Saturday, 13 February 2016

[amdavadis4ever] વિચાર કરતાં પહ ેલાં પણ વિચારો!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ગયા વખતે બટરફ્લાય ઇફેક્ટની વાત કરી હતી. ઘણા બધા વાચકોના પ્રતિભાવ આવ્યા એમાં સ્મિતાબેન નામના એક વાચકમિત્રે એક સરસ વાત કહી કે પતંગિયું પાંખ ફફડાવે છે એ પ્રાકૃતિક બાબત છે. મતલબ કે પતંગિયાના પાંખ ફફડાવવા પાછળ તેનો કોઈ સંકલ્પ નથી હોતો. પતંગિયાનું જે રીતે કુદરતે સર્જન કર્યું છે એમાં તેનું પાંખ ફફડાવવું એ કમ્પ્યુટરની ભાષામાં કહીએ તો પ્રોગ્રામ થયેલું છે. બીજા શબ્દોમાં કહીએ તો પતંગિયા પાસે સારા-નરસાની બુદ્ધિ પણ નથી અને સંકલ્પ-વિકલ્પની શક્તિ પણ નથી. તેને તો ખબર પણ નથી કે તેના પાંખ ફફડાવવાથી શું-શું થઈ શકે પણ આપણે તો માનવી છીએ. જેને બુદ્ધિ તેમ જ સારા-નરસાનો વિવેક તથા સમજણ ઉપરાંત સંકલ્પશક્તિની ભેટ મળેલી છે.

જો કે કેટલાય લોકો આ શક્તિ અંગે સજાગ નથી અને એટલે જ એક અર્થમાં તેમની હાલત પતંગિયા જેવી જ છે. તેઓ સંજોગો કે સ્વભાવને વશ થઈને પાંખ ફફડાવે છે અને પોતાના કે બીજાના જીવનમાં વાવાઝોડું સર્જે છે. કેટલીક વાર આ વાવાઝોડા એટલા ભયાનક હોય છે કે માત્ર પોતાને જ નહીં પણ પરિવાર, સમાજ, દેશ કે કેટલીક વાર માનવજાતિને પણ વિનાશના માર્ગે દોરી જાય છે. જેમ કે, હિરોશીમા કે નાગાસાકી પર અણુબૉમ્બ ઝીંકવાનો વિચાર પણ એક માનવ અથવા એક માનવસમૂહના પાંખનો ફફડાટ જ તો હતો. હિંદુસ્તાનના ભાગલા પાડીને પાકિસ્તાનના સર્જનનો વિચાર એ એક વ્યક્તિના દિમાગની ખૂરાફાંત જ તો હતી! 

જાણીતા મહિલા સંત આનંદમૂર્તિ ગુરુમા કહે છે કે વિચાર કરતા પહેલાં પણ વિચારો. દરેક વિચાર એક સંભાવના અને શક્યતાઓ લઈને આવે છે. દરેક વિચાર પછી એ સારો હોય કે નરસો એમાં સંભાવના રહેલી છે કે એ વિચાર વાસ્તવિકતાનું રૂપ લે. આપણે જે વાત કરી રહ્યા છીએ એ સંદર્ભમાં કહીએ તો એ વિચાર પતંગિયાના પાંખ ફફડાવવા જેવી ઘટના બની શકે છે. વિશ્ર્વભરમાં માનવસર્જિત સારી કે ખરાબ ઘટનાઓનું વિશ્ર્લેષણ કરીએ તો એ વાત ખ્યાલમાં આવશે જ કે એ ઘટનાના સર્જનનો વિચાર ક્યાંક કોઈક એક માનવીના મનમાં જ આવ્યો હતો. તે વ્યક્તિએ એ વિચારને વહેતો મૂક્યો, એ વિચારને એક પછી એક વ્યક્તિઓએ કે વ્યક્તિઓના સમૂહે સ્વીકાર્યો અને એમાંથી એક ક્રાંતિ અથવા દુર્ઘટનાનું સર્જન થયું. દક્ષિણ આફિક્રામાં ગાંધીજીને રેલવેના ડબ્બામાંથી બહાર ફેંકી દેવાયા અને તેમણે અન્યાય સામે લડવાનો વિચાર કર્યો એ તે વખતે તો પતંગિયાના પાંખ ફફડાવવા જેવી ક્ષુલ્લક ઘટના જ હતી. પણ એ વિચારનો એક કણ અને ત્યારપછી એની સાથે બીજા વિચારો, સંકલ્પો જોડાતા ગયા. અહિંસક રીતે આઝાદી મેળવવાનો વિચાર અને એમાંથી સર્જાયેલી લડત એ બધો ઈતિહાસ આપણને બધાને ખબર જ છે.

સામાજિક કે રાષ્ટ્રીય અથવા વિશ્ર્વના સ્તર પર આ વાત જેટલી સાચી છે એટલી જ વ્યક્તિગત સ્તર પણ છે. એક ગરીબ રીક્ષાવાળાની છોકરી જ્યારે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કે આઈએએસ અધિકારી બને છે ત્યારે એ આવું કરી શકશે એવો વિચાર કે કહો, દઢ સંકલ્પ જ તો એની પાછળ હોય છે.

આપણે જો વિચારતાં પહેલાં વિચાર કરીએ તો આપણા આસપાસના વાતાવરણને બદલી શકીએ એટલું જ નહીં પણ આપણું પોતાનું જીવન પણ વધુ તનાવરહિત અને સુંદર બનાવી શકીએ. ગયા વખતે આપણે રમેશભાઈનું એક કાલ્પનિક ઉદાહરણ લીધું હતું. રમેશભાઈએ કોઈને ઓર્ડર પહોંચાડવાનો હતો અને એ સ્ટાફની બેદરકારીને લીધે સમયસર પહોંચ્યો નહીં તો તેઓ ધૂંઆપૂંઆ થઈને ઘરની બહાર નીકળ્યા હતા અને તેમણે પોતાની પ્રતિક્રિયાથી એક એવી શૃંખલા સર્જી જેને કારણે તેમની સાથે સંપર્કમાં આવનારાઓને પણ અસર પહોંચી. રમેશભાઈની જેમ આપણા જીવનમાં પણ અનેક એવા સંજોગો સર્જાય છે જ્યારે આપણે પણ અપસેટ થઈ જઈએ છીએ, ગુસ્સે થઈ જઈએ છીએ અને પાસિંગ ધ પાર્સલ નામની બાળકોની રમતની જેમ આપણો ખરાબ મૂડ આગળની વ્યક્તિને પાસ કરતા રહીએ છીએ. આવું જ બીજાઓ આપણી સાથે કરતા હોય છે. નોકરી કરનારાઓમાંના ઘણાનો એવો અનુભવ રહ્યો હશે કે બોસની પત્ની અને બોસ જો સ્ત્રી હોય તો તેના પતિ સાથે ઝઘડો થયો હોય કે પરિવારમાં કોઈ અણબનાવ થયો હોય તો એનો ગુસ્સો તેમના હાથ નીચે કામ કરતી વ્યક્તિ પર ઊતરતો હોય છે અને તે વ્યક્તિ પછી એ ગુસ્સો આગળ પાસ કરતો રહે છે. આવા સંજોગોમાં સહેજ સજાગ રહીને આપણે આ પાર્સલને આપણા સુધી અટકાવી શકીએ. આપણા હાથમાં ભલે કોઈએ તેના ગુસ્સાનું પડીકું પકડાવી દીધું હોય આપણે એને બદલીને તે વ્યક્તિને સરસ મજાનું સ્મિત આપી શકીએ. 

અમારા એક અંગત મિત્ર છે જેઓ કાર ચલાવતા હોય ત્યારે પાછળથી જો કોઈ વિના કારણ જોરજોરથી હોર્ન વગાડે અને ઓવરટેક કરવાની કોશિશ કરે ત્યારે તેના પર ગાળાગાળ કરવાને બદલે કહે છે, તે બિચારાને જોરથી બાથરૂમ કે પછી શૌચ લાગી હશે એટલે તેને જવા દો. (બાય ધ વે, ઘણા કારચાલકોને એરકન્ડિશન્ડ કારમાં બીજા વાહનચાલકો પર ગાળાગાળ કરતા સાંભળ્યા છે ત્યારે વિચાર આવે છે કે બારી-દરવાજા બંધ હોવાને કારણે એ ગાળો તે વાહનચાલક સુધી તો પહોંચતી જ નથી હોતી જેના પર ગુસ્સો આવ્યો હોય. ઊલટું કાર ચાલક તથા તેની કારમાં તેમની સાથે બેઠેલાઓને જ એ ગાળો સાંભળવી પડતી હોય છે તો પછી તેઓ આવી ગાળો શું પોતાને અને પોતાના પરિવારને સંભળાવવા માટે બોલતા હોય છે?) જે કાર ચાલક જોરજોરથી હોર્ન વગાડતો હશે એ નક્કી કોઈ તનાવભરી માનસિક સ્થિતિમાં હશે એવું વિચારી તેના પર ગિન્નાઈને પોતાનો મૂડ બગાડીને અને સાથેસાથે બ્લડપ્રેશર વધારી લેવાને બદલે આખી વાતને મજાકમાં બદલાવી, હળવાશથી લઈને તે પતંગિયાએ સર્જેલું વાવાઝોડું આ મિત્ર અટકાવી દે છે. તેમને મળેલું તનાવનું પડીકું તેઓ હળવાશભર્યું કરી નાખે છે.

રોજબરોજના જીવનમાં ડગલે-પગલે આપણને આવા અણગમતા પડીકાંઓ પકડાવવામાં આવતા હોય છે. આપણે બેહોશીમાં આ પડીકાંઓ પકડી લેતા હોઈએ છીએ એટલું જ નહીં પણ આપણા સડેલા મૂડને એમાં ઉમેરીને એ પડીકું વધુ મોટું કરીને આગળ પધરાવતા હોઈએ છીએ. કોણ જાણે કેમ પણ આપણા બધાના મનમાં એવી ધારણા બેસી ગઈ છે કે હું બિચારો એકલો કે એકલી શું કરી શકું? જ્યારે હકીકતમાં દરેક વ્યક્તિ જ નહીં પણ તે વ્યક્તિના વિચારમાં પણ એટલું સામર્થ્ય રહેલું છે કે તે ભલે એક નાના સ્તર પર પણ પરિવર્તનનો પવન વહેતો કરી શકે છે. રામાયણમાં સેતુ બાંધવા માટે એક ખિસકોલીએ પણ પોતાનું યોગદાન દીધું હતું એ વાત યાદ છેને! આપણે બધા જ એવા પતંગિયાઓ છીએ જે વાવાઝોડું સર્જવાની જ નહીં પણ કેટલાક સર્જાઈ ચૂકેલા વાવાઝોડાઓ રોકી શકવાની ક્ષમતા ધરાવીએ છીએ અને આપણી આસપાસના વાતાવરણને, આ જગતને વધુ જીવવાલાયક, માણવાલાયક જગ્યા બનાવવામાં આપણું યોગદાન આપી શકીએ છીએ. એ કરવા માટે આપણે કંઈ વેદ ભણવાના નથી કે ફિલસૂફીના થોથાં ઉથલાવવાના નથી. જરૂર છે માત્ર વિચાર કરતા પહેલાં વિચારવાની અને એ વિચારને અમલમાં લાવતા પહેલાં સો વાર વિચારવાની.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment