Friday, 25 December 2015

[amdavadis4ever] તમારો કોઈ ભાવ કેમ નથી પૂછતું

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કામ કરીએ છીએ ત્યાં સુધી જ લોકો સાથે કનેક્ટેડ રહીએ છીએ. કામમાંથી નિવૃત્તિ લઈ લીધી કે પછી કામ છોડીને ઐય્યાશીમાં પડી ગયા કે પછી ગમે તે કારણોસર કામ પરથી ધ્યાન હટી ગયું કે પછી જાતને અપડેટેડ રાખી હોવાથી કામ માટે આઉટડેટેડ બની ગયા કે પછી કુદરતી થપ્પડે કામના ક્ષેત્રની બહાર ધકેલી દીધા કે પછી ખરાબ આરોગ્યને લીધે કામ છોડી દેવું પડ્યું - આ કે આવાં કોઈ પણ કારણોસર કામ છૂટી જાય કે છોડી દેવું પડે ત્યારે માણસ પોતાની આસપાસની દુનિયાથી, એક સમયના પરિચિતોથી કે મિત્રોથી પણ વિખૂટો પડી જાય. લોકો માટે ઈર્રિલેવન્ટ બની જાય. લોકોને એનામાં રસ નથી રહેતો, કારણ કે એણે લોકોમાં રસ લેવાનું બંધ કરી દીધું છે. કામ કરવાનું ચાલુ રાખ્યું હોત તો એની આ દશા ન થાત જે બાસુ ચૅટર્જીની થઈ.

અત્યારે એ ૮૫ વર્ષના છે. સિત્તેરનો દાયકો એમનો હતો. ગીતકાર શૈલેન્દ્રએ પ્રોડ્યુસ કરેલી 'તિસરી કસમ'માં દિગ્દર્શક બાસુ ભટ્ટાચાર્યના આસિસ્ટન્ટ બાસુ ચેટર્જી હતા. બહુ ઓછા લોકોને જાણકારી હશે કે 'તિસરી કસમ' સાથે જોડાતાં પહેલાં ૧૮ વર્ષ સુધી બાસુ ચેટર્જીએ મુંબઈના એક જમાનાના ફ્લૅમબૉયન્ટ પત્રકાર રુસી કરંજિયાના સાપ્તાહિક 'બ્લિટ્ઝ'માં ઈલસ્ટ્રેટર અને કાર્ટૂનિસ્ટ તરીકે કામ કર્યું હતું. ૧૯૬૯માં બાસુ ચેટર્જીએ પોતાના દિગ્દર્શન હેઠળ પહેલી ફિલ્મ બનાવી 'સારા આકાશ' જેને ફિલ્મફેર એવૉર્ડ મળ્યો - બેસ્ટ સ્ક્રીનપ્લે માટે. પૅરેલલ સિનેમાના પ્રણેતાઓમાંના એક એવા બાસુ ચેટર્જીની ફિલ્મો કમર્શ્યલ સક્સેસ પણ ખૂબ મેળવતી. 'સારા આકાશ' પછી રાજશ્રી માટે 'પિયા કા ઘર' (૧૯૭૨) બનાવી. જયા ભાદુરી, અનિલ ધવન અને પેન્ટલ. લક્ષ્મીકાન્ત-પ્યારેલાલના સંગીતનું એ ફેમસ ગીત: યે જીવન હૈ, ઈસ જીવન કા, યહી હૈ યહી હૈ યહી હૈ રંગરૂપ, થોડે ગમ હૈ, થોડી ખુશ્યિા...

એ પછી ૧૯૭૪માં એમની બે ફિલ્મ આવી: 'ઉસ પાર' જે વધુ પડતી આર્ટીશાર્ટી હતી અને બીજી 'રજનીગંધા' જેણે હિન્દી સિનેમાના મિડલ ક્લાસ પ્રેક્ષકોને પોતે જેની સાથે આઈડેન્ટિફાય કરી શકે એવો હીરો આપ્યો - અમોલ પાલેકર.

'ચિતચોર' (૧૯૭૬), 'છોટી સી બાત' (૧૯૭૬), 'ખટ્ટામીઠા' (૧૯૭૭), 'સ્વામી' (૧૯૭૭), 'બાતોં બાતોં મેં' (૧૯૭૯), 'મનપસંદ' (૧૯૮૦), 'શૌકીન' (૧૯૮૨) અને 'એક રુકા હુઆ ફૈસલા' (૧૯૮૬) સુધીની અનેક હિટ ફિલ્મો એમણે આપી. ભરપૂર મનોરંજન હોય, સમગ્ર ફેમિલી સાથે બેસીને જોઈ શકાય એવી હોય. અલમોસ્ટ ત્રણ ડઝન ફિલ્મો ડિરેક્ટ કરી. ટીવી માટે બે યાદગાર સિરિયલો ડાયરેક્ટ કરી 'બ્યોમકેશ બક્ષી' અને 'રજની'. દેવ આનંદ ('મનપસંદ'), રાજેશ ખન્ના ('ચક્રવ્યૂહ'), અમિતાભ બચ્ચન ('મંઝિલ') અને અનિલ કપૂર ('ચમેલી કી શાદી')ને હીરો તરીકે લઈને પણ ફિલ્મ બનાવી.

સેવન્ટીઝમાં એમનો જમાનો

હતો. એઈટીઝમાં એમણે કામ ચાલુ રાખ્યું પણ ફિલ્મોની ક્વૉલિટી એ નહીં રહી જે અગાઉના દાયકામાં હતી. નાઈન્ટીઝમાં એમણે આખા દાયકામાં ત્રણ-ચાર ફિલ્મો બનાવી જે કોઈને યાદ નથી. એ ઈર્રિલેવન્ટ બની ગયા. કામ ઓછું થઈ ગયું. કામ મળતું બંધ થઈ ગયું કે પછી કામ કરવા માટેનો જમાનો બદલાઈ ગયો. બાય ધ વે, ઉંમરને કામ સાથે કોઈ લેવાદેવા નથી. યશ ચોપરા ૮૦ વર્ષે ગુજરી ગયા ત્યારે એમની છેલ્લી ફિલ્મ 'જબ તક હૈ જાન' રિલીઝ થવાની તૈયારીમાં હતી. તબિયતને કે રોગને પણ કામ સાથે કોઈ લેવાદેવા નથી. સ્ટીફન હૉકિંગ અને સ્ટીવ જૉબ્સથી માંડીને ઘરઆંગણે શૈલજા દવે, બિમલ રૉય અને ઋષિકેશ મુખર્જી સુધીના અનેક પ્રતિભાવંત લોકોએ પથારીવશ રહેવું પડે એવી હાલતમાં અલમોસ્ટ છેલ્લા શ્ર્વાસ સુધી કામ ચાલુ રાખ્યું છે.

બાસુ ચેટર્જીની ફિલ્મો 'ઝંજીર', 'દીવાર' અને 'અમર અકબર ઍન્થની'ના જમાનામાં પણ કમર્શ્યલી હિટ જતી, પણ નાઈન્ટીઝમાં એ જમાનો રહ્યો નહીં. ૧૯૯૮ની સાલમાં 'સત્યા' રિલીઝ થઈ અને મનોજ બાજપાઈનો ચહેરો રાતોરાત જાણીતો બની ગયો. બાસુ ચેટર્જી એક દિવસ 'સત્યા'ના ડિરેક્ટર રામ ગોપાલ વર્માની ઑફિસે આવી ચડ્યા. રિસેપ્શનિસ્ટે રામુજીને નામ કહ્યું. રામુજીને નવાઈ લાગી. ફિલ્મના નરેશનની સિમ્પ્લિસિટી જેમની ફિલ્મો જોઈને પોતે શીખ્યા હતા, ('ચિતચોર' ૭ વાર જોઈ હતી) અને 'રંગીલા' બનાવતી વખતે જેમની નરેશનની સ્ટાઈલ મગજમાં રમતી હતી તે બાસુ ચેટર્જી સદેહે પોતાની ઑફિસમાં. બાસુ ચેટર્જીને લઈને રામુજી પોતાની કેબિનમાં આવ્યા અને કૉફી મગાવીને વાતો શરૂ કરી કે હૈદરાબાદના રામકૃષ્ણ થિયેટરમાં હું લાઈનમાં ઊભો રહીને ટિકિટ ખરીદીને તમારી ફિલ્મો જોતો હતો. બાસુદાએ કહ્યું કે મને ખબર છે, તમારા ઈન્ટરવ્યૂઝમાં તમે ઘણી વખત આ વાત કહી છે. એટલે જ તો તમને મળવા આવ્યો છું.

બાસુદાએ કહ્યું કે મારી પાસે સ્ક્રિપ્ટ રેડી છે, પ્રોડ્યુસર પણ છે, પણ કોઈ સારો ઍક્ટર મળતો નથી. મારે મનોજ બાજપાઈ જોઈએ છે. બહુ ટ્રાય કરું છું એને મળવાની પણ મેળ પડતો નથી. તમે મને મનોજ સાથે ઓળખાણ કરાવી આપો. રામુજીએ કહ્યું, શ્યૉર.

રામુજીએ બીજા રૂમમાં જઈને મનોજ બાજપાઈને ફોન જોડ્યો. ફોન સ્વિચ્ડ ઑફ હતો. રામુજીએ મનોજના સેક્રેટરી સાથે વાત કરી. મનોજ બહારગામ છે એવી ખબર પડી. રામુજીએ કહ્યું કે બાસુ ચેટર્જી મનોજને મળવા માટે બહુ ટ્રાય કરી રહ્યા છે. સેક્રેટરીએ કહ્યું, હા ખબર છે. એમનાથી પીછો કેવી રીતે છોડાવવો એની જ પેરવીમાં અમે છીએ.

રામુજીને શૉક લાગ્યો. રામુજીએ બાસુદાને કહ્યું, 'મનોજ બહારગામ છે. એ પાછો આવશે પછી એની સાથે વાત કરીશ.' થોડાં ગપ્પાં મારીને બાસુદાએ વિદાય લીધી.

થોડા દિવસ પછી બાસુદાએ રામુજીને ફોન કરીને કહ્યું કે મનોજ બહારગામથી આવી ગયો છે પણ લાગે છે કે એને મારી સાથે કામ કરવામાં રસ નથી. તો એને બદલે તું આફ્તાબ શિવદાસાનીને કહી શકે કે મારી સાથે એક સ્ટોરી સેશન કરે.

રામુજીએ આફ્તાબને ફોન કર્યો: 'આફ્તાબ, બાસુ ચેટર્જી તને મળવા માગે છે.'

આફ્તાબ: 'શ્યૉર, સર. પણ એ કોણ છે?'

વિચાર કરો, આફ્તાબ શિવદાસાની જેના માટે આપણે કહેવું પડે કે 'આફ્તાબ, હુ?' એ માણસ પૂછે છે કે બાસુ ચેટર્જી કોણ છે!

ખેર. રામુજીએ એ ડફોળને સમજાવ્યું કે બાસુ ચેટર્જી શું ચીજ છે.

બે દિવસ પછી બાસુદાનો રામુજી પર ફોન આવ્યો. બાસુદાએ રામુજીનો આભાર માન્યો. રામુજીએ પૂછયું, 'આફ્તાબ તમને મળવા આવ્યો હતો?' બાસુદા બોલ્યા, 'ના, એને ટાઈમ નહોતો એટલે એણે એના સેક્રેટરીને સ્ટોરી સાંભળવા મોકલ્યો હતો.'

આફ્તાબ વળી એવો કયો બિઝી કે મોટો માણસ કે એણે સેક્રેટરી રાખવો પડે એટલું જ નહીં, વળી પોતાને બદલે સેક્રેટરીને સ્ટોરી સાંભળવા મોકલવો પડે એવો સવાલ આપણને અહીં થાય પણ નહીં કરવાનો. આગળ.

રામુજી ફરી શૉક્ડ. ખબર ના પડી કે બાસુદાને શું કહેવું. લાંબા પૉઝ પછી રામુજીએ પૂછયું, 'તો સેક્રેટરીએ તમારી સ્ટોરી સાંભળી?' બાસુદા કહે, 'ના, દસ મિનિટ સાંભળ્યા પછી મને કહે કે મારે ક્યાંક જવાનું મોડું થાય છે. એટલે હું પૂરું ન કરી શક્યો. ઍનીવે, તમે મારા માટે જે તકલીફ ઉઠાવી એ બદલ થૅન્ક્સ, રામુ.' બાસુદાએ ફોન મૂકી દીધો.

તમે એક જમાનામાં ગમે એટલા રિસ્પેક્ટેબલ હો, તમારે આજે પણ જો રિલેવન્ટ રહેવું હોય તો કામ ચાલુ રાખવું પડે, સતત કામ કરવું પડે અને મોર ઈમ્પોર્ટન્ટ- આઉટડેટેડ થયા વિના કામ કરતાં રહેવું પડે. આ જગત તો મનોજ બાજપાઈઓથી માંડીને આફ્તાબ શિવદાસાનીઓથી ખીચોખીચ છે, પણ તમે જો યશ ચોપરાની જેમ રિલેવન્ટ રહીને કામ કરતા હશો તો ૮૦મા વર્ષે પણ શાહરુખો જ નહીં, અનુષ્કાઓ અને કટરિનાઓય તમને વહાલી થવા દોડીને આવશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment