Sunday, 7 February 2016

[amdavadis4ever] રિયલ હિરો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પહેલી અને મહત્ત્વની વાત એકદમ ટૂંકમાં. અક્ષયકુમાર અને દિગ્દર્શક રાજ કૃષ્ણ મોહનની 'એરલિફટ' ફિલ્મ તરીકે સારી, અલગ અને માણવાલાયક કૃતિ છે.

હવે મુખ્ય બાબત આ ફિલ્મ વાસ્તવિક ઘટના પર પ્રેરિત હોવાનો દાવો કરાયો છે. મુખ્ય પાત્ર પણ અમુક પાત્રો પર આધારિત હોવાનું કહેવાય છે, પણ રિયાલિસ્ટિક કે બાયોપિકની છાપ ઊભી કરતી આ ફિલ્મમાં ઈતિહાસ, વાસ્તવિકતા અને હકીકત સાથે ચેડાં થયા છે. સિનેમેટિક લિબર્ટીને નામે લેવાયેલી છૂટછાટમાં અતિરેક છે.

માનવજાતના ઈતિહાસમાં સૌથી મોટું હવાઈ સ્થળાંતર એટલે ૧૯૯૦માં યુદ્ધગ્રસ્ત કુવૈતમાંથી ૧,૭૦,૦૦૦ (એક લાખ સિત્તેર હજાર) ભારતીયોને સ્વદેશ પાછા લાવવા ભારત સરકારે ૫૦ દિવસમાં એર-ઈન્ડિયાની ૪૮૮ ફલાઈટ્સમાં આ વિક્રમી કામગીરી કરી બતાવી હતી. આ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મેળવનારી એર-ઈન્ડિયા એક માત્ર મુલ્કી હવાઈ ઉડ્ડયન સેવા છે.

આ ફતેહમાં રણજિત કત્યાલ નામની વ્યક્તિ ક્યાંય નહોતી. પારકી ભૂમિમાં બે દેશ વચ્ચેના યુદ્ધમાં ફસાયેલા ભારતીયોન જીવતા બચાવવામાં ઘણાં પાત્રોએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી, જેનો ફિલ્મમાં આછો પાતળો ઉલ્લેખ સુધ્ધાં નથી.

અક્ષયકુમારે ફિલ્મની પબ્લિસિટીમાં દાવો કર્યો છે કે હું માથુન્ની મેથ્યુઝના પાત્ર સાથે નવ મહિના જીવ્યો છું. મૂળ મલયાલી માથુન્ની મેથ્યુઝ હાલ ૮૦ વર્ષની આસપાસના છે અને નાદુરસ્ત તબિયત સામે ઝઝૂમી રહ્યા છે. આ માણસની હિમ્મત કુવૈતી સફળતાના મૂળમાં છે. કેરળના પઠનામથીટ્ટાના કુમ્બંદથી ૨૦ વર્ષની ઉંમરે તેઓ કુવૈત ગયા હતા.

કુવૈત શું ગયા, તેઓ કુવૈતના જ થઈને રહી ગયા. અલ-સેયર ગ્રુપની માલિકીની ટોયોટા એજન્સીમાં કામ કરવાને લીધે ટોયોટા સની તરીકે પણ ઓળખાતો આ માણસ ૧૯૮૯માં આ કંપનીના મેનેજિંગ ડિરેકટરપદેથી નિવૃત્ત થયા હતા. કુવૈતમાં લાંબા રોકાણ દરમિયાન તેમણે કારકિર્દીની જમાવટ કરવા સાથે મિત્રો અને શુભેચ્છોની સારી-સાચી શૃંખલા રચી જાણી હતી. સાથોસાથ અનેક સામાજિક સંગઠનોમાં ઊલટભેર સક્રિય. મૂળ વતનથી અનેકને સમૃદ્ધ કુવૈતમાં લઈ આવવામાં નિમિત્ત પણ ખરા.

સોશ્યલ મીડિયા થકી માથુન્ની મેથ્યુઝનો સંપર્ક કરવો મુશ્કેલ છે. પણ કુવૈતી સાહસમાં હિમ્મતપૂર્વક જોડાયેલા એમના પુત્ર જેમ્સને હજી બધુ યાદ છે. જેમ્સ મેથ્યુઝ કહે છે: 'કુવૈત પર ઈરાકના આક્રમણ વખતે હું ૨૫ વર્ષનો હતો.'

૧૯૯૦ની પહેલી ઑગસ્ટે સદ્દામ હુસૈનની સેના કુવૈત પર ત્રાટકી હતી. હુમલાના કલાકોમાં જ ઈરાકી સૈનિકોએ કુવૈત પર કબજો મેળવી લીધો હતો. કુવૈતી લશ્કર ભોંયભેગું થઈ ગયું અને શાહી પરિવાર પલાયન ભણીને સાઉદી અરેબિયા પહોંચી ગયું હતું.

હવે કુવૈત અને કુવૈતવાસી નધણિયાતા, નમાયા અને નિરાધાર હતા અને ઈરાકી લશ્કર બેફામ હતું. અરાજકતા અને અંધાધૂંધી વચ્ચે નિર્દોષ ભારતીયો કરે શું? જાય ક્યાં? આવા નાજુક તબક્કામાં માથુન્ની મેથ્યુઝ અને કેટલાક વીરલા જીવના જોખમની પરવા કર્યા વગર દેશભાઈઓને બચાવવા ઘર બહાર નીકળ્યા હતા. આ બધા એટલા સદ્ધર હતા કે ચૂપચાપ પરિવારજનો અને કીમતી ચીજો સાથે પોબારા ભણી ગયા હોત, પરંતુ આ લોકો હમવતન માટે રોકાઈ ગયા.

ઈરાકી આક્રમણને ત્રણ અઠવાડિયાં થઈ ગયાં અને ભારતીયો આતંકના ઓછાયા હેઠળ ફફડતા હતા. ભારત તરફથી તાત્કાલિક મદદ આવવાની આશાનું ટમટમિયું બુઝાતું દેખાતું હતું. આ સ્થિતિ જોઈને મેથ્યુઝે રાહત કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું. મેથ્યુઝ પોતાની સાથે થોમસ ચાંડી, અન્ય વેપારી હરભજનસિંહ વેદી અને દીકરા જેમ્સને લઈને બગદાદ ગયા. શેરીઓમાં ગોળીઓ છૂટતી હોય અને સૈનિકો જીતના નશામાં હોય, ત્યારે ઘરબહાર પરિવારને છોડીને જવું અને એ પણ આક્રમણખોર દેશમાં? નાનીસૂની હિમ્મત નથી. બગદાદથી તેમણે દીકરાને એર-ઈન્ડિયાની પહેલી ફલાઈટમાં ખાસ કામ માટે મુંબઈ મોકલી દીધો. આ તરફ મેથ્યુઝ ઈરાકના બગદાદમાં ભારતીય રાજદૂતને મળ્યા. તેઓ કુવૈત પાછા ફર્યા ત્યારે નવી મુસીબત સામે આવી. ખાધાખોરાકી, પીવાનું પાણી અને અન્ય જીવનજરૂરી ચીજો ખૂટી રહી હતી. આ ચીજવસ્તુઓનો સંયમપૂર્વક વપરાશ થાય અને એના વિતરણ પર અંકુશ રાખવાનો એક રસ્તો સૂઝ્યો: સ્કૂલ અને મોટા કમ્પાઉન્ડની છાવણીમાં બધાને સાથે રાખવા આને લીધે ભાઈચારો વધે, એકમેકને હૂંફ મળે અને સલામતી વધે તથા જીવન જરૂરિયાતની ચીજોનું રેશનિંગ કરી શકાય.

કુવૈતની ભારતીય સ્કૂલમાં પહેલો કેમ્પ શરૂ થયો. આની જવાબદારી સંભાળવા માટે એક સમિતિ રચાઈ. આ બધી દોડધામ વચ્ચે મેથ્યુઝ હેમ રેડિયોની મદદથી ભારતીય સત્તાધીશોના સંપર્કમાં હતા. તાત્કાલિક ફિકર બે જ હતી વધુ નિરાશ્રિતો અને ભારતીયો માટે જોર્ડનની સરહદ ખોલાવવી.

અનેક સ્તરે ભાંજગડ કર્યા બાદ જોર્ડન સરહદ ખોલાવવામાં સફળતા મળી. હવે બધાને જોર્ડન ખસેડવાની કવાયત હાથ ધરાઈ. આની સાથોસાથ ઈરાકના બસરાથી એક જહાજમાં કેટલાક ભારતીયોને વાયા દુબઈ ભારત મોકલી દેવાયા.

પરંતુ આટલી મોટી ફોજને કુવૈતથી જોર્ડન પહોંચાડવાનું સલામતપણે આસાન નહોતું. પોતાના ટ્રાન્સપોર્ટ વ્યવસાયના સંબંધોનો ઉપયોગ કરીને તેમણે નિરાશ્રિતોને જોર્ડન લઈ જવા માટે બસની ફોજ ખડી કરી દીધી. યુદ્ધના જોખમ વચ્ચે આટલી બધી બસ બહાર આવી એ મેથ્યુઝની ગુડવીલના પ્રતાપે.

આ 'ચાલો જોર્ડન'ની કવાયતને સાંગોપાંગ પાર પાડવામાં સંયુકત રાષ્ટ્રસંઘ, ભારતીય સત્તાધીશો અને ઈરાકી ટ્રાન્સપોર્ટર્સ સાથે મેથ્યુઝ વાટાઘાટ કરી રહ્યા હતા. વિચાર કરી જુઓ કે ૬૦ જણની ક્ષણતાવાળી ૨૦૦ બસે ૧૨૦૦ કિલોમીટરનું અંતર કાપવા માટે ૨૦૦ ટ્રીપ કરી હતી અને એ પણ જંગના માહોલમાં - આ બધી માથાકૂટ સાથે ધંધો, વ્યવહાર અને સલામતીના મામલા પણ ખરા.

મેથ્યુઝ ઍન્ડ ફ્રેન્ડસે બનાવેલી કમિટીએ અનેક કપરા કામ કરવાનાં હતાં: પિક-અપ પોઈન્ટ નક્કી કરવા, બસ દીઠ માણસોની ફાળવણી, બસની સીટનું પેમેન્ટ, બસના કાફલાને સાથે ચલાવવા, એમને સલામતી પૂરી પાડવી અને એમના પાસપોર્ટ પર થપ્પા મારવા.

મુશ્કેલી એ હતી કે બધા પાસે પાસપોર્ટ નહોતા. નોકરીએ આવેલા ભારતીયોના પાસપોર્ટ કુવૈતી માલિકો પાસે હતા, જેઓ ભાગી ગયા હતા કે માર્યા ગયા હતા.

'એરલિફટ'માં બતાવાયું છે કે ભારત સરકાર કે અમલદારશાહીએ જરાય મદદ ન કરી પણ એ વાત સાવ ખોટી.

આ સમસ્યાનો ઉકેલ લાગે છે એટલો આસાન નહોતો. કુવૈત, ઈરાક અને સંયુકત રાષ્ટ્રસંઘને સાથે રાખવાના હતા. આખી દુનિયા સદ્દામ હુસૈનની ટીકા કરી રહી હતી, ત્યારે નવી દિલ્હીએ દૂરંદેશી અને રાજદ્વારી કુનેહ વાપરીને હમવતનીઓના જીવ બચાવવાના હતા. શરૂઆતમાં ભારતીયોને પાછા લાવવા માટે યુદ્ધ વિમાન વાપરવાનું નક્કી થયું હતું, પરંતુ આ વિમાનમાં માણસો ઓછા બેસી શકે અને થોકબંધ પરમિટ લાગે.

આ ઐતિહાસિક અને વિક્રમી સિદ્ધિની રસપ્રદ વિગતો એટલી વધુ છે કે પાનાનાં પાના ભરાય. 'એરલીફટ'ના દિગ્દર્શક મેનન કહે છે કે મારો હીરો રણજિત કત્પાલ તો આ ઘટનાના બે નાયક માથુન્ની મેથ્યુઝ અને હરભજનસિંહ વેદીનું મિશ્રણ છે.

જો કે મેથ્યુઝ અને વેદી ઉપરાંત ઘણાં પાત્રોએ નોંધપાત્ર પ્રદાન આપ્યું હતું. એમની સવિસ્તાર નોંધ લેવાનું ફરી ક્યારેક રાખીએ પણ એમનો નામોલ્લેખ કેમ ચુકાય? આ નામ છે ઈન્દ્રરકુમાર ગુજરાલ, ટોની જશામલ, કે. ટી. બી. મેનન, કે. પી. ફેબિયન, કેપ્ટન વિજય નાયર, માઈકલ મસ્ક્રેનહાસ અને... આ સૌને સો સો સલામ.

આ બધાના જુસ્સાથી આકાર પામેલું આ સ્થળાંતર અભિયાન હકીકતમાં એર-ઈન્ડિયાની માનવતાભરી સિદ્ધિ હતી. ધારણા કરતાં વધુ માણસોને ખસેડવા પડ્યા પણ એની સફળતા બેમિસાલ હતી. કુવૈતમાં સપડાઈ પડેલા પાકિસ્તાની એરલાઈનના કર્મચારીઓને પણ માનવતાના ધોરણે ભારતે સ્થળાંતર કરાવ્યું હતું.

'એરલિફટ'ની સફળતાને લીધે જ ઈતિહાસને સાચા પરિપ્રેક્ષ્યમાં મૂકવાની વધુ જરૂર છે. નહિતર મહાત્મા ગાંધીને બેન કિંગ્સલેમાં અને ભગવાન શ્રીરામને અરુણ ગોહિલમાં ફેરવાતા કયાં વાર લાગે છે?

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment