Friday, 12 February 2016

[amdavadis4ever] આપણા કલ્યાણ મિત્રો - Gujarati (Posted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



લીમડો એક નિ:સ્વાર્થ સેવા આપતો વૈદ્યરાજ છે

આપણા કલ્યાણ મિત્રો - ડૉ. અશોક એસ. કોઠારી

 

લીમડો એ સર્વગુણોનો ભંડાર છે. માણસને સાજા કરવાની શક્તિ ધરાવતો વૈદ્ય છે. પાંદડાનાં રસ અને નમકનું મિશ્રણ કૃમિ માટે આપવામાં આવે છે. કમળો, ચામડીના રોગો વગેરેમાં પણ પાનનો રસ મધ સાથે આપવામાં આવે છે. મિશ્રણમાં આમળાનો રસ પણ હોય છે. પોલ્ટીસ કે લેપ પાંદડાને ઉકળતા પાણીની વરાળ ઉપર રાખીને બનાવવામાં આવે છે. પ્રસૂતિ પછી યોનીની અંદર બહાર પાંદડાને પાણીમાં ઉકાળી તે પાણીનો છંટકાવ કરવામાં આવે છે. પત્તાંની લોપડી ખરજવા ઉપર પણ લગાવવામાં આવે છે. બાળકોને કૃમિ થતાં ગુદા ઉપર લીમડાના પાનની લુગદી મૂકવામાં આવે છે. પાનનાં ઘણાં જ ફાયદા છે. એક બીજો રસપ્રદ ઉપયોગ જાણવા જેવો છે.

બૉમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીનાં પુસ્તકાલયમાં અલભ્ય, અપ્રાપ્ય પુસ્તકોનો ભંડાર છે, પરંતુ હંમેશાં અમને પુસ્તકોની સાચવણી કેવી રીતે કરવી તે પ્રશ્ર્ન હતો. તે વખતે બ્રિટિશ લાયબ્રેરીના વડા ફ્રેડ માર્શનું મુંબઇમાં આગમન થયું. અમે અમારી મૂંઝવણ તેની સમક્ષ રજૂ કરી. તેણે તરત જ કહ્યું કે તમારી પાસે અકસીર ઉપાય લીમડાના પત્તા છે અને અમે ખાસ ઉત્તર ગુજરાતનાં ડીસાથી છાંયડામાં સૂકવેલા લીલાં પત્તાં મંગાવ્યાં. ત્યાંનાં પત્તામાં કડવાશ વધુ હોય છે. ડૉ. નવીનભાઇ શાહ નામનાં વૃક્ષપ્રેમીએ અમને આ પત્તાં મોકલેલાં. તે સમયે ત્યાંની લાયબ્રેરી કમિટીનો હું અધ્યક્ષ હતો. વરસો સુધી લીમડાનાં પત્તાં પુસ્તકોમાં રાખી અમે જાળવણી કરી હતી.

લીમડાનાં પાનનાં બીજા પણ કેટલાક અક્સીર ઉપાયો છે. ગ્રામ્ય પ્રદેશમાં ચૈત્ર મહિનામાં લીમડાના કુમળા પાન ઘણા લોકો મીઠા સાથે ખાય છે. જેથી માન્યતા પ્રમાણે આખું વર્ષ નીરોગી રહેવાય. માથાના ખોડા ઉપર લીમડાનાં પાનનો લેપ લગાડી ગરમ પાણીથી માથું ધોવામાં આવે છે. કૃમિ થયા હોય છે ત્યારે પાન રીંગણાનાં શાક સાથે ખવડાવવામાં આવે છે. લીમડા (લીંબડા)નો મલમ ગડગૂમડાં ઉપર લગાડવામાં આવે છે. લીમડાના પાનને મીઠા તેલમાં બાળી તેમાં સીંદૂર અને મીણ નાંખી મલમ બનાવવામાં આવે છે. ખેડૂતો લીમડાનાં પાન, ખોલ અને કોમળ શાખાઓ ઉધઇવાળી જમીનમાં ખાતર તરીકે વાપરે છે. લીમડાના પાનને ઉકાળી તે પાણી વડે નવરાવવાથી ખસ, ખરજવાની ચળ ઓછી થાય છે. ચામડી સૂકી અને ખરબચડી થઇ ગઇ હોય છે ત્યારે લીમડાનાં પાણીથી નિયમિત સ્નાન કરવાથી ચામડી લીસી થાય છે. આમ લીમડાનાં પાન બધી રીતે ફાયદાકારક છે. લીમડાનાં પાન સૂકવીને જીવાત ન પડે ને માટે ચોખા, ઘઉં, મગ વગેરે અનાજમાં નાખવામાં આવે છે. પુસ્તકો સિવાય ઉનની સાલ, શેતરંજી વગેરેની સાચવણી માટે લીમડાનાં પત્તાં કે કાળી જીરી સાથે સૂકવેલાં પત્તાં રાખવામાં આવે છે.

લીમડાનો રસ

લીમડાનાંં કોઇ પણ ભાગમાંથી ચોખ્ખા પાણી જેવો રસ વહે છે. પાણીકાંઠાના લીમડાઓમાંથી વધુ વહે છે. આ રસ ગુણકારી ગણાય છે. 

આ રસ ટાઢિયા તાવ ઉપર આપવામાં આવે છે. કેટલાક લીમડાઓમાંથી પૌષ્ટિક સફેદ રસ વહે છે. લીમડાનો ગુંદર મોઢું આવ્યું હોય તો આપવામાં આવે છે. રેશમને રંગ ચઢાવવામાં પણ વપરાય છે.

લીમડાનાં બીજ અને તેલ

લીમડાના બીજને વાટી સ્ત્રીઓ માથું ધુએ છે. તેથી ખોડો, જૂ વગેરે નાશ પામે છે. રેશમી કાપડને પીળો રંગ ચઢાવવા માટે આ તેલ વપરાય છે. મદ્રાસમાં સ્ત્રીને પ્રસવ થયા પછી બે ચમચી ભાર લીમડાનું તેલ આપવામાં આવે છે. ઢોરોનાં ચાંદા ઉપર આ તેલ ચોપડવામાં આવે છે. રક્તપિત્તમાં તેલને ચાલમોગરાનાં તેલ સાથે ભેળવી ચોપડવામાં આવે છે. સંધિવામાં લીમડાના તેલનો માલિસ કરી શેક કરવામાં આવે છે. આ ગુણકારી તેલ ખોડા, ગડ ગૂમડ ઉપર ચોપડવામાં આવે છે.

લીમડાનાં મૂળ અને છાલ

લીમડાના મૂળની છાલનો ક્વાથ ટાઢિયા તાવમાં આપવામાં આવે છે. મૂળમાં કાપ મૂકી નીચે વાસણ રાખવામાં આવે છે. તેમાં પડતો રસ પણ દવા તરીકે અકસીર ગણાય છે. લીમડાની છાલ પાટીમાં વાટી ગૂંમડાં ઉપર ચોપડવામાં આવે છે. અંતરછાલનો કાઢો સૂંઠ, મરી સાથે તાવમાં અપાય છે. અંતરછાલ રાત્રે પાણીમાં પલાળી સવારે તે પાણી ગાળી લઇ ગુણકારી ઔષધ તરીકે આપવામાં આવે છે. તાવમાં તૃષાને છીપાવવા માટે પણ અંતરછાલને પાણીમાં વાટી, ગાળીને તે પાણી આપવામાં આવે છે. તાવમાંથી છુટકારો થતાં લીમડાંની છાલનો ઉકાળો મરીની સાથે પીવાય છે. મોઢું આવ્યું હોય તો અંતરછાલ મ્હોંમાં રાખવાથી રાહત થાય છે. છાલ બાળીને રાખ ખરજવા કે ચાંદા ઉપર છાંટવામાં આવે છે.

શીતળ હવા

લીમડાના ઝાડ નીચેની શીતળ હવા તંદુરસ્તી બક્ષે છે. અંગ્રેજો ભારતમાંના નિવાસ દરમિયાન લશ્કરી છાવણીઓની આજુબાજુ લીમડા વાવતાં હતાં. તેથી તાજી હવામાં સ્વાસ્થ્ય સારું રહેતું હતું. એક સ્ત્રીએ પરદેશ જતા પતિની પાસે શરત મૂકી હતી. - જતી વખતે વચ્ચે આંબલીનાં વૃક્ષ નીચે રાત્રે સૂવું. જેથી તે માંદો પડે અને જલ્દી પાછો આવે. આવતી વખતે લીમડાના ઝાડની છાયાંમાં સૂવું. તેથી બગડેલું સ્વાસ્થ્ય સુધરે.

ટૂંકમાં હિલોળા લેતા લીમડા ઘરની આજુબાજુ વાવવાથી તાજી નિરોગી હવાથી સ્વાસ્થ્ય સુધરે છે.

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment