Thursday 31 December 2015

[amdavadis4ever] પિતાનું ન ામ, કુળનું નામ, ગોત ્ર: જાબાલા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સ્થળ : ગૌતમ મુનિનો આશ્રમ
સમય : ત્રેતાયુગ
ઉંમર : યુવાન


કોઈ પણ માને પોતાનું જીવન સફળ લાગે એવી ક્ષણ મારા અસ્તિત્વ સાથે જોડાઈ છે, આજે. હું કલ્પી પણ ન શકું એટલું, અપાર સુખ મળ્યું છે મને. મારા જન્મ-મરણના સાત ભવ આ જ ક્ષણે પૂરા થયા હોય, જાણે! મારા રોમરોમ હર્ષાન્વિત છે. આ જ ક્ષણે મૃત્યુ આવી જાય તો પણ હવે જિજીવિષા બાકી નથી... હું જાબાલા, આ ક્ષણે સ્વયંને ધન્ય અનુભવું છું. મારા આખાય કુળમાં ક્યાંય આવો કોઈ પ્રસંગ નથી બન્યો... હું દાસ મહંતોની દીકરી છું. મારા પિતા દાસ હતા. એના પિતા પણ દાસ હતા અને એના પિતા પણ દાસત્વ સાથે જન્મ્યા અને દાસત્વ સાથે જ મૃત્યુ પામ્યા... અમે સહુ અમારા અન્નદાતાની સેવા અર્થે જન્મ લઈએ અને એમની સેવા કરતાં કરતાં જ અમને મૃત્યુ સાંપડે... આમાં કશું જુદું કે નવું નહોતું. અમે નાનકડી કુટિરમાં રહેતાં, અમારા સ્વામી અમને જે ભોજન આપે તે જ અમારે આરોગવાનું, એ જે કામ સોંપે તે કરતા રહેવાનું. સહુ એમ જ જીવતા, માટે મને કદી પ્રશ્ર્ન થયો જ નહીં. 

હું પણ જેમ જેમ મોટી થવા લાગી તેમ તેમ મારાં માતાપિતાએ મને આજ્ઞાંકિત રહેવાની, પાકશાસ્ત્રની અને મારા અન્નદાતાને સુખ આપવાની કળાઓ શીખવવા માંડી. મારી આસપાસની બીજી યુવતીઓ પણ એ જ શીખતી હતી. યુવાન વયે મારા સ્વામીને શરીર સોંપવાનું પણ અમારી સેવાનો જ એક ભાગ હતો. સ્વામી જ્યારે બોલાવે ત્યારે સ્વચ્છ જળથી સ્નાન કરી, કેશ ધોઈ, સ્વચ્છ વસ્ત્રો પહેરી એમની પાસે જવું અને એમને સુખ આપવું એમાં અમને કશું અજુગતું પણ લાગતું નહીં. હું એમની પત્ની નહોતી, અમારી ગૃહસ્વામિની એમની પત્ની હતી. મારા જેવી બીજી યુવતીઓ પણ હતી એ ઘરમાં. અમારા સ્વામી જ નહીં, સ્વામીના મિત્રો, ભ્રાતા અને એમના પરિવારના સભ્યો પણ જ્યારે અમારા સ્વામીના ગૃહે પધારતા ત્યારે અમને સહુને એમની સેવામાં ઉપલબ્ધ કરી દેવાતા.

બીજી યુવતીઓને આમાં કંઈ સમસ્યા નહોતી, પરંતુ મારો આત્મા મને બહુ ધીમા અવાજે ટકોર કરતો રહેતો. અમારા સ્વામીની પુત્રીઓ શિક્ષણ લેતી, સંભ્રાંત પરિવારની યુવતીઓને સંગીત, નૃત્ય, ચિત્રકલાનું શિક્ષણ આપવામાં આવતું. અમે અશિક્ષિત અને નિરક્ષર રહેતા. કદાચિત એવો ભય પણ હોય કે અમારા જેવી યુવતીઓ જો શિક્ષિત થઈ જાય તો દાસત્વની પ્રથા સામે વિરોધ કરે. આ યુગોથી ચાલતી પ્રથા જો બદલાય કે એમાં કોઈ ફેરફાર થાય તો અમારા સ્વામી જેવા કેટલાય સંપત્તિવાન, ધનવાનોનું આખુંય તંત્ર હચમચી જાય. અમારા જેવી સ્ત્રીઓનાં લગ્ન થાય એવી કોઈ સંભાવના નહોતી, એટલે અમારાં માતાપિતા પ્રયાસ પણ કરતાં નહીં. અમારા સ્વામી લગ્નની સંમતિ આપતા જ નહીં. કદાચિત કોઈ યુવતી પ્રણય કરી બેસે તો ઉચ્ચ કુળના કે સન્માનનીય પરિવારમાં એનો સ્વીકાર અસંભવ હતો. અમારા સ્વામી ક્યારેક અમારી સેવાથી પ્રસન્ન થાય તો મારા જેવી કોઈ યુવતીનાં લગ્ન એના જ પરિવારના કોઈ દાસ સાથે કરી આપતાં. પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થતો નહીં... પરિણીત યુવતીએ પણ પોતાના સ્વામીની સેવા અર્થે ઉપસ્થિત થવું જ પડતું.

હું આ પ્રથા સાથે સહમત નહોતી થઈ શક્તી. મારું શરીર કોઈના ઉપભોગની વસ્તુ નથી એવો વિચાર મને વારંવાર આવતો. મારું શરીર મારા મન સાથે જોડાયેલું છે અને હું જેને શરીર સોંપું તે વ્યક્તિ મને સન્માનથી, સ્નેહથી સ્પર્શે એવી ઝંખના પણ થતી મને. જોકે એવો કોઈ પુરુષ મને મળ્યો નહીં.

એક દિવસ મને જાણ થઈ કે મેં માતૃત્વ ધારણ કર્યું છે. સ્વાભાવિક છે કે મારા જેવી યુવતીના ગર્ભમાં કોનું બાળક છે એની જાણ એને ન જ થઈ શકે... કંઈ કેટલાય પુરુષો જે સ્ત્રીનો ઉપભોગ કરતા હોય એ સ્ત્રી જ્યારે માતૃત્વ ધારણ કરે ત્યારે એનું ઉત્તરદાયિત્વ લેવા કોણ તૈયાર થાય ? મારા સ્વામી માટે તો એક બીજા દાસનો જન્મ થવાનો હતો, એથી વધુ કશુંયે નહીં, પરંતુ મારો પુત્ર સત્યકામ જન્મ્યો ત્યારે મેં દૃઢ નિર્ધાર કર્યો કે હું મારા પુત્રને દાસ નહીં બનવા દઉં. મારા તરફથી જે કંઈ થઈ શકે તે સર્વ કરવાનો મેં પ્રયાસ કર્યો. મારા પુત્રને ગર્ભથી જ સંસ્કાર આપ્યા. મારા સ્વામીને ત્યાં જ્યારે વેદનું ગાન થતું ત્યારે હું સંતાઈને બેસતી, ગુપ્ત રહીને આ વેદના ગાન મારા ગર્ભસ્થ શિશુના કાને પડે એવો સતત પ્રયાસ કરતી. અમને શૂદ્રોને મંદિરમાં પ્રવેશ નહોતો, પરંતુ મંદિરની બહાર ઊભા રહેતા અમને કોણ રોકે ? આરતી અને મંત્રો, પૂજાના એ શ્ર્લોકો, યજ્ઞવેદીના પવિત્ર અગ્નિનાં દર્શન મારા ગર્ભસ્થ શિશુને થતાં રહે એવું હું ઇચ્છતી અને એવો જ પ્રયાસ કરતી. 

મારો પુત્ર જન્મ્યો ત્યારે એનું નામ પાડવા માટે મારા સ્વામી આવ્યા, એમણે મારા પુત્રના ગળામાં ફૂલની માળા પહેરાવી અને એ મારા પુત્રના નામનો ઉચ્ચાર કરે એની પહેલાં જ મેં કહ્યું, "સત્યકામ. સહુ આશ્ર્ચર્યમાં પડી ગયા. મારી માએ એની આંખો પહોળી કરીને મસ્તક ધુણાવ્યું, "સત્યકામ નામ છે એનું. મેં ફરી કહ્યું. સહુ ભયભીત થઈ ગયા હતા. એક દાસની દીકરી આવી વાત કરે ? આટલી નીડર બનીને ? પરંતુ મારા સ્વામી હસી પડ્યા... એમણે કહ્યું, "ભલે ! એનું નામ સત્યકામ રાખો.

અમારા પરિવારોમાં બાળક ચાર-પાંચ વર્ષનો થાય ત્યારથી જ એણે દાસત્વ ગ્રહણ કરવું પડે. નાનાં-મોટાં કામ એણે કરવાં પડે, પરંતુ હું સત્યકામને યુક્તિથી એવાં જ કામ સોંપતી, જ્યાં બાળકોનું શિક્ષણ થતું હોય. મારો સત્યકામ ચતુર છે. ધીરે ધીરે એ સંસ્કૃત શીખવા લાગ્યો. સ્પષ્ટ ઉચ્ચારો અને સ્વચ્છ ભાષા સાથે એ બીજાં બાળકોથી જુદો પડવા લાગ્યો. મારા સ્વામીએ મને એક-બે વાર ટકોર પણ કરી, "શું શીખવી રહી છે તું એને ? અંતે તો એણે લાકડાં જ ફાડવાના છે, પાત્રો જ સ્વચ્છ કરવાનાં છે... વિદ્યા એનો અધિકાર નથી. પરંતુ હું આવી કોઈ વાત સાંભળવા માગતી જ નહોતી. મારો પુત્ર દાસ નહીં બને એ મારો દૃઢ નિર્ધાર હતો.

એક દિવસ જ્યારે સર્વ બાળકોના ઉપનયન સંસ્કારનો પ્રસંગ હતો ત્યારે અમારે ત્યાં પધારેલા ગૌતમ ૠષિને મેં જોયા. અત્યંત પવિત્ર મુખાકૃતિ, લાંબા શ્ર્વેત કેશ, ભાવવિભોર નયન અને જ્ઞાનની આભાથી ઝળહળતું ભાલ... મેં નિશ્ર્ચય કરી લીધો કે મારો સત્યકામ હવે ગૌતમ ૠષિના આશ્રમમાં જ વિદ્યા ગ્રહણ કરશે. અમારા સ્વામીને ત્યાં ઉપનયન સંસ્કારની વિધિ પૂર્ણ થઈ એના બીજા જ દિવસે હું સત્યકામને લઈને ગૌતમ ૠષિના આશ્રમે પહોંચી.

"જા, ૠષિનાં ચરણ પકડીને એમને પોતાનો વિદ્યાર્થી બનાવવાની વિનંતી કર. મેં સત્યકામની પીઠ પર હળવો ધક્કો માર્યો.

સત્યકામ મહર્ષિ ગૌતમ પાસે પહોંચ્યો. એમનાં ચરણમાં બેઠો અને નિર્ભિક સ્વરમાં બોલ્યો, "મને આપનો શિષ્ય બનાવો.

"તું કોણ છે ? ક્યાંથી આવ્યો ? તારા પિતાનું નામ શું છે ? તારું ગોત્ર કયું ? મહર્ષિ ગૌતમે સ્નેહાળ સ્વરે પૂછ્યું. હું વૃક્ષની પાછળ સંતાઈને ઊભી હતી, ભયભીત નહોતી, પરંતુ ચિંતિત જરૂર હતી.

"હું સત્યકામ છું. મારી માનું નામ જાબાલા છે. મારા પિતાનું નામ હું જાણતો નથી અને મારે કોઈ ગોત્ર નથી. સત્યકામનો સ્વર સ્થિર હતો. આંખોમાં મહર્ષિ પરત્વેનું સન્માન હતું, પરંતુ કોઈ ઝાંખપ કે નીચા હોવાનો ભાવ નહોતો. 

મહર્ષિ ક્ષણભર એની સામે જોઈ રહ્યા. પછી

એમણે સત્યકામના માથે પોતાનો હાથ મૂક્યો, "તારું ગોત્ર જે હોય તે, પરંતુ તું સાચો બ્રાહ્મણ છે. જે નિર્ભિક થઈને સત્ય બોલી શકે, જે વિદ્યા પામવા માટે ઉત્સુક હોય અને જેને પોતાના ગુરુ પરત્વે સન્માન હોય એ કોઈ પણ કુળમાં જન્મ્યા હોય, એના આત્માનું કુળ બ્રાહ્મણ છે. હું તને ભણાવીશ બેટા. મહર્ષિ ગૌતમે કહ્યું અને વૃક્ષની આ તરફ સંતાઈને ઊભેલી હું જાણે ગંગામાં સ્નાન કરી રહી હોઉં એમ રોમરોમે પવિત્ર થઈ ગઈ.

મહર્ષિ ગૌતમે સસ્નેહ કહ્યું, "તું અહીં એકલો આવ્યો છે ? સત્યકામ દોડીને વૃક્ષની પાછળ આવ્યો. મારો હાથ પકડીને મને એણે મહર્ષિ ગૌતમની સમક્ષ ઊભી કરી દીધી. અત્યંત સંકોચ સાથે હું મહર્ષિનાં ચરણમાં કપાયેલું વૃક્ષ ઢળે એમ ઢળી પડી. મહર્ષિએ મારા માથે હાથ મૂક્યો. મને લાગ્યું કે સ્વયં ભગવાન શિવ પોતાની હથેળીથી મારા સાત જન્મનાં પાપ હરી રહ્યા છે... "પુત્રી ! એક સારી માતા સો શિક્ષક બરાબર છે. તેં તારા પુત્રને સત્ય બોલવાની, નિર્ભય હોવાની, વિશુદ્ધ અને સ્પષ્ટ હોવાની શિક્ષા આપી છે. વિદ્યા પ્રત્યે અનુરાગ કેળવ્યો છે. તું એક ઉત્તમ માતા છે. સ્ત્રીનું ઔદાર્ય છે કે એ પોતાના શરીરમાંથી જન્મ પામેલા પોતાના શિશુને પતિનું નામ આપીને એના કુળને આગળ વધારવાનું કામ કરે છે. એક માતા એના સંતાનના અસ્તિત્વનું સત્ય છે. તું એક ઉત્તમ માતા છે અને તારો પુત્ર તારા નામે ઓળખાશે. એને પિતાના નામની આવશ્યક્તા નથી. મહર્ષિએ ફરી સત્યકામ તરફ પ્રેમપૂર્ણ દૃષ્ટિ કરી, "તારું નામ સત્યકામ જાબાલા છે. આજ પછી તને કોઈ પણ પૂછે તો કહેજે તારા પિતાનું નામ, તારા કુળનું નામ, તારા ગોત્રનું નામ જાબાલા છે. 

મારો પુત્ર આજથી ગૌતમ ૠષિ પાસે શિક્ષા પામશે. એ દાસ નહીં રહે, વિદ્વાન બનશે, શિક્ષક બનશે અને એના જેવા કેટલાય દાસબાળકોની મુક્તિનો સંદેશ લઈને એમને પણ શિક્ષિત કરશે. હું સ્વયંના ૠણમાંથી આજે મુક્ત થઈ છું. મેં મારા પુત્રને દાસત્વમાંથી મુક્તિ અપાવી છે... કહે છે ને, "સા વિદ્યા યા વિમુક્તયે મુક્તિ અપાવે તે જ સાચી વિદ્યા. 

------------------------

ફૂટનોટ

અમારી કથા ગૌતમ ૠષિએ પોતાના શિષ્યોને સંભળાવી. શિષ્યોએ પોતાની કથામાં આગળ કહી. શ્રુતિ અને સ્મૃતિમાં સંગ્રહાયેલી આ કથા છાંદોગ્ય ઉપનિષદમાં સમાવી લેવામાં આવી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment