Saturday, 6 February 2016

[amdavadis4ever] રોટી, કપડ ાં ઔર બૅંક

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બૅંક શબ્દ બોલતાં જ આપણા મનમાં નાણાકીય લેવડ દેવડ કરતી બેંકનો વિચાર આવે. મૂળ અંગ્રેજી શબ્દ છે. બૅંકનો અર્થ થાય છે કોઈપણ વસ્તુનું જમા થવું. ડિકશનરી અર્થ છે નાણાકીય સંસ્થા જ્યાં પૈસા જમા કરવામાં આવે તેના પર વ્યાજ મળે અને જોઈએ ત્યારે ઉપાડી શકાય વગેરે. આ જ રીતે એવી કોઈ સંસ્થા બને છે ત્યારે એને બૅંક શબ્દ જોડી દેવામાં આવે છે. જેમ કે આઈ બૅંક, બ્લડ બૅંક વગેરે. સૌપ્રથમ બ્લડ બૅંકનો કોન્સેપ્ટ બેલ્જિયમ ડૉકટર આલ્બર્ટ હુસેનને ૧૯૧૪માં આવ્યો હતો. એ પહેલાં સીધું જ લોહી ચઢાવાતું હતું. હજી પણ જૂની હિન્દી ફિલ્મો જોશો તો તેમાં લોહી આપનાર અને લેનાર બે વ્યક્તિઓ દર્શાવવામાં આવતી હતી, કારણ કે લોહી લાંબો સમય રાખવામાં આવે તો ગંઠાઈ જાય. પણ ૧૯૧૪માં લોહી ગંઠાઈ ન જાય તેવું કેમિકલ ઉમેરીને તેને સ્ટોર કરી શકાય છે જેથી પછીથી તેનો ઉપયોગ કરી શકાય. ટેકનોલોજી વિકસતા લોહીને સ્ટોર કરવાના રસ્તાઓ વધ્યા બસ એટલે જ હૉસ્પિટલોમાં બ્લડ બૅંકની શરૂઆત થઈ કે તમે એમાં બ્લડ જમા કરાવી શકો અને જેને જરૂરત હોય તેઓ એમાંથી બ્લડ લઈ શકે. 

થોડા જ સમય પહેલાં નવી મુંબઈમાં ત્વચા-સ્કિન બૅંક પણ શરૂ થઈ છે. મૃત્યુ બાદ મૃતદેહની ચામડી-ત્વચા કાઢીને તેને સાચવી શકાય છે ૪.૮ ડિગ્રી સેલ્સિયસ પર તેને પાંચ વરસ સુધી જાળવી શકાય છે. આગથી દાઝી કે એસિડથી બળી ગયેલી વ્યક્તિઓને આ સ્ટોર કરેલી સ્કિન-ત્વચા ઉપયોગી થાય છે. આ જ રીતે શરીરના અન્ય અવયવોને પણ ઓર્ગન બૅંકમાં જમા કરાવી શકાય છે. સ્પર્મ બૅંક પણ છે જે નિ:સંતાન દંપતીને માતાપિતા બનાવે છે. મેડિકલ કોલેજને સંશોધન માટે આખો દેહ પણ દાનમાં આપી શકાતો હોય છે.

છ મહિના પહેલાં બુંદેલખંડના મહોબા જિલ્લામાં રોટી બૅંકની શરૂઆત થઈ. રોટી બૅંક આ પહેલાં ક્યાંય નહોતી કે તેનો વિચાર પણ થયો નહોતો. મહોબાનો વિસ્તાર બુંદેલખંડનો સૌથી પછાત વિસ્તાર છે. ત્યાં ખૂબ ગરીબી હોવાને કારણે કેટલાય લોકોને ભૂખે સૂવાનો વારો આવતો હતો. બુંદેલખંડ સમાજના પાંચ વડીલો અને ચાલીસેક યુવાનોએ ભેગા થઈને એપ્રિલ ૨૦૧૫માં આ રોટી બૅંક શરૂ કરી. શરૂઆતમાં તો રેલવે સ્ટેશન પર ભીખ માગતી કે તરછોડાયેલી વ્યક્તિઓને જ ભોજન આપવામાં આવતું આજે રોજના ૪૦૦થી વધુ લોકોને તાજું ભોજન મળે છે. શરૂઆતમાં યુવાનો ઘરે ઘરે જઈને તાજી બે રોટલીઓ અને શાકભાજી જે કંઈ હોય તે દાન આપવાની માગણી કરતા. એ ભોજન ભૂખ્યા બાળકો અને રસ્તા પર રહેતી વ્યક્તિઓને આપવામાં આવતું. વધુને વધુ લોકો રોટીનું દાન કરતા ગયા તેમ એમણે ઝૂંપડાઓમાં રહેતા ગરીબો અને હૉસ્પિટલમાં દર્દીઓની સાથે રહેતા લોકોને પણ ભોજન આપવા માંડ્યું. મુખ્ય ઉદ્દેશ એ હતો કે ભોજનનો બગાડ અટકે અને ભૂખ્યાઓને ભોજન મળે. આમ પણ આપણે ત્યાં ભોજન અને પાણીના દાનનું મહત્ત્વ ઘણું છે. માનવીય કાર્યમાં ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણીની ગણના સૌથી જરૂરી માનવામાં આવે છે. આજે તો લગ્ન સમારંભમાં થતા ભોજનના બગાડને સંવેદનશીલ વ્યક્તિઓ વખોડે છે. ચીનની હોટલમાં તો તમે મગાવેલ ભોજનનો બગાડ કરો તો વધુ ચાર્જ કરવામાં આવે છે. આજે ભૂખમરાને લીધે જો કોઈ માનવી મરે તો તે અયોગ્ય જ છે. ઉત્તર પ્રદેશનો આ વિસ્તાર પછાત હોવાને કારણે અનેક લોકો ગરીબી રેખાની નીચે જીવે છે. ત્યારે આવો રોટી બૅંકનો આ પ્રયાસ સરાહનીય છે. 

મહારાષ્ટ્રના કેટલાંય ગામડાંઓમાં માલન્યુટ્રિશિયનના કિસ્સાઓ બહાર આવ્યા જ છે. બાળકો કુપોષણથી બેહાલ થઈને મરવાને વાંકે જીવે છે. જ્યારે અહીં શહેરોમાં બાળકો અતિખોરાક ખાવાને લીધે જાડાપણાના રોગનો શિકાર બને છે. બુંદેલખંડી સમાજની રોટી બૅંક પરથી પ્રેરિત થઈ ડિસેમ્બર મહિનામાં મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેર જે તેની પ્રાચીન ગુફાઓ અજંટા ઈલોરા માટે પ્રસિદ્ધ છે ત્યાં એક રોટી બૅંકની શરૂઆત થઈ છે. હારુન મુકાતી ઈસ્લામિક સેન્ટરના સ્થાપક યુસુફ મુકાતીએ ઔરંગાબાદના હાર્દસમા રોડ જીન્સી બાજીપુરા રોડ પર રોટી બૅંકની શરૂઆત કરી છે. યુસુફ મુકાતી કહે છે કે વરસોથી હું જોતો આવ્યો હતો કે ગરીબ લોકો એક ટંકનું ભોજન પણ ભરપેટ પામી નથી શકતા. તેમાંય ખાસ કરીને મુસ્લિમ કુટુંબો કે જેમાં ફક્ત એક જ વ્યક્તિ કમાનાર હોય તેને માટે આખાય પરિવારનું પેટ ભરવું મુશ્કેલ થતું હોય છે. આવી વ્યક્તિઓ ભીખ માગવા કરતાં ભૂખે સૂવાનું વધુ પસંદ કરે છે. એવા લોકોને બે રોટલી પણ આપી શકાય તો સારું એ વિચાર સાથે આ રોટી બૅંક શરૂ કરવામાં આવી. મુકાતીની રોડ પર પોતાની કાપડની દુકાન છે તે જ દુકાનમાં સાઈડમાં આ બૅંક શરૂ કરવામાં આવી. તેની પત્ની અને ચાર બહેનોની સાથે મળીને તેણે ડિસેમ્બરની પાંચમી તારીખે રોટી બૅંકની શરૂઆત કરી. તેમાં ૨૫૦ ડિપોઝિટર સાથે શરૂઆત કરવામાં આવી. અહીં ડિપોઝિટર માટે પણ ફોર્મ રાખવામાં આવ્યું છે. તેમાં દાન આપનારને વિનંતી કરવામાં આવી છે કે તાજી બનાવેલી ઓછામાં ઓછી બે રોટલી અને શાકાહારી કે માંસાહારી શાક જે તેઓ ઘરે રોજ બનાવે છે તે જ રોટી બૅંકમાં આપે. આ બૅંક રોજ સવારે અગિયાર વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી ખુલ્લી રહે છે. એ સમય દરમિયાન રોટીનું દાન સ્વીકારાય છે અને રોટી જરૂરતમંદોને અપાય પણ છે. લોકો ભૂખ્યા ન રહે તેવી જ ઈચ્છા આમાં છે. ભીખને ઉત્તેજન આપવાની ઈચ્છા જરા પણ નથી. ડિપોઝિટરોને કેરી બેગ અને કોડ નંબર આપવામાં આવે છે. અને ભોજન તાજું હોય તે ચકાસીને જ દાન લેવાય છે. આજે એક જ મહિનામાં આ રોટી બૅંકમાંથી રોજના લગભગ ૫૦૦ વ્યક્તિઓને ભોજન મળે છે. મુકાતી ફક્ત મુસ્લિમ લોકોને જ ભોજન નથી આપતા પણ હિન્દુઓને પણ આપે છે. હિન્દુ લગ્ન હોય ને ભોજન સમારંભમાં ખાવાનું વધ્યું હોય તો કેટરર્સ હવે અહીં રોટી બૅંકમાં જમા કરાવી જાય છે. ભોજનનો જરા પણ બગાડ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેણે બે મોટા ફ્રિજ પણ રાખ્યા છે જેમાં એકમાં શાકાહારી અને બીજામાં માંસાહારી ભોજન જરૂર પડે સ્ટોર કરવામાં આવે છે. આ ફ્રિજમાં લગભગ ૭૦૦ પેકેટ સ્ટોર કરી શકાય છે. આ રોટી બૅંકમાં ભોજન લેવા આવતાં કેટલાય લોકોના અંગ પર ઠંડીમાં રક્ષણ માટે પૂરતાં કપડાં પણ નહોતા એ જોઈને યુસુફ મુકાતીને કપડાં બૅંક શરૂ કરવાનો વિચાર આવ્યો. તેણે પોતાની સંસ્થા હારુન ઈસ્લામિક સેન્ટર દ્વારા લોકો સુધી વાત પહોંચાડી અને તેને વધાવી લેવામાં આવી. શરત એટલી કે કપડાં દાન કરનારે ફાટેલા કપડાં કે ગંદાં કપડાં ન આપવા. કપડાં ભલે પહેરેલા હોય પણ તેને બીજી વ્યક્તિ વાપરી શકે તેવા હોવા જોઈએ. તો જ તે સીધા દાનમાં આપી શકાય. તેની નવાઈ વચ્ચે બે જ દિવસમાં ૬૦૦ જોડી કપડાં તેને દાનમાં મળ્યાં. ૨૬ જાન્યુઆરીના રોજ રોટી બૅંકની સાથે કપડાં બૅંકની પણ શરૂઆત ઔરંગાબાદમાં થઈ. ધીમે ધીમે ફક્ત કપડાં જ નહીં તેની સાથે ચપ્પલ, બૂટ, સ્લીપર, ગોદડી- રજાઈ, તકિયા વગેરે પણ આવવા લાગ્યા. જે પણ કપડાં દાનમાં આવે તેના બટન, હૂક તપાસી, તેને ડ્રાયક્લીન કરાવી સાઈઝ અને જાતિ પ્રમાણે જુદા તારવી યોગ્ય રીતે ટ્રાન્સપરન્ટ બેગમાં પેક કરીને કપડાં બૅંકમાં રાખવામાં આવે છે. અને યલો રેશનકાર્ડ ધરાવનાર એટલે કે બિલો પોવર્ટી લાઈનમાં આવતી વ્યક્તિઓને તેમના નામ નોંધીને આપવામાં આવે છે જેથી તેઓ કપડાં લેવા વારંવાર આવે નહીં અને બીજાને વેચી નાખે નહીં. કારણ કે આ બૅંક જરૂરિયાતમંદ લોકોના ઉપયોગ માટે શરૂ કરવામાં આવી છે. જેથી લોકો યોગ્ય રીતે પોતાના તનને ઢાંકીને ઈજ્જતપૂર્વક રહી શકે. આજે ભારતભરમાંથી ૨૫૦ જેટલી સંસ્થાઓ મુકાતીનો સંપર્ક કરી રહી છે, રોટી બૅંક અને કપડાં બૅંક તેમના વિસ્તારમાં શરૂ કરવા માટે તેનો આનંદ છે મુકાતીને. 

આ પહેલાં દિલ્હીમાં અંશુ ગુપ્તાની ગુંજ નામની સંસ્થા છેલ્લાં પંદર વરસથી જરૂરિયાતમંદોને કપડાં આપવાનું કામ કરે છે. કબાટમાં કપડાંના ઢગ હોવા છતાં રોજ સવારે તૈયાર થતા સમયે મૂંઝવણ થાય કે આજે શું પહેરવું ? જ્યારે દુનિયામાં અનેક લોકો એવા છે કે જેમની પાસે ઠંડી, ગરમીથી શરીરને રક્ષવા માટે પૂરતા કપડાં ન હોય, પણ આપણને ક્યારેય એવા લોકો દેખાતા નથી કે તેમના વિશે વિચાર નથી આવતો. બન્યું એવું કે દિલ્હીમાં રહેતા પત્રકાર અંશુ ગુપ્તાને શિયાળાની એક સવારે તેના વાહનની આગળ જતી પેડલ રિક્ષા પાછળ વંચાયું લાવારિશ લાશ ઢોનેવાલા. તેના વિશે વધુ જાણવા અંશુ તેની પાછળ ગયો. તેનું નામ હબીબ, એની સાથે વાત કરતાં અંશુને જાણવા મળ્યું કે શિયાળામાં હબીબ રોજની બારેક લાશ લઈ જતો. અને જ્યારે ઠંડી વધે ત્યારે આ સંખ્યા વધીને ૪૦ કે ૫૦ પણ થઈ જાય. તેને આ કામમાંથી લાશદીઠ ૨૦ રૂપિયા મળતા હતા. હબીબની પાંચેક વરસની દીકરી હતી તે કહે કે બહુ ઠંડી પડે ત્યારે ક્યારેક તે લાશને વળગીને સુઈયે જાય, તેને જરાય ડર ન લાગે.

આ સાંભળીને અંશુને આઘાત લાગ્યો કે દુકાળથી મરે, પાણીની રેલમાં લોકો મરે પણ ઠંડીમાં ગરમ કપડાંના અભાવે લોકો મરે તે કેવું કહેવાય. આ બાબતે અંશુએ વિચાર્યું કે મારે પણ આસપાસના લોકોની જેમ પોતાના માટે જિંદગી જીવવી કે સમાજને માટે કંઇક કરી છૂટવું. અંશુ કહે છે કપડાં આપણી મૂળભૂત જરૂરિયાત છે. તેને કોઇકને આપીએ તો ગૌરવપૂર્ણ રીતે આપવું જોઇએ. ઠંડીમાં ગરમ કપડાં ક્યારેક આપણી પાસે વધારાના હોય છે. તેને કાઢી નાખવાના જ હોય છે તો તેને ભેગા કરીને જરૂરત હોય તેવા લોકો સુધી પહોંચાડવાનું કામ ૧૯૯૮-૯૯ની સાલથી ૬૭ કપડાંથી શરૂ કર્યું હતું. આજે ૮૦થી ૧૦૦ ટનની વસ્તુઓ કપડાંથી લઈને વાસણો, સ્કૂલ બેગ, જૂનાં કમ્પ્યુટર, દરવાજા, બારી વગેરે બધું જ ગામડાંઓમાં કે શહેરની ઝૂંપડપટ્ટીઓમાં લોકો સુધી પહોંચાડાય છે.

આ દરેક વસ્તુઓ મફતમાં ભીખમાં અપાતી નથી. કૂવા ખોદવા, રોડ બનાવવા કે કોઇપણ કોમ્યુનિટી કામના બદલામાં આ વસ્તુઓ આપવામાં આવે છે. વળી વસ્તુઓ કે કપડાંને યોગ્ય રીતે છૂટાં પાડી તેને સાઈઝ કે વિભાગવાર ગોઠવાય છે. તૂટેલી કે ફાટેલી વસ્તુઓને રિપેર કરવામાં આવે કે પછી તેને રિસાઈકલ કરીને નવી વસ્તુઓ બનાવવામાં આવે. કામના બદલામાં ન આપવામાં આવે તો મિનિમલ ટોકનરૂપે એકાદ બે રૂપિયા જેટલી રકમ લઈને કપડાં કે વસ્તુઓ આપવામાં આવે, જેથી તેને રિપેર કે ધોવાનો ખર્ચ નીકળી શકે. અંશુની પત્ની મીનાક્ષી બીબીસીમાં કામ કરતી હતી એટલે તેમનું ઘર ચાલી જતું. શરૂઆતમાં કેટલાય વરસો તેમના નાના ઘરમાં જ લોકો દ્વારા અપાતા કપડાંઓનો ઢગ લાગતો તેને વોલિન્ટિયર જુદાં કરે. અન્ડરગારમેન્ટ અને ફાટેલા કપડાં ન લેવાય. એ સિવાયના કપડાંને પણ પહેરવા યોગ્ય બનાવી સાઈઝ પ્રમાણે પેક કરાય. ગંદાં કપડાં ધોવાય. શાળાના કપડાં પણ જુદાં પેક કરાય. પછી તેને જુદાં જુદાં ગામડાઓમાં મોકલાય. તેમાંય મુસ્લિમ વસ્તી માટે સલવાર સૂટ અને લૂંગી કે ચેક્સ કપડાં દક્ષિણ તરફ મોકલવાના એવું પણ ધ્યાન રખાય. પછી તો ધીમે ધીમે વધારાના કંપાસ, વોટર બોટલ અને સ્કૂલ બેગથી લઈને વાસણો અને કમ્પ્યુટર સુધી પણ વિસ્તાર વધતો ગયો.

કામ વધતું ગયું અને આજે ગુંજ સંસ્થાની કલેકશન ઑફિસ ભારતના દરેક મોટા શહેરો, જેમ કે દિલ્હી, મુંબઈ, કોલકતા, બેંગલુરુ, ઇંદોર, ચંદીગઢ, સિલિગુડી, હૈદરાબાદ વગેરે સ્થળોએ છે. ગામડાઓમાં અને ઝૂંપડપટ્ટીઓમાં કે રસ્તા પર રહેતી સ્ત્રીઓને ગુંજ કપડાંમાંથી જાતે બનાવેલ સેનિટરી નેપ્કિન પણ આપે છે. જેથી સ્વચ્છતા અને સ્વાસ્થ્યનો ખ્યાલ આવી ગરીબ સ્ત્રીઓ રાખી શકે. સુનામી કે ધરતીકંપ કે પૂર જેવી કુદરતી આફત સમયે પણ અંશુ ગુપ્તાની સંસ્થા ગુંજ મદદે દોડી જાય છે. આજે ફક્ત રિસાઈકલ વસ્તુઓ જ લોકો સુધી ગુંજ દ્વારા નથી પહોંચતી પણ અનેક લોકોને કામ પણ અહીં મળી રહે છે. તેમાં કપડાં અને વસ્તુઓને છૂટી પાડવી. પેક કરવી. ધોવી વગેરે તેમજ જૂની વસ્તુ કે કપડાંમાંથી નવી વસ્તુઓ બનાવવી જેમકે ચટાઈ, સ્કૂલ બેગ, ગોદડીઓ વગેરે બનાવવું.

આજે ગુંજ સંસ્થામાં ૧૮૦ ફુલટાઈમ વર્કર અને ૧૧ ઓફિસરો છે. અંશુ કહે છે કે એક કોર્પોરેટ ઓફિસની જેમ જ અમે કામ કરીએ. સમાજસેવાનું કામ છે એટલે હોતા હૈ ચલતા હૈ વાળી વાત નહીં. દરેક બાબત યોગ્ય શિસ્ત અને સમયમાં થાય સાથે માનવીય મૂલ્યોને ધ્યાનમાં રાખીને આ સંસ્થા કામ કરે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment