Sunday 28 February 2016

[amdavadis4ever] જંગ ટલતી રહે તો બેહતર હૈ! - Gujarati (Posted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જંગ ટલતી રહે તો બેહતર હૈ!

ક્લાસિક : દીપક સોલિયા

યુદ્ધો થવાનાં તો ખરાં જ. માણસ છે, ક્યારેક ઝઘડી પણ પડે. આમાં સારી વાત એ છે કે, માનવસંસ્કૃતિનો મોટા ભાગનો સમય યુદ્ધોમાં નહીં, શાંતિમાં વીત્યો છે. આ તો 'ઇતિહાસ'ને એવી ટેવ છે કે, એ શાંતિની ઓછી અને યુદ્ધોની વધુ નોંધ લે છે (એમાં વાંક ઇતિહાસનો નથી. આપણને જ શાંતિ કરતાં યુદ્ધોની ગાથામાં વધુ રસ પડે છે. પેલું કહે છે ને, યુદ્ધસ્ય કથા રમ્યઃ). એટલે ઇતિહાસમાં મુખ્યત્વે યુદ્ધોની ગાથાઓ વાંચીને આપણા મન પર છાપ એવી પડે કે માણસો સતત લડતા રહ્યા છે. અસલમાં શાંતિ નિયમ છે, યુદ્ધ અપવાદ છે. યુદ્ધ જો નિયમ હોત અને શાંતિ અપવાદ હોત તો, માનવજાત ક્યારની ખતમ થઈ ચૂકી હોત.

 


સંસારમાં હિંસા-અહિંસા બન્ને છે, પરંતુ વધારે જોર અહિંસાનું છે. જંગલનાં હિંસક ગણાતાં પ્રાણીઓ પણ ચોવીસે કલાક હિંસા નથી આચરતાં. સિંહ પાંચ મિનિટ શિકાર કરતી વખતે હિંસા આચરે તોપણ દિવસના ચોવીસ કલાકમાંથી બાકીના ૨૩ કલાક અને પંચાવન મિનિટ એ અહિંસક બની રહે છે. હિંસક પ્રાણીઓ સતત હિંસા કરી કરીને બાકીનાં પ્રાણીઓનો બેફામ ખાતમો બોલાવતાં રહે તો થોડા જ સમયમાં એમના ખાવા માટે પ્રાણીઓ જ ન બચે. એમની હિંસા માપસરની હોય છે, અનિવાર્ય હોય છે, પેટ ભરવા પૂરતી હોય છે. એ જ વાત માનવજાતને પણ લાગુ પડે છે. માનવજાત હિંસામાં જ રાચતી હોત તો ક્યારની સાફ થઈ ચૂકી હોત. અણુશસ્ત્રોના આ જમાનામાં તો આખી માનવસંસ્કૃતિ અણુવિસ્ફોટો દ્વારા બે-પાંચ મિનિટમાં ખતમ થઈ શકે તેમ છે. પણ થેંક ગોડ, આવું નથી થતું,કારણ કે માણસમાં એટલું સમજવા જેટલી અક્કલ તો છે કે, હિંસાથી બચવા જેવું છે, એની આરતી ઉતારવા જેવી નથી.

અચ્છા, પહેલાં કાવ્યપંક્તિઓ વાંચી લો...
ખૂન અપના હો, યા પરાયા હો
નસ્લે-આદમ કા ખૂન હૈ આખિર
જંગ મગરિબ (પશ્ચિમ) મેં હો, કિ મશરિક (પૂરબ) મેં
અમને-આલમ (વિશ્વશાંતિ) કા ખૂન હૈ આખિર.

 

નાનકડા પરિવારમાં ક્યારેક ભાઈ-ભાઈ વચ્ચે કે બહેન-બહેન વચ્ચે કે ભાઈ-બહેન વચ્ચે કે સાળા-બનેવી વચ્ચે કે સાસુ-વહુ વચ્ચે કે વેવાઈઓ વચ્ચે ખૂનખરાબા થાય. ત્યારે એ વિશેના ન્યૂઝ આપણે રસપૂર્વક વાંચીએ છીએ, કારણ કે, એ ઘટના આપણને આઘાતજનક લાગે છે. તો, કવિ અહીં એ કહે છે, કે ફક્ત પોતાનાં લોકોનું જ નહીં, પારકાં લોકોનું ખૂન વહે ત્યારે પણ એ યાદ રાખવું કે છેવટે તો એ પરિવારનું જ (આદમના સંતાનનું જ) રક્ત છે.

પછી સાહિર કહે છે કે- જંગ પશ્ચિમમાં ખેલાય કે પૂર્વમાં, છેવટે તો એ વિશ્વશાંતિને હણે છે. આ વાત પણ સમજવા જેવી છે.

 

અત્યારે સીરિયા-ઇરાકમાં મુખ્યત્વે શિયા-સુન્ની મુસ્લિમો અંદરોઅંદર બેફામ બાખડી રહ્યા છે. આવામાં, આપણને એવું લાગી શકે કે છોડો, એ લોકો ક્યાંક દૂર દૂર લડી રહ્યા છે, મુસ્લિમોનો એ આંતરિક ઝઘડો છે, એમાં આપણા કેટલા ટકા? આઈએસના ઉગ્રવાદીઓ આપણા પર, ભારત પર હુમલો કરે ત્યારે જોયું જશે. પણ આમાં 'ભવિષ્યમાં જોયું જશે' એવું કશું હોતું જ નથી. કોઈ પણ યુદ્ધ જૂના દ્વેષની અભિવ્યક્તિ અને નવા જંગનું કારણ બને છે. યુદ્ધમાં ભૂત-વર્તમાન-ભવિષ્યનો સરવાળો હોય છે. સીરિયા-ઇરાકમાં સુન્ની-શિયા વચ્ચે લડાઈ ચાલતી હોવા છતાં, ભારતના કેટલાક મુસ્લિમો આઈએસમાં ભરતી થઈને એ યુદ્ધમાં ભાગ લેવા પ્રેરાયા છે, એ સાબિત થઈ ચૂકેલી વાત છે. મધ્ય-પૂર્વના એ યુદ્ધનો પ્રભાવ ભારત, અમેરિકા અને ફ્રાન્સથી માંડીને આખા જગત પર પડે છે. વળી એ મુખ્યત્વે મુસ્લિમોની આંતરિક મારામારી હોવા છતાં એની આગ ભારતના હિન્દુથી માંડીને પશ્ચિમના ખ્રિસ્તીઓને પણ ઠીક ઠીક હદે દઝાડે છે. મુદ્દે, સાહિરની વાત સાચી છે કે, જંગ પશ્ચિમમાં ખેલાઈ રહ્યો હોય કે પૂર્વમાં, એમાં વિશ્વશાંતિની હત્યા તો થાય જ છે. પછી કવિ કહે છે...

બમ ઘરોં પે ગિરે કિ સરહદ પર
રુહે-તામીર ઝખ્મ ખાતી હૈ
ખેત અપને જલેં યા ઔરોં કે
ઝીસ્ત ફાકોં સે તિલમિલાતી હૈ.
ટેંક આગે બઢેં કિ પીછે હટેં
કોખ ધરતી કી બાંઝ હોતી હૈ
ફતહ કા જશ્ન હો કિ હાર કા સોગ
જિંદગી મય્યતોં પે રોતી હૈ.

 

અને છતાં, ક્યારેક અનિવાર્ય સંજોગોમાં, સામેવાળો કેમેય ન માને અને સમસ્યા કેમેય ન ઉકલે, ત્યારે યુદ્ધ દ્વારા નિવેડો લાવવો પડે. સાહિર તો જોકે, એ વિશે પણ સવાલ ઉઠાવે છે કે, યુદ્ધ ઉકેલ કઈ રીતે હોઈ શકે?
જંગ તો ખુદ હી એક મસલા હૈ
જંગ ક્યા મસલોં કા હલ દેગી
ખૂન ઔર આગ આજ બરસેગી
ભૂખ ઔર એહતિયાજ કલ દેગી.

 

ઇસલિએ એ શરીફ ઇન્સાનોં
જંગ ટલતી રહે તો બેહતર હૈ
આપ ઔર હમ સભી કે આંગન મેં
શમા જલતી રહે તો બેહતર હૈ.

 

અહીં કવિતા પૂરી થાય છે. વાત ફક્ત એટલી જ છે કે, યુદ્ધો શક્ય તેટલી હદે ટાળવાં. શ્રીકૃષ્ણે ઘણાં યુદ્ધો કર્યાં, પણ યુદ્ધો ટાળવા માટેની એમની કોશિશો પણ યાદ રાખવા જેવી છે. યુદ્ધ ટાળવા માટે એ 'રણછોડ' બન્યા. પાંડવો મસમોટા સામ્રાજ્યના હકદાર હોવા છતાં એમના પ્રતિનિધિ તરીકે શ્રીકૃષ્ણે દુર્યોધન સાથેની વાટાઘાટમાં 'જંગ ટલતી રહે તો બેહતર હૈ' એવા અભિગમ સાથે પાંડવોના હકનો ઘણો મોટો હિસ્સો જતો કરવાની તૈયારી દેખાડી અને મોટા સામ્રાજ્યને બદલે ફક્ત પાંચ જ ગામ આપવા સુધીનું સમાધાન કરવાની તૈયારી દેખાડી, પણ જડબુદ્ધિ દુર્યોધન તો ય ન માન્યો. પાંડવો અને કૃષ્ણ આટલું બધું ઝૂક્યા એ વાતને દુર્યોધન અપ્રિશિયેટ ન કરી શક્યો અને એણે સોયના નાકા જેટલી જમીન આપવાનો પણ ઇનકાર કરી દીધો એને લીધે છેવટે યુદ્ધ થયું.

થાય, ક્યારેક યુદ્ધ થાય પણ ખરું, પરંતુ યુદ્ધને કારનું પાંચમું ગિયર ગણવું. કારને પહેલા, બીજા, ત્રીજા અને ચોથા ગિયરમાં દોડાવ્યા પછી પાંચમા ગિયરમાં પ્રવેશવું સારું. ઘણાં લોકો તો સીધી શરૂઆત જ પાંચમા ગિયરથી કરે. સહેજ વાંધો પડે કે તરત પડકાર ફેંકેઃ આવી જા મેદાનમાં. તને સીધોદોર કરી દઉં. બીજાને સીધા કરવાની ઉતાવળ સારી નહીં. પહેલાં તો પોતે સીધાં થવું, પોતાનો વાંક જોવો. પછી સામેવાળાની સ્થિતિ સમજવાની કોશિશ કરવી (લેખક ધૂમકેતુએ શાનદાર વાર્તા 'પોસ્ટઓફિસ'માં લખેલુઃ મનુષ્ય પોતાની દૃષ્ટિ છોડી બીજાની દૃષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય). પછી ખૂબ વાટાઘાટો કરવી. અને છેવટે બધી જ કોશિશો નિષ્ફળ ગયા પછી યુદ્ધ થવાનું હોય તો ભલે થતું, પણ ત્યાં સુધી... એ શરીફ ઇન્સાનોં, જંગ ટલતી રહે તો બેહતર હૈ. આપ ઔર હમ સભી કે આંગન મેં, શમા જલતી રહે તો બેહતર હૈ.
સાહિરની વાત ખોટી છે?

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment