળી ગઈ. અશોક કુમાર એ દિવસોમાં ડાર્ક રૂમમાં ફિલ્મ ડેવલપ કરવાની કામગીરી કરતા. ૧૯૩૭નું વરસ. 'જીવનનૈયા'નું શૂટિંગ ચાલે. દેવિકા રાણી અત્યંત રૂપાળાં મહિલા. છેલ્લાં બે વર્ષથી જેમની સાથે 'જવાની કી હવા', 'મમતા' અને 'મિયાં બીવી' જેવી ફિલ્મોમાં સતત પ્રેમદૃશ્યો કર્યાં તે દેખાડવા હીરો નજમલ હુસેન સાથે દેવિકાજી 'બૉમ્બે ટૉકીઝ' છોડીને પતિ હિમાંશુ રાયને તરછોડીને મુંબઈથી ભાગીને કલકત્તા જતાં રહ્યાં, ત્યાંના 'ન્યૂ થિયેટર્સ' સ્ટુડિયોમાં જોડાવા.

હિમાંશુ રાયે કડક પગલાં લઈને દેવિકા રાણીને કલકત્તાથી પાછાં બોલાવ્યાં. નજમલ હુસેનનાં 'જીવનનૈયા' માટે શૂટ કરેલાં તમામ દૃશ્યો કચરાપેટીમાં નખાવ્યાં. સ્ટાફને આદેશ આપ્યો: 'તાત્કાલિક નવો હીરો શોધી કાઢો.' એ દિવસોમાં ઍક્ટરો સ્ટુડિયોના મસ્ટર પરના પગારદાર નોકરો! તાત્કાલિક કેવી રીતે કોઈને ખેંચી લવાય. અશોક કુમારના જીજાજી શશધર મુખરજી આ સ્ટુડિયોના સાઉન્ડ રેકોર્ડિસ્ટ હતા. એમણે અશોક કુમાર ગાંગુલીના નામનું સૂચન કર્યું. તાત્કાલિક એમને લૅબમાંથી બૉસની કૅબિનમાં બોલાવાયા.

લઘરવઘર કપડે અશોક કુમાર હિમાંશુ રાય સમક્ષ હાજર થયા. પગથી માથા સુધી તેમને ચકાસીને હટ્ટાકટ્ટા ગાંગુલી માટે મંજૂરી આપી દીધી. અશોક કુમારને ત્યાં સુધી ખબર નહીં કે આ બધું શું ચાલી રહ્યું છે. જેવી એમને ખબર પડી કે લૅબની સન્માનજનક જૉબ છોડીને ઍક્ટિંગ કરવાની 'સાવ હલકી કક્ષાની' નોકરીમાં એમની ટ્રાન્સફર થઈ છે, ત્યારે તેમને ભારે અપમાન લાગ્યું. કંપનીના એક સ્થાપક નિરંજન પાલને અશોક કુમાર રૂબરૂ જઈને મળ્યા અને વિનંતી કરી કે 'શા માટે તમે બધા મારી જિંદગી બરબાદ કરવા તૈયાર થયા છો? બીજા કોઈને શોધો ને?' છેવટે 'આ એક પિક્ચર કરી લો. પછી બીજા કોઈની વ્યવસ્થા કરી દઈશું.' એવો સધિયારો અપાયો. તાત્કાલિક સ્ટૉપ ગૅપ અરેન્જમેન્ટ તરીકે કંપનીને મદદરૂપ થવા લૅબના આ તંદુરસ્ત અખાડિયન આસિસ્ટન્ટને રીતસર હુકમ જ થયો અને ઍક્ટર અશોકકુમારનો હિન્દી પડદે જન્મ થયો 'જીવનનૈયા'થી.

આ અને આવી અઢળક વાતોનો ખજાનો છે ગુજરાતી ભાષાના સૌથી લોકપ્રિય ફિલ્મ - કટારલેખક સલિલ દલાલના નવા પુસ્તક 'કુમાર કથાઓ'માં. અશોક કુમાર, રાજેન્દ્ર કુમાર અને રાજ કુમાર ઉપરાંત સંજીવ કુમાર અને કિશોર કુમાર વિશે પણ વિગતે વાતો છે. કિશોર કુમારનું પ્રકરણ તો પુસ્તકનું સૌથી લાંબું, સૌથી ઈન્ટરેસ્ટિંગ પ્રકરણ છે. બધું જ અહીં ઠાલવી દઈશું તો તમે પુસ્તકમાં શું વાંચશો!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment