Friday, 12 February 2016

[amdavadis4ever] સ્થાપત્યની સફરે - Gujarati (Posted by B D Jesrani)

 




Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



શહેરીકરણની પ્રક્રિયામાં માનવી તથા વાતાવરણ એ બંનેની ગુણવત્તા સામે ઘણા પ્રશ્ર્નો ઊભા થયા છે. ચોક્કસ પ્રકારની દોડમાં જોડાવાને કારણે માનવી ઘણી સંવેદનાથી વિમુખ થતો જાય છે. સાધન-સવલતોને પામવા તે ક્યાંક જીવનનો અને જીવવાનો મૂળ આનંદ ખોતો જાય છે. તેણે ઘણાં દિવસોથી પૂનમનો ચાંદ નથી માણ્યો. સવારના સૂરજનાં કિરણો તેના પર પડ્યાં ને તો મહિનાઓ વિતી ગયા હોય છે. ચકલીની ચીંચી અને દેડકાનું ડ્રાંઉ ડ્રાંઉ તો તે કદાચ ભૂલી જ ગયો છે. ઝાડના પાંદડા વચ્ચેથી પસાર થતાં પવનથી ઊભા થતાં ધ્વનિ તરંગોની તો વાત જ શી કરવી! માનવી શહેરોમાં એક યાંત્રિક અંગ તરીકે ગોઠવાઈ ગયો છે. અહીં માનવીની માનવિયતા જાણે લગભગ નાશ પામી છે.

સાથે સાથે, વાતાવરણના પ્રશ્ર્નો પણ ધ્યાન માંગી લે છે. શહેરની રચનામાં વાતાવરણના પ્રત્યેક પરિબળનો જાણે નીચોડ કાઢી લેવાય છે. વળી જે પહેલી દૃષ્ટિએ 'બેકાર' છે તેનો નાશ કરી 'કામ'ની પરિસ્થિતિ ઊભી કરી દેવાય છે. ઝાડ કાપી રસ્તાઓ-મકાનો બનાવાય છે. પાણીને પ્રદૂષણમાં તબદીલ કરી દેવાય છે. હવાની શુદ્ધતાની વાત તો જાણે કુદરતની જ જવાબદારી છે એમ માની લેવાય છે. જમીન પર અનિયંત્રિત 'ભાર' લાદવામાં આવે છે. આ જમીનને તો જાણે ચૂસી લેવાની હોડ જામી છે. શહેરીકરણને કારણે ઉદ્ભવેલી આવી પરિસ્થિતિમાં સ્થાપત્યની કેટલીક રચનાઓ ક્યાંક હાશની અનુભૂતિ કરાવે છે. 
આવી એક રચના ઇટલીના મિલાન શહેરમાં સ્થાપિત ટીમ સ્ટેકાનો બોએરી, ગીઆનાન્ડ્રીઆ બારેકા તથા જીઓવાનિલા વારા દ્વારા બનાવાયેલ બોસ્કો વર્ટીકલ. વર્ટીકલ ફોરેસ્ટ યાને ઊભા જંગલ તરીકે ઓળખાતા આ રહેણાંકીય એપાર્ટમેન્ટને સન ૨૦૧૪માં આંતરરાષ્ટ્રીય એવૉર્ડ મળેલો છે.

શહેરની મધ્યમાં આવેલ ૨૬ ગામના એપાર્ટમેન્ટમાં દરેક યુનિટને ૪-૫ ઝાડ મળે તો કેવું! અને તે પણ ક્યાંક ૯ મીટરની ઊંચાઈના! વળી સાથે દરેક આવાસની બાલ્કની-ઝરૂખામાં મોસમી ફૂલછોડ ઉગાવવાની વ્યવસ્થા હોય તો! અને ક્યાંક માટીમાં ફેલાતી લતા-વેલ પ્રસરતી હોય તો! આ બધા સાથે માટીની મહેંક તો ખરી જ. બસ, આ એપાર્ટમેન્ટ આવી આગવી ખાસિયતો સાથે જ બનાવાયું છે.

બોસ્કો વર્ટીકલના સંકુલમાં આમ તો ત્રણ ટાવર આવેલા છે- બે રહેણાંકીય તથા એક ઓફિસ માટેનો. આમાંના બે રહેણાંકીય ટાવર ઊભા બગીચા જેવા બનાવાયા છે. આમાંનો એક ૨૬ માળનો ટાવર ૧૧૦ મીટર ઊંચો છે, જ્યારે ૧૮ માળના બીજા ટાવરની ઊંચાઈ ૭૬ મીટર જેટલી છે. આ બંને ટાવરની ચારે તરફ ફરતી બાલ્કનીના કેટલાંક ભાગમાં માટીનું પુરાણ કરી ઝાડ-પાન ઉગાડાયા છે. એક ગણતરી પ્રમાણે અહીં આ બંને ટાવરમાં ઉગાડાયેલા ઝાડની સંખ્યા બરાબર ૭૦૦૦ ચોમીના જંગલમાં ઝાડ હોય. આ વાત જ એની પ્રતીતિ કરાવે છે એ અહીં, આ ઝાડની હાજરીથી મકાન ઊભા જંગલ જેવું જ દેખાતું હશે.

આશરે ૯૦૦ જેટલા ૩ મીટરથી ૯ મીટરની ઊંચાઈવાળા ઝાડ, ૫૦૦૦ જેટલા નાના છોડવા, તે ઉપરાંત ૧૧૦૦૦ જેટલાં મોસમી-કદાચ ફૂલો આપતાં-નાના છોડ તથા માટી પર પ્રસરતી વેલ. આ બધું જ ચોક્કસ માત્રાની લીલોતરીની અનુભૂતિ કરવા પૂરતાં છે. આમ તો અહીં મૂળમાં ૧૨૮૦ જેટલાં મોટાં તથા ૯૨૦ જેટલાં નાના ઝાડ ઉગાડવાનાં હતાં, પણ આ બધાનું વજન ઝીલવા મકાનની મજબૂતાઈમાં વધુ લાગત લાગતી હોવાથી તે સંખ્યામાં ઘટાડો કરાયો હતો. કુલ ૩૬૦૦૦૦ ચોમીના અહીંના બાંધકામમાં ૮૯૦૦ ચોમીની અગાસી-બાલ્કની છે, જેમાં કેટલાક ભાગમાં ઝાડપાન ઉગાડાયાં છે. આ લીલોતરીનું વજન લેવા, તેટલા ભાગમાં કોંક્રીટના સ્લેબની જાડાઈ ૨૮૦ મીમી જેટલી રખાઈ છે અને તેની ફરતે ૧૩૦૦ મીમી જેટલી ઊંચાઈની કોક્રિટની જ પાળી બનાવાઈ છે.

આ સમગ્ર રચના બહારથી દેખાવમાં તો સુંદર લાગે જ છે, પણ ઘરની અંદરથી પણ આ ઝાડપાન દેખાતાં દૃશ્ય-ઠંડક અનુભવાય. વળી આ ઝાડપાનથી આમ પણ ઉષ્ણતામાનમાં ઠંડક પ્રસરે. ઝાડપાનને કારણે અહીં ઘરનું આંતરિક તાપમાન અનુકૂળ સ્તરે સહેલાઈથી જળવાઈ રહે. આ ઝાડથી સૂરજનો સીધો તડકો પણ રોકાય. આ ઝાડપાન દરેક ઘરને મળતા હોવાથી પ્રત્યેક ઘરમાં બહારનો શહેરી-અવાજ પણ ઓછી માત્રામાં ઘરમાં પ્રવેશે. આ બધા સામે આટલી ઊંચાઈએ કોંક્રિટ પર માટી પાથરીને ઉગાડેલા ઝાડ ક્યાંક પવનની ઝાપટથી ઊખડીને દૂર નીચે ન પડી જાય તે માટે કૃત્રિમ 'વીન્ડ-ટનલ' બનાવી આ રચનાની ચકાસણી કરાઈ હતી, જેમાં સફળતા મળતાં રચનાનું અમલીકરણ થયું હતું.

બોસ્કો વર્ટીકલની બનાવવાની શરૂઆત સન ૨૦૦૯માં થઈ હતી અને સન ૨૦૧૨માં તેની માળખાકીય રચના તૈયાર થઈ ચૂકી હતી. પછી ૨ વર્ષમાં તેનું બાકીનું બાંધકામ થયું અને સાથે સાથે ઝાડપાન ઉગાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અંતે સન ૨૦૧૪માં તે સમાજને અર્પણ કરવામાં આવેલું. શહેરની વચ્ચે ઓક્સિજનના પુરવઠા જેવી આ રચના, તેના આગવા જંગલ-કરણના પ્રયત્નને કારણે ખાસ્સી પ્રશંસા પામી છે.

અહીં આવાસ તથા તેની પરસ્પરની ગોઠવણીય લંબીવ હોવાથી લગભગ લંબચોરસ જેવું તળદર્શન ઊભરે તે સ્વાભાવિક છે. આવી ગોઠવણથી વાતાવરણના વિપરિત પરિબળોની અસર પણ ઓછી થાય. અહીંના પ્રત્યેક આવાસ નાના પ્રમાણાં હોવા છતાં તે ભવ્યતાનો ખ્યાલ આપે છે. મકાનની ધારે આવેલા ઝરૂખા ક્યાંક ખુલ્લા રખાયા છે તો ક્યાંક તેમાં ઝાડપાન રોપાયાં છે. આમાંના કેટલાંક ઝાડ ઊંચા હોવાથી ક્યાંક આ ઝરૂખા બમણી ઊંચાઈવાળા રખાયાં છે. આનાથી મકાનના ફસાડની એકધારીતા ઓછી થાય છે અને રસપ્રદતા ઊભી થાય છે.

આ સિવાય આ ટાવરના તળદર્શનમાં ખાસ નવીનતા નથી.

મનમાં એવો વિચાર આવે છે કે આ બંને ટાવરમાં, કોઈ એક માળમાં આવાસ જ ન બનાવી ત્યાં "સામાજિક બગીચો બનાવાયો હોત તો! આવાસની બાલ્કનીમાં ઝાડપાન સાથે ક્યાંક નાના પાણીના હોજ ગોઠવાયાં હોત તો! માત્ર ફરતે ઝરૂખામાં જ ઝાડ ઉગાડવાની સાથે મકાનની વચમાં પણ નાનો ક્યારો બનાવી છાયડામાં ઊગી શકે તેવાં ઝાડપાન પ્રયોજાયાં હોત તો! કદાચ હયાત પરિસ્થિતિ પ્રમાણે, અહીં મર્યાદિત પ્રયોગ કરવાનો હેતુ હશે, જે મહદ્અંશે સફળ થયો છે.

શહેરમાંથી જ્યાં ઝાડપાન લુપ્ત થતા જાય છે ત્યાં આવો પ્રયોગ ખરેખર પ્રશંસનીય છે. આપણે શહેરોમાં જમીન પરથી ઝાડ સહેલાઈથી કાપી નાંખીએ છીએ, હવે થોડી વધુ મહેનતથી વ્યાવસાયિક ધોરણે ઝાડ ઉગાડવાં પડશે. આપણી મજા જ એ છે કે, શહેરમાં જે લોકોના ઘર આગળ જમીન છે ત્યાં આપણે પેવર પાથરી દઈએ છીએ અને જે લોકો પાસે જમીન નથી તેઓ બાલ્કનીમાં કૂડા મૂકે છે.


__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment