Wednesday 30 December 2015

[amdavadis4ever] કોચિંગ ક્લાસ: વિદ્યાર્થીઓની આકાંક્ષાને મોત માં ધકેલતો ધંધો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વિદ્યાર્થીઓનાં જીવનમાં ધોરણ ૧૦ની પરીક્ષાનું પરિણામ બાળકની હોંશિયારી માપવા માટેનું હથિયાર ગણાતું આવ્યું છે. ભારતીય શિક્ષણ પ્રથાએ સમાજના વિવિધ સ્તરના કુટુંબોમાં એવો ભય ફેલાવી દીધો છે કે ધોરણ ૧૦માં સારા માર્ક્સ ન મેળવી શકનાર બાળક જીવનમાં ઉચ્ચ અભ્યાસ માટે સક્ષમ નથી. બાળક ધો. ૧૦માં આવે એટલે તેની આઝાદી છીનવી લેવામાં આવે છે. ઘરના સભ્યો પોતાના તેમ જ સંતાનનાં મોજશોખ, લગ્ન સમારંભ, સામાજિક મેળાવડા, પર્યટન કે પ્રવાસ ઉપર પ્રતિબંધ મૂકી દેતા હોય છે. સંતાનને ધોરણ ૧૦ અને ધોરણ ૧૨માં ફક્ત બેજ કામ કરવાની મંજૂરી આપવામાં આવે છે. જેમાં શાળા-કૉલેજ કોચિંગ ક્લાસમાં હાજરી આપવાની અને વિવિધ પરીક્ષાની તૈયારી કરવાની. દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેમનું બાળક ડૉક્ટર કે એન્જિનિયર જ બને! આ માટે તેઓ મોંઘી દાટ ફી ચૂકવીને બાળકોને કોચિંગ ક્લાસમાં મોકલે છે. કોચિંગ ક્લાસ એટલે શિક્ષણના મેદાનમાં ચોગ્ગા અને છક્કા મારવાની ટેકનિક શીખવાડતું હથિયાર ગણાય છે. 

દેશમાં કોચિંગ ક્લાસનું હબ ગણાતું કોટા શહેર આજકાલ વિદ્યાર્થીઓમાં વધી ગયેલી આત્મહત્યાને કારણે ચર્ચામાં છે. આ વર્ષે કુલ ૨૬ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી ચૂક્યા છે. ગયા વર્ષે ૧૧ વિદ્યાર્થીઓએ આપઘાત ર્ક્યો હતો. ૨૦૧૩માં ૧૩ વિદ્યાર્થીઓએ મોતને વહાલું ર્ક્યું હતું. જીવનમાં સફળતાનાં શિખરો સર કરવાની તાલીમ લેવા અનેક અરમાન સાથે આવેલા વિદ્યાર્થીઓના જીવનમાં કોચિંગ ક્લાસ મૃત્યુનો ઘંટ વગાડી દે છે. આત્મહત્યાની વધતી ઘટનાઓએ કોચિંગ ક્લાસની એક ભયાવહ છબી સમાજ સામે ઊભી કરી છે. માસૂમ બાળકોમાં જાણે કે 'મોતને વહાલું કરવાની સ્પર્ધા' વેગ પકડી રહી છે. હાલમાં તો એવું કહેવાઈ રહ્યું છે કે દર તેરમાં દિવસે એક વિદ્યાર્થી મોતને ભેટી રહ્યો છે! 

કારણ એકદમ સાફ છે - પરીક્ષાઓમાં સફળ થવાનું ભારે દબાણ, વિવિધ ક્ષેત્રે આગળ વધી શકાય તેવા વિકલ્પનો અભાવ, શાળામાં શિક્ષકોનો ઉપેક્ષા ભરેલ વ્યવહાર જવાબદાર ગણાય છે. માતા-પિતા, સંબધી અને સમાજની માસૂમ બાળકો પાસેથી વધુ પડતી અપેક્ષાઓ અને દેખાદેખીનો માહોલ ઊભો કરાય છે. બાળકોને ફક્ત પરીક્ષાલક્ષી જ્ઞાન અને સૂચનાઓ આપવામાં આવતી હોય છે. તેમને જીવનના સાચા રસ્તાથી અજાણ રાખવામાં આવે છે. 

દરેકના અલગ અલગ મંતવ્યો : આઈઆઈટી, જેઈઈ તથા મેડિકલની પ્રવેશ પરીક્ષાઓની તૈયારી ધોરણ ૧૨ના અભ્યાસની સાથે જ કરવામાં આવે છે. આઈઆઈએમની પ્રવેશ પરીક્ષા એટલે કે કેટની તૈયારી ગ્રેજ્યુએશન કે તેના સમકક્ષ અંતિમ વર્ષની સાથે કરવામાં આવતી હોય છે. જેથી વિદ્યાર્થીઓેનું એક વર્ષ બચાવી શકાય. વિદ્યાર્થીઓ બધું જ સાથે કરવા જતાં ગૂંચવાઈ જઈને ભારે મૂંઝવણ અનુભવે છે. નવા નિયમો પ્રમાણે આઈઆઈટીમાં બેની જગ્યાએ ત્રણ મોકા મળશે. 

આવા નિયમો જ વિદ્યાર્થીઓને માટે જાન લેવા સાબિત થાય છે. પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ૧૭-૧૮ વર્ષની કાચી ઉંમરના હોય છે. કોચિંગ ક્લાસ વિદ્યાર્થીઓ પાસેથી ઓછામાં ઓછી બે લાખની ફી વસૂલ કરે છે. બાળકો પણ માતા-પિતાની આર્થિક હાલત અને વધતા ખર્ચના વિચારને કારણે એક પ્રકારની તાણ અનુભવતા હોય છે. કોચિંગ ક્લાસમાં જતા મોટાભાગના વિદ્યાર્થીઓનું કહેવું છે કે કોચિંગ ક્લાસમાં શિખવતા અધ્યાપકો દ્વારા પણ ભેદભાવ રાખવામાં આવે છે. તેજસ્વી વિદ્યાર્થીઓને ક્લાસમાં આગળ બેસાડવામાં આવે છે. ક્યારેક તેમને માટે અલગ કલાસ લેવામાં આવે છે. અભ્યાસમાં સામાન્ય વિદ્યાર્થીઓની અધ્યાપક દ્વારા ચાલુ કલાસમાં હાંસી ઉડાવવામાં આવે છે, તેમને ધિક્કારવામાં આવે છે. 

અધ્યાપકો તો છડેચોક કહેતા હોય છે કે જ્યારે માતા-પિતા જાણતા હોય છે કે તેમનું સંતાન શાળામાં પણ સારો દેખાવ કરી શકવા સક્ષમ ન હતું તો સ્પર્ધાત્મક પરીક્ષાની કસોટી માટે તેમણે સંતાનને મોકલવા જ ન જોઈએ. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાને બદલે તેમને નાસીપાસ કરવામાં આવે છે. 

કોટા શહેર પહેલાં દક્ષિણ ભારત સ્પર્ધાત્મક પરીક્ષાનો ગઢ ગણાતો હતો. કેરળ એક એવું રાજ્ય છે કે જ્યાં સાક્ષરતાની ટકાવારી ૧૦૦ ટકા જોવા મળે છે. તેમ છતાં દક્ષિણ ભારત અને તેમાં પણ કેરાલા તો આત્મહત્યાનું હબ ગણાતું હતું. શાળા-કોલેજના અભ્યાસની સાથે કોચિંગ ક્લાસનું ચલણ દક્ષિણ ભારતમાંથી પૂરા દેશમાં ફેલાયેલું છે. સંસ્થાઓને ફાયદો એ જ છે કે તેમને પરીક્ષાનાં સારાં પરિણામ લાવવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મળી રહે છે. તેથી જ કોચિંગ ક્લાસમાં તગડી રકમ અધ્યાપકો મેળવે છે. વર્ષના ૧૫થી ૨૦ લાખ રૂપિયા તો સામાન્ય અધ્યાપકો મેળવે છે. ખ્યાતનામ અધ્યાપકો બે કરોડ રૂપિયા જેટલું અધધધ વેતન મેળવે છે. જેમની ઉપર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને સફળ બનાવાવાની જવાબદારી પણ હોય છે. જેને માટે તેઓ વિવિધ તરકીબો અપનાવતા રહે છે.

શાળા-કોલેજની જેમ કોચિંગ ક્લાસમાં એવો કોઈ કાયદો અમલમાં હોતો નથી, જેનો ઉપયોગ વિદ્યાર્થીઓની તરફેણમાં હોય. કોચિંગ ક્લાસમાં તો ફક્ત એક જ મંત્ર હોય છે કે 'ભણો કે મરો'(પરફોર્મ ઔર પેરિશ). વિદ્યાર્થીઓને શિક્ષણ આપી પ્રગતિના પંથે લઈ જતા કોચિંગ ક્લાસ હવે ધીકતો ઉદ્યોગ ગણાવા લાગ્યો છે.

વિદ્યાર્થીઓ દ્વારા વધી ગયેલ આત્મહત્યાની ઘટનાઓને ધ્યાનમાં લઈને જિલ્લા પ્રસાશને ૧૨ સૂત્રી કાર્યક્રમ જાહેર ર્ક્યો છે. કોચિંગ ક્લાસ દ્વારા પણ વિદ્યાર્થીઓને મનોચિકિત્સક અને કરિયર કાઉંન્સેલર દ્વારા યોગ્ય જાણકારી બાદ જ દાખલ કરવામાં આવે તે જરૂરી છે. વિદ્યાર્થીઓને યોગાની સાથે ક્લાસમાંથી ગાયબ રહેતા વિદ્યાર્થીઓને સમજાવટ કરવી અને એક સાથે ફી ભરવાની માગણીને બદલે હપ્તામાં ભરી શકે તેવી સુવિધાઓ આપવામાં આવે તેવી વ્યવસ્થા પણ હોવી જોઈએ.

જવાબદારી લેવાની તૈયારીનો અભાવ

નાણાં છાપવાના કારખાના ફેરવાઈ ગયેલા કોચિંગ ક્લાસ વિદ્યાર્થીઓની મુશ્કેલીઓને ક્યારે સમજશે? કુદરતી બક્ષિસ મેળવેલ હોશિંયાર વિદ્યાર્થીઓની વાત બાજુ પર રાખીને, સામાન્ય વિદ્યાર્થીઓની સમસ્યાઓને સાંભળવાનો સમય કોચિંગ ક્લાસના માલિકો ક્યારે કાઢશે? તગડું વેતન મેળવતા અધ્યાપકો ક્યારે વિદ્યાર્થીઓની લાગણી સમજશે? કોચિંગ ક્લાસને જ સર્વસ્વ માનતા વિદ્યાર્થીઓની લાંબી કતારો લાગતી હોય તો વિદ્યાર્થીઓની મુશ્કેલીઓની સામે આંખ આડા કાન જ થાય તે સત્ય સમજવું સમાજ માટે પણ એટલું જ અગત્યનું બની રહે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment