Friday, 25 December 2015

[amdavadis4ever] અડાડી જો મને હોઠે તને બી જું ગળપણ નહી ં ભાવે, યાદ કરવા જઈશ પણ બીજું સગપણ ન હીં ભાવે Dr Sharad Thakar

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અડાડી જો મને હોઠે તને બીજું ગળપણ નહીં ભાવે, યાદ કરવા જઈશ પણ બીજું સગપણ નહીં ભાવે

યુવતીના પિતાએ દાયકાઓ બાદ આવનારી ફિલ્મનો સંવાદ પૂછી લીધો, 'શું એ જરૂરી છે?'
'હા, જરૂરી છે. આવા કેસમાં તો ખાસ! શું કર્યું છે તમારી દીકરીએ?'
'એણે માંકડ મારવાની ઝેરી દવા ગટગટાવી લીધી છે.' પિતા ઢીલા પડી ગયા. 
'કેટલા વાગ્યે?'
'ચોક્કસપણે ખબર નથી, પણ કદાચ છ વાગ્યે. સાંજે એ કોલેજથી ઘરે આવી અને એના બેડરૂમમાં જઈને સૂઈ ગઈ. અમે માન્યું કે થાકી ગઈ હશે. રાત્રે આઠ વાગ્યે એને જમવા માટે ઉઠાડી. એ ન જાગી. પથારીમાં વાસ મારતી ઊલટીનું પ્રવાહી અને એ બેભાન... ત્યારે છેક અમને જાણ થઈ કે...'
'હં... મ...! મતલબ કે અઢી કલાક સુધી તમે એને પડી રહેવા દીધી. કંઈ જ ન કર્યું અને હવે કેસપેપર કઢાવતાં તમને તકલીફ પડી રહી છે. યુ સીમ ટુ બી એ ગવર્નમેન્ટ ઓફિસર. ઇટ્સ ગૂડ. તમે કાયદો જાણતા હશો. આ છોકરીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. એટલે પોલીસને પણ ઇન્ફોર્મ કરવું પડશે. એ જીવી જશે કે મરી જશે, પણ મેડિકોલિગલ કેસ તો થશે જ.'
કેસપેપર તૈયાર થઈને આવી ગયો. યુવતીનું નામ કામિની કોલ્હાટકર. કોલેજના છેલ્લા વર્ષમાં ભણે. પરીક્ષામાં ખૂબ સારો દેખાવ કર્યો હતો. પેપર્સ સારાં ગયાં હતાં, પણ રિઝલ્ટ જાહેર થયું ત્યારે કામિની નાપાસ જાહેર થઈ હતી. એને ભયંકર આઘાત પહોંચ્યો. એ ઘરે આવીને ટીક-20 દવાની શીશી ગટગટાવીને ઊંઘી ગઈ. 

મેડિકલ ઓફિસરે 'પોલીસ ઇન્ફોર્મ્ડ' લખીને પછી તાત્કાલિક કામિનીને ફીમેલ મેડિકલ વોર્ડમાં શિફ્ટ કરાવી દીધી. આખું યુનિટ દોડી આવ્યું. તે સમયે ગામડે ગામડે, નગરે-નગરે ડોક્ટર્સ હતા નહીં; આખા વડોદરા જિલ્લાના (અને ઉપરાંત પંચમહાલ, ખેડા અને છેક ભરુચની આસપાસના વિસ્તારોમાંથી પણ) દર્દીઓ સારવાર લેવા માટે એસ.એસ.જી. હોસ્પિટલમાં દોડી આવતા હતા. તમામ વોર્ડઝના તમામ ખાટલાઓ બારેય માસ ભરાયેલા રહેતા હતા. જમીન ઉપર પથારીઓ આપવી પડતી હતી. 
'કામિની અત્યંત ગંભીર હાલતમાં છે; માટે એને ખાટલો આપવાની વ્યવસ્થા કરો. એ પણ ડોક્ટરના રૂમની સાવ નજીકમાં જ.' યુનિટના વડા ફિઝિશિયને આદેશ આપ્યો. 
પછી 'ચેકઅપ' કરવામાં આવ્યું, કેસપેપરમાં નોંધ કરવામાં આવી; દર્દી બેભાન અવસ્થામાં છે. એની નાડી ડૂબી રહી છે. શ્વાસોશ્વાસ અનિયમિત ચાલી રહ્યા છે. આંખોની કીકીઓ ટાંકણીના માથા જેટલી સંકોચાઈ ગઈ હતી અને તે બેટરીનો પ્રકાશ ફેંકવા પછી પણ પહોળી થતી ન હતી. 

વડા ડોક્ટરે કામિનીના પિતાને જણાવી દીધું: 'તે ભાગ્યે જ બચશે. અમારી તો ફરજ છે માટે સારવાર કરીશું, પણ તમે આશા છોડી દેજો. હું તમારી દીકરીનો કેસ મારા હોશિયાર હાઉસમેન ડો. આકાશના હાથમાં સોંપું છું. એને જરૂર જણાશે તો જ મને બોલાવશે. મોટા ભાગે તો એવી જરૂર નહીં જ પડે. સવાર સુધીમાં....'
વાત સ્વયં સ્પષ્ટ હતી. કામિની સવારનો સૂરજ જોવાની ન હતી. યુનિટના તમામ ડોક્ટરો રાઉન્ડ પૂરો કરીને જતા રહ્યા. રહી ગયો માત્ર ત્રેવીસ વર્ષનો યુવાન નવશિખાઉ હાઉસમેન ડો. આકાશ.
ડો. આકાશે કામિનીની હોજરીમાં રાયલ્સ ટ્યૂબ નાખી દીધી. હોજરીમાં જેટલું ઝેરી પ્રવાહી બચ્યું હતું તે ખેંચીને બહાર કાઢી લીધું. તે જમાનામાં ટીક-20નો ઉપયોગ માંકડને મારવા કરતાં આપઘાત કરવા માટે વધુ થતો હતો. આવી મજાક પ્રચલિત હતી. જો એ દવા પેટમાં ગયા પછી સમયસર દર્દીને સારવાર આપવામાં ન આવે તો 95% દર્દીઓ મૃત્યુને શરણ થઈ જતા હતા. કામિનીના કેસમાં સારવાર આપવામાં અઢી-ત્રણ કલાકનો વિલંબ થઈ ગયો હોવાથી મોટા ભાગનું ઝેર આંતરડાંની દીવાલમાં શોષાઈને રક્ત દ્વારા શરીરના મહત્ત્વનાં અંગોમાં પ્રસરી ગયું હતું. એનાં મગજ, હૃદય, લિવર, ફેફસાં અને કિડનીઝ ઝેરની ઘાતક લપેટમાં આવી ગયાં હતાં. 
ડો. આકાશે આદેશ ઉપર આદેશ છોડવા માંડ્યા, 'સિસ્ટર, પેશન્ટને ઓક્સિજન ચાલુ કરો... ગ્લુકોઝના બાટલા ચડાવો... વેન્ટિલેટર ચાલુ છે કે નહીં એની તપાસ કરો... ઇન્જેક્શનો શરૂ કરો... યુરિન આઉટપુટ માપવા માટે પેશાબની નળી દાખલ કરી દો...' વગેરે... વગેરે...!

સૌથી મહત્ત્વનું ઇન્જેક્શન એટ્રોપિન સાબિત થવાનું હતું. એ ડો. આકાશે સ્વયં સંભાળી લીધું. દર પંદર-પંદર મિનિટે દર્દીને એક-એક ઇન્જેક્શન સીધું નસમાં આપવા માંડ્યું. દરેક વખતે કામિનીનું બ્લડપ્રેસર, પલ્સ અને આંખની કીકી તપાસવાનું પણ ચાલુ રાખ્યું. 
આમ ને આમ ચોવીસ કલાક પસાર થઈ ગયા. બીજા દિવસે પણ મોટા સાહેબ પાંચેક મિનિટનું ચક્કર મારીને ચાલ્યા ગયા. કામિની હજુયે બેભાન જ હતી. ચોવીસ કલાકમાં એટ્રોપિનનાં 96 ઇન્જેક્શનો અપાઈ ચૂક્યાં હતાં. બીજી દવાઓ તો જુદી જ. યુનિટના બીજા રેસિડેન્ટ ડોક્ટરે અન્ય ફરજોમાં વ્યસ્ત હોવાથી આ ગંભીર કેસની જવાબદારી એકલા ડો. આકાશના હાથમાં જ સોંપી દેવામાં આવી હતી. 
ડો. આકાશ દિવસ-રાત કામિનીની પથારીની બાજુમાં જ એક સ્ટૂલ મૂકીને બેસી રહ્યો. ભોજન માટે પણ ગયો નહીં. સ્નાન પણ વોર્ડના જ બાથરૂમમાં પતાવી લેતો હતો. ક્યારેક ફળો તો ક્યારેક ચા-ખારી ખાઈને ચલાવી લેતો હતો. યુનિટના વડા તેમજ અન્ય દર્દીઓ પણ આંખોમાં નવાઈ આંજીને જોઈ રહ્યા હતા કે આ પાગલ યુવાન હારેલી બાજીને જીતવા માટે કેવો અજાયબ જંગ ખેલી રહ્યો હતો. 

સૌથી મોટી વાત હતી કે પાંચ-પાંચ દિવસ વીત્યા પછી પણ કામિની હજુ મૃત્યુ પામી ન હતી. મોટા સાહેબે તો બાર જ કલાકની બૂરી આગાહી કરેલી હતી. 
છેક પાંચમા દિવસે કામિનીએ આંખો ખોલી. એને વેન્ટિલેટરમાંથી દૂર કરવામાં આવી. ધીમે ધીમે એટ્રોપિન ઇન્જેક્શનો, બાટલાઓ વગેરે પણ બંધ કરી દેવામાં આવ્યા. ઓક્સિજનની નળી કાઢી નાખવામાં આવી. છઠ્ઠા-સાતમા દિવસે તે પોચો ખોરાક લેતી થઈ ગઈ. તેના પિતાની ખુશીનો પાર રહ્યો નહીં. 
આખરે કામિનીને રજા આપવાનો દિવસ આવી પહોંચ્યો. યુનિટના વડાસાહેબે વોર્ડની વચ્ચે ઊભા રહીને બધા સ્ટાફ, ડોક્ટરો અને દર્દીઓની હાજરીમાં ડો. આકાશની પ્રશંસા કરી; કહ્યું: 'આઇ એમ પ્રાઉડ ઓફ યુ, આકાશ. તેં આ છોકરીને બીજી જિંદગી આપી છે. મેડિકલ સાયન્સ એની જગ્યા પર છે, પણ અંગત કાળજી, સતત સારવાર અને પળવાર માટે પણ હાર ન માનવાની તારી વૃત્તિ જ આ કેસમાં રંગ લાવી છે.'
એ દિવસે ડો. આકાશ પહેલી વાર પોતાના ક્વાર્ટર ઉપર આરામ કરવા ગયો, પણ નિરાંતની ઊંઘ ખેંચવાનો આરંભ કરે ત્યાં જ બારણા પર ટકોરા પડ્યા. કામિનીના પપ્પા આવ્યા હતા. હાથમાં મીઠાઈનું બોક્સ હતું અને એક કવર હતું. 

'આ શું, સર?' ડો. આકાશને સમજાયું નહીં.
'કામિની બચી ગઈ એની ખુશીમાં મીઠાઈ...'
'અને આ કવર?'
'એમાં મારા તરફથી ધન્યવાદ વ્યક્ત કરવા માટે મેં આપેલી ભેટ છે.'
ડો. આકાશે જોયું કવરમાં પાંચસો ને એક રૂપિયા હતા. એ જમાનામાં પાંચસો એક રૂપિયા જ્યારે ડો. આકાશનું માસિક સ્ટાઇપેન્ડ એકસો ને દસ રૂપિયા ફક્ત હતું. એમાંથી ભોજન અને દૂધ-નાસ્તાના જ પંચાણુ રૂપિયા ખર્ચાઈ જતા હતા. વતનમાં બુઢ્ઢી મા હતી. અેને પણ પચાસેક રૂપિયા દર મહિને મોકલવા પડતા હતા. ક્યારેક મેસનું બિલ ભરવાનું રહી જતું હતું. આ પાંચસો રૂપિયા ડો. આકાશની જિંદગી માટે રાહતનો મોટો ખજાનો લઈને આવ્યા હતા. 
પણ ગાંડાના કંઈ ગામ હોતાં હશે?!? ડો. આકાશ ઊભો થઈ ગયો, 'સર, આ મીઠાઈના બોક્સમાંથી એક ટુકડો હું લઈ લઉં છું. બાકીના તમે વોર્ડમાં વહેંચી દેજો અને આ કવર એ 'ધન્યવાદ' નથી, પણ લાંચ છે. એ પાછા લઈ જાવ.'
'લાંચ શેની? હું રાજીખુશીથી આપું છું પછી લાંચ કેમ...?'
'અણહક્કનું હોય તે બધું લાંચ જ કહેવાય. મને મારા કામના બદલામાં પગાર મળે છે. ભલે ઓછો તો ઓછો, પણ મળે છેને? મને એ જ કામનું વળતર અન્ય માર્ગેથી ન ખપે.'
કોલ્હાટકર સાહેબ હવે રહી ન શક્યા, 'આકાશ, મારી એક વાત માનીશ? કામિનીનો હાથ તું સ્વીકારીશ?' આકાશ ફિક્કું હસ્યો, 'મને એવું કરતાં આનંદ થયો હોત; પણ હું લાચાર છું, સર. મારી માએ મારા માટે છોકરી પસંદ કરી રાખી છે. એ કામિની જેટલી સુંદર નથી, પણ મારી અંતિમ ખુશી મારી માતાની ખુશીમાં રહેલી છે. 
આભાર...'
(મિ. કોલ્હાટકર ખૂબ શ્રીમંત હતા. નાસિકની આસપાસ એમની માલિકીનાં સેંકડો એકરમાં પથરાયેલાં ખેતરો હતાં. કામિની એકમાત્ર સંતાન હતી. કામિનીનું અખબારમાં છપાયેલું પરિણામ મોટો છબરડો હતું. યુનિવર્સિટીમાં પેપર રિ-ચેક કરાવ્યું તો એ ડિસ્ટિંક્શન  સાથે પાસ જાહેર થઈ હતી. પછીથી એનાં લગ્ન કોઈ લેભાગુ પુરુષની સાથે થયાં જેણે તમામ જાયદાદ પડાવી લીધી. દસેક વર્ષ બાદ કામિનીએ આત્મહત્યા કરીને જિંદગીનો અંત આણી દીધો.)

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment