Friday, 12 February 2016

[amdavadis4ever] બાર્બર છોડાવે બંધાણ - Gujarati (Posted by B D Jesrani)

 




Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મહાસાગરમાંથી તમે ટીપે ટીપે પાણી ઉલેચો તો સાગરને શો ફેર પડે? એવી જ રીતે ટીપું ટીપું પાણી ઉમેરો તો ય શો ફેર પડે? એવું વિચારવાનું કામ ડાહ્યા માણસનું છે, (અહીં ડાહ્યો માણસ એટલે વ્યવહારુ માણસ). જોકે, ઘડો લઈને સરોવર પર જનારો માણસ ટીપે ટીપે ઘડો ભરીને પાણી લઈ આવે ખરો, પણ એને ડાહ્યો કોણ કહે? આવું કામ તો ચોક્કસ ધ્યેયને વરી ચુકેલા ઘેલાઓ કરે, એમ કહી તો દેવાય, પણ આવા 

ઘેલાઓ સમાજમાં હિમાલયથી પણ મોટા કામ કરી જાય છે. આવું જ મોટું કામ કરવાનું બીડું ઝડપ્યું છે, ગાંધીનગરના એક ભેખધારી હેરડ્રેસરે.

ગુજરાત આમ તો સૂકું રાજ્ય કહેવાય છે ખરું, પણ કેટલું ડ્રાય છે એ તો સૌ જાણે છે. ડ્રાય રાજ્યમાં ગેરકાયદે દારૂથી દર વર્ષે સંખ્યાબંધ મરણ થાય છે. રાજ્યની આવી સ્થિતિમાં પોતાના ત્રણ મિત્રોને દારૂના વ્યસને ભરખી લીધા એ નજરે જોયું, ઘા-આંચકાનો અનુભવ કર્યો ને એના પ્રત્યાઘાતમાં ગાંધીનગરના હેરડ્રેસર પ્રવીણ માસ્ટરે બંધાણ-વ્યસન છોડવા માટે લોકોને સમજાવવા, પટાવવા માટે અજબ રીત અજમાવી છે.

પ્રવીણ મદ્યપાન અને ધુમ્રપાન છોડી દેવાનું વચન આપનારા વ્યસનીઓને મફતમાં દાઢી-વાળ કાપી આપવાની ઑફર કરે છે. એટલું જ નહીં વધારામાં એવી પણ ઑફર કરે છે કે જો વ્યસની તમાકુ અને દારૂથી ત્રણ મહિના દૂર રહે ને બંધાણીને એ ત્રણ મહિનામાં પોતાની જિંદગીમાં ફેર પડ્યો હોવાનું ન લાગે તો માસ્ટર જીવનભર તેના વ્યસનના ખર્ચની ચુકવણી કરશે. બોલો, કોઈ સામાન્ય માણસ (ડાહ્યો માણસ) આવું ખીસામાં ખાધ ઊભી કરવા જેવું કામ કરે ખરો?

પાંત્રીસ વર્ષની વયના માસ્ટરે ત્રણ મિત્રોને નિયમિત શરાબપાનને કારણે થયેલા રોગોને કારણે મરતા જોયા હતા. પ્રવીણ આ લોકોને નાણાકીય મદદ કરવા માગતા હતા, પણ પોતાની જ નાણાકીય તંગ પરિસ્થિતિને કારણે એ સમયે તો ઝાઝું કરી શક્યા નહોતા. તેમના અંતરમાં રહેલું મદદ નહીં કરી શક્યાનું દુ:ખ તેમને નોખો, વેગળો, વિરલ, અનોખો માર્ગ ચિંધતું હતું. એ તેમને માટે સમાજ માટેની પ્રતિબદ્ધતાનો માર્ગ બની ગયો. પ્રવીણ માસ્ટરે આ અનોખી પહેલ બે વર્ષ અગાઉ શરૂ કરી હતી. તેમનો એવો દાવો છે કે તેમણે ૧૫ જણને વ્યસનમુક્ત કરાવ્યા છે. તેમાંના કેટલાક માસ્ટરને 'ડૉક્ટર' કહીને અને તેમના સલૂનને પુનર્વસન કેન્દ્ર ગણાવીને તેમના તરફ પોતાનો આભાર પ્રદર્શિત કરે છે.

પોતાના આવા પ્રયાસ વિશે વાત કરતા પ્રવીણ માસ્ટર કહે છે કે તેઓ કૅન્સર જેવા રોગોવાળા માણસોને પોતાની ઈચ્છા હોવા છતાં નાણાકીય મદદ કરવાની સ્થિતિમાં નથી તેથી "કમ સે કમ હું અન્યોને દારૂથી મરતા આ રીતે બચાવી તો શકું, એમ માસ્ટર કહે છે. તેઓ વધુમાં કહે છે, "કોઈ ગ્રાહક જ્યારે તમાકુસેવન કે મદ્યપાન છોડવા માટે તૈયાર થાય એટલે હું તેને ત્રણ મહિના માટે એનું બંધાણ છોડી દેવાનું કહું છું. એ સાથે હું તેને વચન આપું છું કે જો એ ત્રણ મહિના પછી તેને પોતાની જિંદગીમાં સુધારો થયાનું ન અનુભવાય તો તેના વ્યસનનો જીવનભરનો ખર્ચ હું ભોગવીશ. જોકે, આવો ખર્ચ માગતો એક પણ કેસ હજી સુધી આવ્યો નથી. જે લોકો વ્યસનથી મુક્ત થઈ ગયા છે તેઓ કહે છે કે તેમના જીવનમાં સુધારો આવ્યો છે એવી જ રીતે તેમનું આરોગ્ય પણ સુધર્યું છે. વળી, તેમની નાણાકીય સ્થિતિમાં પણ ખાસ્સો સુધારો અનુભવાયો છે. સુધારો અનુભવનારા લોકોને અન્ય વ્યસનીઓને મારી મદદ લેવાનું કહેવાની પ્રેરણા મળે છે, એમ માસ્ટરે વિગતે કહ્યું હતું.

પ્રવીણ માસ્ટરની સલાહથી વ્યસનમુક્ત થયેલા તેમના ગ્રાહકોમાંના એક તો ખાનગી ક્ષેત્રમાં નોકરી પર છે. તેઓ ૩૪ વર્ષના છે અને તેમનું નામ પ્રકાશ પરમાર છે. તેઓ ધુમ્રપાન અને શરાબસેવનના બંધાણી હતા. તેમનું કહેવું છે કે પ્રવીણ માસ્ટરની સલાહ અને જોમ કામ કરી ગયાં. "સિગારેટ અને શરાબને હું છ મહિનાથી અડ્યો નથી, એમ પરમાર કહે છે. તેઓ વધુમાં કહે છે કે, "મારે મફતમાં વાળ અને દાઢી કપાવવા હતા એટલે મેં વ્યસન છોડ્યું છે એવું હરગિજ નથી, પણ પ્રવીણભાઈ માસ્ટરે મને એક ડૉક્ટરની જેમ વ્યસન છોડવાની તેમની વાત મારા ગળે ઉતારી દીધી હતી.

માસ્ટરના બીજા ગ્રાહક છે, ૫૭ વર્ષના રામભાઈ કનોજિયા, તેઓ કરિયાણાની દુકાન ચલાવે છે. તેમનું કહેવું છે કે, તેઓ પોતે અનેક જાતના માદક દ્રવ્યોના બંધાણી હતા, પણ માસ્ટરે તેમને મફત સેવા અને સારી સલાહની ઑફર આપતા પોતે વ્યસનમુક્ત થવા તૈયાર થયા હતા.

હવે કહો, આપણા સૌમાં ડાહ્યો (ખરા અર્થમાં બુદ્ધિમાન) કોણ છે? અફકોર્સ પ્રવીણ માસ્ટર જ! કામ બહુ મોટું છે. આટલા મોટા સમાજમાં એક-એક કરીને અનેક વ્યસનીઓને મુક્તિને માર્ગે ચઢાવવા એ કાર્ય પ્રમાણમાં જટિલ, મુશ્કેલ અને હરાવી દે એવું છે ત્યારે ટીપે ટીપે સરોવર ભરવાની હામ ભીડનારા પ્રવીણ માસ્ટરને સો સો સલામ.


__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment