Thursday, 11 February 2016

[amdavadis4ever] કેલિડોસ્કોપ - Gujarati (Posted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તમારે સુખી થવું છે?
કેલિડોસ્કોપ : મોહમ્મદ માંકડ

સુખ અને અનિશ્ચિતતા સાથે રહી શકાતાં નથી. લટકતી અનિશ્ચિતતા કરતાં નિશ્ચિત થયેલા દુઃખનો ભાર માણસને ઓછો લાગે છે. આ બાબતમાં પેલા જોડા ફેંકનાર પાડોશીનો પ્રખ્યાત ટૂચકો યાદ રાખવા જેવો છે. એક લહેરીલાલ, કુંવારો આદમી રોજ રાત્રે મોડો ઘેર આવતો અને ઘેર આવતાં જ પોતાના જોડા કાઢીને રૂમમાં ફેંકતો. એ અવાજથી એની નીચેના રૂમમાં રહેનાર માણસને ખૂબ જ ત્રાસ થતો. એકવાર એણે પોતાના પાડોશીને પોતાની તકલીફની વાત કરી. કુંવારા આદમીએ દિલગીરી જાહેર કરી અને હવેથી પોતે આમ નહિ કરે એમ કહ્યું. પરંતુ રાત્રે ઘેર આવ્યો ત્યારે એ વાત એ ભૂલી ગયો અને ઘરમાં દાખલ થતાં જ પગમાંથી જોડો કાઢીને રૂમમાં ફેંક્યો. પણ તરત જ એને પોતાના પાડોશીની વાત યાદ આવી ગઈ, એટલે બીજો જોડો ધીમેથી કાઢીને મૂકી દીધો. ઘણીવાર પછી નીચેથી અવાજ આવ્યો, 'બીજો જોડો કાઢીને ફેંકી દો, એટલે હું ઊંઘી જાઉં.'
આપણાં કેટલાંક દુઃખો આપણા નકારાત્મક વિચારોમાંથી જન્મતાં હોય છે. ક્રોધ કે ઈર્ષ્યા એના કરનારને જ નુકસાન કરે છે. માણસ જ્યારે ક્રોધ કરે છે ત્યારે તેના બ્લડપ્રેશર ઉપર, હૃદય ઉપર અને અન્ય ગ્રંથિઓ ઉપર અસર થાય છે. ક્રોધથી મૃત્યુ થવાના દાખલા પણ નોંધાયા છે. ઈર્ષ્યા પણ એવું જ ઝેર છે. જેની ઈર્ષ્યા માણસ કરે છે એને એથી કશું જ નુકસાન થતું નથી, પરંતુ ઈર્ષ્યા કરનારને જ નુકસાન થાય છે. ઝેરી પદાર્થો કરતાં પણ નકારાત્મક વિચારો અને લાગણીઓનું ઝેર માણસને વધારે નુકસાન કરે છે. ચિંતા, ધિક્કાર અને લોભનું પણ એવું જ છે. ચિંતા માણસના સુખને સૂકવી નાખે છે. પાચનક્રિયા, લોહીનું દબાણ અને અન્ય કેટલીક બાબતો ઉપર એ સીધી અસર કરે છે.
એ જ રીતે, સારી લાગણીઓ અને સારા વિચારો માણસના શરીર અને મન ઉપર સારી અસર કરે છે. ખરાબ સ્થિતિમાં આવી પડયા હોઈએ ત્યારે પણ સારા વિચારો કરવા, ખુશ રહેવું, આનંદમાં રહેવું, એ સુખપ્રાપ્તિનો સચોટ માર્ગ છે. કામ અઘરું છે, પરંતુ પરિણામદાયી છે. પ્રયત્નપૂર્વક હસીને અને ખુશનુમા વાતાવરણ રાખીને ગંભીર રોગોને દૂર કર્યાના દાખલાઓ નોંધાયા છે. શરીર અને મન પરસ્પર એવી રીતે સંકળાયાં છે કે એકની અસર બીજા ઉપર થાય જ છે. શરીરની ક્રિયાઓની અને બહારના વાતાવરણની મન ઉપર અસર થાય છે. એ જ રીતે મનમાં પસાર થતાં વિચારોની અસર શરીર ઉપર થાય છે અને સુખ માટે શરીર અને મન બંને બરાબર હોય તે જરૂરી છે. ઘણીવાર આપણે શારીરિક કે ભૌતિક સ્થિતિ ફેરવી શક્તા નથી, પરંતુ નકારાત્મક વિચારોનો ત્યાગ જરૂર કરી શકીએ છીએ. અગાઉ કહ્યું તેમ એ અઘરું છે પણ સારાં પરિણામો આપનારું છે. આપણા જીવનની દરેક સારી વસ્તુનો પાયો આપણા રચનાત્મક વિચારો ઉપર રચાયેલો હોય છે. સુખનો પાયો પણ એવા વિચારો ઉપર જ છે.

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (12)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment